સહકારાત્મક આંતરક્રિયાઓ

January, 2007

સહકારાત્મક આંતરક્રિયાઓ : સજીવો વચ્ચે પરસ્પર જોવા મળતી સહકારાત્મક (લાભદાયી) આંતરક્રિયાઓ. એક જ પર્યાવરણમાં વસતા એક જ કે વિવિધ જાતિના સજીવો પરસ્પર સંકળાયેલા હોય છે. આવો સંબંધ પ્રજનનના હેતુ, ખોરાક અને રહેઠાણની જગ્યા માટેની સ્પર્ધાના નિમિત્તે હોય છે. આ પ્રકારના પારસ્પરિક સંબંધમાં એક અથવા બંને જાતિના સજીવોને લાભ થાય છે; પણ નુકસાન કોઈને થતું નથી. આમ ‘પરસ્પર લાભકર્તા કે એકતરફી લાભકર્તા અને નુકસાન વગરના સંબંધોને સહકારાત્મક આંતરક્રિયાઓ કહે છે. આ ક્રિયા કુદરતમાં બે પ્રકારે જોવા મળે છે : (1) પારસ્પરિકતા (mutualsim) અને (2) સહભોજિતા (commensalism).

(1) પારસ્પરિકતા : તેમાં બે સજીવો કે જાતિઓ વચ્ચે પારસ્પરિક સંબંધો દ્વારા બંને જાતિઓને પરસ્પર લાભ થાય છે. આવું સાહચર્ય ગાઢ, સ્થાયી અને અવિકલ્પી (obligatory) સંપર્કવાળું અને બંનેના અસ્તિત્વ માટે અનિવાર્ય હોઈ બંને સજીવો કોઈક પ્રકારનો દેહધાર્મિક વિનિમય કરે છે. આ સંબંધોનાં કેટલાંક ઉદાહરણો આ પ્રમાણે છે :

(i) લાઇકેન : લાઇકેન વનસ્પતિના દેહની રચનામાં નિશ્ચિત પ્રકારની ફૂગ દ્વારા આધારક દ્રવ્ય (matrix) બને છે; જેમાં નિશ્ચિત પ્રકારની લીલ આવેલી હોય છે. તેમાં ફૂગ લીલને રહેઠાણ અને રક્ષણ આપે છે; અને પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરી તે લીલને પૂરાં પાડે છે; જ્યારે લીલ પ્રકાશસંશ્લેષણ દ્વારા ફૂગને બદલામાં પોષણ પૂરું પાડે છે. કુદરતી રીતે બે પૈકી એક પણ સ્વતંત્ર રીતે જીવી શકતાં નથી. આમ બંનેને ફાયદો થાય છે.

(ii) સહજીવી જીવાણુ : સહજીવી બૅક્ટેરિયા જુદાં જુદાં સજીવો વચ્ચે અલગ અલગ રીતે પરસ્પર લાભકર્તા આંતરસંબંધો વિકસાવતાં જોવા મળે છે; જેમ કે,

(અ) આ પ્રકારના સંબંધમાં બૅક્ટેરિયાઓ મનુષ્ય અને અન્ય પ્રાણીઓના પાચનમાર્ગમાં વસવાટ કરે છે. જીવાણુઓને આશ્રયસ્થાન અને પોષણ મળે છે; જ્યારે આશ્રયદાતાને માટે જીવાણુઓ વિટામિન બી જૂથનું સંશ્લેષણ કરે છે.

(આ) વનસ્પતિ આહારી પ્રાણીઓ(ગાય, ભેંસ)ના પાચનમાર્ગમાં ખાસ કરીને અંધાંત્રમાં વસવાટ કરતા બૅક્ટેરિયાઓ સેલ્યુલેઝ નામના ઉત્સેચકનો સ્રાવ કરે છે, જે પ્રાણીને સેલ્યુલેઝના પાચનમાં મદદ કરે છે; જ્યારે પોતે રક્ષણ અને પોષણ મેળવે છે.

(ઇ) શિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં આવેલી મૂળગંડિકામાં વસનારા સહજીવી જીવાણુઓ (Rhizobium) પણ આશ્રયના અને પોષણના બદલામાં હવામાંના મુક્ત નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. આ પ્રકારનું સહજીવન લેગ્યુમિનોઝી સિવાયની Alnus, Casuarina, Cycadaceae, Myrica, Podocarpus જેવી 400 જાતિઓમાં પણ જોવા મળે છે.

(iii) સહજીવી પ્રજીવો : ઊધઈના પાચનમાર્ગમાં Trichonymphid નામનું પ્રજીવ વસવાટ કરે છે. તે સૅલ્યુલેઝ ઉત્પન્ન કરી સૅલ્યુલેઝના પાચનમાં ઊધઈને મદદ કરે છે. જ્યારે બદલામાં ઊધઈ તરફથી તેને આશ્રય અને પોષણ મળે છે.

(iv) પરાગનયન : વનસ્પતિમાં પરાગનયન માટે વાહકની જરૂર પડે છે. કીટકો (ફૂદાં, પતંગિયાં, ભમરીઓ, મધમાખીઓ) સૌથી મોટા પ્રમાણમાં વાહક તરીકે વર્તે છે. પક્ષીઓ (જેમ કે, ‘હમિંગ બર્ડ’) તેમજ સરકીને ચાલતાં પ્રાણીઓ તેમજ ચામાચીડિયાં વગેરે પરાગનયન માટે વાહક તરીકે વર્તે છે. બદલામાં આવાં કીટકો અને પક્ષીઓને પુષ્પમાંથી મધુરસ (પોષણ) મળે છે. Rafflesia arnoldi નામની વનસ્પતિનું પરાગનયન હાથી વડે થતું હોવાનું નોંધાયું છે.

(v) ફળ અને બીજનું વિકિરણ : વનસ્પતિના ભૌગોલિક વિતરણ માટે ફળ અને બીજનું સ્થળાંતર ખૂબ જ આવશ્યક છે; જે વિકિરણ દ્વારા થાય છે. પક્ષીઓ, સસ્તન પ્રાણીઓ ખોરાક માટે ફળો ખાય છે; જેથી તેમના વડે મળવિસર્જનથી વિવિધ સ્થળે જાણ્યે-અજાણ્યે ફળ અને બીજનું સ્થળાંતર થાય છે.

(vi) કવકમૂલ (mycorrhiza) : ઉચ્ચ કક્ષાની વનસ્પતિમાંની, લગભગ 80 % વનસ્પતિમાં કવકમૂળ જોવા મળે છે. મૂળને ઘેરીને અથવા મૂળની પેશીઓમાં કવકતંતુઓ ગોઠવાય છે, ફૂગ ખનિજપોષણની ક્ષમતા વધારે છે, વનસ્પતિના મૂળનું રોગજન્ય સજીવો સામે રક્ષણ કરે છે તથા કેટલાક અંત:સ્રાવ સર્જે છે. ફૂગને મૂળતંત્રમાંથી પોષણ પ્રાપ્ત થાય છે.

(vii) પ્રાણી-ક્લોરેલા (zoochlorella) અને પ્રાણીઝૈન્થેલા (zooxanthella) : પ્રાણીક્લોરેલા તરીકે જાણીતી કેટલીક એકકોષી લીલ કેટલીક વાદળીઓ, કોષ્ઠાંત્રીઓ, મૃદુકાયો અને સૂત્રકૃમિઓની બહારની પેશીઓમાં સહજીવન ગુજારે છે. કેટલાક કશાધારી બદામી કે પીળા કોષો પણ તેઓ ધરાવે છે. લીલ પ્રકાશસંશ્લેષી હોય છે અને પોષિતાને લાભદાયી નાઇટ્રોજનયુક્ત સંયોજનો ઉત્પન્ન કરે છે. તેના બદલામાં પોષિતા પ્રાણીની ચયાપચય (metabolism) ક્રિયા દ્વારા મુક્ત થતાં દ્રવ્યો મેળવે છે. Chlorella vulgaris હાઇડ્રાના જઠર-ચર્મીય (gastrodermal) કોષોમાં વસવાટ ધરાવે છે. હાઇડ્રાને પ્રકાશસંશ્લેષણ દ્વારા ખોરાક અને ઑક્સિજન મળે છે. તેના બદલામાં ક્લોરેલાને આશ્રય, નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગદ્રવ્યો અને કાર્બન ડાયૉક્સાઇડ પ્રાપ્ત થાય છે. પ્રાણી-ક્લોરેલાનો આ પ્રકારનો સંબંધ Convoluta roscoffensis નામના પ્લેનેરિયા સાથે જોવા મળે છે.

સહભોજિતા (commensalism) : આ પ્રકારમાં બે સજીવો વચ્ચેના સંબંધમાં એક જાતિના સજીવને લાભ થાય છે, પરંતુ બીજા સજીવને લાભ કે નુકસાન થતું નથી. બંને સજીવો વચ્ચે દેહધાર્મિક સંબંધ હોતો નથી. તેનાં ઉદાહરણો નીચે પ્રમાણે છે :

(i) સછિદ્ર સમુદાયની વાદળીના શરીરના પોલાણમાં મૃદુકાય કે સંધિપાદ સમુદાયનાં કેટલાંક પ્રાણીઓ રહે છે. આ પ્રાણીઓને આશ્રય અને રક્ષણ મળે છે, પરંતુ વાદળીને આ પ્રાણીઓથી કોઈ લાભ કે નુકસાન થતું નથી.

(ii) ઉષ્ણકટિબંધના દરિયામાં જોવા મળતી ફીરાસ્ફર નામની માછલી સમુદ્રકાકડી નામના શૂળત્વચી સમુદાયના પ્રાણીની અવસારણીમાં રહે છે. આ પારસ્પરિક સંબંધથી માછલીને અન્ય દુશ્મનો સામે રક્ષણ અને આશ્રય મળે છે; પરંતુ સમુદ્રકાકડીને આ માછલીથી કોઈ લાભ કે નુકસાન થતું નથી.

(iii) ઑર્કિડ જેવી પરરોહી (epiphytic) વનસ્પતિઓ ગાઢ જંગલોમાં મોટાં વૃક્ષો ઉપર ઊગે છે. આથી ઑર્કિડને પૂરતો પ્રકાશ અને ચરતાં પ્રાણીઓથી રક્ષણ મળે છે. જ્યારે આ સંબંધથી આશ્રયદાતા વૃક્ષને કોઈ લાભ કે હાનિ થતી નથી.

(iv) કેટલીક સહભોજી (commensal) વનસ્પતિઓ અન્ય વનસ્પતિઓ કે પ્રાણીઓની સપાટી ઉપર ઊગે છે. તેઓ ફક્ત આધાર મેળવવા માટે જ અન્ય વનસ્પતિ કે પ્રાણીનો સહારો લે છે. મોટાભાગના ઑર્કિડ, મૉસ, લાઇકેન વગેરે તેનાં ઉદાહરણો છે. કેટલીક લીલ પ્રાણીઓની સપાટી ઉપર ઊગે છે; દા.ત., હરિત લીલ રીંછના લાંબા વાળ ઉપર થાય છે. એ જ રીતે, બેસિક્લેડિયા લીલ મીઠા પાણીના કાચબાની પીઠ ઉપર થાય છે.

(v) કઠલતાઓ (lianas) : કેટલીક વાહકપેશીધારી કઠલતાઓનાં પ્રકાંડ ટેકો મેળવવા અન્ય આધારનો ઉપયોગ કરે છે. યાંત્રિક પેશીઓની આર્થિકતા સાથે તેઓ વધારે પ્રમાણમાં પ્રકાશ મેળવી શકે છે. તેઓ મોટેભાગે ઉષ્ણકટિબંધીય ભેજવાળાં જંગલોમાં થાય છે. કઠલતાઓ જે વૃક્ષ પર ઊગે છે, તેમની સાથે કોઈ પોષણકીય સંબંધ હોતો નથી. આરોહણ માટે ઉપયોગમાં લેવાતા અંગને આધારે તેઓ કંટકીય (thorny) કઠલતાઓ, સૂત્રારોહી (tendrillar) કઠલતાઓ અને વળવેલ(twiners)માં વર્ગીકૃત કરવામાં આવે છે. Bauhinia, Ficus, Tinospora, hiptage વગેરેની જાતિઓ કઠલતાઓનાં ઉદાહરણો છે.

અવિકલ્પી સહકારાત્મક આંતરક્રિયા : હર્મિટ કરચલો – આ એક વિશિષ્ટ પ્રકારનું સહજીવન છે. આ પ્રકારના હર્મિટ કરચલા શંખ કે ગોકળગાયના ખાલી કવચમાં વસવાટ કરે છે. આ કવચ ઉપર કોષ્ઠાંત્રી સમુદાયના સમુદ્રકુલથી જાણીતાં પ્રાણીઓનું સ્થાપન કરચલો પોતે જ કરે છે. આમ, એક જ કવચ ઉપર બે જુદી જુદી જાતિના સજીવો વસવાટ કરે છે. આ સંબંધોથી કરચલાને અન્ય દુશ્મન પ્રાણીઓથી બે રીતે રક્ષણ મળે છે : (1) કરચલો રક્ષણ માટે કવચમાં સંતાઈ જાય છે અને (2) કવચ ઉપર સ્થાપિત અન્ય જાતિનાં પ્રાણીઓ ડંખકોષો ધરાવતા હોવાથી તેઓ દુશ્મન પ્રાણીથી કરચલાને બચાવે છે. બદલામાં કરચલો એક જગ્યાએથી બીજી જગ્યાએ આ કવચ લઈને ફરતો હોવાથી સ્થાપિત સમુદ્રકુલને O2 અને ખોરાક (શિકાર) મેળવવા સ્થાનાંતરને કારણે વિશાળ ક્ષેત્ર મળે છે. કેટલાક પરિસ્થિતિવિજ્ઞાનીઓ આ ઉદાહરણને સહભોજિતામાં મૂકે છે.

યોગેશ ડબગર