સંભવનાથ તીર્થંકર : જૈન ધર્મના ત્રીજા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર બીજા તીર્થંકર અજિતનાથ પછી લાખો વર્ષો પછી સંભવનાથ થઈ ગયા. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ધાતકીખંડ દ્વીપના ઐરાવત-ક્ષેત્રની ક્ષેમપરા નામે નગરીમાં વિપુલવાહન નામે પ્રતાપી રાજા હતા. આ રાજાના હૈયામાં દયાધર્મનો નિવાસ હતો. એક વખત નગરમાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાજનો ભૂખ અને તરસથી આકુળ-વ્યાકુળ બની ગયા. આ પ્રસંગે તે પરોપકારી રાજવીએ પોતાનો અન્નભંડાર લોકો માટે ખોલી નાખ્યો.
રાજાની ભોજનશાળામાં રોજ ઉત્તમ વસ્તુઓ બનવા લાગી. સુકાળમાં જે વસ્તુઓ સામાન્ય માનવી માટે અલભ્ય હોય તેવી ઉત્તમ વસ્તુઓ દુષ્કાળમાં પણ લોકોને મળવા લાગી. આવા અદ્ભુત અન્નદાન દ્વારા લાખો માણસોને ઉગારી લેનાર રાજાએ તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું.
એક દિવસ સંધ્યા સમયે રાજમહેલની અગાસીમાં રહેલા રાજાને ઘટાટોપ થયેલા મેઘને પ્રચંડ પવન દ્વારા છિન્ન-ભિન્ન થતો નિહાળી સંસારની ક્ષણભંગુરતા સમજાઈ અને વૈરાગ્ય પામી તેમણે સ્વયંપ્રભસૂરિ નામના આચાર્ય પાસે સંયમ અંગીકાર કર્યો. તપ-સાધના દ્વારા અંતે સમાધિમરણ પામી આનત નામે નવમા દેવલોકમાં તેઓ દેવ તરીકે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામી આ જ ભરતક્ષેત્રમાં સમૃદ્ધ શ્રાવસ્તી નગરીમાં જિતારિ રાજાને ત્યાં પટ્ટરાણી સેનાદેવીની કુક્ષિમાં ફાગણ સુદ અષ્ટમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં એ ગર્ભ રૂપે પ્રવેશ્યા. ચૌદ મહાસ્વપ્નોથી સૂચિત એવા પુણ્યાત્માના આગમનથી જ જિતારિ રાજાનું રાજાભવન અનેકવિધ સમૃદ્ધિથી છલકાઈ ગયું.
નવ મહિના અને સાડા સાત દિવસનો ગર્ભકાળ પૂર્ણ થયા બાદ મૃગશિર નક્ષત્રમાં માગસર સુદ ચતુર્દશીના દિવસે સેનાદેવી માતાએ અશ્વલાંછનથી સુશોભિત કંચનવર્ણી કાયાવાળા પુત્રને જન્મ આપ્યો.
પુત્ર જ્યારે ગર્ભમાં હતો ત્યારે ધાન્ય આદિનો સંભવ વિશેષ થયેલો તેથી કુમારનું ‘સંભવકુમાર’ એવું નામકરણ થયું. બાલ્યાવસ્થા પસાર કરી યુવાવસ્થામાં પ્રવેશ કરતા સંભવકુમારે માતા-પિતાના આગ્રહથી અને ભોગાવલી કર્મ શેષ છે એમ માની લગ્ન, રાજ્યાભિષેક આદિ સાંસારિક ક્રિયાઓ નિ:સ્પૃહભાવે કરી. ચુમ્માલીસ લાખ પૂર્વ અને ચાર પૂર્વાંગ જેટલો સમય રાજ્ય-અવસ્થામાં સંભવકુમારે પસાર કર્યો. દીક્ષાને એક વર્ષનો સમય બાકી રહ્યો ત્યારે લોકાંતિક દેવોની તીર્થ પ્રવર્તાવવાની વિનંતિનો સ્વીકાર કરી પ્રભુએ વાર્ષિક દાનનો પ્રારંભ કર્યો.
અંતે માગસર સુદ પૂર્ણિમાના મંગલ દિવસે મૃગશિર નક્ષત્રમાં દેવતાઓએ બનાવેલી સિદ્ધાર્થા નામની દિવ્ય શિબિકામાં બેસી હજારો સુર-અસુર-માનવોથી સેવાતા સંભવકુમાર શ્રાવસ્તી નગરીના સહસ્રામ્ર નામના વનમાં આવ્યા. છઠ્ઠ તપના પચ્ચક્ખાણપૂર્વક સંભવકુમારે 1,000 રાજાઓની સાથે દીક્ષા અંગીકાર કરી. સર્વવિરતિનું પચ્ચક્ખાણ ઉચ્ચારતાં જ તેમને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું.
બીજે દિવસે પ્રભુએ શ્રાવસ્તી નગરીમાં સુરેન્દ્રદત્ત રાજાને ત્યાં પરમાન્ન(ક્ષીર)થી પારણું કર્યું. તે વેળાએ આકાશમાં પાંચ દિવ્યો પ્રગટ થયાં. રાજા સુવર્ણદત્તે ભગવંતના પારણાના સ્થાને સુવર્ણમણિમય પીઠ બનાવી અને પ્રતિદિન એ સ્થાનની પૂજા કરીને જ જમવાનો સંકલ્પ લીધો.
પ્રભુ ત્યાંથી વિહાર કરતાં કરતાં, અનેક પરિષહો-ઉપસર્ગોને સહન કરતાં કરતાં, પુન: શ્રાવસ્તી નગરીમાં પધાર્યા. સહસ્રામ્ર વનમાં સાલવૃક્ષની નીચે પ્રભુને કાર્તિક કૃષ્ણ પંચમી(આસો વદ પાંચમ)ના દિવસે મૃગશિર નક્ષત્રમાં કેવળજ્ઞાન થયું.
દેવતાઓએ સમવસરણની રચના કરી. શક્રેન્દ્રે પ્રભુની સ્તુતિ કરી. પ્રભુએ ઉપદેશનો પ્રારંભ કર્યો. સંસારના સર્વ પદાર્થોની અનિત્યતાને વર્ણવતો પ્રભુનો ધર્મોપદેશ સાંભળી તે જ સમયે અનેક ભવ્ય આત્માઓએ દીક્ષા અંગીકાર કરી.
સંભવનાથ પ્રભુએ ચારુદત્ત આદિ 102 ગણધરો, અર્થાત્ પટ્ટશિષ્યોની સ્થાપના કરી. પ્રભુ પાસેથી ત્રિપદી મેળવી તે ગણધર ભગવંતોએ દ્વાદશાંગીની રચના કરી.
સંભવનાથ પ્રભુના શાસનમાં મયૂરવાહનવાળા ત્રિમુખ નામે અધિષ્ઠાયક યક્ષ અને મેષના વાહનવાળી દુરિતારિ નામે શાસનદેવી થઈ.
સંભવનાથ તીર્થંકરના પરિવારમાં 2,00,000 સાધુ ભગવંતો; 3,36,000 સાધ્વીઓ; 1,150 ચૌદપૂર્વી મુનિઓ; 9,600 અવધિજ્ઞાની મુનિઓ; 12,150 મન:પર્યવજ્ઞાની મુનિઓ; 15,000 કેવળજ્ઞાની મુનિ મહાત્માઓ; 19,800 વૈક્રિયલબ્ધિવાળા સાધુ ભગવંતો; 12,000 વાદલબ્ધિવાળા મુનિ મહાત્માઓ; 2,93,000 શ્રાવકો અને 6,36,000 શ્રાવિકાઓ હતાં.
સંભવનાથ પ્રભુએ કેવળજ્ઞાન પામ્યા પછી ચાર પૂર્વાંગ (એક પૂર્વાંગ = 84 લાખ વર્ષ) અને ચૌદ વર્ષ ઓછા એક લાખ પૂર્વ સુધી સમગ્ર આર્યદેશમાં વિચરી અનેક ભવ્ય આત્માઓ ઉપર મહોપકાર કર્યો.
અંતે નિર્વાણસમય નજીક જાણી 1,000 મુનિઓ સાથે સમેતશિખર પર પાદપોપગમન અનશન કરી એક માસના અંતે શૈલેષીકરણ-અવસ્થામાં ચૈત્ર સુદ પંચમીના દિવસે મૃગશિર નક્ષત્રમાં પ્રભુ નિર્વાણ પામ્યા.
સંભવનાથ પ્રભુ કુમાર અવસ્થામાં 15 લાખ પૂર્વ, રાજ્ય અવસ્થામાં 44 લાખ પૂર્વ + 4 પૂર્વાંગ અને શ્રમણ અવસ્થામાં 1 લાખ પૂર્વ (ચાર પૂર્વાંગ ઓછા) આ રીતે કુલ 60 લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી નિર્વાણ પામ્યા હતા.
રમણીક શાહ