હર્ષકો એવરામ (જ. 31 ડિસેમ્બર 1937, કર્કાગ (Karcag), હંગેરી) : 2004ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પુરસ્કારના સહવિજેતા ઇઝરાયેલી વૈજ્ઞાનિક. હિબ્રૂ યુનિવર્સિટીની હદાસાહ (Hadasah) મેડિકલ સ્કૂલમાં અભ્યાસ કરી હર્ષકોએ 1965માં એમ.ડી.ની અને 1969માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી હતી. 1972માં તેઓ ટેકનિયૉન (Technion), ઇઝરાયેલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી, હૈફામાં જોડાયા અને 1998માં પ્રાધ્યાપક બન્યા. હર્ષકો અને તેમની સાથેના નોબેલ પુરસ્કારવિજેતા અન્ય બે વૈજ્ઞાનિકો, સાઇકેનોવર અને રોઝે તેમનું સંશોધનકાર્ય 1970ના દાયકાના ઉત્તરાર્ધ અને 1980ના દાયકાની શરૂઆતમાં ફૉક્સ ચેઝ (Fox Chase) કૅન્સર સેન્ટર, ફિલાડેલ્ફિયા ખાતે કર્યું હતું.

એવરામ હર્ષકો

મોટા ભાગના સજીવોમાંના કોષો અણવાંછિત પ્રોટીનોને ઉબિક્વિટિન-મધ્યસ્થી દ્વારા કેવી રીતે વીણી કાઢીને દૂર કરે છે તેની ક્રિયાવિધિની શોધ બદલ હર્ષકો, સાઇકેનોવર અને રોઝને 2004ના વર્ષનો રસાયણશાસ્ત્ર માટેનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. આ ક્રિયાવિધિમાં એક એવી પ્રવિધિ સંકળાયેલી છે કે જેમાં અણવાંછિત પ્રોટીનોને ચિહનિત કરવામાં આવે છે. (જુઓ : સાઇકેનોવર, આરોન જે. અને ઇરવિન રોઝ).

પ્ર. બે. પટેલ