પક્ષીસંગીત : પક્ષીઓના કલરવસ્વરે પ્રતીત થતું સંગીત. બારેય માસ અને ખાસ કરીને સંવનન-કાળ દરમિયાન પંખીના કંઠમાંથી નીકળતી સ્વરરચનાથી માનવી આકર્ષાય છે. વૃક્ષોની વિવિધરંગી હરિયાળી આપણા મનને હરી લે છે, તેમ વૃક્ષોની ઘટામાંથી ખીલી ઊઠતો પંખીઓનો મધુર સ્વર કે ક્યારેક આકાશમાં ઉડ્ડયન કરતા પંખીનો કલરવ, ઘર-આંગણામાં છવાઈ જતો પંખીનો ટહુકાર, પર્યાવરણને શ્રવણરમ્ય બનાવવામાં નોંધપાત્ર ફાળો આપે છે.

વિવિધ પક્ષીઓના વૈવિધ્યસભર સ્વરમય ગુંજનને પક્ષીસંગીત કહેવામાં આવે છે. પૅસેરીફૉર્મિસ શ્રેણી(order)નાં પક્ષીઓ મોટેભાગે આ માટે અલગ તરી આવે છે. એમના કંઠની રચના ઉચ્ચાર કાઢી શકે તેવી હોય છે. તેથી તેમને કેટલાક ‘ગાયકગણ’ કહે છે. આ કુળનાં પક્ષીઓની સ્વરપેટીની તથા સ્નાયુઓની રચના તેમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આમ છતાં એ પક્ષીઓના અવાજ માટે ‘પક્ષી-સંગીત’ શબ્દ પ્રયોગ કરવો ઠીક નથી. એકથી વધુ પક્ષીઓના લયબદ્ધ અવાજને માટે ‘પક્ષીગાન-પક્ષીસંગીત’ શબ્દપ્રયોગ યોજાય તો તે વાજબી ગણાય.

જુદાં જુદાં પક્ષીઓના અવાજ આપણે સાંભળીએ છીએ, ઓળખી શકીએ છીએ અને ધીમે ધીમે તેને માણી પણ શકીએ છીએ. પક્ષીઓ પોતાના અવાજ દ્વારા  વિવિધ ભાવો પ્રગટ કરતાં હોય છે તેમ તે અંગેનાં નિરીક્ષણ-અભ્યાસ ઉપરથી જાણી શકાયું છે. તેમના સંગીતમાં વૈયક્તિક સભાનતા ભલે ન હોય પણ તેમાં લાગણીની અભિવ્યક્તિ નથી તેમ નહિ કહી શકાય. આ પંખીઓના અવાજની લાક્ષણિક રજૂઆત જ એમના માટે ભાષાની ગરજ સારતી હોય છે એમ કહી શકાય.

પક્ષીઓનું સંગીત કલાનું પ્રથમ સોપાન છે તે સ્વીકારવું રહ્યું. આધુનિક સમયમાં બ્લૅક બર્ડ કે બુલબુલ જેવાં પક્ષીઓ તત્ક્ષણ જ નવાં નવાં ગીતોની લહરી ધરાવતા લય રચી શકે છે. આ પક્ષીઓની આ શક્તિમાંનો કેટલોક અંશ આનુવંશિક તો કેટલોક શીખીને મેળવેલો હોય છે.

પક્ષીના અવાજના સંકેતો દૂર સુધી પહોંચે છે. તેની ઉત્પત્તિ અને ફેલાવા માટે નજીવો પ્રયત્ન કરવો પડે છે. વળી તેની અસર પણ તાત્કાલિક નાબૂદ થઈ જાય એવી હોય છે. તેથી સૌથી વધુ કામયાબ ભાષા અવાજની હોય છે અને તેની સંપૂર્ણ સિદ્ધિ માટે મનુષ્ય જ સમર્થ છે. અવાજની ભાષાની ક્ષમતામાં મનુષ્ય પછીના ક્રમે પક્ષીઓ આવે છે.

પક્ષીઓનું ગાન-સંગીત મોટેભાગે જાતીય અંત:સ્રાવો કે પ્રજનનકાળ દ્વારા નિયંત્રિત થતું હોય છે. કદાચ સાથે રહેતાં પક્ષીયુગલો માટે પારસ્પરિક સમન્વય માટેનું મહત્ત્વનું પ્રેરકબળ આ પક્ષી-સંગીત હોય છે. આ રીતે, પક્ષી-સંગીત જાતીય બંધન માટેનું અતિમહત્ત્વનું આકર્ષણ થઈ પડે છે. ખાવા-પીવાની, ટોળામાં વિહરવાની કે સ્થળાંતર કરવાની ક્રિયાના સંકેતો માટે પક્ષીઓ પાસે લાક્ષણિક સ્વરોચ્ચારણો હોય છે. તે એેમનું સક્ષમ સંપર્કમાધ્યમ બની રહે છે.

કેટલાંક પક્ષીઓ માત્ર પરોઢિયે ગાય છે. જ્યારે બીજાં કેટલાંક પરોઢિયેથી મોડી રાત સુધી ગાયા કરે છે. વસંત ઋતુ દરમિયાન પરા-વિસ્તારમાં રહેતા નગરવાસીઓને નર-કોયલ પ્રભાતે પોતાના અત્યંત મધુર એવા ‘કુ… કુ… કુ… કુ…’ સ્વરથી જગાડે છે. જોકે દિવસ દરમિયાન પણ તે ગાય છે. અગન, ચંડોળ જેવાં પક્ષીઓ સવારે ગાતાં હોય છે. સવારે અને તે પછી પણ પીળકનો ‘ટીઓ…. ટીઓ…. ટીઓ…. ટીઓ….’ મધુર અવાજ સાંભળવા મળે છે. દિવસ દરમિયાન દૈયડનું સંગીત અત્યંત મધુર હોય છે, પરંતુ સાંજે તે કઠોર લાગે છે. ફુત્કી, શ્વેત નયના, શોબીંગા જેવાં પક્ષીઓ ગમે ત્યારે ગાય છે. જમીન પર, ઝાડ કે મકાનની ટોચે, પંખાની જેમ પીંછાંને પ્રસારી (કલા કરી) ટહુકનાર મોરના કંઠમાંથી નીકળતું સંગીતનું આકર્ષણ માત્ર ઢેલ પૂરતું મર્યાદિત રહેતું નથી. માનવીને પણ તેનું આકર્ષણ થાય છે. ગામડાવાસીઓને કૂકડો પોતાના ‘કુ કુ કુ ચ્ કૂ’ સ્વરથી સવાર થયાની યાદ કરાવે છે. ચીબરી જેવાં પંખી પોતાના રાત્રિગાન દ્વારા પોતાના નિશાચરીય અસ્તિત્વની જાણકારી આપે છે. ચકલી ગમે ત્યારે અવાજ કાઢે છે. કાગડો પણ ગાય છે, પણ માનવને તે કર્કશ લાગે છે.

અવાજના પ્રકાર, જાત કે તેની તીવ્રતાનો સંબંધ માત્ર સ્વરપેટી સાથે સહેલાઈથી જોડી શકાય નહિ, કારણ કે અમુક પક્ષીઓની અવાજ ઉત્પન્ન કરવાની શક્તિ ખૂબ જ ઓછી હોય છે, જ્યારે અમુક પક્ષીઓની અવાજ વિશેની સમજણ વિશેષ પાંગરેલી હોય છે. પોપટ કે બજરીગર માનવ-અવાજની આબેહૂબ નકલ કરી શકે એવી ક્ષમતા ધરાવે છે. આનું કારણ તેમની સુવિકસિત માંસલ જીભ કદાચ છે.

સંશોધનોના અહેવાલોમાંથી એવું તારણ કાઢી શકાયું છે કે જટિલ રચના ધરાવતી સ્વરપેટીવાળાં પક્ષીઓ મર્યાદિત અવાજો ઉત્પન્ન કરી શકે છે. આ વિભાગમાં નોંધપાત્ર છે બતક અને એમુ. નાજુુક અને સરળ રચના ધરાવતી સ્વરપેટી ધરાવતાં પક્ષીઓમાં બુલબુલ અને કોયલનો સમાવેશ થાય છે. તેઓ વિવિધ અવાજો કરવાની ક્ષમતા ધરાવે છે.

આશ્ચર્યની વાત એ છે કે અમુક પક્ષીઓની સ્વરપેટીમાં એકસાથે બેવડી કે અનેકવિધ સ્વરોચ્ચારણ માટેની જટિલ વ્યવસ્થા પણ જોવા મળે છે. મનુષ્યની સ્વરપેટીમાં, સ્વરોની ઉત્પત્તિ માટે મોં, ગળું અને નાક  એવા ત્રણ અલગ ખંડો છે, જે દ્વારા વિવિધ સ્વરોની રજૂઆત શક્ય બને છે. આવી જ જટિલ રચના પક્ષીઓમાં હોવાનું પણ સાબિત થયું છે. જંગલી મેના જેવાં પક્ષીઓમાં ચાર સ્પષ્ટ સ્વરની ઉત્ત્પત્તિ શક્ય છે. તેના ગળામાં મનુષ્યની માફક ત્રણ ધ્વનિ-ઉત્પાદક ખંડો આવેલા છે.

પક્ષી-સંગીતનાં નિયમિત શ્રવણ-અધ્યયન દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે અમુક પક્ષી-ગીતોની રજૂઆત બીજાં પક્ષીઓને પોતાના નિવાસસ્થાનથી દૂર રાખવા માટે હોય છે. તે જ સમયે એવા પ્રકારનું સંગીત એકાકી માદાઓને આકર્ષે પણ છે. આ અવાજોથી માત્ર જે તે પક્ષીની જાતિને જ નહિ, નિશ્ચિત પક્ષીને પણ ઓળખી શકાય છે. પક્ષીઓની શ્રવણેન્દ્રિય પણ, મનુષ્યની શ્રવણેન્દ્રિયની જેમ વિકાસની ઉચ્ચ કક્ષાએ પહોંચેલી હોય છે. માણસની માફક પક્ષીઓ પણ અવાજની કલા, તેનો પડઘો અને સમય-અંતરને પારખી શકે છે.

ઉપેન્દ્ર રાવળ