પક્ષ્મ (cilium) : કેટલાક કોષની સપાટી પર આવેલી વિશિષ્ટ સૂક્ષ્મ રચના. તે આશરે 5થી 10 માઇક્રોન લંબાઈ ધરાવે છે. તેની સંખ્યા કોષદીઠ થોડીકથી માંડી હજારો સુધીની હોય છે. પક્ષ્મલ સાધન (ciliary apparatus) ત્રણ ઘટકોનું બનેલું હોય છે : (1) પક્ષ્મ : તે પાતળો નલિકાકાર પ્રવર્ધ છે અને કોષની મુક્ત સપાટીએથી બહારની તરફ લંબાય છે; (2) તલસ્થ કાય (basal body), અથવા કણિકા : જેમાંથી પક્ષ્મ ઉદ્ભવે છે; તેની રચના તારાકેન્દ્ર (centriole) જેવી હોય છે અને (3) કેટલાક કોષોમાં પક્ષ્મલ મૂલિકાઓ (ciliary rootlets) તરીકે ઓળખાવાતા સૂક્ષ્મ તંતુકો તલસ્થ કાયમાંથી ઉત્પન્ન થાય છે અને શંકુ-પુંજ (conical bundle) સ્વરૂપે અભિસૃત (converge) થાય છે. તેનો અણીદાર છેડો કોષકેન્દ્રની એક બાજુએ અંત પામે છે.
વિવિધ અધિચ્છદીય પેશીઓ પક્ષ્મ જેવા આકારના પ્રવર્ધો ધરાવે છે. તે અચલિત હોય છે. તેને ત્રિપરિમાણી પક્ષ્મ (stereocilium) કહે છે.
અધિવૃષણિકા(epididymis)ના અધિચ્છદીય કોષોના બહિરુદ્ભેદો; અંત:સ્થ કર્ણના સંતુલક (macula) અને શિખા(crista)માં ત્રિપરિમાણી પક્ષ્મો આવેલાં હોય છે. આ પ્રકારનાં પક્ષ્મોમાં લગભગ 3,000 જેટલા ઍક્ટિનના તંતુઓ આવેલા હોય છે, જે ઊભા ગોઠવાયેલા હોય છે. તેઓ ચોક્કસ ધ્રુવત્વ ધરાવે છે અને તંતુઓની ફરતે આવેલા સેતુઓ સહિતની કુંતલમય સંરચના બનાવે છે.
પક્ષ્મની મૂળભૂત અક્ષીય સૂક્ષ્મનલિકામય રચનાને અક્ષસૂત્ર (axoneme) કહે છે અને તે અનિવાર્યપણે ચલિત તત્ત્વ છે. તેની લંબાઈ થોડાક માઇક્રોનથી માંડી એકથી બે મિમી. અને તેનો બહારનો વ્યાસ 0.2 માઇક્રોન હોય છે. તે બાહ્ય પક્ષ્મલપટલ (outer ciliary membrane) વડે આવૃત હોય છે અને રસસ્તર સાથે સાતત્ય ધરાવે છે. અક્ષસૂત્રના બધા ઘટકો પક્ષ્મલ આધારક(ciliary matrix)માં ખૂંપેલા હોય છે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે અક્ષસૂત્રમાં નવ સૂક્ષ્મનલિકાઓ પરિઘવર્તી કિનારી તરફ અને બે સૂક્ષ્મનલિકાઓ કેન્દ્રમાં ગોઠવાયેલી હોય છે. પ્રત્યેક પરિઘવર્તી સૂક્ષ્મનલિકા બે ઉપતંતુ (subfiber) ધરાવે છે, કેન્દ્ર તરફના ઉપતંતુને ઉપએકમ A અને બીજા ઉપતંતુને ઉપએકમ B કહે છે. ઉપતંતુ A નાનો અને પૂર્ણ હોય છે, જ્યારે ઉપતંતુ B મોટો અને અપૂર્ણ હોય છે, કારણ કે તેને ઉપતંતુ Aના સંપર્ક પાસે દીવાલ હોતી નથી. ઉપએકમ A ટ્યૂબ્યુલીનના 13 તંતુ અને ઉપએકમ B ટ્યૂબ્યુલીનના 11 તંતુઓ ધરાવે છે.
ઉપએકમ Aને ડાયનિન ભુજાઓ નામના બહિરુદ્ભેદો હોય છે. તેઓ બધી જ સૂક્ષ્મનલિકાઓમાં એક જ દિશા તરફ અભિવિન્યસ્ત (oriented) થયેલા હોય છે. અક્ષસૂત્રનું ટોચ પરથી અવલોકન કરીએ ત્યારે આ અભિવિન્યાસ દક્ષિણાવર્ત (clockwise) હોય છે. આ ભુજાઓ Mg++ અને Ca++ દ્વારા સક્રિય બનતો ડાયનિન નામનો ઉત્સેચક ધરાવે છે. તે ઊંચો અણુભાર (3 લાખથી 4 લાખ ડાલ્ટન) ધરાવતો ATPase છે. પાસપાસેનાં સૂક્ષ્મનલિકાઓનાં યુગ્મો આંતરદ્વિક (interdoublets) અથવા નેક્સિન કડી (nexin link) વડે જોડાયેલાં હોય છે, જેમાંથી નેક્સિન નામના પ્રોટીનનું અલગીકરણ કરવામાં આવ્યું હોય છે. તેનો અણુભાર 1.5 લાખથી 1.6 લાખ ડાલ્ટન જેટલો હોય છે. આ નેક્સિન કડીનું કાર્ય હજુ સ્પષ્ટ થયું નથી; પરંતુ તે સરકણ-ગતિ (sliding motion) વખતે અક્ષસૂત્રની સંપૂર્ણતા જાળવી રાખતી રચનાઓ હોવાની શક્યતા છે.
ઉપતંતુ A અને કેન્દ્રીય સૂક્ષ્મનલિકાઓ ધરાવતું આવરણ અરીય સેતુઓ (radial bridges) કે કડીઓ વડે જોડાયેલું હોય છે. આ આરા (spokes) ઘટ્ટ દડા સ્વરૂપે અંત પામે છે. આ દડાને ચીપિયા જેવી રચના હોઈ શકે.
પક્ષ્મ કોષના હલનચલન અને સ્થાનાંતર માટે જવાબદાર છે. અચલિત કોષો પર આવેલાં પક્ષ્મો કણ, પદાર્થો કે કોષ ખસેડવાનું, ખોરાકના વહનનું કે જલપ્રવાહ ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે.
ભાનુકુમાર ખુ. જૈન