સંખેડા : ગુજરાત રાજ્યના વડોદરા જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : 22° 10´ ઉ. અ. અને 73° 35´ પૂ. રે.. સંખેડા વડોદરાથી આશરે 47 કિમી. અને ડભોઈથી આશરે 20 કિમી. દૂર આવેલું છે. આ તાલુકાની ઉત્તર તરફ પંચમહાલ જિલ્લાની સીમા, પૂર્વ તરફ છોટાઉદેપુર અને નસવાડી, દક્ષિણે તિલકવાડા તથા પશ્ચિમે ડભોઈ અને વાયવ્યમાં વાઘોડિયા તાલુકા આવેલા છે. આ તાલુકો મધ્ય ગુજરાતના વડોદરાના મેદાની પ્રદેશમાં સમુદ્ર-સપાટીથી આશરે 77 મીટરની ઊંચાઈએ ઓરસંગ નદીકાંઠે આવેલો છે. સંખેડા (નગર) જંબુસર-ડભોઈ-છોટાઉદેપુર નૅરોગેજ રેલમાર્ગ પરના સંખેડા-બહાદરપુર રેલમથકથી લગભગ 2 કિમી.ને અંતરે તેમજ છુછાપુરા-તણખલા નૅરોગેજ રેલમાર્ગ પરના ગોજપુર-સંખેડા રેલમથકથી પણ 2 કિમી.ને અંતરે આવેલું છે. ઓરસંગ નદી સંખેડાને બહાદરપુરથી અલગ કરે છે. સંખેડા તેના પુરાતત્ત્વીય અવશેષો તેમજ કાષ્ઠકલા માટે મશહૂર છે.

સંખેડા

ભૂપૃષ્ઠજમીનો : વડોદરા જિલ્લાના કાંપના પ્રદેશોમાં આવેલા આ તાલુકાનું ભૂપૃષ્ઠ સમતળ છે. તાલુકામાં બાંધકામ માટેનો રેતીખડક તથા થોડા પ્રમાણમાં ગ્રૅફાઇટ મળે છે. જમીનો કાળી, ગોરાડુ અને મુરમ પ્રકારની છે. તેમાંથી કપાસ, ઘઉં, જુવાર, બાજરી, ડાંગર, કઠોળ, દિવેલી, મગફળી, શાકભાજી અને કેળાંનો પાક લેવાય છે. તાલુકામાં છૂટાંછવાયાં પાનખર વૃક્ષો  સાદડ, હળદરવો, ખેર તેમજ સ્થાનિક વૃક્ષો – જોવા મળે છે.

આબોહવા : અહીં ઉનાળા ગરમ અને શિયાળા માફકસરના ઠંડા રહે છે. સંખેડાનું સરેરાશ દૈનિક મહત્તમ તાપમાન 43.3° સે. અને લઘુતમ તાપમાન 20° સે. જેટલું રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 1279.5 મિમી. જેટલું રહે છે.

સંખેડા નગર તથા તાલુકો વડોદરા જિલ્લાના ધોરી માર્ગો સાથે પાકા માર્ગોથી જોડાયેલું છે.

સંખેડામાં તેની પરંપરાગત હસ્તકૌશલ્યની ચીજવસ્તુઓ બનાવવાની કળા વર્ષોથી ચાલતી આવી છે. અહીં તૈયાર કરવામાં આવતી કાષ્ઠકલાની ચીજવસ્તુઓની દેશ-પરદેશમાં ભારે માંગ રહે છે. અહીંના કારીગરો આ કળામાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ ધરાવે છે. તેઓ ઉત્કૃષ્ટ પ્રકારનાં લાખકામ (lacquer work) અને કાષ્ઠકલામાં પારંગત છે. તેઓ કાષ્ઠની નાની-મોટી ચીજવસ્તુઓ જેવી કે ઘોડિયાં, ખુરશીઓ, સોફા-સેટ અને રાચરચીલું બનાવે છે. આ પ્રકારની મોટાભાગની ચીજો પર સુંદર, ટકાઉ અને ચમકીલા રંગોનું આવરણ ચડાવીને તેમના પર ચિત્રકામ તેમજ ડિઝાઇનો આલેખવાનું કાર્ય તેઓ ઘણી કુશળતાથી કરે છે.

સંખેડા તાલુકામથક હોવાથી તે તાલુકા કક્ષાની સરકારી કચેરીઓ ધરાવે છે. તાલુકા કક્ષાના સરકારી કર્મચારીઓ-અધિકારીઓ પણ અહીં વસવાટ કરે છે. અહીં દવાખાનાં, બાળ-કલ્યાણકેન્દ્ર, માતૃત્વ-કલ્યાણકેન્દ્ર, પ્રાથમિક-આરોગ્યકેન્દ્ર, કુટુંબ-કલ્યાણકેન્દ્ર, આયુર્વેદિક દવાખાનું અને પશુ-દવાખાનું જેવી સુવિધાઓ છે. લોકમનોરંજન માટે બાગબગીચા અને સિનેમાગૃહની સગવડ છે. ભગવાન લકુલીશ તથા ચામરધારિણીની પ્રાચીન મૂર્તિઓ છે. આ સિવાય ધાર્મિક દૃષ્ટિએ જોઈએ તો સંખેડામાં ભગવાન વિષ્ણુ અને મહિષાસુરમર્દિનીની મૂર્તિઓ ધરાવતું જ્વાળામુખી માતાનું જૂનું મંદિર આવેલું છે. આ ઉપરાંત, અહીં દશાવતાર, ધર્મનાથ મહાદેવ તથા કાળા આરસમાંથી કંડારાયેલી શેષનારાયણની મૂર્તિઓ છે. ભીમનાથ મહાદેવના મંદિરમાં શ્રીગણેશ-પાર્વતી વગેરેની મૂર્તિઓ, બાલાહનુમાનજીના મંદિરમાં નવ ગ્રહો અને ભૈરવની મૂર્તિઓ છે. સંખેડામાં બે મસ્જિદો પણ આવેલી છે.

સંખેડામાં પૂર્વપ્રાથમિક, પ્રાથમિક, માધ્યમિક શાળાઓ આવેલી છે. અહીં વિનયન કૉલેજ, સ્ત્રી-ઉદ્યોગમંદિર તથા જાહેર પુસ્તકાલય પણ છે. કૉમર્શિયલ તેમજ સહકારી બૅંકોની સુવિધા પણ છે.

તાલુકાની કુલ વસ્તી 1,85,779 (2001) તથા સંખેડાની વસ્તી 10,494 (2001) જેટલી છે.

સંખેડા નામ સંખવ (Sankhav) કે શંખાસુર નામના દૈત્ય પરથી પડેલું હોવાની લોકવાયકા પ્રવર્તે છે, પરંતુ તે અંગેના કોઈ કથાનકનો ઉલ્લેખ ઉપલબ્ધ થયેલો નથી. વાસ્તવમાં અહીં ઉંચ્છા (Unchcha) તથા ઔર અથવા ઓરસંગ નામની બે નદીઓ સંગમ પામે છે, એટલે તેનું પ્રાચીન નામ ‘સંગમ-ખેટક’ પડેલું અને તેના પરથી તેનું હાલનું ‘સંખેડા’ નામ ઊતરી આવ્યું હોવાની વધારે શક્યતા જણાય છે.

ઓરસંગ નદીકાંઠા પરથી પૂર્વપાષાણયુગ, મધ્યપાષાણયુગ તથા ઉત્તરપાષાણયુગનાં માનવસર્જિત ઓજારોના તેમજ અન્ય પુરાતત્ત્વીય અવશેષો મળી આવેલા છે. આ ઉપરાંત અહીં પ્રાચીન ઇતિહાસ રજૂ કરતાં પાંચ પાંડવોનાં મંદિરો  ધર્મનાથનું મંદિર, ભીમનાથનું મંદિર અર્જુનનાથનું મંદિર વગેરે પણ આવેલાં છે. પાંડવોએ આ સ્થળની મુલાકાત લીધેલી હોવા વિશે પણ લોકકથા પ્રવર્તે છે.

સંખેડા એક નાનો પ્રાચીન કિલ્લો ધરાવે છે, તે 1802માં ગાયકવાડના તાબામાં આવ્યો. એક સમયે પિલાજીરાવના વંશજ ગણપતરાવ ગાયકવાડ સંખેડાના જાગીરદાર હતા. કિલ્લાની દીવાલના કેટલાક ભાગોનો ર્જીણોદ્ધાર સૂબેદાર માનાજીરાવ ગાયકવાડે 1856-57ના અરસામાં કરાવ્યો હોવાનો ઉલ્લેખ મળે છે. કિલ્લાની બહારની દીવાલ વડોદરાના બાબી સૂબા દ્વારા બાંધવામાં આવેલી હોવાનું મનાય છે; તેમ છતાં ઐતિહાસિક હકીકત એવું સૂચવે છે કે સંખેડાના આ કિલ્લાનું બાંધકામ સુલતાન અહમદશાહ પહેલાએ 1419માં કરાવ્યું હતું.

સંખેડાની કાષ્ઠકલા  કેટલાક નમૂના

જ્યારે સુલતાન, ચાંપાનેર પર જીત મેળવવામાં નિષ્ફળ ગયો, ત્યારે પાવાગઢ પેલે પારના ડુંગરાળ વિસ્તારો તરફ તે આગળ વધ્યો, તેના લશ્કરના સિપાઈઓએ આસપાસનાં ગામોમાં લૂંટફાટ પણ કરી; તે પછીથી તે સંખેડા આવ્યો. આજુબાજુના જંગલ-વિસ્તારો પર ચાંપતી નજર રાખી શકાય, એવા સંખેડાના વ્યૂહાત્મક મહત્ત્વને પારખીને સુલતાને અહીં કિલ્લાનું તથા મસ્જિદનું બાંધકામ કરાવરાવેલું.

બીજી પણ એક કિંવદન્તી ચાલે છે : કોઈ પણ પ્રકારની આગોતરી જાણ કર્યા સિવાય સુલતાન અહમદશાહે સંખેડા પર ચડાઈ કરીને તેને પરાસ્ત કરેલું. આવી જીત મેળવવા માટે તેના લશ્કરના માણસોએ સંખેડાને ભારે નુકસાન પહોંચાડેલું. એમ પણ કહેવાય છે કે મોટાભાગના સંખેડાનિવાસીઓ કોઈ પણ જાતની આનાકાની કર્યા સિવાય લશ્કરને તાબે થઈ ગયેલા. લશ્કરના સિપાઈઓ સંખેડામાંથી હીરા-માણેક તથા અન્ય કીમતી ચીજવસ્તુઓ લૂંટીને કોથળા ભરીને પોતાની સાથે લઈ ગયેલા; કેટલાક લોકોને તથા સુંદર સ્ત્રીઓને પણ તેમણે બંદી બનાવેલાં.

મુઘલ તથા મરાઠાના શાસનકાળમાં સંખેડાના નાગર દેસાઈઓ, વતનદાર (જાગીરદાર) તરીકેની સેવાઓ આપતા હતા અને તેઓ ‘મહેતા’ તરીકે ઓળખાતા. કવિ રામકૃષ્ણ મહેતા, સંખેડાના વૈષ્ણવ નાગર હતા; તેમની કેટલીક કાવ્યરચનાઓ ખાસ કરીને ગરબા અને પદો ગુજરાતમાં લોકપ્રિય બનેલાં. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી સ્વ. ચીમનભાઈ જીવાભાઈ પટેલ પણ સંખેડાના વતની હતા.

બિજલ શં. પરમાર