સહજીવન (symbiosis) : સજીવ સૃદૃષ્ટિના બે અથવા વધારે અલગ અલગ જાતિના (species) સભ્યોની લાંબા કે ટૂંકા સમય માટે એકબીજાના ગાઢ સંપર્કમાં રહી જીવન વ્યતીત કરવાની જીવનશૈલી. નિસર્ગમાં આવું સહજીવન વ્યતીત કરતા જીવો એકબીજાને લાભકારક કે હાનિકારક થાય એ રીતે કે તટસ્થ વૃત્તિથી જીવન જીવતા હોય છે. સામાન્ય રીતે પૃથ્વી ઉપર વસતાં મોટાભાગનાં સજીવો પુખ્તાવસ્થામાં સ્વતંત્રજીવી તરીકે જીવન ગુજારતાં હોય છે, પરંતુ કેટલાક સભ્યો અન્ય જાતિના સભ્યોના સંપર્કમાં આવી સંયુક્ત જીવન ગુજારવા માંડે છે. આંતરજાતીય સહજીવન જીવતાં પ્રાણીઓ કે જીવો એકબીજાંની સાથે લાભકારક કે હાનિકારક કે તટસ્થ સંબંધ ધરાવે છે. સહજીવન જીવતા સભ્યોની ભાગીદારી કે સહયોગ ખોરાક ગ્રહણ કરવા અર્થે, નિવાસ કે આધાર મેળવવા માટે અગર અન્ય કોઈ દેહધાર્મિક ક્રિયા કરવા માટે ક્ષણિક કે કાયમી જોડાણ માટે હોય છે. સહયોગી જીવો માટે આ સંબંધ કેટલાકમાં અવિકલ્પીય (obligatory) હોય છે, તો કેટલાકમાં વિકલ્પી (facultative), તો કેટલાંકમાં સંક્રાંતિ કાળ પૂરતો (transitional) હોય છે. સહજીવન વનસ્પતિ-વનસ્પતિ વચ્ચે, વનસ્પતિ અને પ્રાણીજાતિઓ વચ્ચે કે અલગ અલગ પ્રાણી-પ્રાણી વચ્ચે સંભવી શકે છે.
નિસર્ગમાં સહજીવન ત્રણ પ્રકારનાં છે : સહભોજિતા (commensalism), સહોપકારિતા (mutualism) અને પરજીવિતા (parasitism). કેટલાક પરજીવિતાને સહજીવનનો પ્રકાર ગણતા નથી. સજીવોમાં આંતરજાતીય સંબંધો એકબીજાને લાભકારક કે એકને લાભકારક અને બીજાને હાનિકારક, અથવા બંને વચ્ચેના સંબંધો કોઈને પણ લાભ કે હાનિ (નુકસાન) ન કરતા હોય એવા તટસ્થ હોઈ શકે છે. સહભોજિતામાં એકબીજા વચ્ચેના સંબંધોમાં એકને લાભ થાય છે, સહોપકારિતામાં બંને ભાગીદારોના સંબંધ એકબીજાને લાભકારક હોય છે, જ્યારે પરજીવિતામાં એક ભાગીદાર બીજા ભાગીદારના ભોગે જીવે છે.
સહભોજિતા (commensalism) : બે કે વધારે સહભાગીઓ પોષણ, આશ્રય, ટેકો, પ્રચલન કે વહન (transport) અર્થે એકબીજાના સંપર્કમાં આવે છે, પરંતુ બે પૈકી એકને લાભ થાય છે, જ્યારે બીજાને સારી કે માઠી અસર થતી નથી. લાભ મેળવનાર ભાગીદાર અન્યની સાથે બહારથી જોડાય છે; દા.ત., રીમોરા નામની અસ્થિજાત માછલી, શાર્ક અથવા સ્વૉર્ડફિશના ગળા આગળ વળગી રહે છે. તેમાં રીમોરાને ખોરાક અને વહનનો લાભ થાય છે; જ્યારે પ્રમાણમાં શાર્કને, કામચલાઉ વળગણ સિવાય મોટી હાનિ થતી નથી. મનુષ્ય આદિ પ્રાણીઓના પાચનતંત્રમાં બૅક્ટેરિયા કે અન્ય સૂક્ષ્મજીવો આશ્રય લે છે, તેથી તેનાં આશ્રયદાતા પ્રાણીઓને ખોરાકના પાચનમાં મદદ થાય છે.
સહોપકારિતા (mutualism) કે પરસ્પરાવલંબિતા કુદરતમાં ઘણી જાતિઓ વચ્ચે જોવા મળે છે. આવો સહયોગ બંને જાતિઓને પરસ્પર લાભદાયી હોય છે. આવા સંબંધો પૈકી કેટલાક સંબંધો સ્થાયી અને અનિવાર્ય હોય છે; દા.ત., લાયકેન (Lichen) લીલ (શેવાળ) અને ફૂગ સાથે સહજીવન પસાર કરે છે. આ પ્રકારમાં લીલ પાણી, ક્ષાર તથા સુરક્ષા માટે ફૂગ ઉપર આધાર રાખે છે; જ્યારે ફૂગ લીલમાંથી કાર્બોદિત પદાર્થો ગ્રહણ કરે છે. બીજું ઉદાહરણ, શિંબી વર્ગની વનસ્પતિના મૂળ પર જોવા મળતી મૂળગંડિકાનું છે. મૂળગંડિકાઓમાં રાઇઝોબિયમ જીવાણુ (bacteria) રહેલા હોય છે, જે આશ્રયદાતા વનસ્પતિમાંથી (કઠોળના છોડના મૂળમાંથી) કાર્બોદિત ખોરાક મેળવે છે, જ્યારે જીવાણુ વાતાવરણમાંથી નાઇટ્રોજન વાયુનું સ્થાપન (fixing) કરી વનસ્પતિને નાઇટ્રોજનમૂલક મેળવી આપે છે. આમ, આ સંબંધમાં બંને ઘટકોથી એકબીજાને લાભ થાય છે. સહોપકારિતા કે પરસ્પરાવલંબિતાવાળા સહજીવનમાં બે પ્રકાર (પેટા) જોવા મળે છે : (i) અનિવાર્ય પરસ્પરાવલંબિતા અને (ii) વૈકલ્પિક પરસ્પરાવલંબિતા.
(i) અનિવાર્ય પરસ્પરાવલંબિતા : આ પ્રકારનું સહજીવન વાદળી, પ્રવાળ (coral), મૃદુકાય (mollusca), કૃમિ (worms) તેમજ ઝૂક્લોરેલી અને ઝૂઝેન્થેલી (zoochlorellae and zooxanthellae) નામની લીલ વચ્ચે જોવા મળે છે. લીલ પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયાથી ઑક્સિજન છૂટો કરે છે, તેનો ઉપયોગ યજમાન પ્રાણી શ્વસનમાં કરે છે; જ્યારે લીલ યજમાનના શરીર પર આશ્રય મેળવી પોતાનો વિકાસ સાધે છે. ઊધઈનાં આંતરડાંમાં રહેતો ટ્રાયકોમિમ્ફ (Trichomimph) નામનો પ્રજીવ વાગોળતાં ઢોરનાં આંતરડાં સાથે સંકળાયેલ આંત્રપુચ્છ(appendix)માં પણ મળી આવે છે. તે વનસ્પતિમાં રહેલા સેલ્યુલોઝ કાર્બોદિતનું પાચન કરી એકશર્કરા(mono-saccharides)માં રૂપાંતર કરે છે.
(ii) વૈકલ્પિક પરસ્પરાવલંબિતા : સહયોગી જાતિઓમાં ક્યારેક ક્યારેક આવા પ્રકારના સંબંધો જોવા મળે છે; જેમ કે, ઢોર બગલો અને ઢોર વચ્ચેના સંબંધો. બંને પ્રાણીઓ વચ્ચે ટૂંકા સમય માટે કામચલાઉ સહજીવન હોય છે. આ સહજીવન પદ્ધતિમાં બંને જીવોને એકબીજાથી ફાયદો થાય છે. બગલો ઢોરના શરીર ઉપરની જીવાતો વીણી ખાય છે, જેથી બગલાને ખોરાક મળે છે અને ઢોરનું આરોગ્ય સચવાય છે. આવા સંબંધો કાળોકોશી કે અન્ય પક્ષીઓ અને ઢોર કે વન્ય પ્રાણીઓ વચ્ચે પણ જોવા મળે છે. કીટકો અને અષ્ટપાદી જેવા પરજીવી જીવો પક્ષીઓની મદદથી ઢોરના શરીર ઉપરથી કે ઘામાંથી દૂર થતાં પ્રાણીઓને રાહત મળે છે. આવું જ ઉદાહરણ મગર અને પક્ષીઓ વચ્ચે જોવા મળે છે. માછલીઓ ખાધા બાદ મગર પોતાનું મોં ખુલ્લું રાખી આરામ કરતો હોય ત્યારે કેટલાંક પક્ષીઓ મગરના દાંત વચ્ચે ફસાયેલા માંસના ટુકડા ખાઈ તેની સફાઈ કરે છે અને પક્ષીને યોગ્ય ખોરાક મળી રહે છે. મધમાખી, ફૂદાં, પતંગિયાં જેવા કીટકો વનસ્પતિનાં ફૂલોમાંથી મકરંદ (nectar) મેળવે છે અને એક ફૂલ ઉપરથી બીજા ફૂલની મુલાકાત લેતાં વનસ્પતિમાં પરાગનયનક્રિયા કરે છે.
સહભોજિતા(commensalism)માં સામાન્ય રીતે એક સભ્યને લાભ થાય છે જ્યારે બીજાને કોઈ લાભ કે હાનિ થતી નથી. અગાઉ આવા સંબંધો માત્ર પોષણ પૂરતા મર્યાદિત ગણાતા હતા, પરંતુ હવે આવા સંબંધોમાં સુરક્ષા, આશ્રય વગેરેનો પણ સમાવેશ કરાયેલ છે. આને કારણે કેટલાક પેટા પ્રકારો જોવા મળે છે :
સતત સંપર્કયુક્ત સહભોજિતા (commensalism with continuous contact) : આમાં સંબંધો સ્થાયી હોય છે. આના પણ બે પેટા પ્રકારો જોવા મળે છે : (i) બાહ્ય સહભોજિતા અને (ii) અંત: સહભોજિતા.
(i) બાહ્ય સહભોજિતા (ectocommensalism) : ઑર્કિડ નામની વનસ્પતિ પરરોહી હોય છે (epiphyte). વિષુવવૃત્તનાં ગાઢ જંગલોમાં ઊગતી આ વનસ્પતિને સૂર્યપ્રકાશ મેળવવા મોટાં વૃક્ષો ઉપર થડ કે ડાળીઓને વળગીને રહેવું પડે છે. તે આધાર આપનાર વનસ્પતિ (વૃક્ષ) ઉપર પરોપજીવી નથી પરંતુ પ્રકાશ, આધાર અને ભેજ મેળવવા વૃક્ષોનો આશ્રય લેવો પડે છે. ઑર્કિડ સ્વપોષી વનસ્પતિ છે; પોતાનાં લીલાં પર્ણો દ્વારા હવામાંથી ભેજ શોષીને સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક તૈયાર કરે છે. તે એક સ્વતંત્ર વનસ્પતિ છે, પરંતુ પોતાનો ખોરાક બનાવી લેવા આશ્રય આપનાર વૃક્ષ ઉપર આધાર રાખવો પડે છે. આશ્રય આપનાર વૃક્ષને તેનો બોજો સહન કરવા સિવાય અન્ય અગવડ ઑર્કિડ દ્વારા થતી નથી.
(ii) અંત: સહભોજિતા (endocommensalism) : બેસિક્લેડિયા (Basicladia) લીલ, કેટલાક પ્રજીવો, ફૂગ, મૃતોપજીવી જીવાણુ જેવા સજીવો ઉચ્ચસ્તરીય પ્રાણીઓ તથા વનસ્પતિની પેશીઓની અંદર રહેતાં જોવા મળે છે; પરંતુ તેમના દ્વારા યજમાનને કોઈ પણ હાનિ પહોંચતી નથી. મનુષ્યનાં આંતરડાંમાંથી મળી આવતા E. coli જીવાણુનું અસ્તિત્વ યજમાનના શરીરમાંથી ખોરાક મેળવવા પૂરતું મર્યાદિત હોય છે. સતત સંપર્કવિહીન સહભોજિતા (commensalism without continuous contact) : આ પ્રકારની સહભોજિતામાં બંને જાતના સભ્યો અસ્થાયી સ્વરૂપે એકબીજાના સંપર્કમાં રહે છે. આવા સંબંધ આવાસ, સંચારણ તથા પ્રજનનના હેતુસર હોય છે. આ સહજીવનનું સ્વરૂપ સાવ મર્યાદિત હોય છે; ઉદાહરણો : (1) સમુદ્રના તલપ્રદેશમાં કીટોપ્ટેરસ (Chaetopterus) નામનું નૂપુરક પ્રાણી આકારની નલિકા બનાવીને રહે છે. આ નલિકામાં પૉલિનિક્સ નામનું એક સ્તરકવચી પરજીવી જીવન પસાર કરે છે. કીટોપ્ટેરસ(નૂપુરક)માં આવેલા સહપાદો(parapodia)નાં ઉપાંગોના વિશિષ્ટ હલનચલનથી નલિકામાં પાણી પ્રવેશે છે. તેમાં ઓગળેલો પ્રાણવાયુ અને વહેતો ખોરાક સ્તરકવચી મેળવી સ્વતંત્ર જીવન પસાર કરે છે. (2) એકીનીસ (Echeneis) નામની ચૂષક (sucker) માછલી પોતાના ચૂષકો વડે શાર્ક માછલીની સપાટી પર ચોંટી જઈ શાર્કની સાથે મુસાફરી કરે છે. શાર્કને તેનાથી કોઈ નુકસાન થતું નથી. (3) બહુ દૂરના પ્રદેશોમાંથી શિયાળામાં યાયાવર (migratory) પક્ષીઓ આવતાં હોય છે. આવાં મોટાં કદનાં પક્ષીઓ પર સવારી કરી નાનાં કદનાં પક્ષીઓ પણ પ્રવાસ કરતાં હોય છે.
હાનિકારક સહજીવન કે વિરોધિતા : નિસર્ગમાં એકબીજાના સંપર્કમાં આવતા વિવિધ જીવો ઘણીવાર એક કે બંને જાતિઓને હાનિ પહોંચાડે છે. આવા સંબંધો ચાર પ્રકારના હોય છે વિરોધિતાAntagonismના પ્રકારો :
(i) પ્રતિજીવિતા (antibiosis)
(ii) પરભક્ષણ (predation)
(iii) પરોપજીવિતા (parasitism) અને
(iv) પ્રતિસ્પર્ધા (competition)
(i) પ્રતિજીવિતા (antibiosis) : કેટલાંક સજીવો દ્વારા ઉત્પન્ન થતો સ્રાવ અન્ય સંબંધમાં આવતાં સજીવોને હાનિ પહોંચાડે છે; દા.ત., પેનિસિલીન, સ્ટ્રેપ્ટોમાયસીન, ઑરોમાયસીન નામની ફૂગ દ્વારા પ્રતિજૈવિક (antibiotics) ઉત્પન્ન થાય છે; જેનાથી સંપર્કમાં આવતા જીવાણુઓનો નાશ થાય છે.
(ii) પરભક્ષણ (predation) : કોઈ પણ શિકારી પ્રાણી સ્વતંત્રજીવી હોય છે. તે અન્ય જાતિના સભ્યોનો શિકાર કરી ભક્ષણ કરે છે. ભક્ષક અને ભક્ષ્ય વચ્ચેના જૈવિક સંબંધો (+) અને (-)ની સંજ્ઞાથી દર્શાવી શકાય, કારણ કે આ આંતરજાતીય (interspecific) સંબંધોમાં ભક્ષકને લાભ (+) થાય છે, જ્યારે ભક્ષ્યનો નાશ (-) થાય છે. નિવસન તંત્રમાં શિકાર અને શિકારી વચ્ચેના આંતરસંબંધો વિશિષ્ટ ગણિતના મૉડેલ મુજબ વર્તે છે.
(iii) પરોપજીવિતા (parasitism) : પરોપજીવી અન્ય સજીવ યજમાનની અંદર કે બહાર રહી યજમાનની પેશીમાંથી પોષણ મેળવે છે. પરોપજીવિતામાં ફક્ત પરોપજીવી(parasite)ને જ ફાયદો (+) થાય છે, યજમાનને ફાયદો થતો નથી; પરંતુ પરોપજીવીના આડકતરા પ્રભાવથી યજમાનનું મૃત્યુ () થાય છે. વનસ્પતિમાં ફૂગ, અમરવેલ, વાંદો (Loranthus) જેવાં ઉદાહરણો જાણીતાં છે; જ્યારે પ્રાણીઓમાં પરોપજીવિતા પ્રજીવ, પૃથુકૃમિ, સૂત્રકૃમિ અને સંધિપાદી સમુદાયોનાં કેટલાંક પ્રાણીઓમાં જોવા મળે છે. પરોપજીવીઓના સામાન્ય રીતે બે પ્રકાર છે : આંશિક પરોપજીવી (partial parasite) અને સ્થાયી પરોપજીવી (permanent parasite). તેવી જ રીતે પરોપજીવીઓ બાહ્યપરોપજીવી અગર અંત:પરોપજીવી (ectoparasite or endoparasite) હોય છે.
પરોપજીવીઓનાં અનુકૂલનો (adaptation of parasites) : પરોપજીવીને યજમાનનાં અંત:સ્થ કે બાહ્ય અંગો ઉપર રહેવાનું હોવાથી વિષમ પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા તે વિવિધ પ્રકારના સંરચનાત્મક અને ક્રિયાત્મક (structural and functional) ફેરફારો ગ્રહણ કરે છે, જેમને અનુકૂલનો કહેવામાં આવે છે. ઘણા જીવોના જીવનચક્રમાં અમુક તબક્કા પ્રાણી સ્વતંત્ર રીતે જીવે છે, જ્યારે અમુક તબક્કામાં તે પરોપજીવી રીતે જીવે છે. પરોપજીવી રીતે જીવવા માટેનાં અનુકૂલનો માત્ર તે તબક્કા પૂરતાં જ મર્યાદિત રહે છે. સામાન્ય રીતે યજમાનના શરીર ઉપર – અંદર કે બહાર રહેનાર પરોપજીવ, સ્વતંત્ર રીતે જીવતા જીવની સરખામણીમાં પાચનતંત્ર, ચેતાતંત્ર, સંવેદનાંગો વગેરે ગુમાવી બેસે છે; પરંતુ પ્રજનનક્રિયા ખૂબ સતેજ અને વિવિધ સ્વરૂપની ધરાવે છે. લૈંગિક અને અલૈંગિક પ્રજનનક્રિયા સામાન્ય બની જાય છે. સંપૂર્ણ પરોપજીવી સેક્યુલીના નામનું સ્તરકવચી પ્રાણી (જીવ) કરચલાના શરીર ઉપર માત્ર શાખા પ્રભાવિત કોથળી સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે.
(iv) પ્રતિસ્પર્ધા (competition) એક જ કે જુદી જુદી જાતિના સજીવો જ્યારે સાથે રહેતા હોય અને એકસરખી સંપત્તિ(resource)નો ઉપયોગ કરતા હોય ત્યારે જો સંપત્તિ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ ન હોય તો પોતાની જરૂરિયાતોની પૂર્તિ માટે સજીવો વચ્ચે પ્રતિસ્પર્ધા થાય છે. આ પ્રાણીઓ વચ્ચેની સ્પર્ધામાં(લૂંટાલૂટ)માં બંને જીવો વચ્ચે સંઘર્ષ થાય છે અને પરિણામે બે જીવો વચ્ચેનો સંબંધ (-) અને
(-)થી દર્શાવવામાં આવે છે. ક્યારેક એક પ્રાણી બીજા પ્રાણી ઉપર પ્રભાવી બને છે અને હારેલા પ્રાણી(જીવ)ને સ્થળાંતર કરવાની ફરજ પડે છે.
નિષ્પ્રભાવિતા (neutralism) : નિષ્પ્રભાવિતા એ ખૂબ જ સરળ પ્રકારનો આંતરજાતીય સંબંધ છે. કોઈ પણ સમુદાય પ્રત્યક્ષ રીતે એકબીજાને પ્રભાવિત કરતો નથી. જો બે સમુદાયો વચ્ચે કોઈ પણ પ્રકારની આંતરપ્રક્રિયા થતી હોય તો તે અપ્રત્યક્ષ પ્રકારની હોય છે. બે જાતિઓની ઉપસ્થિતિ એકબીજાની વસ્તી(population)ને પ્રત્યક્ષ રૂપથી કોઈ અસર કરતી નથી; ઉદા., એક જ વૃક્ષ ઉપર કાચિંડો અને હોલો વસતા હોય તોપણ તેમની વચ્ચેના સંબંધો એકબીજાને કોઈ ફાયદો કે નુકસાન કરતા નથી. આવા સંબંધોને (શૂન્ય – 0) અને (શૂન્ય – 0) પ્રકારના સંબંધો ગણી શકાય.
આમ સહજીવનમાં પ્રાણીઓ અરસપરસ વિવિધ સંબંધો ધરાવે છે.
વિનોદ સોની
રા. ય. ગુપ્તે