સંમોહન (hypnotism) : એક મનશ્ચિકિત્સા-પ્રક્રિયા. જગતમાં બનતી કેટલીક ઘટનાઓ રહસ્યમય લાગતી હોય છે; પરંતુ જ્યારે બનતી ઘટનાઓ વિશે વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા કાર્ય-કારણની સ્પષ્ટતા કરવામાં આવે છે ત્યારે તે વિશિષ્ટ ઘટના રહસ્યમય રહેતી નથી. તે એક વૈજ્ઞાનિક તથ્ય બની જાય છે.
જગતમાં ચમત્કાર જેવી કોઈ બાબત જ નથી, ફક્ત તેના કાર્ય-કારણ સંબંધથી અજ્ઞાત હોવાથી અમુક બનાવ કે ઘટના ચમત્કાર જેવી લાગે છે. સંમોહન વિશે પણ મોટાભાગના સામાન્ય માનવીઓ આવું જ કંઈક વિચારતા હોય છે. તેઓ સંમોહનને કોઈ જાદુ કે મેલી વિદ્યા ગણે છે. તંત્ર-મંત્ર જેવી લેખે છે. તેને સાધનાનો વિષય માને છે. તેને ગૂઢ રહસ્યમય ઘટના ગણે છે; પરંતુ મનશ્ચિકિત્સકો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી સંમોહનની ઘટનાને સમજવાનો અને તેનો ખુલાસો – તેનું સ્પષ્ટીકરણ આપવાનો પ્રયત્ન કરે છે.
સંમોહન માટેનો અંગ્રેજી શબ્દ ‘hypnosis’ એ ગ્રીક શબ્દ ‘hypnos’ પરથી ઊતરી આવ્યો છે. તેનો અર્થ ‘કૃત્રિમ નિદ્રા’ એવો થાય છે. ગુજરાતીમાં સંમોહનના નામથી બધા પરિચિત છે. સંમોહન એક મનશ્ચિકિત્સા પ્રક્રિયા છે; જેના દ્વારા ચેતનાના સ્તરોને અને કેટલીક માનસિક સમસ્યાઓને સમજાવી શકાય છે અને તેનું નિદાન કરી શકાય છે. તેથી તેનો મનોપચારની પદ્ધતિઓમાં સમાવેશ કરવામાં આવેલ છે.
સંમોહનનો પૂર્વ–ઇતિહાસ : સંમોહનનો ઇતિહાસ ઘણો જૂનો છે. એમ કહી શકાય કે માનવીની ઉત્પત્તિ થઈ ત્યારથી જ માનવીને માનવીમાં રસ પડ્યો અને તેના વર્તનને જાણવાનો તેણે પ્રયત્ન શરૂ કર્યો. યુનાન અને ભારતમાં અનેક સંત-ફકીરો સંમોહનનો ચિકિત્સામાં ઉપયોગ કરતા હતા. સંમોહનવિદ્યા વિશેનો ઉલ્લેખ મિસરના સમયમાં પણ જોવા મળે છે. તે સમયના નિદ્રામંદિરો(sleep temples)માં રોગીઓની સારવાર માટે ધર્મગુરુઓ સંમોહનનો ઉપયોગ કરતા હતા. રોમન ચિકિત્સક એસ્ક્યુલેપિયસ પણ રોગીઓને કૃત્રિમ નિદ્રામાં લાવી રોગનું નિદાન કરતા હતા. આમ ઇજિપ્ત, પર્શિયા, ગ્રીસ અને રોમમાં ધર્મના એક ભાગ રૂપે સંમોહનને માન્યતા મળી હતી.
ઈ. સ. 1734માં ફ્રાન્ઝઍન્ટોન મેસ્મરનો જન્મ વિયેનામાં થયો હતો. ઈ. સ. 1765માં વિયેના યુનિવર્સિટીમાંથી ચિકિત્સાશાસ્ત્રમાં તેમણે પદવી પ્રાપ્ત કરી. તેમનો મત હતો કે સમગ્ર વાયુમંડળમાં કોઈ રહસ્યમય ચુંબકીય તત્ત્વ વ્યાપક પ્રમાણમાં અસ્તિત્વ ધરાવે છે. તેની અસર માનવીમાં રહેલ ચુંબકીય તત્ત્વ પર થાય છે. તેઓ ઘણા દર્દીઓને એક હોજની ફરતે બેસાડતા અને હોજમાં પ્રવાહી ભરવામાં આવતું. દર્દી તેનો સ્પર્શ કરીને બેસતા, ત્યારબાદ મેસ્મર તે પ્રવાહીમાં એક ધાતુની પટ્ટીને મૂકી દર્દીઓના તેમના રોગનાં લક્ષણો અનુસાર શરીરને સ્પર્શ કરી માર્જન આપતા. આ પદ્ધતિથી ઘણા દર્દીઓ સ્વસ્થ બનતા. તેમના નામ પરથી આ પ્રયોગને ‘મેસ્મેરિઝમ’ એવું નામ આપવામાં આવ્યું. તેમની આ પદ્ધતિની પ્રક્રિયા ‘એનિમલ મેગ્નેરિઝમ’ તરીકે ઓળખાતી હતી. તેમની ખ્યાતિ વધવા માંડી અને વિયેનાના તબીબોને તેમની ઈર્ષા થવા લાગી. તેમની વિરુદ્ધ એક તબીબી કમિટી નીમવામાં આવી. સંશોધકોએ એવું અનુમાન બાંધ્યું કે દર્દીનો રોગ મટાડવા માટે ચુંબકીય તત્ત્વ જવાબદાર નથી; પરંતુ સારવાર દરમિયાન જે સૂચનો આપવામાં આવતાં તેની અસરથી દર્દી સ્વસ્થ બનતા હતા. અંતે મેસ્મરને વિયેના છોડી દેવું પડ્યું. ત્યારબાદ મેસ્મર ઈ. સ. 1781માં બેલ્જિયમ ગયા. ફરી ઈ. સ. 1784માં ફ્રાન્સ આવ્યા. ત્યારબાદ કંટાળીને સ્વિટ્ઝર્લૅન્ડ જતા રહ્યા. આ દરમિયાન મેસ્મરની ખ્યાતિ બધે ફેલાઈ ગઈ હતી. ઈ. સ. 1815માં મેસ્મરનું મૃત્યુ થયું.
સંમોહન-પદ્ધતિના વિકાસમાં મહત્ત્વપૂર્ણ કાર્ય ઇંગ્લૅન્ડમાં ડૉ. જૉન ઇલિયટ્સને લંડન યુનિવર્સિટીમાં શરૂ કર્યું. તેમણે માનસિક રોગીઓની સારવાર માટે સંમોહનનો ઉપયોગ કર્યો. ઈ. સ. 1843માં જેમ્સ બ્રેઇડે મેસ્મેરિઝમની સાચી સમજ આપી અને તેને સંમોહન (hypnosis) એવું નામ આપ્યું. એક ચિકિત્સા-પદ્ધતિ તરીકે તેનો વિકાસ થયો. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ વ્યક્તિ કોઈ એક વસ્તુ તરફ દૃષ્ટિ કેન્દ્રિત કરી એકીટશે જોયા કરે તો વ્યક્તિના ચેતાતંતુઓ શિથિલ બની જાય છે અને વ્યક્તિ ચેતાકીય ઊંઘમાં સરી જાય છે. આ સાથે સૂચનોની અસરથી તેના અર્ધચેતન મન સાથે અભિસંધાન થાય છે. આને તંદ્રાવસ્થા (trance) કહેવામાં આવે છે. ડૉ. જેમ્સ બ્રેઇડે તેને ‘ચેતાકીય સંમોહન’ (nervous sleep) એવું નામ આપ્યું.
ડૉ. લ્યુબેલ્ટે (Dr. Lieubault) ઈ. સ. 1823-1904 દરમિયાન ‘Nancy School of Hypnotism’ની સ્થાપના કરી. પ્રો. શારકો(Charcot)એ ઈ. સ. 1825-1893 દરમિયાન ફ્રાન્સમાં ‘Salpetriere School of Hypnotism’ની સ્થાપના કરી. ડૉ. બર્નહીમ(Dr. Bernheim : ઈ. સ. 1840-1919)નો પણ આ ક્ષેત્રમાં મહત્ત્વનો ફાળો છે.
ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડ (ઈ. સ. 1856-1939) કે જેઓ ડૉ. લ્યુબેલ્ટ અને બર્નહીમના વિદ્યાર્થી હતા તેમણે ડૉ. શારકો સાથે પણ આ ક્ષેત્રમાં કામગીરી બજાવી. આજે પણ ડૉ. સિગમન્ડ ફ્રૉઇડનો મનશ્ચિકિત્સાના ક્ષેત્રમાં ખૂબ જ મૂલ્યવાન ફાળો કહી શકાય, તેવા મહાન ડૉ. ફ્રૉઇડે સંમોહનનો ઉપયોગ સૌમ્ય મનોવિકૃતિ ધરાવનાર અને ઉન્માદના દર્દીઓની સારવાર માટે એક ચિકિત્સા-પદ્ધતિ તરીકે કર્યો અને અનેક દર્દીઓને સાજા કર્યા. મનશ્ચિકિત્સાના ક્ષેત્રમાં ડૉ. ફ્રૉઇડને મનશ્ચિકિત્સાના પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ સૈનિકોની માનસિક સમસ્યાઓના ઉકેલ માટે સંમોહનનો ઉપયોગ થયાનો ઉલ્લેખ છે.
આ સમય દરમિયાન ઇંગ્લૅન્ડમાં ઘણા તબીબોએ સંમોહનનો ઉપયોગ ચિકિત્સાના ક્ષેત્રમાં શરૂ કર્યો. લંડન યુનિવર્સિટી અને રૉયલ મેડિકલ સોસાયટીના પ્રમુખ, પ્રોફેસર ઑવ્ મેડિસીન એવા ડૉ. જૉન ઇલિયટ્સને (Jhon Elliotson) સંમોહનના ક્ષેત્રમાં ઘણી અગત્યની કામગીરી બજાવી છે. તેઓ શારીરિક અને માનસિક રોગીઓની સારવાર માટે સંમોહનનો ઉપયોગ કરતા હતા.
કોલકાતામાં ઈ. સ. 1808-1859 દરમિયાન ડૉ. જેમ્સ બ્રેઇડના શિષ્ય ડૉ. જેમ્સ એસ્ડેઇલે (James Esdaile of Edinburgh) 300થી પણ વધારે શસ્ત્રક્રિયાઓ કરી. દંતચિકિત્સા અને પીડારહિત પ્રસૂતિ માટે પણ સંમોહનનો ચિકિત્સા તરીકે ઉપયોગ કરવામાં આવે છે.
સંમોહનનો વૈજ્ઞાનિક અર્થ અને સમજૂતી : સંમોહન એટલે સૂચન-અવસ્થાની ઉચ્ચતમ કક્ષા. આ કક્ષાને તંદ્રાવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજા અર્થમાં સંમોહનની સ્થિતિ એ ચેતનાની બદલાયેલી સ્થિતિ છે, જેને અર્ધ-ચેતન મનની અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી સ્થિતિ સંમોહનકર્તાનાં સૂચનો દ્વારા કે વ્યક્તિ સ્વસૂચનો આપીને ઊંઘ જેવી પરિસ્થિતિમાં આવે છે. આવાં સૂચનો ક્રમશ: અને મનોવૈજ્ઞાનિક હોય છે. ટૂંકમાં સંમોહન એ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે; જે સંપૂર્ણ જાગ્રત અને ઊંઘ વચ્ચેની એક મનની સ્થિતિ છે. સંમોહનની ઘટનાને સમજવા માટે મનના સ્તર વિશે જાણવું જરૂરી છે.
ડૉ. સિગ્મન્ડ ફ્રૉઇડના મત અનુસાર મનના સ્તર નીચે પ્રમાણે છે :
(1) જાગ્રત મન (conscious mind) : જ્યારે વ્યક્તિ પોતાના રોજિંદા જીવનવ્યવહાર, બુદ્ધિ અને વિવેકપૂર્વક સમાજનાં નીતિ-નિયમો-ધોરણો સંસ્કૃતિને ધ્યાનમાં રાખી વર્તન કરે છે તેને જાગ્રત મન દ્વારા થતું વર્તન કહી શકાય. આ સ્થિતિમાં વ્યક્તિ સંપૂર્ણ જાગ્રત અને સભાન હોય છે.
(2) અર્ધ-જાગ્રત મન (sub-conscious mind) : અર્ધજાગ્રત મનની સ્થિતિ વિશે સ્પષ્ટતા કરવી હોય તો એમ કહી શકાય કે, વ્યક્તિ ઊંઘ દરમિયાન જે સ્વપ્નાવસ્થાનો અનુભવ કરે છે તે અને સંમોહનની સ્થિતિ બંને અર્ધ-જાગ્રત મનની અવસ્થા છે. પરંતુ તાર્કિક તફાવત એ છે કે, સંમોહન-અવસ્થા એ જાગ્રત અને ઊંઘ બંને વચ્ચેની એક સ્થિતિ છે; જેથી તેને તંદ્રાવસ્થા કહે છે.
(3) અજાગ્રત મન (unconscious mind) : ડૉ. ફ્રૉઇડના મત અનુસાર વ્યક્તિના મનનો મહત્તમ આંતરિક હિસ્સો અજાગ્રત મનનો છે. અચેતન મનમાં બાળપણની સ્મૃતિઓ, અનુભવો, વિશિષ્ટ છાપો, વિકૃત વર્તનનાં કારણો, અપેક્ષાઓ, અતૃપ્તિઓ, નિરાશાઓ, આઘાતજનક બનાવો કે ઘટનાઓ વગેરે છુપાયેલાં હોય છે; જે ક્યારેક વર્તન-વિકૃતિઓરૂપે જાગ્રત મનની અવસ્થામાં પ્રદર્શિત થાય છે. કેટલાક દર્દીઓ ભ્રમ-વિભ્રમ અનુભવે છે. દેખીતા કારણ વગર હસે છે, રડે છે, બૂમો પાડે છે, ચેનચાળા કરે છે, બબડે છે, અપશબ્દો બોલે છે, બીક અનુભવે છે, ગુસ્સે થાય છે કે કોઈ વ્યક્તિ પર હુમલો કરી બેસે છે. આ પ્રકારના વર્તનનું કારણ અજાગ્રત મન છે. અસાધારણ વર્તનનું કારણ જાણવા, સમજવા અને નિદાન તથા ચિકિત્સા માટે સંમોહન એક ચિકિત્સાત્મક સાધન છે.
અત્રે યાદ રહે કે મનના આ ત્રણ વિભાગ છૂટા પાડીને દર્શાવી શકાતા નથી. તે ફક્ત કલ્પિત પ્રકારો (hypothetical types) છે. ડૉ. ફ્રૉઇડની આ સમજૂતીના વિરોધમાં સજ્જડ પુરાવા મળી શક્યા નથી; તેથી જ ડૉ. ફ્રૉઇડના આ સિદ્ધાંતને ચિકિત્સા-મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં આગવું પ્રદાન માનવામાં આવે છે.
સંમોહન–પ્રક્રિયા : સંમોહન એ સંમોહનકર્તા (hypnotist) અથવા સ્વ (self) દ્વારા વિધેય (subject) અથવા પોતાને અનુભવ કરાવતી સૂચનાવસ્થાની ઉચ્ચતમ માનસિક સ્થિતિ છે. શિથિલ અવસ્થામાં ધ્યાન કેન્દ્રીકરણની સાથે સૂચનો અગત્યનો ભાગ ભજવે છે. સંમોહન-અવસ્થામાં અર્ધ-ચેતન મન કાર્યશીલ રહે છે.
સૂચનવશતા એ મનની સામાન્ય લાક્ષણિકતા છે; દા.ત., મનુષ્યો વારંવાર દૂરદર્શનના કાર્યક્રમો જોતી વખતે જોવાતી જાહેરખબરોથી પ્રેરાઈને અમુક વસ્તુ જ બજારમાંથી ખરીદે છે. બાળકને બાળપણથી ચોક્કસ રીતભાતો, વ્યવહાર-વર્તન કરવા સૂચનો આપે છે. ‘ઈશ્વર’ વિશેના ખ્યાલો (concepts) પણ સૂચન દ્વારા જ મનુષ્યોના મનમાં દૃઢીભૂત થાય છે. મનુષ્ય પોતાના વ્યક્તિત્વને ચોક્કસ ઢાંચામાં તૈયાર કરવા પણ પોતાનાં સ્વસૂચનો આપે છે. જાતિગત ભેદભાવો, પૂર્વગ્રહો, સારી-નરસી ભાવનાઓ, મનોવલણો અને પાપ-પુણ્યના ખ્યાલો સૂચનનું જ પરિણામ છે.
સંમોહનની સ્થિતિ સૂચન દ્વારા જ પેદા કરવામાં આવે છે. એકના એક પદ્ધતિસરના ચોક્કસ અવાજ દ્વારા અપાતાં સૂચનો વ્યક્તિના મન પર અસર કરે છે અને વ્યક્તિ ધીરે ધીરે અર્ધ-ચેતન અવસ્થામાં સરી પડે છે; જેને તંદ્રાવસ્થા કહેવામાં આવે છે. અર્ધ-ચેતન મનની આ અવસ્થામાં સ્વયંસંચાલિત મજ્જાતંત્ર કાર્યરત હોય છે. મોટાભાગની વ્યક્તિઓ સામાન્ય સંજોગોમાં સૂચનવશ હોય છે અને તેથી જ સંમોહિત થઈ શકે છે. વ્યક્તિગત ભિન્નતાને કારણે કેટલીક વ્યક્તિઓ ઝડપથી સંમોહિત થાય છે, જ્યારે કેટલાકને આ સ્થિતિ પ્રાપ્ત કરવામાં થોડો વધુ સમય લાગે છે.
ટૂંકમાં, સંમોહન એ બે વ્યક્તિઓ સંમોહનકર્તા અને વિધેય (hypnotist and subject) અથવા પોતાની જાત (self) સાથેની આંતરક્રિયા છે. ક્યારેક જૂથસંમોહનમાં વધુ વ્યક્તિઓ પણ હોઈ શકે છે.
સંમોહન–અવસ્થા લાવવાની રીત–પદ્ધતિ : સંમોહનની સ્થિતિ નિપજાવવા માટે ઘણી પદ્ધતિઓ છે; છતાં કેટલીક પદ્ધતિઓ નીચે પ્રમાણે છે. મુખ્ય તો સૂચન જ અગત્યનો ઘટક છે.
(1) કોઈ પણ પ્રકારની પ્રકાશિત વસ્તુ તરફ ધ્યાન કેન્દ્રિત કરાવીને,
(2) સંમોહનકર્તાની આંખોમાં પ્રયોજ્યનું ધ્યાન કેન્દ્રિત કરાવીને,
(3) ચોક્કસ સમયના અંતરે થતા હલન-ચલન કે અવાજ પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરાવીને,
(4) સ્પર્શસંવેદન દ્વારા,
(5) નિદ્રા આવે તેવી ઔષધિ (drug) કે ઇન્જેક્શનનો ઉપયોગ કરીને,
(6) સંગીતના આહ્લાદક સૂરો સંભળાવીને,
(7) ગણતરીની પદ્ધતિ દ્વારા,
(8) આરામ(relaxation)ની પદ્ધતિ દ્વારા.
સંમોહન નિપજાવવાની અનેક પદ્ધતિઓ હોવા છતાં કયા સમયે પાત્ર સાથે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવો તે વ્યક્તિની આવડત, અનુભવ, વૈજ્ઞાનિક જ્ઞાન અને પરિસ્થિતિ પર નિર્ધારિત છે.
સામાન્ય રીતે પ્રયોજ્યને આરામદાયક સ્થિતિમાં બેસવાનું કે સૂવાનું કહેવામાં આવે છે. જેમાં ઊંડા શ્વાસોચ્છ્વાસ લઈ પ્રથમ શરીરને શિથિલ બનાવવાનું સૂચન અપાય છે. ત્યારબાદ કોઈ પણ બાબત પરત્વે ધ્યાન કેન્દ્રિત કરવા પદ્ધતિસરનાં મનોવૈજ્ઞાનિક સૂચનો આપવામાં આવે છે. આ સૂચનો અસરકારક પરિસ્થિતિ પેદા કરે છે અને સંમોહનની સ્થિતિમાં વ્યક્તિને પહોંચાડી દે છે.
સંમોહન-પ્રક્રિયામાં સૂચનની મુખ્ય બે પદ્ધતિઓ છે :
(1) પ્રભાવશાળી પદ્ધતિ (dominant method);
(2) સહકારયુક્ત પદ્ધતિ (recessive method).
જ્યારે મંચ ઉપર એકસાથે અનેક વ્યક્તિઓને સંમોહિત કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે તે પદ્ધતિને પ્રભાવશાળી પદ્ધતિ કહે છે. એટલે કે પ્રભાવશાળી અવાજ અને વ્યક્તિત્વ મંચ પર જરૂરી બની જાય છે. સાથે સાથે આ વિષયનું વૈજ્ઞાનિક જ્ઞાન, આત્મવિશ્વાસ અને વર્તનની સમજ હોવાં જરૂરી છે. જરૂર પડે ત્યારે અવાજમાં તીવ્રતા કે મધુરતા લાવી પ્રયોગપાત્ર સાથે સાયુજ્ય સ્થાપી સૂચનોની અસર પેદા કરવામાં આવે છે. મંચ પર નિદર્શન કરનાર મનોવિજ્ઞાનનો અથવા તબીબી વિષયનો નિષ્ણાત હોવો જોઈએ.
સહકારયુક્ત પદ્ધતિ મુખ્યત્વે સંમોહન-ચિકિત્સા દરમિયાન ઉપયોગમાં લેવામાં આવે છે. દર્દી ઉપર વ્યક્તિગત રીતે સંમોહનની અસર પેદા કરવા માટે, રોગનું નિદાન અને ચિકિત્સા માટે આ પદ્ધતિ વપરાય છે. સંમોહન-સ્થિતિમાં દર્દીના રોગનાં કારણો જાણી, તેનું નિદાન કરી, પછી અસરકારક સૂચનો આપવામાં આવે છે; જેથી દર્દી ચોક્કસ બેઠકો બાદ સ્વસ્થ બની સમાજમાં સુસમાયોજન કરી શકે છે. ફક્ત માનસિક સમસ્યાઓથી પીડાતી વ્યક્તિ જ સંમોહન-ચિકિત્સાનો લાભ લઈ શકે છે તેવું નથી. સામાન્ય વ્યક્તિ પણ પોતાની આંતરિક શક્તિઓનો અને વ્યક્તિત્વનો વિકાસ કરી શકે તે માટે પણ સંમોહન ઉપયોગી બને છે.
સંમોહન–અવસ્થાના પ્રકારો : (1) અત્યંત મંદ અવસ્થા (light trance or lethargic state) : આ અવસ્થામાં શરીર શિથિલ થઈ જાય છે, આંખો થાકી જાય છે, અને છેવટે બંધ થઈ જાય છે. વ્યક્તિ ઊંઘનો અનુભવ કરે છે, તેની ચેતના લુપ્ત થઈ હોતી નથી તેથી સૂચનો સાંભળી શકે છે. પરંતુ પોતાની રીતે કોઈ પણ પ્રકારનું હલનચલન કરવાનું મન થાય છતાં તે હલનચલન કરી શકતો નથી. શિથિલ અવસ્થામાં પડી રહે છે. શ્વાસોચ્છ્વાસ ધીરે ધીરે ચાલતો હોય છે. આનંદની અને શાંતિની અનુભૂતિ કરે છે.
(2) મંદ અવસ્થા (somnambulism state) : આ અવસ્થામાં પ્રયોજ્યના સ્નાયુઓ સ્થિતિસ્થાપક બની જાય છે. સૂચનોની અસરથી ભ્રમ-વિભ્રમ અનુભવે છે. સૂચનોની અસરથી શરીરના સંવેદન પર અસર કરી શકાય છે. શરીરના અવયવોને ચોક્કસ સ્થિતિમાં સૂચન પ્રમાણે રાખી શકાય છે. નિદ્રાભ્રમણ જેવી સ્થિતિ ઉત્પન્ન થાય છે. પાંચ પ્રકારની જ્ઞાનેન્દ્રિયો ઉપર અસર પેદા કરી શકાય છે.
(3) તીવ્ર કે ઊંડી અવસ્થા (deep trance or cataleptic trance) : આ અવસ્થામાં દર્દી સંમોહનની ઊંડી અસર નીચે હોય છે. સૂચનની ખૂબ ગાઢ અસર જોવા મળે છે. દર્દીની આંખો ખુલ્લી હોય તોપણ સંમોહન અસર નીચે હોય છે. ભ્રમ-વિભ્રમ અનુભવે છે. અતિ સંવેદનશીલતા કે સંવેદનન્યૂનતા ઉત્પન્ન કરી શકાય છે. અલ્પ સમય માટે યાદદાસ્ત ચાલી જાય છે. સૂચન આપતાં ફરીથી હોય તેવી જ યાદદાસ્ત પાછી લાવી શકાય છે. હાથ પર કે શરીરના કોઈ પણ ભાગ ઉપર ‘સંવેદના ચાલી ગઈ છે અથવા સંવેદનાનો અનુભવ થઈ શકશે નહિ’ તેવાં સૂચનો આપવાથી સંવેદનનું પ્રત્યક્ષીકરણ થતું નથી. શરીરને જડ (cataleptic) લાકડા જેવું બનાવી શકાય છે. સંમોહન દરમિયાન આપવામાં આવેલ સૂચનો કે કરેલાં કાર્યો જાગ્રત થયા પછી યાદ હોતાં નથી; પરંતુ સંમોહનની અસર નીચે આપેલાં પશ્ર્ચાત્ સૂચનો (post-hypnotic) અસરકારક રીતે કાર્ય કરે છે; છતાં વ્યક્તિને તેની ખબર હોતી નથી. આને post-hypnotic amnesia પણ કહેવામાં આવે છે એટલે કે સંમોહન પછીનો સ્મૃતિભ્રંશ.
આ રીતે જોવા જઈએ તો આ પદ્ધતિએ ચિકિત્સાનું મહત્ત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ, મન:શારીરિક રોગો, સૌમ્ય મનોવિકૃતિઓ, મનોજાતીય તકલીફો વગેરે દૂર કરવામાં આ પદ્ધતિ ખૂબ જ અસરકારક નીવડે છે.
બ્રિટિશ તબીબી મંડળે 1953માં અને અમેરિકન મનશ્ચિકિત્સા મંડળે 1956માં સંમોહન-ચિકિત્સાને એક મનશ્ચિકિત્સા તરીકેનો દરજ્જો આપ્યો છે. આજે દરેક ક્ષેત્રમાં સંમોહનપદ્ધતિનો વ્યાપક ઉપયોગ થઈ રહ્યો છે; પરંતુ આ પદ્ધતિનો ઉપયોગ અગાઉ જણાવ્યા પ્રમાણે મનોવિજ્ઞાનના નિષ્ણાત કે તબીબ દ્વારા જ થવો હિતાવહ છે, ઉચિત છે.
સામાન્ય રીતે નીચે મુજબના ખોટા ખ્યાલો સંમોહન અંગે પ્રવર્તે છે, જે દૂર કરવા જરૂરી છે :
સંમોહન એ જાદુ કે મેલીવિદ્યા છે.
– દૃઢ મનોબળ (will power) ધરાવનાર સંમોહિત થઈ શકે નહિ.
– સંમોહન ત્રાટક છે, તેના માટે સખત સાધના કરવી પડે છે.
– સંમોહન નબળા મનની વ્યક્તિ ઉપર જ થાય.
– વધુ બુદ્ધિશીલ વ્યક્તિઓ ક્યારેય સંમોહિત થઈ શકતી નથી.
– સંમોહનમાંથી ફરી મૂળ સ્થિતિ લાવવી મુશ્કેલ છે.
– સંમોહનથી હમેશાં પરાધીનતા રહે છે.
– સંમોહનની આડઅસરો થાય છે.
– સંમોહનથી ધારીએ તે કાર્ય વ્યક્તિ પાસે કરાવી શકાય છે; પછી ભલે તે અનૈતિક હોય.
– વ્યક્તિની ઇચ્છા વિરુદ્ધ સંમોહન કરી શકાય છે, કે ફોટા ઉપરથી સંમોહન કરી શકાય છે.
– માત્ર સંમોહન વિશે જાણવાથી તેના નિષ્ણાત બની શકાય છે અને ઉપચાર કરી શકાય છે.
– સંમોહનની અવસ્થામાં વ્યક્તિ બેભાન બની જાય છે અને તેને કશું જ યાદ રહેતું નથી.
સંમોહનની અવસ્થા દરેક વ્યક્તિ અને તેના વ્યક્તિત્વ તથા મનના સ્તરની સ્થિતિ પર આધારિત છે. ક્યારેક વ્યક્તિને સંમોહન-અવસ્થામાં કરેલાં કાર્યો યાદ રહે છે, ક્યારેક અને કેટલાંક કાર્યો યાદ રહેતાં નથી; જ્યારે વ્યક્તિ તીવ્ર-ઊંડી સંમોહન-સ્થિતિમાં હોય તો તે સ્થિતિમાં કરેલાં કાર્યો યાદ રહેતાં નથી; પરંતુ મંદ સંમોહન-સ્થિતિમાં કરેલાં કાર્યો સ્વપ્નની જેમ યાદ રહેતાં હોય છે.
સંમોહન–ચિકિત્સાના ઉપયોગો : સંમોહન એક મનોવૈજ્ઞાનિક પ્રમાણભૂત ચિકિત્સાપદ્ધતિ છે; પરંતુ આની સલામતી અને સફળતાનો આધાર તેનો ઉપયોગ કરનારની કુશળતા અને મનોવિજ્ઞાનના જ્ઞાન પર આધારિત છે. આનો ઉપયોગ મનશ્ચિકિત્સા કે મનોવિજ્ઞાનના ક્ષેત્રની નિષ્ણાત વ્યક્તિ દ્વારા જ થવો જોઈએ.
સંમોહનનો ચિકિત્સા તરીકેનો ઉપયોગ નીચે દર્શાવેલ માનસિક સમસ્યાઓના નિવારણ માટે થઈ શકે છે.
(અ) સૌમ્ય મનોવિકૃતિઓ (psychoneuroses) :
(1) વ્યગ્રતા-વિકૃત ચિંતા (anxiety neuroses)
(2) હતાશા-નિરાશા-નિષ્ક્રિયતા (depression)
(3) વિકૃત જાતિ-ભય (phobia)
(4) ઉન્માદ (hysteria)
(5) અનિદ્રા (insomnia)
(6) અનિવાર્ય વિચારદબાણ અને અનિવાર્ય ક્રિયાદબાણ (obsessive complusive reaction)
(7) મનોભાર માનસિક તાણ (stress)
(બ) મનોજાતીય સમસ્યાઓ (psychosexual problems) :
(1) લગ્નજીવનમાં જાતીય સમસ્યાઓ (sexual problems in marital life)
(2) માનસિક કારણથી કે અજ્ઞાનને લીધે જાતીય જીવનમાં ઉદ્ભવતી નપુંસકતા (impotency)
(3) સ્ત્રીઓમાં જાતીય ક્રીડા અંગે શિથિલતા અથવા જાતીય શીતતા-ઠંડાપણું (frigidity)
(4) જનનેન્દ્રિયની તકલીફો-ઉત્થાનની તકલીફ અને શીઘ્રપતન (lack of erection and premature ejaculation)
(5) જાતીય ગુનાની ભાવના-હસ્તમૈથુનને કારણે અનુભવાતી ગુનાની લાગણી (sexual guilt feeling)
(6) પીડાકારક સંભોગક્રિયા (painful intercourse).
(ક) મનોદૈહિક તકલીફો (psychosometic disorders) :
(1) આધાશીશી-માથાનો દુખાવો (migrain)
(2) પિત્ત અને જઠરમાં ચાંદું (acidity and peptic ulcer)
(3) લોહીનું ઊંચું દબાણ, હૃદયની કેટલીક તકલીફો કે જેમાં માનસિક તાણ જવાબદાર હોય (essential hypertension)
(4) કેટલાક ચામડીના રોગો (skin diseases)
(5) જાતીય અંગોમાં વેદના અને બળતરા (pain and burning feeling in sexual organs)
(6) આંતરડામાં ચાંદું (ulcerative colitis)
(7) અતિમેદસ્વીપણું (obesity and eating disorders)
(8) રજોનિવૃત્તિ સમયની માનસિક તકલીફો (manopausal syndroms)
(ડ) વ્યસનો (habit disorders) :
(1) વધુ પડતું ધૂમ્રપાન (excessive smoking)
(2) અસાધારણ મદ્યપાન (alchoholism)
(3) કેફી પદાર્થોનું સેવન (drugs addiction)
(4) અનિવાર્ય જુગાર માટેનું માનસિક દબાણ (patholagical gambling)
(ઇ) વિશિષ્ટ લક્ષણજન્ય પ્રતિક્રિયાઓ (special symptoms reaction) :
(1) નખ કરડવા, હોઠ કરડવા કે અંગૂઠો ચૂસવો (tics)
(2) વાણીની વિકૃતિઓ : તોતડાપણું, ભાષામાં અંતરાયો (speech disorders, stemmering)
(3) ઊંઘમાં પથારીમાં પેશાબ થઈ જવો (bed-wetting)
(4) બાળકોનું માતા-પિતા સાથેનું કુસમાયોજન (maladjustment in children-parental relationship).
આ ઉપરાંત સંમોહન-ચિકિત્સાના વિશિષ્ટ ઉપયોગો પણ જાણીતા છે :
– પીડારહિત પ્રસૂતિ કે પીડારહિત શસ્ત્રક્રિયા માટે ઉપયોગ
– સ્વનો વિકાસ (self-improvement)
– આત્મવિશ્વાસ વધારવા (will power – self confidence improvement) માટે
– લઘુતાગ્રંથિ (inferiority complex) દૂર કરવા
– યાદશક્તિ વધારવા – ધ્યાન કેન્દ્રિત કરવા માટે (memorry improvement and concentration)
– વિધેયાત્મક વલણ અને સુસમાયોજન કેળવવા માટે (to improve positive attitude and adjustment)
– સંગીત, નૃત્ય, કલા, ચિત્રકલા, અભિનય, રમત-ગમત, વાચન વગેરે સુષુપ્ત શક્તિઓને કેળવવા માટે મનોદશા (mood) સારી રહે તે માટે.
ઉપર્યુક્ત સંમોહનના ઉપયોગથી ઉત્કૃષ્ટ પરિણામો પ્રાપ્ત થઈ શકે છે. આ ચિકિત્સા સાથે મનોવૈજ્ઞાનિક સલાહ-માર્ગદર્શન પણ જરૂરી બને છે. આ માટે જરૂરી અનેક બેઠકો યોજવામાં આવે છે. વ્યક્તિને માનસિક-શારીરિક અને સામાજિક દૃષ્ટિએ સ્વસ્થ બનાવી શકાય છે. ચિકિત્સા-સારવાર મનોવૈજ્ઞાનિક પાસે કે વિષયના નિષ્ણાત એવા તબીબ પાસે જ લેવાય તો યથાયોગ્ય પરિણામ મેળવી શકાય છે.
આજે તબીબી અને મનોવિજ્ઞાનના અભ્યાસક્રમમાં ‘સંમોહન’ વિષયને વિધિપુર:સર સ્થાન આપવામાં આવ્યું છે.
આજની એકવીસમી સદીની આ સંમોહન-ચિકિત્સા પદ્ધતિ (hypnosis) એક અનિવાર્ય અને અસરકારક ઝડપી ચિકિત્સાપદ્ધતિ સાબિત થઈ છે તે નિર્વિવાદ છે.
પુરુષોત્તમ ઠાકરસી ભીમાણી
પ્રશાંત ભીમાણી
હેમાંગ દેસાઈ