પટેલ, પ્રમોદકુમાર (જ. 20 સપ્ટેમ્બર 1933, અબ્રામા; અ. 24 મે 1996, વડોદરા) : વિવેચક. આજીવન અભ્યાસી, વિદ્વાન અને કર્મઠ અધ્યાપક તરીકે પંકાયેલા ડૉ. પ્રમોદકુમાર પટેલ નવસારી પાસેના (ખારા) અબ્રામા ગામના વતની હતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈમાં મેળવ્યું ને ત્યાંથી જ અધ્યાપનક્ષેત્રે કાર્ય શરૂ કરેલું. પછી તરતનાં વર્ષોમાં બારડોલી કૉલેજમાં જોડાયા હતા. બાર-ચૌદ વર્ષનો આ સમયગાળો એમને માટે વાચન-મનન દ્વારા લેખનકૌશલ કેળવવાનો હતો. એ પછી સરદાર પટેલ યુનિવર્સિટી(વલ્લભવિદ્યાનગર)ના ગુજરાતી વિભાગમાં દોઢેક દાયકો સિનિયર પ્રોફેસર તરીકે સેવાઓ આપી, 1994માં નિવૃત્ત થયા હતા. આ વર્ષોમાં એમની વિવેચનાએ એમને તેજસ્વી અભ્યાસી અને વિદ્વાન વિવેચક તરીકે પ્રસ્થાપિત કર્યા. સ્વભાવે સંકોચશીલ, વિનમ્ર પણ લેખનમાં સ્પષ્ટ અને ભારપૂર્વક કહેનારા, સાધાર ગુણદોષદર્શન કરાવનારા, સિદ્ધાંતચર્ચામાં તત્ત્વસત્ત્વની સૂક્ષ્મતા પરખાવનારા સમભાવશીલ વિવેચક તરીકે ડૉ. પ્રમોદકુમાર પટેલ ગુજરાતી વિવેચનજગતમાં સાદર સ્વીકૃત રહ્યા છે. કથાવાર્તા, કવિતા, નિબંધ, સિદ્ધાંત-વિવેચના; સાહિત્યનો ઇતિહાસ ઇત્યાદિ બધાં સાહિત્યક્ષેત્રોમાં એમને રસ. એમનો અભ્યાસ પણ વૈવિધ્યસભર તથા વિપુલ. ભારતીય અને પાશ્ચાત્ય : ઉભય સાહિત્યો અને સિદ્ધાંતોનો પણ એમણે સારો અભ્યાસ કર્યો હતો. પરિણામ-સ્વરૂપે એમની વિવેચના બધાં સાહિત્ય-સ્વરૂપોમાં વિહરી છે. પ્રત્યક્ષ અને સિદ્ધાંત-વિવેચનાનાં (મરણોત્તર ચાર સમેત) મળીને કુલ અઢાર જેટલા વિવેચનગ્રંથો એમણે આપ્યા છે. મોટા ભાગના ગ્રંથોના મોટા ભાગના લેખો ધ્યાનપાત્ર અને અભ્યાસીઓ માટે ઘણા ઉપયોગી છે. ઇયત્તા અને ગુણવત્તા બંને દૃષ્ટિએ આટલું માતબર અને મૂલ્યવાન કામ કરનારા વિવેચકો ગુજરાતીમાં બહુ જૂજ છે.
એમના ગ્રંથો આ પ્રમાણે છે : ‘વિભાવના’ (1977), ‘શબ્દલોક’ (1978), ‘રસસિદ્ધાંત એક પરિચય’ (1980), ‘સંકેત-વિસ્તાર’ (1980), ‘કથાવિવેચન પ્રતિ’ (1982), ‘પન્નાલાલ પટેલ’ (1984), ‘અનુભાવન’ (1984), ‘ગુજરાતીમાં વિવેચન તત્ત્વવિચાર’ (1985), ‘વિવેચનની ભૂમિકા’ (1990), ‘પન્નાલાલનું વાર્તાવિશ્વ’ (1990, પુસ્તિકા), ‘પ્રતીતિ’ (1991), ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતા’ (1993), ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’ (ભાગ-1) (1995), ‘કથાવિચાર’ (1999), ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’ (ભાગ-2) (2000), ‘કલાસાહિત્યવિવેચન’ (2001), ‘તત્ત્વસંદર્ભ’ (અનૂદિત, સિદ્ધાંતચર્ચા – 1999), ‘અનુબોધ’ (2002). આ ઉપરાંત અનુવાદ, સમ્પાદનના છએક ગ્રંથો એમને નામે છે.
આમ તો, કથાસાહિત્ય પ્રમોદકુમારના રસનો વિષય; પણ એમણે ગુજરાતી કવિતા, નિબંધ તથા વિવેચન વિશે પણ અધિકાર અને રસથી લખ્યું છે. ઝીણવટભર્યો અભ્યાસ અને વિશદ અભિવ્યક્તિ, તટસ્થ સમભાવ તથા સત્યની જ ઉપાસના એમના પ્રત્યેક લેખમાં પ્રતીત થાય છે. (એમણે નવલકથા-વાર્તાના સ્વરૂપવિશેષોની ચર્ચા કરવા સાથે ગુજરાતીની અને ભારતીય ભાષાઓની મહત્ત્વની કૃતિઓની તુલનાત્મક સમીક્ષાઓ આપી છે. આ અભ્યાસ દરમિયાન એમણે વિદેશી કૃતિઓના ઉચિત સંદર્ભો ટાંક્યા છે ને એમ પોતાના લેખનને સર્વાંગીણ બનાવવા સંનિષ્ઠ પ્રયાસો કર્યા છે. સર્જકતા, સર્જનપ્રક્રિયા, રસ, પ્રતીક, કલ્પન, પુરાકલ્પન, આધુનિકતાવાદ અને અન્ય કલાઆંદોલનો વિશેના એમના લેખો મૂળગામી ચર્ચાને લીધે ક્યાંક લંબાતા ને શુષ્ક બનતા હોવા છતાં ઘણા નોંધપાત્ર છે.) ‘ગુજરાતીમાં કાવ્યતત્ત્વવિચાર’ વિશેના બંને ગ્રંથો તથા ‘ગુજરાતીમાં વિવેચનતત્ત્વ-વિચાર’ ગ્રંથ એમની સૂક્ષ્મ તથા તેજસ્વી વિદ્યાદૃષ્ટિનાં પરિણામો છે. ગુજરાતી વિવેચનને એમનું આ મહામૂલું અર્પણ છે. પન્નાલાલ પટેલના સાહિત્યનો અભ્યાસ, રસસિદ્ધાંતની સમીક્ષા, ઉશનસ્, રાજેન્દ્ર શાહ, રમેશ પારેખ, રાવજી પટેલ જેવા કવિઓની કવિતાનો એમણે કરેલો અભ્યાસ એમની વિવેચનાનાં ઉત્તમ પરિણામો છે. સંસ્કૃત (બે લેખો) અને અંગ્રેજીમાં (12 લેખો) લખાયેલા લેખોના સરસ અનુવાદોનું (મરણોત્તર) એમનું પુસ્તક ‘તત્ત્વસંદર્ભ’ (1999) પણ એમની એકાધિક ભાષાઓ પરની પકડ દર્શાવતું ઉપયોગી અર્પણ બની રહ્યું છે. સિદ્ધાંતવિવેચન, પ્રત્યક્ષ વિવેચન અને પ્રવાહ (ઇતિહાસ) દર્શન : ત્રણેય ભૂમિકાઓમાં ઉત્તમ લેખો આપનારા ડૉ. પ્રમોદકુમાર પટેલ સુરેશ જોષી પછીના આધુનિક સાહિત્યના એક મહત્ત્વના વિવેચક બની રહે છે.
મણિલાલ હ. પટેલ