હર્ષગુપ્ત : ઉત્તરકાલીન ગુપ્તવંશનો ઈસુની છઠ્ઠી સદીમાં થયેલો રાજા. મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત ઈ. સ. 550ના અરસામાં આવ્યો એ પછી ત્યાં અન્ય એક ગુપ્તકુલની સત્તા સ્થપાઈ હતી. આ અન્ય ગુપ્તકુલના રાજાઓ ‘ઉત્તરકાલીન ગુપ્તો (Later Guptas) તરીકે ઓળખાય છે. બિહારના ગયા શહેર પાસેના અફસદ ગામમાંથી મળેલા એક અભિલેખમાં આ ઉત્તરકાલીન ગુપ્તવંશના નીચેના આઠ રાજાઓની માહિતી મળે છે :
(1) કૃષ્ણગુપ્ત, (2) હર્ષગુપ્ત, (3) જીવિતગુપ્ત, (4) કુમારગુપ્ત, (5) દામોદારગુપ્ત, (6) મહાસેનગુપ્ત, (7) માધવગુપ્ત, (8) આદિત્યસેન.
આમાં પ્રથમ રાજા કૃષ્ણગુપ્તની આગળ ‘નૃપ’ બિરુદ લગાડવામાં આવ્યું છે અને બીજા રાજાઓનાં નામ આગળ પણ એવાં જ બિરુદો લગાડવામાં આવ્યાં છે. આ અભિલેખમાંથી જાણવા મળે છે કે હર્ષગુપ્ત ઉત્તરકાલીન ગુપ્ત રાજવંશનો બીજો રાજા હતો. એના પુરોગામી રાજા કૃષ્ણગુપ્ત તરફથી એને જે રાજસત્તા મળી તે એણે જાળવી રાખીને એના અનુગામી જીવિતગુપ્તને વારસામાં આપી. આ રાજાઓ ગુપ્ત સમ્રાટોના સામંતો હતા કે એમનાથી અલગ થઈને એમણે સ્વતંત્ર રાજ્ય સ્થાપ્યું હતું તે જાણવા મળતું નથી. અફસદ અભિલેખમાં આ વંશના પ્રથમ ત્રણ રાજવીઓની એટલે કે કૃષ્ણગુપ્ત, હર્ષગુપ્ત અને જીવિતગુપ્તની લશ્કરી સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. તેથી અન્ય બે રાજાઓની માફક હર્ષગુપ્ત પણ પ્રતાપી રાજા હતો એમ માની શકાય. આ ઉત્તરકાલીન ગુપ્ત રાજાઓને મૌખરિ વંશના રાજાઓ સાથે સતત સંઘર્ષો થયા હતા.
આમ, હર્ષગુપ્ત ઉત્તરકાલીન ગુપ્ત રાજવંશના આઠ રાજવીઓમાંનો, ઈસુની છઠ્ઠી સદીમાં થઈ ગયેલો એક પરાક્રમી રાજવી હતો. એણે મગધમાં રહીને રાજ્ય કર્યું હશે એમ માની શકાય.
મુગટલાલ પોપટલાલ બાવીસી