હક્સલી, આલ્ડસ (લિયૉનાર્ડ) (જ. 26 જુલાઈ 1894, ગોડાલ્મિંગ, સરે, ઇંગ્લૅન્ડ; અ. 22 નવેમ્બર 1963, લૉસ એન્જેલસ, યુ.એસ.) : અંગ્રેજ નવલકથાકાર, કવિ, નાટ્યકાર અને વિવેચક. જગપ્રસિદ્ધ જીવશાસ્ત્રી ટી. એચ. હક્સલીના પૌત્ર અને જીવનચરિત્રોના પ્રસિદ્ધ લેખક લિયૉનાર્ડ હક્સલીના પુત્ર. 1937થી અમેરિકામાં સ્થાયી થયેલ. શરૂઆતમાં સુરુચિપૂર્ણ અને કટાક્ષથી ભરપૂર લખાણોના લેખક તરીકે પ્રસિદ્ધિ પામ્યા બાદ પાછળથી પૌર્વાત્ય તત્વજ્ઞાન અને રહસ્યવાદના પ્રભાવ તળે આવેલા. એક ઠઠ્ઠાચિત્રમાં તેમને દુનિયાની તમામ વિદ્યાઓના ગ્રંથોનાં કબાટોથી (shelves) મૂઠી ઊંચેરા માનવી તરીકે દર્શાવાયેલા. તેમના મોટા ભાઈ જુલિયન હક્સલી સુપ્રસિદ્ધ જીવશાસ્ત્રી, તત્વજ્ઞાની, શિક્ષણશાસ્ત્રી અને માનસશાસ્ત્રી હતા. એટન અને બેલિયોલ કૉલેજ, ઑક્સફર્ડમાં શિક્ષણ. 17 વર્ષની વયે 80,000 શબ્દોની નવલકથા લખેલી. 16 વર્ષની વયે આંખોમાં લગભગ અંધાપો પ્રસરી ગયો હતો. કાવ્યોના બે ગ્રંથો પ્રસિદ્ધ થયા ત્યારે ઑક્સફર્ડમાં અભ્યાસ કરતા હતા. ‘ક્રોમ યલો’ (1921) તેમની પ્રથમ નવલકથા. 1920થી 1930 દરમિયાન હક્સલી તેમનાં પત્ની મારિયા સાથે ઇટાલી અને ફ્રાન્સમાં રહેતાં હતાં. ‘મૉર્ટલ કોઇલ્સ’ (1922) ટૂંકીવાર્તાઓનો સંગ્રહ છે. ‘ધ જિયોકોન્ડા સ્માઇલ’ વાર્તા આમાંની એક છે, જેનું નાટ્યરૂપાંતર પણ લેખકે પોતે કરેલું. ‘ઍન્ટિક હે’ (1923) મહાયુદ્ધ પછીના લંડનના લોકજીવનનું ચિત્રણ કરતી નવલકથા છે. ‘ધોસ બેરન લીવ્ઝ’ (1925) ઇટાલીની પશ્ચાદભૂમિકામાં લખાયેલી નવલકથા છે.
આલ્ડસ (લિયૉનાર્ડ) હક્સલી
‘પૉઇન્ટ કાઉન્ટર-પૉઇન્ટ’(1928)માં તેમનાં મિત્રો ડી. એચ. લૉરેન્સ અને મરેના રેમ્પિયન અને બર્લેપનાં ચરિત્રચિત્રણોના ઓથા તળે લખાયેલાં ચરિત્રો છે. ‘અ બ્રેવ ન્યૂ વર્લ્ડ’ (1932) નવલકથાએ તેમને પ્રતિષ્ઠા અપાવી. ભવિષ્યની દુનિયાનું તેમાં કટાક્ષથી ભરપૂર ચિત્રણ છે. ‘આઇલેસ ઇન ગાઝા’ (1936) એન્થની બીવિસના પાત્રની આસપાસ ભ્રમણ કરતી આત્મકથનાત્મક નવલકથા છે. ‘વેઇઝ ઍન્ડ મીન્સ’ (1937) અર્થશાસ્ત્રના વિષય પર લખેલા નિબંધોનું પુસ્તક છે. ‘આફ્ટર મેની અ સમર’ (1939), ‘ટાઇમ મસ્ટ હેવ એ સ્ટૉપ’ (1944), ‘ધ પરેનિયલ ફિલૉસૉફી’ (1946), ‘એઇપ ઍન્ડ ઇસેન્સ’ (1948) અને ‘ધ જીનિઅસ ઍન્ડ ધ ગૉડેસ’ (1955), ‘આયર્લૅન્ડ’ (1962) તેમનાં અન્ય નોંધપાત્ર લખાણો છે. ‘ધ ડેવિલ્સ ઑવ્ લાઉડન’ (1952) યૌનસંબંધ પરનું લખાણ છે. રહસ્યવાદ અને પરામાનસશાસ્ત્ર(parapsychology)માં વિશેષ રસ પડવાને લીધે તેમણે ‘ધ ડોર્સ ઑવ્ પર્સેપ્શન’ (1954) અને ‘હેવન ઍન્ડ હેલ’ (1956) લખેલાં. 20મી સદીના બુદ્ધિશાળી લેખકોમાં તેમની ગણના થાય છે. તેમણે ભારતની મુલાકાત લીધેલી. પત્ની મારિયાના અવસાન બાદ તેમણે ઇટાલીના સંગીતકારની પુત્રી લ્યોરા એશ્ચેરા સાથે લગ્ન કરેલું. આલ્ડસ હક્સલીનું જીવનચરિત્ર ‘આલ્ડસ હક્સલી : અ બાયૉગ્રાફી’ (1974) નામે સિબિલ બેડફર્ડે બે ભાગમાં પ્રસિદ્ધ કરેલું.
વિ. પ્ર. ત્રિવેદી