હમાસા : અરબી કવિતાનો એક પ્રકાર. અરબી ભાષામાં ‘હમાસા’નો અર્થ શૌર્ય અને બહાદુરી થાય છે. ઇસ્લામ પૂર્વેના અરબ કબીલાઓ વચ્ચેના આંતરવિગ્રહોમાં યોદ્ધાઓને પાણી ચઢાવવા માટે શૌર્યગીતો લલકારવામાં આવતાં હતાં અને તેમણે વ્યક્તિગત રીતે દર્શાવેલી બહાદુરીના પ્રસંગો તથા તેમની વિગતોને કવિતાસ્વરૂપ આપવામાં આવતું હતું. આ પ્રકારનાં શૌર્યગીતો પ્રાચીન કાળથી મૌખિક પ્રણાલિકાઓના સ્વરૂપમાં સુરક્ષિત રાખવામાં આવતાં હતાં. ઇસ્લામના ઉદય પછીના યુગમાં ઉમય્યા વંશ (661–749) તથા અબ્બાસી વંશ(749–1258)ના રાજ્યકાળ દરમિયાન અરબ સભ્યતાએ નિશ્ચિત સ્વરૂપ ધારણ કર્યું અને શિક્ષણ, જ્ઞાન, વિજ્ઞાન તેમજ સાહિત્યનો વિકાસ થયો ત્યારે ઇસ્લામ પૂર્વેની અરબ પ્રણાલિકાઓ શોધી કાઢવાનો અને તેમનું નવસર્જન કરવાની પ્રવૃત્તિનો આરંભ થયો. આના ભાગ રૂપે કેટલાક અરબ કવિઓએ પ્રાચીન શૌર્યગીતોના સંગ્રહ તૈયાર કર્યા અને તેમને ‘હમાસા’નું નામ આપ્યું. ત્યાર બાદ હમાસા, અરબી કવિતાનો એક પ્રકાર બની ગયો. અરબી ઉપરાંત ફારસીમાં પણ હમાસા પ્રકારનાં મહાકાવ્યો લખાયાં, જેમાં કવિ ફિરદોસીનું ‘શાહનામા’ પ્રખ્યાત છે.
અરબી ભાષામાં જે હમાસા-સંગ્રહ તૈયાર થયા તેમાં પ્રથમ સ્થાન કવિ અબૂ તમ્મામના હમાસાને મળે છે. અબૂ તમ્મામ હબીબ અબ્બાસી ખલીફા મામૂનના સમયમાં થઈ ગયા. તે ખલીફાના આશ્રિત કવિ હતા. તેમનું અવસાન 850માં બગદાદમાં થયું હતું. અબૂ તમ્મામ તેમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં ખુરાસાન તરફના પ્રવાસમાં જ્યારે હમ્દાન નામના નગરમાં પહોંચ્યા ત્યારે હિમ-વર્ષાને કારણે બધા માર્ગો બંધ થઈ ગયા હતા. તે સમયે તેમને એક વિદ્વાન વ્યક્તિ સાથે લાંબા સમય સુધી રહેવાની અને તેમના સમૃદ્ધ પુસ્તકાલયનો લાભ લેવાની તક મળી. આ પુસ્તકાલયમાં સંગૃહીત પ્રાચીન હસ્તપ્રતોમાંથી તેમણે શૌર્યગીતો ચૂંટી કાઢ્યાં અને તેમનો સંગ્રહ તૈયાર કરી ‘હમાસા’ નામ આપ્યું.
અબૂ તમ્મામના ‘હમાસા’માં દસ પ્રકરણો છે. પહેલું પ્રકરણ જે સૌથી લાંબું છે તેનું શીર્ષક ‘બાબુલ હમાસા’ હોવાથી સમગ્ર સંગ્રહ ‘હમાસા’ના નામથી પ્રખ્યાત થયો છે. આ સંગ્રહમાં ટૂંકાં કાવ્યો ઉપરાંત લાંબાં કાવ્યોની ચૂંટેલી પંક્તિઓનો સમાવેશ થાય છે. જેમની કાવ્યરચનાઓના નમૂના જોવા મળે છે એમાંના કેટલાક કવિઓ ઇસ્લામ પૂર્વેના તથા કેટલાક ઇસ્લામી યુગના છે. મોટા ભાગની કાવ્યરચનાઓ અજ્ઞાત કવિઓની છે અને કેટલાકનાં નામ માત્ર તેમની કવિતા દ્વારા જાણવા મળે છે. આ બધાં કાવ્યો ઉચ્ચ કોટિનાં અને અરબ જીવન તથા સભ્યતાની ઝાંખી કરાવનારાં છે.
અબૂ તમ્મામના સમકાલીન કવિ બૂહતુરી(અ. 879)નો હમાસા-સંગ્રહ પણ જાણીતો હોવા છતાં ઊતરતી કક્ષાનો ગણાય છે. વલીદ ઇબ્ને ઉબૈદ બૂહતુરી પણ અબૂ તમ્મામની જેમ તય કબીલાનો હતો. તે અબ્બાસી ખલીફા મુતવક્કિલનો દરબારી અને પ્રશંસા-લેખક કવિ હતો. તેણે પણ પ્રાચીન કાળનાં અપ્રાપ્ય શૌર્ય-કાવ્યો શોધી કાઢી હમાસા-સંગ્રહ તૈયાર કર્યો હતો.
અબૂ તમ્મામ તથા બૂહતુરીના અરબી હમાસા-સંગ્રહ વારંવાર પ્રકાશિત થયા છે. તેમજ યુરોપીય ભાષાઓમાં તેમના અનુવાદ પણ આલોચનાત્મક નોંધો સાથે પ્રકાશમાં આવ્યા છે.
મેહબુબહુસેન એહમદહુસેન અબ્બાસી