સ્વરૂપાનંદ સ્વામી (જ. ? ; અ. 15 ઑગસ્ટ 1974, પાવસ, જિલ્લો રત્નાગિરિ, મહારાષ્ટ્ર) : પ્રખર રાષ્ટ્રભક્ત, સ્વાતંત્ર્યસેનાની અને નાથસંપ્રદાયની પરંપરામાં ઊછરેલા મહારાષ્ટ્રના સંત. મૂળ વતન પાવસ, જે રત્નાગિરિથી 14 કિમી. અંતર પર આવેલું નાનું ગામ છે. સ્વામી સ્વરૂપાનંદે ત્યાં આશ્રમની સ્થાપના કરી છે. ગોડબોલે પરિવારમાં જન્મેલા આ સંતની આઠ પેઢીઓ અત્યાર સુધી ત્યાં વસી છે. પિતાનું નામ વિષ્ણુપંત અને માતાનું નામ રખમાઈ. સ્વામીજીનું લાડકું નામ અપ્પા. પ્રાથમિક શિક્ષણ પાવસ ખાતે લીધા બાદ 1914–1919ના ગાળામાં અંગ્રેજી શિક્ષણ લેવા માટે રત્નાગિરિ ખાતે સ્થળાંતર કર્યું. વાંચન જેવી બૌદ્ધિક પ્રવૃત્તિઓ ઉપરાંત દેશી રમતગમતનો ભારે શોખ. તેમાંની ઘણી દેશી રમતોમાં પ્રાવીણ્ય મેળવ્યું. શાળા-કૉલેજના શિક્ષણ દરમિયાન નિબંધ-સ્પર્ધા, વક્તૃત્વ-સ્પર્ધા, નાટક ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લીધો અને પારિતોષિકો મેળવ્યાં. 1919–1922 દરમિયાન મુંબઈમાં ઉચ્ચ શિક્ષણ લીધું. 1922માં પાવસ પાછા આવ્યા અને રાષ્ટ્રીય વિચારસરણીને વરેલી ‘સ્વાવલંબનાશ્રમ’ નામની શાળાની સ્થાપના કરી. લોકમાન્ય ટિળક હયાત હતા તે દરમિયાન ટિળકના પ્રભાવમાં અને ત્યાર બાદ મહાત્મા ગાંધીના પ્રભાવમાં આવ્યા. તેમણે સ્થાપેલી શાળામાં દેશભક્તિ અને પરમાર્થસાધનના બેવડા શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓને કાંતણ અને મલ્લવિદ્યાનું શિક્ષણ ફરજિયાત આપવામાં આવતું. શિક્ષકો માટે ખાદીનો પોશાક પણ ફરજિયાત હતો. મુંબઈના નિવાસ દરમિયાન સંસ્કૃત સાહિત્યનું અધ્યયન, શ્રીમદભગવદગીતા અને જ્ઞાનેશ્વરી જેવા ગ્રંથોનું પઠન અને આલેખન કરી તેના પર પ્રભુત્વ મેળવ્યું. મુંબઈથી વતન પાવસ પાછા આવ્યા પછી પોતે સ્થાપેલાં આશ્રમ અને શાળાના નેજા હેઠળ ત્યાં અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું; દા. ત., શ્રીકૃષ્ણ-મેળો, સ્વચ્છતા-અભિયાન, ગ્રામ-સુધારણા મેળાઓ, સામાજિક અને ધાર્મિક ઉત્સવો, વિદ્વાનોનાં પ્રવચનોનું આયોજન, બૌદ્ધિક અને સાંસ્કૃતિક સ્પર્ધાઓનું આયોજન વગેરે (1922–1927). 1927માં 3 વિદ્યાર્થીઓ સાથે પુણે સ્થળાંતર (1927–1934); જ્યાં ‘વાઙ્મય વિશારદ’ની પદવી પ્રાપ્ત કરવા ઉપરાંત સદગુરુ બાબા મહારાજ પાસેથી દીક્ષા પ્રાપ્ત કરી. 1928માં પોતાના હસ્તાક્ષરમાં સંપૂર્ણ જ્ઞાનેશ્વરી ગ્રંથ લખી કાઢ્યો અને તે બાબા મહારાજને ગુરુદક્ષિણા રૂપે અર્પણ કર્યો. અંગ્રેજી, મરાઠી અને સંસ્કૃત ભાષાનું ઉચ્ચ કોટિનું અધ્યયન કર્યું. સાથોસાથ રાજકારણમાં સક્રિય બન્યા અને તેના જ એક ભાગ તરીકે પુણે ખાતે મરાઠી વૃત્તપત્ર પ્રકાશનનો પ્રારંભ કર્યો. મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ 1930માં મીઠાનો સત્યાગ્રહ થયો તેમાં ભાગ લીધો અને કોંકણ પ્રદેશમાં પગપાળા ફરી દેશભક્તિનું પ્રચારકાર્ય કર્યું. 1932ની સવિનય ભંગ ચળવળમાં પણ સક્રિય ભાગ લીધો અને રત્નાગિરિ તથા યરવડા જેલ ખાતે કારાવાસ ભોગવ્યો.

સ્વરૂપાનંદ સ્વામી

1934માં અસાધ્ય બીમારીમાં સપડાયા, જે અવસાન સુધી કાયમ રહી. તેને પરિણામે મોટા ભાગની જાહેર પ્રવૃત્તિઓ પર કાપ મૂકવો પડ્યો. પથારીવશ હતા ત્યારે 162 શ્લોક કે કડીઓ ધરાવતી ‘અમૃતધારા’ શીર્ષક હેઠળ કાવ્યરચના કરી. આ ઉપરાંત 1951માં ‘ભાવાર્થ ગીતા’ કાવ્યરચનાનો પણ ઉપક્રમ પાર પાડ્યો. તેમની આધ્યાત્મિક વિચારસરણી પર પ્રકાશ પાડતા તેમણે રચેલા 261 અભંગો ‘સંજીવની ગાથા’ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે. તેમની કેટલીક કાવ્યરચનાઓ ગેયસ્વરૂપની હોવાથી મરાઠી સુગમ સંગીતના સારા ગાયકોના કંઠે તે ધ્વનિમુદ્રિત કરવામાં આવી છે. તેમની મોટા ભાગની કાવ્યરચનાઓ ભક્તિરસપૂર્ણ છે, જે મહારાષ્ટ્રમાં લોકપ્રિય બની છે. મહારાષ્ટ્રમાં તેમનો બહોળો શિષ્યવર્ગ છે.

પાવસ ખાતે તેમણે સ્થાપેલ આશ્રમનું સંચાલન હવે તેમના ઉત્તરાધિકારીઓ કરે છે, જેમાં બાવીસ વર્ષ (1974–1996) સુધી તેનું સંચાલન કરનારા સ્વામી માધવનાથ ઉલ્લેખનીય છે.

સરકારની પૂર્વસંમતિથી સ્વામી સ્વરૂપાનંદના પાર્થિવ દેહને તેમણે તેમની હયાતીમાં વ્યક્ત કરેલ ઇચ્છા મુજબ પાવસ ખાતે ભૂગર્ભ સમાધિ આપવામાં આવી હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે