સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં) : બાંધકામ દરમિયાન કોઈ પણ પ્રકારના અકસ્માતો થતા અટકાવવા માટેની સલામતી-વ્યવસ્થા. અકસ્માત એટલે આકસ્મિક બનતી ઘટના. બાંધકામ દરમિયાન આકસ્મિક ઘટનાઓ થઈ શકે છે. આવી ઘટનાઓમાં મજૂરનું ઊંચાઈએથી પડી જવું, મશીનમાં કારીગરના હાથ-પગ કપાઈ જવા, માટી-ખોદકામમાં માટી ધસી પડતાં મજૂરનું દટાઈ જવું, ગરમ ડામર પાથરતાં દાઝી જવું વગેરે અનેક નાનીમોટી આકસ્મિક ઘટનાઓ બનતી હોય છે. અકસ્માતને લીધે મજૂરને ઈજા કે મૃત્યુ કે માલસામાન અને મશીનને નુકસાન થાય તેમજ સમયનો વ્યય પણ થાય.
અકસ્માતો સંપૂર્ણપણે નિવારવા એ અશક્ય ન હોવા છતાં બહુ કઠિન કામ છે, પરંતુ સલામતીનાં યોગ્ય પગલાં લેવાથી તેમાં મોટો ઘટાડો કરી શકાય તેમજ માલસામાન અને સમયનો વ્યય થતો અટકાવી શકાય. અનેક અભ્યાસો પરથી એવી તારવણી કરાઈ છે કે 90 % અને તેથી પણ વધુ અકસ્માતો સંબંધિત કર્મચારીઓ(મજૂરો અને ઑપરેટરો)ની બેકાળજીને લીધે થતા હોય છે. અકસ્માતો કોઈ પણ સ્થળે માનવીની એક યા બીજા પ્રકારે કરાયેલ ભૂલોનું જ પરિણામ હોય છે. ‘જાનની સલામતી પહેલાં અને કામ પછી’ – એ મંત્ર દરેક સ્તરે સમજવાનો અને આચરણમાં મૂકવાનો છે. બાંધકામમાં સલામતી અંગે ખાસ નોંધવા જેવી બાબત એ છે કે બાંધકામમાં કામ કરતા મજૂરો મોટાભાગે અભણ અને તાલીમ વગરના હોય છે. આ કારણસર આ ક્ષેત્રમાં અકસ્માતોની સંખ્યા પ્રમાણમાં વધુ રહે છે.
બાંધકામમાં સલામતીનાં પગલાં જે કામમાં ખાસ લેવાનાં થાય છે તે છે : માંચડાઓ (sea-foldings) તૈયાર કરવા, નિસરણીઓનો ઉપયોગ કરવો, ખોદકામ/માટીકામ ઇમારતને તોડી પાડવી (demolition of structures), ‘સ્ટીલ-સ્ટ્રક્ચર’નું બાંધકામ, ‘પાઇલ્સ’ અને બીજાં ઊંડા પાયાનાં કામ, ગરમ ડામર તૈયાર કરવાનું અને પાથરવાનું કામ, કૉંક્રીટ ફ્રેમ-સ્ટ્રક્ચર, વેલ્ડિંગ-કામ અને કૉંક્રીટ મિક્સિગંનાં કામ; મોટા/ભારે દાગીનાઓ ઉપર ચડાવવા-ઉતારવાનું કામ અને તે માટે અનેક પ્રકારનાં સાધનો(ખાસ કરીને ક્રેઇનો)નો ઉપયોગ એવાં અનેક પ્રકારનાં કામો.
આ બધાં કાર્યો અને તેમાં વપરાતાં સાધનો કેવાં હોવાં જોઈએ અને કેવી રીતે વાપરવાં જોઈએ તેની વિગતો ‘ઇન્ડિયન બ્યૂરો ઑવ્ સ્ટાન્ડર્ડ્ઝ’ નામની કેન્દ્રીય સંસ્થાએ તૈયાર કરેલ છે અને તે માટે નિશ્ચિત પ્રમાણો તૈયાર કરેલ છે. દરેક ‘સ્ટાન્ડર્ડ’ને નંબર અપાય છે અને તે કયા વર્ષમાં તૈયાર થયું તે દર્શાવાય છે. આ બધાં ‘સ્ડાન્ડર્ડ’ સમયાંતરે જરૂરી ફેરફાર કરી ફરી પ્રસિદ્ધ કરાય છે.
બાંધકામની રીતો તેમજ તેમાં વપરાતાં માલસામાન અને સાધનો, તે માટેનાં ઇન્ડિયન સ્ટાન્ડર્ડ-IS પ્રમાણે હોય તો બાંધકામમાં સલામતીનું સ્તર ઘણું ઊંચું રહે અને અકસ્માતો થતા અટકે.
બાંધકામને લગતા ‘ઇન્ડિયન સ્ટાન્ડર્ડ’-IS નીચે પ્રમાણે છે :
માંચડો (sea-folding)-IS-3696(I) 1966; નિસરણી (ladder)-IS-3696(II)1966; ખોદકામ(digging soil)-IS-3764-1966; ઇમારતને તોડી પાડવી(demolition)-IS-4130-1991; સ્ટીલ-સ્ટ્રક્ચરનું બાંધકામIS-7205-1974; ‘પાઇલ’ અને ઊંડા પાયાIS-5121-1969; ગરમ ડામર પદાર્થ વાપરતું બાંધકામ-IS-5916-1970; ‘કૉંક્રીટ ફ્રેમ સ્ટ્રક્ચર’નું બાંધકામ-IS-8989-1978.
ઇમારત તોડવાનું કામ ઘણી અસલામતીભર્યું છે. તેમાં વિશેષ કાળજી રાખવી જરૂરી બને છે. આ કામનું યોગ્ય આયોજન થવું જોઈએ તેમજ તે ચોક્કસ તબક્કામાં થવું જોઈએ. ઇમારત તોડવાનું કાર્ય શરૂ થાય તે પહેલાં તે ઇમારતનો સંપૂર્ણ અભ્યાસ કરવો જોઈએ. આસપાસ આવેલ અન્ય ઇમારતો તેમજ રસ્તાઓ અને તે પરના માનવીઓને નુકસાન અને ઈજા ન થાય તે માટે સલામતીનાં બધાં પગલાંની ખાતરી કરી લેવી જોઈએ. કોઈ કાયદાકીય પ્રશ્ન ઉપસ્થિત ન થાય તે માટે સંબંધિત બધી સરકારી અને અર્ધસરકારી કચેરીઓની મંજૂરી મેળવીને જ ઇમારત-વિધ્વંસનું કામ શરૂ કરી શકાય.
બાંધકામમાં કૉંક્રીટ ફ્રેમ-સ્ટ્રક્ચરનાં કામ વિશેષ પ્રમાણમાં થાય છે અને અકસ્માતનું પ્રમાણ પણ વિશેષ રહે છે. આ પ્રકારના બાંધકામમાં સલામતીનાં પગલાંમાં નીચેની બાબતો આવરી લેવાય :
(1) બાંધકામનું નિરીક્ષણ અનુભવી અને કુશળ ઇજનેર દ્વારા થવું જોઈએ.
(2) બાંધકામ દરમિયાન મજૂરોની સલામતીની જવાબદારી ઇનચાર્જ ઇજનેરને સોંપવી જોઈએ.
(3) વિવિધ ભાગો, જેવા કે બીમ, કૉલમ, સ્લૅબ વગેરેમાં કૉંક્રીટ નાખતાં પહેલાં રિઇનફોર્સમેન્ટનું પ્રમાણ અને ગોઠવણ સ્ટ્રક્ચરલ-ડ્રૉઇંગ પ્રમાણે છે કે નહિ તે જોવાવું જોઈએ. તેમાં હૂક, બૅન્ડ વગેરે યોગ્ય રીતે ન કરેલાં હોય તો પણ સ્ટ્રક્ચર તૂટી પડે અને મોટો અકસ્માત થાય.
(4) કૉંક્રીટિંગ દરમિયાન મજૂરોને સલામતી-હેલ્મેટ, સલામતી માટેનાં બૂટ, હાથમોજાં વગેરે પહેરવાની ફરજ પાડવી જોઈએ.
(5) કૉંક્રીટિંગ માટેનો માંચડો (scafolding) પૂરતી મજબૂતાઈનો છે કે નહિ તે કામ શરૂ કરતાં પહેલાં ચકાસી લેવું જોઈએ. આ ત્રુટિને લીધે મોટો અકસ્માત સર્જાઈ શકે.
(6) સ્લૅબ, બીમનું સેન્ટરિંગ કરેલું હોય ત્યારે કોઈ વ્યક્તિને તેની નીચે જવા ન દેવી જોઈએ.
(7) સેન્ટરિંગ ખોલતી વખતે ખાસ કાળજી રાખવી જોઈએ. બિનજરૂરી વ્યક્તિને તેનાથી દૂર રાખવી જોઈએ.
(8) લાકડાનું સેન્ટરિંગ હોય ત્યારે તેની નજદીક કોઈ પણ જાતની આગ પેટાવવાની મનાઈ હોવી જોઈએ.
(9) બાંધકામના સ્થળે પ્રાથમિક-સારવારપેટી (first-aid box) તૈયાર રાખવી જોઈએ.
મધુકાંત ર. ભટ્ટ
રાજેશ મા. આચાર્ય