સહકારી બૅન્ક : સમાજના ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે સહકારી ધોરણે કામ કરતી બૅન્ક. આ પ્રકારની બૅન્ક એના નામ પ્રમાણે સહકારના સિદ્ધાંત પર કામ કરે છે. એનો મુખ્ય ઉદ્દેશ સમાજના નબળા વર્ગોમાં બચતની ભાવના વિકસાવવાનો તેમજ નબળા વર્ગો અને સીમાંત ખેડૂતો, કારીગરો અને શહેરી સમાજના મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને વાજબી દરે, ટૂંકા અને મધ્યમ ગાળાનું ધિરાણ આપવાનો હોય છે. શહેરી અને ગ્રામ વિસ્તારમાં આ વર્ગના લોકો શાહુકારો અને મુલતાનીઓથી ઓળખાતા લોકો પાસેથી ખૂબ ઊંચા વ્યાજના દરે ધિરાણ લે છે. ધિરાણ લીધા બાદ તેમનું વિવિધ પ્રકારે શોષણ થાય છે. સહકારના પાયાના સિદ્ધાંત અનુસાર સહકારી બૅન્કો આ ક્ષેત્રે પણ પોતાના સભ્યો તેમજ ધિરાણ લેનારાઓને શોષણમાંથી બચાવે છે. 1940માં સહકાર અંગેનો કાયદો પસાર થવાથી સહકારી બૅન્કો ભારતમાં શરૂ થઈ. બૅન્કિંગ નિયમન-ધારાની જોગવાઈઓ 1966થી સહકારી બૅન્કોને લાગુ પાડવામાં આવે છે. સહકારી બૅન્કોને રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયાના અધિકાર અને અંકુશ હેઠળ મૂકવામાં આવી છે.
શહેરી વિસ્તારની સહકારી બૅન્કો નાગરિક સહકારી બૅન્કો તરીકે ઓળખાય છે. શહેરી વિસ્તારમાં વેપાર, ઉદ્યોગો અને સેવાના ક્ષેત્રમાં ધિરાણ આપવાનું થાય છે. મહદ્ અંશે મધ્યમવર્ગના અને નોકરિયાતો થાપણદારો તરીકે બૅન્કને નાણાં આપે છે. બીજી બાજુ ગ્રામવિસ્તારની બૅન્કો મહદ્ અંશે કૃષિક્ષેત્રે ધિરાણ કરે છે. કૃષિક્ષેત્ર સાથે સંકળાયેલ જમીન-વિકાસ, ખરીદવેચાણ અને સામાન્ય ધિરાણ જેવાં ક્ષેત્રો માટે વિશિષ્ટ સહકારી બૅન્કો પણ અસ્તિત્વમાં આવી છે. ગ્રામવિસ્તારોમાં મધ્યમ અને મોટા ખેડૂતો, વેપારીઓ અને થોડા નોકરિયાતો આ બૅન્કોના થાપણદારો હોય છે. સમગ્ર સહકારી બૅન્કિંગ ક્ષેત્ર રાજ્ય સ્તરે પિરામિડ આકારનું બનાવવામાં આવ્યું છે; જે નીચે દર્શાવેલ આકૃતિથી સ્પષ્ટ થાય છે.
રાજ્ય-સ્તરે સહકારી બૅન્કોનું માળખું :
આ આકૃતિથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સહકારી બૅન્ક જિલ્લા સહકારી બૅન્કો વચ્ચે અને જિલ્લા સહકારી બૅન્કો પ્રાથમિક સહકારી બૅન્કો વચ્ચે સંકલન અને સંતુલન સાધવા માટે પ્રયત્નો કરે છે. રિઝર્વ બૅન્ક ઑવ્ ઇન્ડિયા તરફથી આ કાર્ય માટે રાજ્ય સહકારી બૅન્કને જરૂરી સવલતો આપવામાં આવે છે. દેશના નાણાબજાર સાથે અનુસંધાન કરવા માટે પણ આ માળખું ઉપયોગી બને છે. કેન્દ્ર અને રાજ્યસરકારની નાણાકીય સગવડો અને મદદ સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા માટે આ માળખાનો ઉપયોગ થાય છે.
સહકારી બૅન્ક સ્થાનિક પ્રજાની સહકારી ભાવનામાંથી સાકાર થાય છે. તેથી તેના સંચાલક-મંડળમાં મહદ્ અંશે સ્થાનિક માણસો હોય છે. સ્થાનિક કક્ષાએ બૅન્ક-સંચાલન માટે અપેક્ષિત કાર્યદક્ષતાવાળાઓ જો મળે નહિ તો સરકારની ઉદાત્ત ભાવના સાથે સ્થપાયેલી બૅન્કો નિષ્ફળ જવાની શક્યતા વધી જાય છે. કેટલીક વાર સહકારી ધારાની જોગવાઈઓના લાભ લેવાના એકમાત્ર હેતુથી સહકારી બૅન્કો સ્થપાય છે. આ પરિસ્થિતિમાં સહકારી બૅન્કો સાચા થાપણદારો અને નાણાંની ખરેખર જરૂરિયાતવાળાઓ માટે આફત બને છે. આથી, સહકારી બૅન્કો પર વધારે અંકુશ મૂકવાના પ્રયત્નો થતા હોય છે. કોઈ પણ સહકારી એકમની જેમ આ ક્ષેત્રમાં પણ સભ્યોની સતત જાગૃતિ અને સંચાલકોની પ્રામાણિકતા-નિષ્ઠાની ખૂબ જરૂર રહે છે.
અશ્વિની કાપડિયા