સંક્રામી મૂલ્ય (હસ્તાંતર કિંમત – transfer price) : વિશાળ ઉત્પાદક પેઢીના જુદા જુદા અર્ધ-સ્વાયત્ત વિભાગોમાં એકબીજા સાથેના વ્યવહારોમાં ઉપયોગમાં લેવાતી બજારકિંમતથી ભિન્ન આંતરિક કિંમત. ઔદ્યોગિક ક્ષેત્રે એકબીજાને પૂરક એવો માલ કે સેવા તૈયાર કરતી કંપનીઓનાં જૂથો હોય છે. આ બધી કંપનીઓ પરસ્પર માટે સાથી કંપનીઓથી ઓળખાય છે. કોઈ એક કંપનીની જરૂરિયાતનો માલ કે સેવા બીજી સાથી કંપની વેચતી હોય ત્યારે તે કંપની પાસેથી માલ કે સેવા ખરીદવામાં આવે છે. આ માલ કે સેવાની ખાસ અલાયદી કિંમત નક્કી થાય છે. આ કિંમત સંક્રામી મૂલ્ય/હસ્તાંતર કિંમત તરીકે ઓળખાય છે. એ જ પ્રમાણે બહુરાષ્ટ્રીય કંપનીઓ જુદા જુદા દેશોની સાથી કંપનીઓ સાથે પણ લેવડદેવડ કરે છે. આ લેવડદેવડ માટે જે ખાસ અલાયદી એટલે કે વિશિષ્ટ કિંમત નક્કી થાય છે તે પણ સંક્રામી મૂલ્ય તરીકે ઓળખાય છે. સામાન્ય સમજ એવી છે કે ખરીદનારી કંપની એક જ જૂથની હોવાથી વેચનાર કંપની એના પર પોતાનો નફો અને વેચાણ-ખર્ચ ઉમેરતી નથી. કેટલીક વાર સંક્રામી મૂલ્ય આ રીતે નક્કી થતું નથી, પરંતુ એવો સવાલ ઊભો કરવામાં આવે છે કે ખરીદનારી કંપની જાતે જ કાચા માલ વગેરેની ખરીદી કરીને જો તે માલ કે સેવાનું ઉત્પાદન કરવાનું રાખે તો તેને કેટલો ખર્ચ આવે તેવા સવાલના જવાબ અનુસાર પડતર કાઢીને સંક્રામી મૂલ્ય નક્કી થાય છે. કેટલીક વાર સંક્રામી મૂલ્ય હવાલા-કિંમત પણ બનતી હોય છે. અનેક કારણોસર જૂથમાંની કોઈ એક કંપનીનો નફો વધારે અથવા ઓછો બતાવવા માટે સંક્રામી મૂલ્ય કૃત્રિમ રીતે વધારે કે ઓછું બતાવવામાં આવે છે. એ જ પ્રમાણે જુદી જુદી વસ્તુઓ પરના કરવેરાના દરોમાં તફાવત હોય તો કરવેરાનો બોજો ઓછો કરવા અને સરકારને કરવેરા ઓછા આપવાના હેતુથી સંક્રામી મૂલ્ય કૃત્રિમ રીતે નક્કી કરવામાં આવે છે. જુદા જુદા દેશોના કરવેરાના માળખાના તફાવતોનો લાભ લેવા માટે પણ સંક્રામી મૂલ્ય કૃત્રિમ રીતે નક્કી કરવામાં આવે છે. ઉદા., કોઈ એક જૂથની એક કંપની મોટર બનાવતી હોય અને બીજી કંપની મોટર માટે જરૂરી પોલાદ બનાવતી હોય તો મોટર બનાવનારી કંપની સાથી કંપની પાસેથી પોલાદ લેશે. પોલાદની નક્કી કરવામાં આવતી કિંમત સંક્રામી મૂલ્ય છે. આ સંક્રામી મૂલ્યને હવાલા-કિંમત તરીકે ઉપયોગમાં લઈને કરવેરાની બચત કરવી હોય તો પોલાદની કિંમત કૃત્રિમ રીતે નક્કી થશે. માનો કે એક ટન પોલાદની કારખાના-પડતર રૂ. 30,000 છે. તેના પર આબકારી જકાત 10 ટકા છે. જકાત ભરેલા માલને અન્ય ઉત્પાદકો પોતાના ઉત્પાદન માટે વપરાશમાં લે તો જકાત ભરેલા માલની કિંમત એની વેચાણકિંમતમાંથી બાદ મળે છે. આ પરિસ્થિતિમાં જો પોલાદ પરની આબકારી જકાત કિંમતના 10 ટકા હોય અને મોટરની 25 ટકા હોય અને જો પોલાદની કિંમત રૂ. 30,000થી કૃત્રિમ રીતે વધારવામાં આવે તો મોટર-ઉત્પાદનનો ખર્ચ વધે છે; તે ખર્ચ મોટરની વેચાણકિંમતમાંથી બાદ મળે છે અને તેમાંથી ઉદ્ભવતા તફાવત ઉપર (25-10) 15 ટકાનો ફાયદો થાય છે. આવી જ રીતે કરવેરાનો દર ઓછો હોય તેવા દેશમાં ઉત્પન્ન થયેલા માલનું સંક્રામી મૂલ્ય વધારીને તે માલ કરવેરાનો દર વધારે હોય તેવા દેશમાં આવેલા એકમને પૂરો પાડવામાં આવે તો તે એકમનો કરબોજ ઘટે છે અને કરવેરાના તફાવતનો ફાયદો મળે છે. આમ સંક્રામી મૂલ્યને પડતર પર આધાર રાખીને નક્કી કરવાને બદલે બચત માટે કે એવા કોઈ લાભ મેળવવાના હેતુથી નક્કી કરાય ત્યારે સંક્રામી મૂલ્ય પડતર અને હવાલાનું મિશ્રણ થાય છે.
અશ્વિની એમ. કાપડિયા