કલ્પ

યજ્ઞનાં વિધિવિધાનનું નિરૂપણ કરતું પ્રમુખ વેદાંગ. મનુષ્યને અસ્મિતાનું ભાન થયું ત્યારથી તેની જીવનપ્રણાલી સંસ્કારયુક્ત થવા લાગી. પોતે આ સૃષ્ટિનું અંગ છે, સૃષ્ટિનું સંચાલન ઋતના અટલ નિયમને આધારે થાય છે, ઋતનું નિયામક કોઈ અદીઠ તત્વ સર્વત્ર વિદ્યમાન છે અને પોતાનું અસ્તિત્વ એ તત્વને અધીન છે, સર્વસ્વ સમર્પણ કરી તેની પૂજા થાય : આ ભાવની આધારશિલા પર વૈદિક યજ્ઞનું સ્વરૂપ રચાયું. યજ્ઞ અર્થે વૈદિક કવિઓએ મંત્રનાં દર્શન કર્યાં. મંત્રો ઉત્તમ ભક્તિસ્તોત્રો છે. ઋગ્ જ્યોતિષના રચયિતા લગધાચાર્યે કહ્યું : ‘‘वेदा हि यज्ञार्थमभिप्रवृत्ता: ।’’ યજ્ઞને અર્થે જ વેદમંત્રોનાં દર્શન  થયાં છે. તેથી યજ્ઞનું યથાર્થ સ્વરૂપ સમજવા માટે વૈદિક મંત્રોના અર્થ તથા જુદી જુદી યજ્ઞક્રિયાઓમાં તેમના વિનિયોગ વગેરેનું સમ્યક્ જ્ઞાન હોવું જરૂરી છે. બ્રાહ્મણ અને આરણ્યક ગ્રન્થોમાં મંત્રાર્થો અને વિધિપ્રયોગોનાં નિરૂપણો આ હેતુથી થયાં. કાલક્રમે અનેક શતાબ્દીઓ પછી મંત્રો અને બ્રાહ્મણોની ભાષા અપરિચિત અને તેથી દુર્બોધ થવા લાગી. કર્મકાંડના પ્રયોગોમાં પણ કુલાચાર અને દેશાચારની ભિન્નતાને કારણે ભેદ પડવા લાગ્યો. સરળ કર્મવિધિઓને સ્થાને સંકુલ અને નવા નવા વિધિ થવા લાગ્યા અને કર્મવિધિઓ વિશે વ્યવસ્થિત સંકલનોની જરૂર વર્તાવા લાગી. તેથી વેદોના વિવિધ વિષયોના નિષ્ણાત આચાર્યોએ વેદાર્થજ્ઞાન સારુ સહાયક શાસ્ત્રો રચ્યાં. તે વેદાંગો કહેવાયાં. વિભિન્ન વેદશાખાઓની પરિપાટી અનુસાર મંત્રોનાં સ્વરશુદ્ધ ઉચ્ચારણ સમજાવતા ‘શિક્ષા’ ગ્રન્થો રચાયા. મંત્રનિષ્પાદ્ય યજ્ઞકર્મના ક્રમિક જ્ઞાન માટે ‘કલ્પ’ ગ્રન્થો થયા. મંત્રપદોનો વ્યાકરણશુદ્ધ અર્થ સમજવા માટે વ્યાકરણના ‘પ્રાતિશાખ્ય’ ગ્રન્થો રચાયા. વિશિષ્ટ નિર્વચનોની સમજણ ‘નિરુક્ત’ ગ્રન્થોમાં થઈ. તિથિ, નક્ષત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, ચંદ્રસૂર્યની ગતિ વગેરેના જ્ઞાન માટે ‘જ્યોતિષ’ ગ્રંથો રચાયા અને મંત્રોના છંદ સમજવા માટે ‘છંદોગ્રંથો’ રચાયા. આ વેદાંગોએ વેદપ્રતિપાદ્ય યજ્ઞનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું. છયે વેદાંગોમાં યજ્ઞનાં વિધિવિધાનનું નિરૂપણ કરતું ‘કલ્પ’ પ્રમુખ વેદાંગ ગણાય છે. કલ્પ એટલે શ્રુતિવિહિત યજ્ઞો અને શ્રુતિસ્મૃતિવિહિત ગૃહ્ય તેમજ સામયાચારિક ધર્મકર્મોના ક્રમિક વિધિનું પદ્ધતિપુર:સરનું નિરૂપણ કરનારું વેદાંગશાસ્ત્ર. કલ્પ એટલે ક્રમિક ગોઠવણી, વિધિક્રમ. વેદોનાં ચરણો અને શાખાઓની આચાર-પરિપાટી અનુસાર તે તે વેદના આચાર્યોએ કલ્પગ્રંથો રચ્યા. કેટલીક શાખાઓમાં શ્રૌત, ગૃહ્ય અને સમયાચાર-ધર્મ એ ત્રણેય પ્રકારનાં કર્મોનું એકત્ર નિરૂપણ મળે છે. અન્ય કેટલીક શાખાઓના કેવલ શ્રૌત કે ગૃહ્ય કે સમયાચાર નિરૂપતા ગ્રંથો છે. કલ્પગ્રંથો વેદોત્તરકાલની સૂત્રશૈલીમાં રચાયેલા હોવાથી તે કલ્પસૂત્રો કહેવાય છે. તદનુસાર શ્રૌતસૂત્ર, ગૃહ્યસૂત્ર, ધર્મસૂત્ર, શુલ્બ(કે શુલ્વ)સૂત્ર એવાં નામો પ્રચારમાં આવ્યાં. અન્ય વેદાંગોની તુલનામાં કલ્પવેદાંગનું સાહિત્ય વિપુલ પ્રમાણમાં મળે છે. એકત્રનિરૂપિત કલ્પગ્રંથોમાં શ્રૌત, ગૃહ્ય, ધર્મ એ ત્રણેયનું નિરૂપણ છે. શ્રૌત, ગૃહ્ય અને ધર્મના કર્મકાંડને વ્યાવર્તક રીતે જુદા પાડી શકાય એવી ભેદરેખા કલ્પોના નિર્માણ પૂર્વે બહુ જ આછા સ્વરૂપની હતી એવું અનુમાન કરી શકાય. કેમકે કેટલાંક શ્રૌતકર્મો ગૃહ્યસૂત્રોમાં પણ નિરૂપાયાં છે અને કેટલાંક ગૃહ્યકર્મોનું નિરૂપણ ધર્મસૂત્રોમાં પણ મળે છે.

વેદાંગશાસ્ત્રો અતિપ્રાચીન કાળથી ચાલી આવતી, તે તે શાસ્ત્રો અંગેની મૌખિક પરંપરાઓ અને પ્રણાલીઓનાં વેદોત્તર કાલમાં થયેલાં સંકલનો છે. આ પ્રાચીન પરિપાટીઓનાં મૂળ પ્રાગ્વૈદિક કાળમાં હોવાનું અનુમાન થાય છે. યજ્ઞ અને તેના વિધિઓના સંકેતો છેક ભારત-યુરોપીય કાળમાં પણ મળે છે. કલ્પોમાં નિરૂપિત કર્મવિધિ ભારત-ઈરાની કાળમાં વધારે સુરેખ થયો. વેદાનુયાયી સપ્તસૈન્ધવો અને ઝન્દ-અવેસ્તાનુયાયી પારસિકો(સાંપ્રત કાળના ભારતનિવાસી પારસીઓ)નાં કર્મકાંડ-વિધાનોમાં ઘણી સમાનતા જોવા મળે છે. વૈદિક અગ્નિહોત્ર સોમયાગ વગેરે અને જરથોસ્તી ‘હઓમ’ અગ્નિપૂજા વગેરે વિધિઓમાં ઘણું સામ્ય છે. અથર્વન્ ઉક્થ, આહુતિ, બર્હિ, મંત્ર, યજ્ઞ, સોમ, સવન, સ્તોત્ર, હોતા આદિ વૈદિક શબ્દો થોડાક ઉચ્ચારભેદે સમાન અર્થમાં અવેસ્તામાં વપરાયા છે. ચૌલ, ઉપવીત જેવા વૈદિક સંસ્કારો જેવા જ સંસ્કારો પારસીઓમાં આજે પણ પ્રચલિત છે.

અગ્નિપૂજામાંથી યજ્ઞનું માળખું વિકસ્યું છે. પ્રાગ્વૈદિક કાળમાં સાથે રહેતા વેદાનુયાયી અને અવેસ્તાનુયાયી લોકો જ્યાં જ્યાં વસ્યા ત્યાં ત્યાં ભૌગોલિક અને વ્યાવહારિક પરિસ્થિતિ અનુસાર તેમણે ઘરમાં સતત અગ્નિ પ્રજ્વલિત રાખવો પડતો. આ આવશ્યકતામાંથી અગ્નિપૂજાનો જન્મ થયો. આરંભે સાયંપ્રાતર્હોમનો વિધિ શરૂ થયો અને ક્રમે ક્રમે દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, ગવામયન, આગ્રહાયણી, ચૈત્રી, શ્રવણા જેવા કાલપરક યજ્ઞવિધિઓ, ઉપાકર્મ ઉત્સર્જન જેવા સંસ્કૃતિપરક વિધિઓ, આગ્રયણ જેવી નવાન્નેષ્ટિઓ, રાજસૂય અશ્વમેધ જેવા રાજન્યો માટેના યજ્ઞો, ત્રૈવર્ણિકો માટેના પંચમહાયજ્ઞ જેવા દૈનિક વિધિઓ વગેરે વિવિધ કર્મવિધિઓનો વિકાસ થયો. આ વિધિવિકાસના મૂળમાં કુલ, વેદશાખા આદિની આચારપરિપાટી હતી.

કલ્પવર્ણિત કર્મોના પ્રાસંગિક નિર્દેશો અને થોડાંક વર્ણનો વૈદિક સંહિતાઓમાં મળે છે તે ઉપરથી તે બધા વિધિઓ કુલ અને શાખાની પ્રણાલી અનુસાર પ્રવર્તતા હતા એમ કહી શકાય. ઋક્સંહિતાના દસમા મંડળમાં વિવાહવિધિ નિરૂપતું સૂર્યાસૂક્ત છે. અન્ત્યેષ્ટિ નિરૂપતાં કેટલાંક યમસૂક્તો છે. અથર્વવેદમાં ઉપવીત અને બીજા કેટલાક સંસ્કારોના ઘણા મંત્રો છે. કૃષિ, રોગોપચાર, ઔષધપ્રયોગ, અભિચાર જેવા લૌકિક કર્મોના પ્રયોગોના નિર્દેશો છે. બ્રાહ્મણ અને આરણ્યક ગ્રંથોમાં શ્રૌત યજ્ઞોનું અને ક્વચિત્ ઉપવીત જેવાં ગૃહ્ય કર્મોનું નિરૂપણ છે. પણ સર્વ કર્મોનો સાંગોપાંગ ક્રમબદ્ધ વિધિ તો કલ્પગ્રંથોમાં જ નિરૂપાયો છે. કુમારિલ ભટ્ટ (સાતમી સદી) તો ત્યાં સુધી કહે છે કે वेदाद् ऋतेडपि कुर्वन्ति कल्पैः कर्माणि याज्ञिकाः । ‘‘મંત્ર બ્રાહ્મણાત્મક વેદગ્રંથોની સહાયતા વિના પણ કલ્પગ્રંથોના આધારે યાજ્ઞિકો શ્રૌત-સ્માર્તકર્મો કરે છે.’’ વેદોત્તર કાલમાં શ્રૌત ગૃહ્ય આદિ કર્મોનો વિષય-વિભાગ ચોક્કસ થયો. આમ છતાં આ વિષય-વિભાગ એકદમ પરસ્પર વ્યાવર્તક ન હતો. આગ્રયણ, મધુપર્ક, પાર્વણ, અન્ત્યેષ્ટિ જેવાં કેટલાંક શ્રોતકર્મો સમાન રીતે શ્રૌત અને ગૃહ્ય ઉભય કલ્પોમાં નિરૂપાયાં છે. કેટલાંક ગૃહ્યસૂત્રોમાં ચાલીસ જેટલા સંસ્કારો ગણાવ્યા છે તેમાં બધાય જ્યોતિષ્ટોમો, હવિર્યાગો, પાકયજ્ઞો અને દૈનિક પંચમહાયજ્ઞોનો સમાવેશ કરેલો છે. અર્થાત્ શ્રૌતગૃહ્ય આદિ ભેદો ઔપચારિક સ્વરૂપના હશે અને પરવર્તી કાળમાં તેમનો સ્થિર સ્પષ્ટ વિષય-વિભાગ થયો હશે.

સાંપ્રત કાળમાં મળતા બ્રાહ્મણગ્રંથોમાં મહદંશે શ્રૌત કર્મનું નિરૂપણ મળે છે. એ બધાં શ્રૌત બ્રાહ્મણો છે. તેમને આધારે શ્રૌતસૂત્રો સંગ્રહાયાં. એ જ રીતે જેમને આધારે ગૃહ્યસૂત્રો સંગ્રહાયાં તે ગૃહ્ય બ્રાહ્મણોનું પણ અસ્તિત્વ હશે અને કાલક્રમે તે લુપ્ત થયાં હશે એવી એક ધારણા પાશ્ચાત્ય વિદ્વાનોની હતી. પણ આ મતનો સ્વીકાર થયો નથી. વસ્તુત: શ્રૌતકર્મોનું સ્વરૂપ સંકુલ હોવાથી બ્રાહ્મણ આરણ્યક ગ્રંથોએ એમનું નિરૂપણ કર્યું. ગૃહ્યકર્મોનો વિધિ સરળ હોવાથી એમના નિરૂપણની જરૂર નહિ લાગી હોય. શ્રૌતગૃહ્યાદિ સર્વ કર્મોની કુલશાખાનુસારી પરંપરાગત પ્રણાલીઓને લીધે ગૃહ્યકર્મોનું સ્વરૂપ યથાતથ જળવાયું. એટલે ગૃહ્ય બ્રાહ્મણોના અસ્તિત્વની ધારણામાં કોઈ વજૂદ નથી. કર્મવિધિઓ અંગેની પરંપરાઓના તે તે વેદશાખા અને ચરણોના માન્ય આચાર્યોએ સંગ્રહ કર્યા અને એ સંગ્રહો તે તે માન્ય આચાર્યના નામે પ્રસિદ્ધ થયા. એ રીતે આશ્વલાયન, આપસ્તમ્બ, ભરદ્વાજ, ગૌતમ, કાત્યાયન આદિ અનેક પ્રસિદ્ધ આચાર્યોના નામના કલ્પગ્રંથો તે તે વેદશાખામાં મળે છે. શ્રૌતગૃહ્યાદિ કલ્પોનાં સૂત્રો ઉપરાન્ત શુલ્બ (કે શુલ્વ) સૂત્રો પણ કલ્પોની અંતર્ગત મળે છે. શુલ્બસૂત્રો કોઈ કર્મનું નિરૂપણ કરતાં નથી પણ શ્રૌતગૃહ્ય આદિ કર્મોમાં આવશ્યક મંડપ, કુંડ, સ્થંડિલ, વેદિ આદિની શુદ્ધ ભૌમિતિક ચોકસાઈવાળી રચનાના નિયમો નિરૂપે છે. દરેક શાખા અને ચરણનાં કલ્પસૂત્રોમાં શુલ્બનો વિભાગ રહેતો. કાલક્રમે એ સ્વતંત્ર રીતે સંગ્રહાયાં. શુલ્બસૂત્રો પ્રાચીન વૈદિકોના ભૌમિતિક અને ગાણિતિક જ્ઞાનનાં પરિચાયક છે. સૂત્રોત્તર કાલમાં શ્રૌતાદિ કલ્પોના અનેક પરિશિષ્ટ સંગ્રહો, વિવિધ કર્મોના સ્વતંત્ર સંગ્રહો, મંત્રસંગ્રહો વગેરેનાં સંકલનો થયાં. એ સર્વ કલ્પગ્રંથોના સહાયક સંગ્રહ માત્ર છે, સ્વતંત્ર કલ્પો નથી. આહિતાગ્નિઓ, ઋત્વિજો, પુરોહિતો વગેરેની અનુકૂળતા માટે આવા સંગ્રહો થયા. પાણિનિની અષ્ટાધ્યાયીમાં આગ્નિષ્ટોમિક, વાજપેયિક, રાજસૂયિક, પાકયાજ્ઞિક, નવયાજ્ઞિક, પૌરોડાશિક, પ્રાથમિક આદિ કર્મસંગ્રહોનાં નામ મળે છે. એ સર્વ તે તે કર્મના વિધિસંગ્રહ માત્ર હતા.

યજ્ઞ વૈદિક સંસ્કૃતિનું પ્રતીક છે. વેદોમાં તેનું નિરૂપણ છે. વાત્સ્યાયને ન્યાયસૂત્રભાષ્યમાં નોંધ્યું છે કે ‘‘યજ્ઞ એ સંહિતાઓ અને બ્રાહ્મણગ્રન્થોનો વર્ણ્ય વિષય છે.’’ યજ્ઞ આર્યતા જાળવવાનો માર્ગ છે. ભૌતિક વ્યવહારોમાં આચરાઈ જતા અનૃતમાંથી મુક્ત થઈ ઋતપંથે વિચરવાનો સરળ ઉપાય છે. યજ્ઞદીક્ષા લેતાં યજમાન કહે છે : ‘‘इदमहं अनृतात् सत्यं उपैमि – આ યજ્ઞકર્મ દ્વારા હું અનૃતમાંથી મુક્ત થઈ સત્યપંથે વિચરું છું.’’ આમ યજ્ઞ એટલે કે કર્મકાંડ એ ઋતની ઉપાસના છે. શ્રૌતાદિ કર્મો તેનાં અંગોપાંગો છે. તદ્દન સાદા સ્વરૂપે આરંભાયેલી આ ઉપાસના ધીરે ધીરે વિકસતાં નિત્યનૈમિત્તિક કર્મોના રૂપમાં શ્રૌત, ગૃહ્ય, ધર્મ એવા પ્રકારોમાં વિકસી. એ સર્વનું નિરૂપણ કલ્પવેદાંગમાં મળે છે. આમ, ઐતરેય શાંખાયન શતપથ તૈત્તિરીય તાણ્ડ્ય જૈમિનીય ગોપથ આદિ બ્રાહ્મણગ્રંથોમાં નિરૂપિત, નિર્દિષ્ટ-સૂચિત યજ્ઞાદિ કર્મો તેમજ કુલાચાર ગ્રામાચાર વગેરે પર આધારિત વિધિવૈવિધ્યવાળાં કર્મોનો સંગ્રહ કલ્પસૂત્રોમાં મળે છે. શ્રૌતકર્મો સ્વર્ગાદિની કામનાથી થતાં, ગૃહ્યકર્મો વ્યક્તિ અને સમાજના કલ્યાણાર્થે થતાં અને ધર્મકર્મો વ્યક્તિ અને સમાજની સુસ્થિતિ માટે થતાં એ રીતે પ્રત્યેક કર્મનું ફળ નિશ્ચિત થયું.

શ્રૌતસૂત્રો : ત્રૈવર્ણિકો માટેનાં શ્રુતિપ્રતિપાદિત યજ્ઞાદિ કર્મોનું નિરૂપણ કરનાર કલ્પ તે શ્રૌતકલ્પ કે શ્રૌતસૂત્ર. પ્રત્યક્ષ શ્રુતિ તેમજ શિષ્ટાચારાનુમિત શ્રુતિ પણ શ્રૌતસૂત્રોનો આધાર છે. ચારેય વેદોનાં ચરણ-શાખાનુસારી શ્રૌતસૂત્રો છે. શ્રૌતકર્મ અરણિમંથન વડે વિધિપૂર્વક પ્રજ્વલિત આહિત અગ્નિમાં જ થાય તેથી શ્રૌતસૂત્રોમાં અગ્ન્યાધાન કે અગ્ન્યાધેય કર્મનું નિરૂપણ પ્રથમ થયેલું હોય છે. આધાનવિધિ પહેલાં બહિ:શાલામાં યજ્ઞમંડપ રચવો પડતો. મંડપરચનામાં વપરાતા પ્રાગ્વંશ જેવા શબ્દો પરથી લાગે છે કે યજ્ઞમંડપમાં વાંસનો ઉપયોગ અધિકાંશે થતો હશે. શમીવૃક્ષ પર કે તેની સાથે ઊગેલા પીપળાના લાકડામાંથી ઉત્તરારણિ (મંથનદંડ) અને અધરારણિ (નીચેનું લાકડું) તૈયાર કરી મંથન દ્વારા અગ્નિ પ્રગટાવી તેની સ્થાપના ખાસ તૈયાર કરેલી વેદિ ઉપર કરાતી. આ અગ્નિ તે ગાર્હપત્ય અગ્નિ, ગૃહપતિએ – ગૃહસ્થે રાખવાનો અગ્નિ. ગાર્હપત્ય મુખ્ય અગ્નિ ગણાય. એને નિશદિન પ્રજ્વલિત રાખવો પડે. ગાર્હપત્યમાંથી આહવનીય અને દક્ષિણ અગ્નિઓ નિષ્પન્ન કરાય. આ ત્રણ શ્રૌત અગ્નિઓ ગણાય અને તેનું આધાન કરનાર આહિતાગ્નિ કહેવાય. માત્ર ગૃહ્ય અગ્નિની પૂજા કરનાર અગ્નિહોત્રી આહિતાગ્નિ ન કહેવાય. આહિતાગ્નિને જ શ્રૌતકર્મ કરવાનો અધિકાર હતો. અગ્ન્યાધેય એ હવિ:સંસ્થાનો પ્રથમ યજ્ઞ છે. સાયંપ્રાતર્હોમ, દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, નિરૂઢપશુબન્ધ અને સૌત્રામણી એ આ સંસ્થાના અન્ય યજ્ઞો છે. સપત્નીક આહિતાગ્નિ શ્રૌતયાગ કરી શકે. ધર્મપત્નીનું મૃત્યુ થતાં શ્રૌતકર્મ છોડવું પડતું. આધાન કર્યા પછી ત્રીસ વર્ષ બાદ સ્વેચ્છાએ શ્રૌતાગ્નિઓનું વિસર્જન કરી શકાતું. સોમયાગ-જ્યોતિષ્ટોમ પણ શ્રૌતાગ્નિઓમાં થતા. સોમયાગો કે જ્યોતિષ્ટોમયાગોમાં સોમલતાનું સવન એ પ્રધાન કર્મ ગણાતું. સોમસંસ્થામાં અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉક્થ્ય, ષોડશી, વાજપેય, અતિરાત્ર અને અપ્તોર્યામ એ મુખ્ય યાગો હતા. રાજસૂયાદિ બીજા ઘણા યાગોમાં પણ સોમસવન થતું. હવિ:સંસ્થાના યજ્ઞોમાં ઘૃત, પુરોડાશ, ચરુ (રાંધેલા ચોખા કે જવ), સમિધો, યવ, તિલ, આદિથી હોમ થાય અને સોમયાગોમાં સોમરસથી હોમ થાય. દર્શપૂર્ણમાસ ઇષ્ટિ એ સર્વ હવિર્યાગોની પ્રકૃતિ છે. અગ્નિષ્ટોમ એ સર્વ સોમસંસ્થાની પ્રકૃતિ છે. સોમયાગોમાં જે સ્તોત્ર-સામગાનથી યજ્ઞસમાપ્તિ થાય તે ઉપરથી તે તે યાગનાં નામાભિધાન થયેલાં છે. સ્તોત્રોની સાથે શસ્ત્રપાઠ (વેદશાખાનુસારી મંત્રપાઠ) પણ થાય. અગ્નિષ્ટોમમાં તે નામના સામ-સ્તોત્રથી યજ્ઞસમાપ્તિ થતી તેથી તે અગ્નિષ્ટોમ કહેવાયો. એ જ રીતે ઉક્થ્યાદિનાં નામ થયેલાં છે. સોમયાગમાં પહેલાં યજમાને વનવાસી જન પાસેથી સોમલતા ખરીદવી પડતી. સોમલતાના અંશુઓ – ટુકડા છૂંદી પીસીને તેનો રસ ગાળી કાઢવાનો વિધિ ‘સવન’ કહેવાતો. પ્રાત: સવન, મધ્યાહ્ન સવન અને સાયં સવન કે તૃતીય સવન એમ ત્રણ વેળાનાં સવનો થતાં. પ્રત્યેક સવનમાં મંત્રપાઠ થતો. એકાહ, અહીન અને સત્ર એમ ત્રણ પ્રકારના સોમયાગો છે. એકાહ કે ઐકાહિક એક જ દિવસનો વિધિ હતો. અહીન યાગ બેથી માંડી બાર દિવસ ચાલે અને સત્રયાગ તેર દિવસથી આરંભી એક સંવત્સર અને તેથીય આગળ શતસંવત્સર અને સહસ્ર સંવત્સર ચાલનાર યાગો હતા. પુરાણોમાં નૈમિષારણ્યમાં આવા દ્વાદશ વાર્ષિક સત્રયજ્ઞો થયાના ઉલ્લેખો છે. દીર્ઘકાલીન સત્રયજ્ઞો મોટેભાગે સાંસ્કૃતિક યજ્ઞો હતા. તેમાં યજ્ઞકર્મ ઉપરાન્તના સમયમાં શાસ્ત્રચર્ચાઓ થતી. આચારપરક શંકાઓનાં સમાધાન થતાં. આચારનો પરિષ્કાર થતો. આવા અતિશય ખર્ચાળ યજ્ઞો સામાન્ય આહિતાગ્નિઓના ગજા બહારના હતા. રાજાઓ, ધનિકો અને જનસામાન્યના સહકારથી જ સત્રો થતાં.

નાનાં કર્મો યજમાન પોતે જ કરે પણ મોટાં કર્મોમાં કર્મસહાયકની જરૂર પડતી. એવે પ્રસંગે યજમાન સહાયક બ્રાહ્મણોની પસંદગી કરતો. પસંદગી એટલે ‘વરણ’. યજ્ઞકર્મમાં સહાયતા કરનાર બ્રાહ્મણો ‘ઋત્વિજ’ કહેવાતા. કર્મકાંડમાં પ્રવીણ, કોઈ પણ એક વેદશાખાને સાંગ જાણનાર સાધુવૃત્ત બ્રાહ્મણને જ ઋત્વિજ તરીકે લેવાતો. ઋગ્વેદનો જ્ઞાતા ઋત્વિજ હોતા કહેવાય. હોતા એટલે સ્તુતિમંત્રો  વડે યજ્ઞમાં દેવોનું આવાહન કરનાર. તે ઋગ્વેદનો મુખ્ય ઋત્વિજ ગણાય. મૈત્રાવરુણ, અચ્છાવાક્ અને ગ્રાવસ્તુત્ હોતાના સહાયક ઋત્વિજો રહેતા. યજુર્વેદનો પ્રધાન ઋત્વિજ ‘અધ્વર્યુ’ કહેવાય. અધ્વર – યજ્ઞનો વિધિ કરે તે અધ્વર્યુ. સર્વ ઋત્વિજોમાં તે પ્રધાન ગણાતો. તેના ત્રણ સહાયકો – પ્રતિપ્રસ્થાતા, નેષ્ટા અને ઉન્નેતા – રહેતા. અથર્વવેદનો પ્રધાન ઋત્વિજ ‘બ્રહ્મા’ કહેવાય. અથર્વવેદ બ્રહ્મવેદ કહેવાય છે. તેથી અથર્વજ્ઞ ઋત્વિજ બ્રહ્મા કહેવાયો હશે. બ્રહ્મા કર્માધ્યક્ષ રહેતો. બધો વિધિ સાંગ, સંપૂર્ણ અને ક્ષતિરહિત થાય તેનું એણે ધ્યાન રાખવાનું હોય છે. તેના ત્રણ સહાયકો બ્રાહ્મણાચ્છંસી, આગ્નીધ્ર અને પોતા રહેતા. સામવેદનો પ્રધાન ઋત્વિજ ‘ઉદગાતા’ કહેવાય. તે ઊંચેથી સામગાન કરે તેથી ઉદગાતા કહેવાય. તેના ત્રણ સહાયકો પ્રસ્તોતા, પ્રતિહર્તા અને સુબ્રહ્મણ્ય રહેતા. આ ઉપરાન્ત કેટલાંક કર્મોમાં ‘સદસ્ય’ નામે ઋત્વિજ રહેતો. પશુયાગોમાં પશુનું શમન કરનાર ‘શામિત્ર’ અબ્રાહ્મણ હોય. તે ઋત્વિજ ન કહેવાય. ‘ચમસાધ્વર્યુ’ઓ બ્રાહ્મણ હોય પણ તે ઋત્વિજ ન કહેવાય. નિયમાનુસાર બ્રાહ્મણ જ ઋત્વિજ થઈ શકતો.

હવિર્દ્રવ્યોમાંના ઘૃત માટે ‘આજ્ય’ શબ્દ વપરાય છે તે પરથી કદાચ અજા – બકરીનું ઘી હોમમાં વપરાતું હશે એમ અનુમાન થાય છે. પુરોડાશ એ માટીના વાસણનાં ઠીકરાં પર શેકેલી યવના લોટની નાની ભાખરી હોય. ચરુ રાંધેલા ચોખાનો અને ક્વચિત્ યવનો થાય. યવ તિલ આદિ ધાન્યો હવિ તરીકે વપરાય. અગ્નિને સતત પ્રજ્વલિત રાખવા માટે ઇધ્મ  ઈંધણાંની ભારીઓ રહેતી. હોમ વખતે સમિધો વપરાય. અશ્વત્થ, ઉદુમ્બર, પ્લક્ષ, આંબો, ખેર, ખાખરો, વડ, અપામાર્ગ એ યજ્ઞીય વૃક્ષોની એક વેંત લાંબી અને અંગૂઠા જેટલી જાડી ડાળીઓ સમિધ કહેવાય. પ્રાગ્વૈદિક કાળમાં પશુહોમ હશે. પણ પશુને સ્થાને હવિર્દ્રવ્ય હોમવાની પ્રથા પણ ઘણા જૂના સમયની લાગે છે. બ્રાહ્મણોમાં મેધ – હોમમાં વપરાતી પવિત્રતા-નું મનુષ્ય, અશ્વ, ગો, અજ આદિમાંથી નીકળી જઈને છેવટે ધાન્યમાં સ્થિર થયાનો ઉલ્લેખ છે તે આ વાતનું સાક્ષ્ય છે. મહાભારતમાં પણ बीजैर्यज्ञेषु यष्टव्यं इति वै वैदिकी श्रुति: । अजसंज्ञानि बीजानि… વેદમાં એવી શ્રુતિ છે કે યજ્ઞોમાં ધાન્યબીજો વડે હોમ કરવો. ‘અજ’ નામે બીજ છે. ખેડીને વાવ્યા વિના જલાશયો પાસે ઊગી નીકળતાં વ્રીહિ, શ્યામાક વગેરે અકૃષ્ટપચ્ય ધાન્યને ‘અજ’ કહેતા. હવિ તરીકે તેમનો ઉપયોગ ઘણા જૂના સમયથી થતો. સામિષ યાગો ધીરે ધીરે ઓછા થતા ગયા અને પછી તો લુપ્તપ્રાય થઈ ગયા. અશ્વમેધ યજ્ઞ પણ કોઈક જ રાજા કરતો. શ્રૌતયાગોમાં બ્રહ્મૌદન, ચરુ, વાછરડા દક્ષિણારૂપે અપાતાં. પછીથી ઘણી ગાયો, સુવર્ણ વસ્ત્રાલંકાર વગેરે આપવાનું શરૂ થયું. મુખ્ય ઋત્વિજોને સરખી દક્ષિણા મળતી અને તેમના સહાયકોને અર્ધી કે તૃતીયાંશ દક્ષિણા મળતી. આચાર્યને બમણી દક્ષિણા આપવાની પ્રથા ઘણી મોડી શરૂ થઈ. ઋત્વિજો વિનાના આગન્તુક બ્રાહ્મણોને ‘ભૂયસી’ દક્ષિણા આપવાનું પણ શરૂ થયું.

શ્રૌતાગ્નિઓ માટેની સ્વતંત્ર શાલાને અગ્નિશરણ કહેતા. ગૃહ્યાગ્નિશાલાને અતિથિશાલા પણ કહેતા. મોટા યાગો માટે અગ્નિશરણની બહાર બહિ:શાલ સ્થળમાં મંડપ રચાતો. તેમાં આવશ્યકતા અનુસાર વેદિઓ, સ્થંડિલો, કુંડ, ઉત્કર, હવિર્ધાનમંડપ વગેરે ગોઠવાતાં. આ બધાંમાં ભૌમિતિક ચોકસાઈ ખાસ જળવાતી. ગાર્હપત્યનું સ્થંડિલ કે કુંડ વૃત્તાકાર, આહવનીયનું ચતુરસ્ર અને દક્ષિણાગ્નિનું અર્ધવૃત્તાકાર રહેતું.

શ્રૌતસૂત્રોમાં લગભગ પંચોતેર જેટલા મહત્વના યાગો ગણાવ્યા છે. એ યાગોના અંગભૂત યાગોની સંખ્યા ઘણી મોટી છે. દર્શપૂર્ણમાસ, ચાતુર્માસ્ય, નિરૂઢપશુબન્ધ, અનેક પ્રકારના જ્યોતિષ્ટોમો, ગવામયન, રાજસૂય, અશ્વમેધ, ચયનયાગો, હવિર્યાગો, પુરુષમેધ, પિતૃમેધ, સર્વમેધ, વિશ્વજિત, વ્રાત્યસ્તોમ, અહીન યાગો, સત્રયાગો અને તેમાંના સંવત્સર યાગ, દ્વાદશસાંવત્સરિક યાગ, પ્રાજાપત્ય સત્ર, સારસ્વત સત્ર અને પ્રજાપતિનું સહસ્રસાંવત્સરિક સત્ર જેવા અસંખ્ય યાગોનું નિરૂપણ શ્રૌતકલ્પોમાં છે. રાત્રે પણ યાગ થતા. ષષ્ટિરાત્ર કે શતરાત્ર સત્રો હતાં. તેરથી ચાલીસ દિવસના યાગ રાત્રિસત્ર કહેવાતા. શતસંવત્સર, સહસ્રસંવત્સર યાગમીમાંસકોને મતે તેટલા દિવસ ચાલનાર યાગ ગણાતો. અહીન વગેરે અને બીજા મોટા સત્રયાગોમાં પુષ્કળ ગાયો, સુવર્ણ વગેરેની દક્ષિણા અપાતી. પૌન્ડરીકયાગમાં એક અયુત (દસ લાખ) ગાયો અને દસ સહસ્ર સુવર્ણની દક્ષિણા બતાવેલી છે.

વેદાનુસાર ઋગ્વેદનાં આશ્વલાયન શાંખાયન અને શૌનક શ્રૌતસૂત્રો છે. સામવેદનાં આર્ષેય કલ્પ, લાટ્યાયન, દ્રાહ્યાયણ અને જૈમિનીય શ્રૌતસૂત્રો છે. અથર્વવેદનું એકમાત્ર વૈતાન શ્રૌતસૂત્ર છે. શુક્લ યજુર્વેદનું પણ એક જ કાત્યાયન શ્રૌતસૂત્ર છે. વિગત અને પદ્ધતિની ર્દષ્ટિએ તે ઘણું મહત્વનું છે. કૃષ્ણ યજુર્વેદનાં માનવ, વારાહ, બૌધાયન, ભારદ્વાજ, આપસ્તમ્બ અને હિરણ્યકેશી અપરનામ સત્યાષાઢ, વૈખાનસ અને કાઠક શ્રૌતસૂત્રો છે. શ્રૌતસૂત્રોમાં બૌધાયન અતિપ્રાચીન ગણાય છે. આપસ્તમ્બ, ભારદ્વાજ અને સત્યાષાઢ અતિ વિસ્તૃત શ્રૌતસૂત્રો છે. વેદોનાં બધાં ચરણો કે શાખાઓનાં કલ્પસૂત્રો ઉપલબ્ધ નથી.

ગૃહ્યસૂત્રો : ગૃહ્યકલ્પ એટલે ધર્મપત્નીના કર્તવ્યક્ષેત્રમાં આવતાં કુલજનો અને તેમને લગતાં કર્મોનો નિરૂપક કલ્પ. ગૃહ એટલે ધર્મપત્ની. તેના કર્મક્ષેત્રમાં ગૃહસ્થનાં માતાપિતા, સંતાનો વગેરે. એ સર્વના કલ્યાણ  માટે કરવાનાં કર્મો તે ગૃહ્યકર્મ. જાતકર્મ, ચૌલ, ઉપવીત, વેદવ્રતો, સમાવર્તન, વિવાહ, ગર્ભાધાન, પુંસવન, સીમન્તોન્નયન વગેરે તેમજ મરણ પછીનો અંત્યેષ્ટિ એ સર્વ સંસ્કારો અને તે ઉપરાંત શ્રાદ્ધ, કૃષિને લગતા વિધિ, નૂતન ગૃહનિર્માણ અને નિવાસને લગતા વિધિ, અશ્વ રથ આદિ વાહનોના પ્રથમ પ્રયોગ સમયે કરવાના વિધિ વગેરેનું નિરૂપણ ગૃહ્યસૂત્રોમાં થયું છે. ગૃહકર્મો પાકયજ્ઞ ગણાય છે. હુત, અહુત, પ્રહુત અને પ્રાશિત એમ ચાર પ્રકારના પાકયજ્ઞો છે. સ્માર્ત અગ્નિહોત્ર હુત પ્રકારનો પાકયજ્ઞ છે. અહુત પાકયજ્ઞમાં હોમ ન હોય, પણ તેને સ્થાને બલિહરણ હોય. મોટી સંખ્યાની આહુતિઓવાળા યજ્ઞ તે પ્રહુત અને હોમાદિ કર્મની સાથે ભોજન હોય તે પ્રાશિત પાકયજ્ઞ કહેવાય. ગૃહ્યસૂત્રોમાં અનેક કર્મોના નિરૂપણમાં છેલ્લે ‘પછી બ્રાહ્મણભોજન કરવું’ એવું વિધાન આ પ્રકારના પાકયજ્ઞનું સૂચક છે. પાકયજ્ઞો બધાય ગૃહ્યાગ્નિમાં થતા. સ્નાતકના વિવાહસંસ્કારમાં જે અગ્નિમાં વૈવાહિક હોમ કરાયો હોય તે અગ્નિને ગૃહસ્થ પોતાને ત્યાં સ્થાપે અને તેમાં અગ્નિહોત્ર કર્મ કરે, તે ગૃહ્ય અગ્નિ કહેવાય. બ્રહ્મચર્યવ્રત પૂર્ણ કર્યા પછી ગુરુને ત્યાં બ્રહ્મચારીના સમાવર્તન સંસ્કાર થાય. સ્નાતક તે અગ્નિને પોતાને ત્યાં સ્થાપી તેમાં અગ્નિહોત્રાદિ કર્મ કરે, તે ઔપાસન અગ્નિ કહેવાય. સમાવર્તન કે વિવાહ વખતે અગ્નિસંગ્રહ ન કર્યો હોય તેવા ગૃહસ્થ પિતાના અગ્નિમાં હોમાદિક કરે અને જ્યારે પૈતૃક સંપત્તિના ભાગ પડે ત્યારે દાયભાગ પછી ગૃહસ્થ પોતાનો સ્વતંત્ર અગ્નિ સ્થાપે તે આવસથ્ય અગ્નિ કહેવાય. આ ત્રણેય અગ્નિ સામાન્યત: ગૃહ્ય અગ્નિઓ કહેવાય. ગૃહ્યાગ્નિ એ સ્માર્ત અગ્નિ છે. તેમાં શ્રૌતકર્મ ન થાય. શ્રૌતકર્મ માટે આધાન કરવું પડે. મોટેભાગે વિવાહ પછી ગૃહ્યાગ્નિનું સ્થાપન થતું. તેથી કેટલાંક ગૃહ્યસૂત્રોનો આરંભ વિવાહ સંસ્કારથી કરાયેલો છે. કેટલાંકમાં ગર્ભાધાનથી સંસ્કારનિરૂપણ આરંભાયેલું છે. ધર્મશાસ્ત્રોએ વિવાહના જે આઠ પ્રકારને વર્ણવ્યા છે તેમનો સીધો નામનિર્દેશ જોકે ગૃહ્યસૂત્રોમાં નથી, પણ એમનું સૂચન મળે છે. ચાતુર્વર્ણ્યમાં વર્ણની આનુપૂર્વી પ્રમાણે વિવાહ કરાતો. બ્રાહ્મણ પ્રથમ બ્રાહ્મણવર્ણમાં પરણે પછી અનુક્રમે ક્ષત્રિયા અને વૈશ્યાને પરણી શકે. વૈશ્ય માત્ર વૈશ્યાને જ પરણી શકે.  કેટલાક આચાર્યોએ શૂદ્રા પત્ની કરવાનું પણ કહ્યું છે. માત્ર તે વિવાહ મંત્રરહિત વિધિથી કરવો પડે. આમ અનુલોમ વિવાહોનો સ્પષ્ટ નિર્દેશ છે. પ્રતિલોમ વિવાહોનો સીધો નિર્દેશ નથી પણ ગાન્ધર્વ, રાક્ષસ અને પૈશાચ પ્રકારના વિવાહોમાં પ્રતિલોમ સંબંધોની શક્યતા ખરી. આવા વિવાહો માત્ર સામાજિક સ્વીકાર્યતા ખાતર જ સ્વીકારાયા હશે. બ્રાહ્મ, દૈવ આર્ષ અને પ્રાજાપત્ય પ્રકારના વિવાહો સર્વસામાન્ય હતા. આસુર વિવાહ પણ પ્રચલિત હતો. પુખ્તવયનાં યુવક-યુવતી સ્વેચ્છાએ ગાન્ધર્વ વિધિથી જોડાતાં. એ તેમના ઇચ્છા-સ્વાતંત્ર્યનું સૂચક છે. બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસી એ સૌનો નિર્વાહ ગૃહસ્થાશ્રમીઓ કરે છે. તેથી ગૃહસ્થાશ્રમનું ઘણું માહાત્મ્ય કરાયું છે. આ કારણે વિવાહ ઘણો મહત્વનો સંસ્કાર ગણાયો છે. ઉપનયન એ એટલો જ અગત્યનો સંસ્કાર છે. ઉપનયનથી મનુષ્યનો આધ્યાત્મિક જન્મ થાય છે અને તે દ્વિજ કહેવાય છે. ઉપનયન પછી આચાર્ય પાસે રહી વિદ્યાધ્યયનની સાથે જ બ્રહ્મચારી નૈતિક અને ધાર્મિક જીવનના પાઠ ભણતો અને વેદવ્રત પૂર્ણ કરી સ્નાતક થતો. આર્યસમાજે સ્નાતકનો મોટો મહિમા કર્યો છે. અત્યંત માનાર્હ એવા આચાર્ય, રાજા, ઋત્વિજ, વર અને પ્રિયજનને અપાતા મધુપર્કનું સન્માન સ્નાતકને પણ મળતું. પુત્ર-પુત્રી બંનેયને સમાનભાવે સમંત્રક સર્વ સંસ્કાર થતા. પુત્રી ઉપનયન પછી પિતૃગૃહે રહી બ્રહ્મચર્યવ્રત પાળતી અને વેદ ભણતી. પરવર્તી કાળમાં સ્ત્રીઓને મંત્રરહિત સંસ્કારો થવા લાગ્યા. કન્યાને ઉપવીત આપવાનું બંધ થયું. સ્વામીશ્રી દયાનંદ સરસ્વતીએ ‘આર્યસમાજ’માં સ્ત્રીઓ માટે ફરી પાછા સમંત્રક સંસ્કારો ઉપવીત વગેરેનો આરંભ કરાવ્યો. ગર્ભાધાન જેવા પ્રસંગને વૈદિક લોકોએ સંસ્કારનું સ્વરૂપ આપ્યું તે તેમની સંયમયુક્ત જીવનપ્રણાલીનું સૂચક છે. મરણોત્તર સ્મશાન-સંસ્કારને વૈદિકોએ અંત્યેષ્ટિ સંસ્કાર કહ્યો. આજીવન અગ્નિવ્રત પાળનાર ગૃહસ્થના મૃત્યુ પછી તેના શ્રૌત કે ગૃહ્ય અગ્નિમાં અંતિમ ઇષ્ટ રૂપે એનું શરીર અગ્નિસાત્ કરાય તે અંત્યેષ્ટિ. વૈદિકોએ જીવનના કોઈ પણ પ્રસંગને યજ્ઞરહિત રાખ્યો નથી. ગર્ભાધાનથી માંડી પુંસવન, સીમન્તોન્નયન, જાતકર્મ, નામકરણ, નિષ્ક્રમણ, અન્નપ્રાશન, ચૂડાકરણ, અક્ષરારંભ, ઉપનયન, વેદવ્રતો, કેશાન્ત સમાવર્તન, વિવાહ, શ્રૌતસ્માર્ત યજ્ઞો અને પંચમહાયજ્ઞો અને અંતે અંત્યેષ્ટિ એમ સંસ્કારપરંપરા વડે વૈદિકોનું જીવન પરિપૂત થતું. આ ઉપરાંત નૂતનનિર્મિત ગૃહપ્રવેશનો વાસ્તુવિધિ, નવાં વાહન, રથ, ગજ, અશ્વ આદિનો પ્રથમ પ્રયોગ, સીતાયજ્ઞ (વર્ષાઋતુના આરંભે ખેતર ખેડતા પહેલાં કરાતો વિધિ જે આજે હળોતરા કહેવાય છે તે) જેવા કૃષિ સંબંધી વિધિઓ, આગ્રયણ જેવી નવાન્નેષ્ટિઓ, ઉપાકર્મ ઉત્સર્જન શ્રવણા જેવા સંસ્કારપરક વિધિઓ ગૃહ્યસૂત્રોમાં નિરૂપાયા છે. પિતૃશ્રાદ્ધ શ્રૌત અને ગૃહ્ય બંને પ્રકારે થતું. વર્ષશ્રાદ્ધ, મહાલય શ્રાદ્ધ આદિમાં પિતૃઓને પિંડ, તિલોદક, કુશોદક આદિ આપવાના વિધિ ગૃહ્યસૂત્રોનું એક વિશિષ્ટ અંગ છે. કુલપરંપરાથી ચાલ્યા આવતા સંબંધો અને રીતરિવાજોનો વારસો પિતૃશ્રાદ્ધ દ્વારા મળતો, ગ્રામાચાર અને કુલાચાર અનુસારના ધર્મવિધિને પણ શાસ્ત્રોક્ત વિધિ જેટલું જ મહત્વ હતું. ગૃહ્યસૂત્રકારો નોંધે છે કે : ‘‘विवाहस्मशानयोः ग्रामः प्रमाणमिति श्रुते: – વિવાહ આદિ સર્વ સંસ્કારો અને અંત્યેષ્ટિ શ્રાદ્ધ વગેરે વિધિઓ ગ્રામાચાર અને કુલાચાર અનુસાર કરવા એવું શ્રુતિવચન છે.’’ ગૃહ્યાગ્નિમાં સાયંપ્રાતર્હોમ, નૈમિત્તિક અષ્ટકાઓ, દૈનિક પંચમહાયજ્ઞ, આગ્રયણ વગેરે કરવાનું વિધાન વૈદિક લોકોની ઉન્નત જીવનપ્રણાલીનું સૂચક છે. પંચમહાયજ્ઞોમાં દેવયજ્ઞ ઉપરાંત બ્રહ્મયજ્ઞ વડે અધીત શાસ્ત્રને અક્ષુણ્ણ જાળવવું, પિતૃયજ્ઞમાં પિતૃઓ અને ઋષિઓને જલાંજલિ આપવી, ભૂતયજ્ઞમાં કીટપતંગ ગાય-કૂતરું વગેરેને ખવડાવવું, મનુષ્યયજ્ઞમાં આકસ્મિક આવી ચડેલા અતિથિને ભોજન આપવું એ સઘળો દૈનિક વિધિ આજે પણ બ્રાહ્મણો કરતા જોવા મળે છે. ઔપાસન હોમ અને પંચમહાયજ્ઞ ઉપરાંત દર્શપૂર્ણમાસ એ બ્રહ્મા પ્રજાપતિ વિશ્વેદેવો અને દ્યાવાપૃથિવી એ દેવોને ઉદ્દેશી થતો હોમ હતો. પિંડપિતૃયજ્ઞમાં પ્રતિમાસ પિતૃઓને પિંડદાન થતું. વર્ષાઋતુ પછી વેદાધ્યયન પુન: આરંભ કરવાનો ઉપાકર્મ વિધિ થતો. વર્ષાના આરંભે વેદાધ્યયન બંધ કરવાનો ઉત્સર્જનવિધિ થતો. વ્રીહિ-આગ્રયણ શરદઋતુમાં થતું અને યવ-આગ્રયણ વસન્તારંભે થતું. શ્યામાક વ્રીહિ અને યવ એ નવાન્નો ગણાતાં. સર્વશૃંગ (શિંગોડાં), નીવાર (સામો), ચણક (ચીણો), તિલ (તલ) વગેરેનું આગ્રયણ ન થતું. સર્પબલિ એ શ્રાવણ પૂર્ણિમાએ સર્પોને ઉદ્દેશી થતો ચરુ હોમ હતો. તેમાં બલિહરણ પણ થતું. ઈશાનબલિ એ વૈદિક શૂલગવની જેમ ઈશાન રુદ્રને ઉદ્દેશી થતો હોમ હતો. અષ્ટકા એટલે કે માર્ગશીર્ષ, પૌષ અને માઘ માસની કૃષ્ણ અષ્ટમીઓ એ અનુક્રમે ઐન્દ્રી, વૈશ્વદૈવી અને પ્રાજાપત્યા અષ્ટકાઓ કહેવાતી. અષ્ટકાઓ પછીનો દિવસ અન્વષ્ટકા કહેવાતો. આ બધાં એક પ્રકારના પિતૃશ્રાદ્ધ હતાં. પિતૃ અષ્ટકાનું પણ શ્રાદ્ધ થતું. આ સર્વ પાકયજ્ઞો ગણાતા.

ઋગ્વેદનાં આશ્વલાયન, શાંખાયન અને કૌષીતકિ એમ ત્રણ ગૃહ્યસૂત્રો મળે છે. શુક્લ યજુર્વેદનું એક જ પારસ્કર ગૃહ્યસૂત્ર મળે છે. વિધિ અને વિગતની પ્રચુરતાની ર્દષ્ટિએ પારસ્કર ગૃહ્યસૂત્ર મહત્ત્વનું છે. કૃષ્ણ યજુર્વેદનાં બૌધાયન આપસ્તમ્બ હિરણ્યકેશી અપરનામ સત્યાષાઢ ભારદ્વાજ માનવ અને કાઠક ગૃહ્યસૂત્રો મળે છે. એ બધાં કૃષ્ણ યજુર્વેદની તૈત્તિરીય, મૈત્રાયણી અને કાઠક શાખાનાં સૂત્રો છે. સામવેદનાં ગોભિલ, ખાદિર અને જૈમિનીય ગૃહ્યસૂત્રો ઉપલબ્ધ છે. અથર્વવેદનું એકમાત્ર કૌષિક સૂત્ર ઉપલબ્ધ છે. તેમાં ગૃહ્યવિધિઓ ઉપરાંત સ્વાસ્થ્ય અંગેના રોગોપચાર, ઔષધો, સુરક્ષાર્થે કૃત્યાનિવારણ, અભિચાર, વિવિધ મણિ (માદળિયાં) વગેરેના વિધાનનું નિરૂપણ છે એ આ ગૃહ્યસૂત્રની વિશેષતા છે. આ સિવાયનાં કેટલીય વેદશાખાઓનાં ગૃહ્યાદિસૂત્રો હસ્તલિખિત સંગ્રહોમાં હોવાનો સંભવ છે.

ધર્મસૂત્રો : ધર્મસૂત્રો સમાજના વિવિધ વર્ણો અને કક્ષાઓના લોકોના ધર્મોને આવરી લેતાં હોઈ તેમનું વિષયફલક સામાજિક પ્રકારનું અને વિસ્તૃત છે. ‘સમયાચાર’ એટલે વર્ણો, આશ્રમો તેમજ વિવિધ હેતુઓવાળા માનવસમાજો ને સંગઠનોનાં વ્યક્તિગત તેમજ સામૂહિક કર્તવ્યો, તેમના અધિકારો વગેરેના નિયમો. સમયાચારનું નિરૂપણ ધર્મસૂત્રોમાં થયું છે. આ નિયમો આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત્ત એમ ત્રણ વિષય-વિભાગોમાં વહેંચાયેલા છે. આ વિષયોની ચર્ચા જોતાં જણાય છે કે વૈદિક લોકોની ધર્મ વિશેની ધારણા વ્યક્તિ અને સમષ્ટિના જીવનનાં સર્વ પાસાંને આવરી લેતી વ્યાપક ધારણા હતી. મર્યાદિત ક્ષેત્રના ધાર્મિક-સામાજિક સંપ્રદાયોને અહીં સ્થાન ન હતું. મનુષ્ય વ્યક્તિ-સ્ત્રીપુરુષ એ સર્વ અને તેની સાથે સંકળાયેલા ધાર્મિક સામાજિક રાજકીય પ્રકારના સમાજોના સંબંધો સ્વસ્થ રહે તે પ્રકારના આચારધર્મો તેમજ ચતુર્વર્ગ એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ પુરુષાર્થોના આચરણ દ્વારા જીવનના પરમ લક્ષ્ય – મોક્ષ પર્યન્ત પહોંચવાનું માર્ગદર્શન ધર્મસૂત્રોમાં પ્રાપ્ત થાય છે. શ્રૌતકર્મપરક શ્રૌત ધર્મો અને ગૃહ્યાદિકર્મપરક સ્માર્ત ધર્મોનું નિરૂપણ ધર્મસૂત્રોમાં થયું છે. સામાન્યપણે ધર્મ છ પ્રકારનો છે : (1) વર્ણધર્મ – બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર આદિ વર્ણોના ધર્મ; (2) આશ્રમ ધર્મ – બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ અને સંન્યસ્ત એ ચાર આશ્રમોના ધર્મ, જેમ કે બ્રહ્મચારીએ મેખલા દંડ અને ચર્મ ધારણ કરવાં, ભિક્ષાચર્યા કરવી વગેરે; (3) વર્ણાશ્રમ ધર્મ, જેવા કે બ્રાહ્મણ બ્રહ્મચારીએ પલાશનો દંડ રાખવો, ક્ષત્રિયે બિલ્વનો, વૈશ્યે ઉદુમ્બરનો; બ્રાહ્મણે ભિક્ષાચર્યામાં भवती શબ્દ પહેલો બોલવો, ‘भवति भिक्षां देहि, ક્ષત્રિયે મધ્યમાં ‘भवती’ શબ્દ પ્રયોજવો, વૈશ્યે અન્તમાં પ્રયોજવો વગેરે; (4) ગુણધર્મો જેમ કે રાજાએ ત્રૈવર્ણિકો અને અન્ય પ્રજાજનોના યોગક્ષેમનું પાલન કરવું, (5) નૈમિત્તિક ધર્મો જેવા કે જુદા જુદા નિમિત્તે દેશકાલાનુસાર પાળવાના ધર્મો, જેમ કે વર્ષાઋતુમાં અનધ્યાય પાળવો વગેરે અને (6) સાધારણ ધર્મો એટલે કે સર્વ મનુષ્યોએ પાળવાના વિધિનિષેધો. આ ધર્મોમાં સર્વત્ર આચારને ખૂબ મહત્વ અપાયું છે. કેમ કે  ‘‘आचार: परमो धर्म: – આચાર એ સૌથી ઊંચો ધર્મ છે’’ એ ધર્મશાસ્ત્રનો મૂળભૂત સિદ્ધાન્ત છે. સર્વત્ર ધર્મોમાં શ્રુતિસ્મૃતિનું પ્રામાણ્ય અનિવાર્ય ગણાયું છે. અભ્યુદય અને નિ:શ્રેયસની સિદ્ધિ એ ધર્મનો હેતુ છે. ધર્માચરણમાં ‘હૃદયની સ્વીકૃતિ’ને માર્ગદર્શક તત્વ તરીકે સ્વીકારાઈ છે. ઇહલોકમાં અભ્યુદય અને પરલોકમાં નિ:શ્રેયસ એમ ઉભયલોકનો વિચાર ધર્મસૂત્રોમાં કરાયો છે. વર્ણાશ્રમોની શુદ્ધિ, બાહ્ય અને આભ્યંતર શુચિતા, ધર્મભ્રંશ થતાં કરવાનું પ્રાયશ્ચિત્ત, નિત્યનૈમિત્તિક ઉપાસના, અધ્યાત્મવિચાર, જીવનનિર્વાહાર્થે સ્વીકારવાની વૃત્તિ, આપદ્ધર્મ, સૂતક, શ્રાદ્ધ, ચાંદ્રાયણાદિ વ્રતો, પ્રાયશ્ચિત્ત, દિવ્ય, દાન, રાજવ્યવહાર, દંડ, વારસાની વહેંચણી આદિને લગતા અનેક વિષયોની ચર્ચા ધર્મસૂત્રોમાં છે. સમયે સમયે મોટાં સત્રયજ્ઞો નિમિત્તે કે ગોષ્ઠી – પરિષદોમાં ધર્મસંબંધી પ્રશ્નોની ચર્ચા થતી અને એ રીતે ધર્મપરિષ્કાર થતો. ધર્મસૂત્રો અને શાસ્ત્રોમાં જે મતવૈવિધ્ય મળે છે તે પ્રસંગોપાત્ત થયેલા ધર્મપરિષ્કારોને લીધે છે. આવાં મતાન્તરો શ્રુતિ અને અનુશ્રુતિના અર્થઘટનને લીધે થતાં. આમ છતાં સર્વ આચારો અને કર્મોનું સર્વસામાન્ય સ્વરૂપ શ્રુત્યનુસારી જ રહ્યું છે. શ્રૌત અને ગૃહ્ય કલ્પોના સંકલન પછી ધર્મસૂત્રોનું સંકલન થયું હશે એવી કેટલાક વિદ્વાનોની ધારણા માત્ર તેમના નિરૂપણની પદ્ધતિ ને ભાષાને લીધે થઈ છે. વસ્તુત: ધર્મવિચાર પ્રાચીનતમ વિચાર છે. સમાજધર્મો ઘણા પ્રાચીન કાળમાં પ્રચલિત હતા. નિરુક્તકાર યાસ્કે પૈતૃક સંપત્તિના સંવિભાગમાં કન્યાના ભાગ વિશે કરેલ ઉલ્લેખ ધર્મસૂત્રોના વિષયની પ્રાચીનતા સિદ્ધ કરે છે.

આચારધર્મોમાં બ્રાહ્મણાદિ વર્ણોના વ્યક્તિપરક અને સમષ્ટિપરક ધર્મોની ચર્ચા સાથે અન્ત્યજાતિ ચાંડાલ વગેરેની સામાજિક સ્થિતિ અને આચારનું નિરૂપણ છે. ઋત્વિકકર્મ, શ્રાદ્ધનિમંત્રણ વગેરેમાં વેદપારગ શ્રોત્રિય બ્રાહ્મણનો જ અધિકાર બતાવાયો છે. ક્ષત્રિય ધર્મોમાં ખાસ કરી રાજા અને રાજકર્તા રાજન્યના ધર્મોની વિશેષ ચર્ચા છે, જેમકે ત્રૈવર્ણિકોના ધર્મની રક્ષા, વ્યવહાર, દંડ વગેરેનો નિર્ણય એ રાજાનો ધર્મ ગણાયો છે. આશ્રમધર્મોમાં બ્રહ્મચર્ય આશ્રમને પાછલા ત્રણેય આશ્રમોની આધારશિલારૂપે ગણાવ્યો છે. તેથી એ હેતુને અનુલક્ષી બ્રહ્મચારીનું ઘડતર થાય એ જોવાતું. ગૃહસ્થના પ્રત્યેક ધર્મકર્મમાં સહધર્મચારિણી ધર્મપત્નીનું સમાન મહત્વ સ્વીકારાયું છે. પાછળથી સ્ત્રીનો દરજ્જો નિમ્ન કક્ષામાં ઉતારેલો જોવા મળે છે. ગૃહસ્થે દેવ, મનુષ્ય અને પિતૃ પ્રત્યેનું ઋણ અદા કરવાનું ભારપૂર્વક કહેવાયું છે. વર્ણાશ્રમોના આપદધર્મોનું નિરૂપણ પણ ધર્મસૂત્રોમાં છે.

વ્યવહારનિરૂપણ એ ધર્મશાસ્ત્રોનો એક વિશિષ્ટ વિષય છે. જોકે પાછળથી રચાયેલ સ્મૃતિઓ અને નિબન્ધો જેટલી સૂક્ષ્મ ચર્ચા ધર્મસૂત્રોમાં નથી. વ્યવહારનું માળખું, તેના પ્રકાર, સાક્ષ્ય, દાયવિભાગ વગેરેનું નિરૂપણ ધર્મસૂત્રોમાં છે; જોકે પાછળના ગ્રંથો જેટલું સૂક્ષ્મ નહિ. વર્ણોના વ્યવસાયો, આશ્રમોમાં ધર્મચ્યુતિ થતાં કરવાનાં પ્રાયશ્ચિત્તોની વિગતો ઉપરથી જણાય છે કે તે કાળે વર્ણાશ્રમધર્મની રક્ષા માટે ઘણી કાળજી લેવાતી હશે.

વિષયની ર્દષ્ટિએ ધર્મસૂત્રો કોઈ એક વેદશાખા પૂરતાં સીમિત નહોતાં. બધાંને લાગુ પડતાં. આમ છતાં તેમનો વેદશાખા અથવા ચરણમાં રહેલ કલ્પોમાં સમાવેશ કરાયો છે ખરો. પ્રાચીનતમ ગણાતું ગૌતમ ધર્મસૂત્ર સામવેદ સાથે  સંકળાયેલું છે એમ કુમારિલ ભટ્ટે કહ્યું છે. અન્ય પરવર્તી ધર્મસૂત્રોએ ગૌતમ ધર્મસૂત્રનો આધાર લીધો છે. બૌધાયન ધર્મસૂત્ર કૃષ્ણ યજુર્વેદનું છે. આ ધર્મસૂત્રમાં કેટલેક સ્થળે બોધાયનનો નામોલ્લેખ છે એ સૂચવે છે કે બોધાયનની પ્રાચીન પરંપરાઓનો આ પાછળથી તૈયાર કરેલો સંગ્રહ છે. આપસ્તમ્બ ધર્મસૂત્ર પણ કૃષ્ણ યજુર્વેદનું છે. તે આપસ્તમ્બના સમગ્ર કલ્પનો એક ભાગ છે. બૌધાયનની જેમ આ ધર્મસૂત્ર પણ મોટેભાગે ગદ્યસૂત્રાત્મક છે અને સ્થળે સ્થળે વિષયાનુસારી શ્લોકોનો સંગ્રહ પણ છે. હિરણ્યકેશી કે સત્યાષાઢ કલ્પસૂત્ર સમગ્રના ભાગરૂપે સત્યાષાઢ ધર્મસૂત્ર છે. એ પણ કૃષ્ણ યજુર્વેદના ખાણ્ડિકેય ચરણનું છે. વસિષ્ઠ ધર્મસૂત્ર ઋગ્વેદનું છે. તેના છૂટાછવાયા અધ્યાયો પ્રકાશિત થયા છે. સંભવત: તેના એકત્રીસ અધ્યાય છે. સમગ્ર સૂત્ર પ્રકાશિત થયું નથી. વિષ્ણુધર્મસૂત્ર પ્રમાણની ર્દષ્ટિએ સૌથી મોટું એકસો અધ્યાયોનું છે. તેમાં નાનાં નાનાં સૂત્રો છે. પણ લાંબા ગાળા સુધી તેમાં ક્ષેપકો ઉમેરાતા ગયા છે. મનુસ્મૃતિ, ભગવદગીતા, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ વગેરેમાંથી તેમાં સીધા ઉતારા લેવાયેલા છે. હારીત ધર્મસૂત્રના ઉલ્લેખો મળે છે. અન્ય ધર્મસૂત્રો અને પરવર્તી ધર્મશાસ્ત્રીય ગ્રંથોએ હારીતનાં ઘણાં ઉદ્ધરણો લીધેલાં છે; હારીત પણ કૃષ્ણ યજુર્વેદનું ધર્મસૂત્ર છે. પણ વિષયનિરૂપણમાં તેણે સર્વ વેદોનો આધાર લીધેલો છે. શંખલિખિત ધર્મસૂત્રના માત્ર નામોલ્લેખો મળે છે. શંખલિખિત સ્મૃતિના અંશો પછીના સ્મૃતિસંગ્રહોમાં પ્રકાશિત થયા છે, તેમાં ધર્મસૂત્રના પણ કેટલાક અંશો પ્રકાશિત થયા છે. કુમારિલ ભટ્ટના તંત્રવાર્તિકમાં ઉદ્ધૃત આ સૂત્રનાં કેટલાંક પદ્યો ઉપરથી તેના અસ્તિત્વની કલ્પના થાય છે. આ ઉપરાંત અત્રિ, ઉશના, કણ્વ, કશ્યપ, ગાર્ગ્ય, ચ્યવન, જાતૂકર્ણ્ય, દેવલ, પૈઠીનસિ, બુધ, બૃહસ્પતિ, ભરદ્વાજ, શાતાતપ, સુમન્તુ આદિનાં ધર્મસૂત્રોનો નામોલ્લેખ પછી રચાયેલા ધર્મશાસ્ત્રીય ગ્રંથોમાં મળે છે. ધર્મસૂત્રોના રચયિતાઓ, તે તે સંગ્રહો કે સંકલનોના સમય વિશે અનુમાન કરવાના પણ ઘણા ઓછા આધારો મળે છે. એટલું ખરું કે તે બધા ઘણી પ્રાચીન કુલપરિપાટીઓ તથા વેદશાખાની પરિપાટીઓના સંગ્રહો છે.

શુલ્બસૂત્રો : શુલ્બ કે શુલ્વસૂત્રો સ્વતંત્ર કલ્પો નથી પણ તે તે વેદશાખાના સમગ્ર કલ્પોનાં અંગ છે. કેટલાંક શુલ્બસૂત્રો સ્વતંત્ર ગ્રંથ તરીકે પ્રકાશિત થયાં છે ખરાં. શ્રૌતાદિસૂત્રોમાં નિરૂપિત યજ્ઞકર્મોમાંનાં કેટલાંક કર્મો બહિ:શાલામાં રચિત મંડપોમાં કરવાનું વિધાન છે. તદનુસાર તે તે યજ્ઞકર્મને અનુરૂપ યજ્ઞમંડપ રચાતા. મંડપોમાં વેદિ, સ્થંડિલ, કુંડ, આસન્દી, હવિર્ધાન, મંડપ, ઉત્કર, સંચર વગેરેની રચના થતી. નાનામોટા મંડપોના પ્રમાણમાં વેદિ વગેરે રચવાં પડતાં. તેમનું ગણિતશુદ્ધ માપ, ભૌમિતિક રચના વગેરેના નિયમો શ્રૌતાદિ કલ્પોના અંતે આપવામાં આવતા. આ નિયમો તે જ શુલ્બસૂત્રો. શુલ્બ કે શુલ્વ એટલે પ્રમાણરજ્જુ, લંબાઈ વગેરે માપવા માટેનું સૂત્ર, પ્રમાણસૂત્ર. શુલ્બની ચર્ચા કરનાર કલ્પના વિભાગને શુલ્બસૂત્ર એવી સંજ્ઞા મળી. શુલ્બસૂત્રોમાં વસ્તુત: શાખાભેદ જેવું કંઈ ન હોય. પણ તે તે શાખાચરણના કલ્પનાં અંગ હોવાથી શુલ્બો પણ તે તે શાખાચરણનાં ગણાયાં. કર્મકાંડ એ યજુર્વેદનો વિશિષ્ટ વિષય હોવાથી યજુર્વેદના કલ્પોમાં જ શુલ્બસૂત્રો મળે છે. શુલ્બસૂત્રોમાં ગણિતના ભૂમિતિવિષયક શાસ્ત્રનું નિરૂપણ છે. વૈદિક લોકોના ઝીણવટભર્યા ગણિતજ્ઞાનના તે પ્રત્યક્ષ પુરાવા છે. અગ્નિકુંડોના ચતુરસ્ર, વૃત્ત, અર્ધવૃત્ત જેવા આકારો, સ્થંડિલોના આકારો, આહુતિઓની સંખ્યાને અનુરૂપ કુંડની લંબાઈ-પહોળાઈ-ઊંડાઈ, શ્યેન વગેરે આકારની ચિતિઓ, ચિતિનિર્માણ માટેની વિવિધ આકારની ઇષ્ટકાઓ – ઈંટો, મંડપદ્વાર, મંડપમાંના સંચરમાર્ગો વગેરેનાં પ્રમાણ, તેમનો રચનાવિધિ એ સઘળાંનું નિરૂપણ શુલ્બસૂત્રોમાં મળે છે.

શુક્લ યજુર્વેદનું એકમાત્ર કાત્યાયન શુલ્બસૂત્ર છે. તે કાત્યાયન શુલ્બ પરિશિષ્ટ નામે પણ પ્રસિદ્ધ છે. તેમાં યજમાન પુરુષની ઊંચાઈ અનુસાર લંબાઈનું રજ્જુ બનાવવાની રીત, પ્રમાણ અને માપનાં કોષ્ટકો, યજ્ઞભૂમિની પસંદગી અને ભૂમિશુદ્ધિ, મંડપનું માપ તદનુસારી વેદિ, સ્થંડિલ, કુંડ વગેરેનું નિરૂપણ છે. આ શુલ્બસૂત્રનો બીજો ખંડ કાતીય પરિશિષ્ટ કહેવાય છે. આ એક વ્યવસ્થિત શુલ્બસૂત્ર છે. બૌધાયન શુલ્બ બધાંમાં મોટું છે. તેમાં ગાર્હપત્ય અને છંદશ્ચિતિની રચનાનું વિશેષ નિરૂપણ છે. કામ્યેષ્ટિઓ માટેની વિવિધ વેદિઓનું પ્રમાણ અને રચનાનું પણ તેમાં નિરૂપણ છે.

આપસ્તમ્બ શુલ્બસૂત્ર એ સમગ્ર આપસ્તમ્બ કલ્પનો એક ભાગ છે. અન્ય પણ ઘણાં શુલ્બસૂત્રોનો નામોલ્લેખ મળે છે. તે રચનાઓ હજી પ્રાપ્ત થઈ નથી. માનવ, મૈત્રાયણી, વારાહ વગેરે શુલ્બસૂત્રો નામમાત્રથી જ પરિચિત છે. હસ્તલિખિત સંગ્રહોના ભંડારોમાં તે હોવાની સંભાવના છે. ટીકાકારોના વિશદ વિવરણ વિના શુલ્બસૂત્રો સમજવાં કઠિન છે.

નટવરલાલ યાજ્ઞિક