કલ્પન અને કલ્પનશ્રેણી (image and imagery) : સંવેદન કે અનુભૂતિને શબ્દ દ્વારા મૂર્ત રૂપ આપવા પ્રયોજાતી ભાષા. આ બંને પદોના શબ્દાર્થ ઉપરાંત સંકેતાર્થો પણ ઘણા છે. કલ્પન એટલે કેવળ મનોગત ચિત્ર એવું તો નથી જ. સામાન્ય રીતે કલ્પનશ્રેણી એટલે પદાર્થો, કાર્યો, લાગણીઓ, વિચારો, મનોરથો, મન:સ્થિતિઓ તથા ઇન્દ્રિયગમ્ય કે ઇન્દ્રિયાતીત અનુભવો દર્શાવવા સર્જક દ્વારા પ્રયોજાતી ભાષા. કલ્પન શબ્દગત હોય કે ભાવગત; મૂર્ત હોય કે અમૂર્ત; એ બુદ્ધિગમ્ય હોય અથવા ર્દષ્ટિ, શ્રવણ, સ્પર્શ, વાસ, સ્વાદ જેવી ઇન્દ્રિયપરક પણ હોઈ શકે. કેટલાંક કલ્પનો આલંકારિક ભાષારૂપે પણ પ્રયોજાય છે અને એ રીતે એમાં રૂપક, ઉપમા, લક્ષણા, શબ્દાનુકરણ (onomatopoeia) તથા અજહલ્લક્ષણા (metonymy) જેવા અલંકારોનો ઉપયોગ કરાય છે.
મહેશ ચોકસી