સંભોગ, જાતીય (sexual intercourse) : નર અને નારી વચ્ચે જનનાંગો વડે થતો લૈંગિક સંબંધ. તેને સંભોગ (coitus) અથવા લૈંગિક સમાગમ (sexual intercourse) પણ કહે છે. તેના 5 તબક્કા છે  લૈંગિક ઇચ્છાને કાર્યાન્વિત કરવી (sexual drive), લૈંગિક ઉત્તેજના (sexual arousal), જનનાંગી જોડાણ (genital union), લૈંગિક પરાકાષ્ઠા (orgasm) અને પુરુષોમાં તેની સાથે વીર્યક્ષેપ (ejaculation) તથા શમન. લૈંગિક ઇચ્છાને કાર્યાન્વિત કરવાનો તબક્કો માનસિક રીતે નિયંત્રિત થાય છે. વ્યક્તિની લૈંગિક ઇચ્છા(કામેચ્છા)ને કાર્યાન્વિત કરવાની કક્ષાને આધારે વ્યક્તિને અતિકામી (over-sexed) અથવા અલ્પકામી (under-sexed) કહે છે. આ પ્રકારનું વર્ગીકરણ સાપેક્ષ છે; કેમ કે, તેમાં સ્ત્રી અને પુરુષની કામેચ્છાને એકબીજા સાથે સરખાવતાં વ્યક્તિ(સ્ત્રી અથવા પુરુષ)ને અતિ/અલ્પકામી કહે છે. જો બંનેની કામેચ્છા વધુ હોય પણ એકબીજા માટે સુસંગત હોય તો તેને સામાન્ય સ્થિતિ ગણવામાં આવે છે. અતિકામી પુરુષની સ્થિતિને અતિનરકામિતા (satyriasis) કહે છે અને તેવી સ્ત્રીની સ્થિતિને અતિનારીકામિતા (nymphomania) કહે છે.

લૈંગિક ઉત્તેજના (કામોત્તેજના, sexual arausal) વિવિધ પ્રકારની ઉત્તેજનાઓ વડે થાય છે. તેમાં દેહના વિવિધ ભાગોનું દર્શન, પહેરવેશ, વિવિધ પ્રકારનો અંગવિન્યાસ (posture), ઉચ્ચારણો, સ્પર્શ વગેરેનો સમાવેશ થાય છે. કામોત્તેજનાને કારણે પુરુષોમાં શિશ્નોત્થાન (erection of penis) અને સ્ત્રીઓમાં સ્ત્રીશિશ્નોત્થાન (erection of clitoris) થાય છે. આ માટે આ બંને સંરચનાઓમાં લોહીનું પરિભ્રમણ વધે છે અને લોહીનો ભરાવો થાય છે. સામાન્ય રીતે પુરુષો કરતાં સ્ત્રીઓમાં કામોત્તેજના થવાનો સમય વધુ રહે છે. કામોત્તેજનાનો સંબંધ વીર્યપુટિકા(seminal vesicle)નું વીર્ય ભરાવાથી પહોળા થવું અને તણાવું તેની સાથે છે; જ્યારે સ્ત્રીઓમાં ઋતુસ્રાવ ચક્રમાં ગમે તે ચોક્કસ સમયે થાય છે. ઉત્થાન પામેલા શિશ્નનો યોનિપ્રવેશ અને તાલબદ્ધ હલનચલન એ જનનાંગી જોડાણનો તબક્કો કરે છે. તે પરાકાષ્ઠાએ પહોંચે અને વીર્યક્ષેપ થાય ત્યાં સુધી ચાલે છે. પુરુષોમાં પરાકાષ્ઠા સમયે શિશ્નનું અને વીર્યપુટિકા(seminal vesicle)નું વારંવાર સંકોચન થાય છે. તેને કારણે વીર્યક્ષેપ થાય છે. તે સમયે શરીરના બધા જ સ્નાયુઓ પણ સંકોચાય છે. સ્ત્રીમાં પરાકાષ્ઠા સમયે અંડવાહિનીઓ, ગર્ભાશય, યોનિ, સ્ત્રીશિશ્ન અને આસપાસની સંરચનાઓ સંકોચાય છે. તે સમયે શરીરના બધા સ્નાયુઓ પણ સંકોચાય છે અને મૂત્રાશયનલિકાની આસપાસની ગ્રંથિઓમાંથી સ્રાવ થાય છે. છેલ્લો તબક્કો શમનનો છે; જેમાં શિશ્ન અને સ્ત્રીશિશ્ન શિથિલ થાય છે, વ્યક્તિ થાકી જાય છે અને અનુકૂળતા હોય તો ઊંઘી જાય છે. કેટલીક વ્યક્તિઓમાં પરાકાષ્ઠા પછી પણ સક્રિયતા જળવાઈ રહે છે તો કેટલીક સ્ત્રીઓને વારંવાર પરાકાષ્ઠા થઈ આવે છે.

વ્યક્તિ લૈંગિક સમાગમ કરીને સંતોષ (gratification) મેળવી શકે તેમ હોય તો તેને રતિક્રીડાક્ષમ (potent) કહે છે. વ્યક્તિ જો લૈંગિક સમાગમ ન કરી શકે અને સંતોષ ન મેળવી શકે તો તેને નપુંસક (impotent) કહે છે. આવા પુરુષમાં અપૂરતું શિશ્નોત્થાન અને અપૂરતો વીર્યક્ષેપ થાય છે. જો સ્ત્રી રતિક્રીડામાં ઠંડી હોય તો તેની સ્થિતિને કામશીતી (frigidity) કહે છે. તેને સ્ત્રીની મનોલૈંગિક ક્ષતિ, પરાકાષ્ઠાનો અભાવ કે કામેચ્છાનો અભાવ ગણે છે. આવી સ્ત્રી પરાકાષ્ઠાને અંતે સંતોષ અનુભવતી નથી. આ સ્થિતિને વંધ્યતા (sterility) તથા અફલિતતા(infertility)થી અલગ પડાય છે. આ બંને સ્થિતિઓમાં ગર્ભધારણ થતું નથી. કાયદાની દૃષ્ટિએ નપુંસકતા અને કામશીતી(frigidity)ને કારણે લગ્નવિચ્છેદ શક્ય છે પરંતુ વંધ્યતા કે અફલિતતાને કારણે લગ્નવિચ્છેદ સંભવિત નથી. લગ્નવિચ્છેદ ઉપરાંત બાળકની કાયદેસરતા, પિતૃત્વ અંગે અનિશ્ચિતતા કે વળતર અંગેના કાયદા અને ન્યાયની સમસ્યાઓમાં પણ નપુંસકતા અને કામશીતી (frigidity) મહત્ત્વની બાબતો બની શકે છે.

સ્ત્રી અને પુરુષોમાં જોવા મળતી અક્ષમતા અનેક કારણે હોઈ શકે છે, જેમ કે ઉંમર, જનનાંગોની કુરચના, જનનાંગોને ઈજા, જનનાંગોના રોગો, શરીરના વિવિધ રોગો (દા.ત., મધુપ્રમેહ, ચેતાતંત્રના રોગો, સીસું કે આર્સેનિકનું ઝેર) તથા માનસિક કારણો.

સ્ત્રી અને પુરુષ વચ્ચેનો લૈંગિક સમાગમ એકબીજાની સંમતિથી થવો જરૂરી ગણાય છે. આવી સંમતિ ક્યારેક અભિવ્યક્ત થયેલી હોય છે, તો ક્યારેક ગર્ભિત હોય છે. કાયદેસરના લગ્નથી પતિપત્ની વચ્ચેનો લૈંગિક સંબંધ વૈધ ગણાય છે. સ્ત્રી સાથે તેની મરજી વિરુદ્ધ બળજબરીથી લૈંગિક સંબંધ બંધાય તો તેને બળાત્કાર (rape) કહે છે.

જે સ્ત્રીની સાથે કોઈ પુરુષે કદી પણ લૈંગિક સમાગમ કર્યું ન હોય તેવી સ્ત્રીને કુમારિકા (virgin) કહે છે. જ્યારે એક વખત પણ લૈંગિક સમાગમ થયો હોય તેવી સ્થિતિને કૌમાર્યહરણ (defloration) કહે છે. આ બંને સ્થિતિઓનું પણ કાયદેસર મહત્ત્વ છે. જોકે લગ્ન પહેલાં કુમારિકાપણું જતું રહ્યું હોય તો તે લગ્નવિચ્છેદ કે છૂટાછેડા માટે પૂરતું કારણ ગણાતું નથી. સ્ત્રીની શારીરિક તપાસ કરીને તે કુમારિકા છે કે નહિ તે જાણી શકાય છે.

જે તે પ્રદેશના કાયદા અને સામાજિક રિવાજ કરતાં અન્ય રીતે થતા અથવા કરાતા લૈંગિક સમાગમને લૈંગિક અપરાધ (sexual offence) ગણવામાં આવે છે. તે 3 પ્રકારના છે : (અ) કુદરતી નિયમ પ્રમાણેના લૈંગિક સમાગમના અપરાધ, (આ) કુદરતી નિયમ વિરુદ્ધના લૈંગિક સમાગમના અપરાધ અને (ઇ) કેટલાક અન્ય લૈંગિક ક્રિયાસંબંધિત અપરાધો.

કુદરતી નિયમ પ્રમાણે થતો લૈંગિક સમાગમ જો જે તે દેશના કાયદાથી વિરુદ્ધ હોય તો તે અપરાધ બને છે. તેમાં બળાત્કાર, વ્યભિચાર (adultary), સરકારી અધિકારી દ્વારા તેના તાબામાં રહેલી સ્ત્રી સાથે બળાત્કાર ન ગણાય તેવો લૈંગિક સમાગમ વગેરેનો સમાવેશ થાય છે. સ્ત્રીની સંમતિ વગર અથવા તેને છેતરીને લેવાયેલી સંમતિ બાદ તેની સાથે લૈંગિક સમાગમ કરવામાં આવે તો તેને પણ બળાત્કાર કહે છે.

કુદરતી નિયમ વિરુદ્ધ થતા લૈંગિક સમાગમોમાં ગુદાસંભોગ (sodomy), મુખસંભોગ (oral coitus), પ્રાણીસંભોગ (bestiality) અને સ્ત્રીઓની સમલૈંગિકતા(lesbianism)નો સમાવેશ થાય છે. ગુદાસંભોગ સમલૈંગિક (homosexual) અથવા અસમલૈંગિક (hetero-sexual) વચ્ચે થાય છે. તેમાં એક પુરુષ બીજા પુરુષ (સમલૈંગિક) અથવા સ્ત્રી(અસમલૈંગિક)ની ગુદામાં લૈંગિક સુખ મેળવવા સમાગમ કરે છે. મુખસંભોગમાં પણ બંને પાત્રો પુરુષ અથવા એક પુરુષ અને બીજી સ્ત્રી હોય છે. આવા સંબંધો ભારતીય દંડસંહિતા પ્રમાણે દંડનીય છે.

અસભ્ય વ્યવહાર, લૈંગિક અપવર્તન (perversion), જાહેર દુષ્કાર્ય (public nuisance or obscene act) અને વેશ્યાવૃત્તિ, સ્ત્રી-અપહરણ કે અનૈતિક નારીવહન(immoral traffic)ના કાર્યનો લૈંગિક ક્રિયાસંબંધિત અપરાધોમાં સમાવેશ થાય છે.

કોઈ વ્યક્તિ સમાન લિંગની કે બીજા લિંગની વ્યક્તિ સાથે લૈંગિક ક્રિયાસંબંધિત અસભ્ય વર્તન કે વ્યવહાર કરે તો તેને અપરાધ ગણવામાં આવે છે. આવી ક્રિયામાં લૈંગિક સમાગમનો હેતુ ન હોય તોપણ તે અપરાધ બને છે.

લૈંગિક અપવર્તન એક એવું કાલ્પનિક વિચાર (fantasy) પર આધારિત, વારંવાર પરંતુ વિષમ પ્રકારે થતું લૈંગિક વર્તન છે જે સ્થાનિક, સામાજિક અને કાયદાકીય રીતે થઈ શકે તેવા લૈંગિક સમાગમને બદલે કરાય છે. આમાં બીજું પાત્ર પણ સંમત હોય છે. વિવિધ પ્રકારનાં અપવર્તનો છે; જેમ કે, અકુદરતી લૈંગિક સમાગમો, પરપીડન (sadism), સ્વપીડન (masochism), લૈંગિક સુખ માટે સાથીદાર વ્યક્તિને પીડા આપીને મારી નાંખવી (lust murder), અતિકામોત્તેજન, સ્પર્શસુખ (fetichism અથવા fetishism), દર્શનસુખ (scopophilia), પરલિંગી પહેરવેશ (transvertism અથવા eonism), હસ્તમૈથુન (masturbation), નારીદેહમૈથુન (frotteurism), અન્યસંભોગ-સુખ (peepring tom), પ્રદર્શનિતા (exhibitionism), શવસમાગમ (necrophilia) વગેરે. આ બધાં અપવર્તનો કોઈ માનસિક વિકાર કે વ્યક્તિત્વવિકારને કારણે ઉદ્ભવે છે.

બીજાને પીડા આપીને લૈંગિક સુખ મેળવવું (પરપીડન), જાતે પીડા પામીને લૈંગિક સુખ મેળવવું (સ્વપીડન), અકુદરતી લૈંગિક સમાગમ કરવો વગેરે અપવર્તનોમાં બંને પાત્રોની સંમતિ હોય છે. બીજા સંભોગ કરતા હોય તે જોઈને કે પોતાની પત્નીને બીજા જોડે સંભોગ કરાવીને અને પછી તે જોઈને આનંદ મેળવવો (અન્યસંભોગ-સુખ), અન્ય લિંગની વ્યક્તિના સ્પર્શ(સ્પર્શસુખ)થી કે તેના શરીરના ભાગો જોઈને (દર્શનસુખ) લૈંગિક સુખ મેળવવાના અપવર્તનોમાં અન્ય પાત્રની સંમતિ હોતી નથી. તેવી રીતે પોતાના શરીરના ભાગોનું પ્રદર્શન કરીને (પ્રદર્શનસુખ), જાહેર જગ્યાએ પોતાના અંગત ભાગોને સ્ત્રીના શરીર સાથે ઘસીને લૈંગિક સુખ મેળવવું (frotteurism), શબ સાથે લૈંગિક સુખ મેળવવું (શવસંભોગ) વગેરેમાં પણ અન્ય પાત્રની સંમતિ હોતી નથી.

શિલીન નં. શુક્લ