સ્વ-રોજગારી : પોતાના ગુજરાન માટે પોતાના કૌશલ્યને અનુકૂળ એવી સ્વનિયંત્રિત રોજગારીની તકનું નિર્માણ. સ્વ-રોજગારીનો ખ્યાલ માનવ-સંસ્કૃતિના વિકાસ જેટલો પ્રાચીન છે. માનવ-સંસ્કૃતિ પાંગરી તે સાથે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા કેટલીક ઉત્પાદક પ્રવૃત્તિઓ કરતો થયો. શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતો માનવી કાળક્રમે ખેતી કરતો થયો. વસ્ત્રોની જરૂરિયાતે માનવીને કાપડ વણતો કર્યો. ગુફામાં રહેતો માનવી ઘર બનાવી રહેતો થયો. આ બધી ઉત્પાદક (આર્થિક) પ્રવૃત્તિઓ માટે લાકડાંનાં કે લોખંડનાં ઓજારો જરૂરી બન્યાં અને તેના પગલે માણસ કેટલાંક આવાં ઓજારો બનાવવાની પ્રવૃત્તિઓ કરતો થયો. સુથારી, લુહારી જેવાં કામો કરનાર કારીગર વર્ગ ઊભો થયો. માનવી સમૃદ્ધ બનતાં સોના, રૂપાના દાગીના બનાવનાર કે ઘડનાર સોની, પથ્થર, લાકડું અને અન્ય પદાર્થો પર કોતરણી કરનારા કારીગરો, મૂર્તિઓ બનાવનારા શિલ્પકારો, માટીમાંથી જુદા જુદા આકારનાં વાસણો અને અન્ય માટીકામની સામગ્રી બનાવનાર કુંભારોનો વર્ગ દરેક ગ્રામ કે નગરની રચનામાં ઉદભવ્યો તે મૂળ સ્વરૂપે સ્વ-રોજગારીનાં જ ઉદાહરણો ગણાય.

સ્વ-રોજગારી એ મળતરવાળી પોતે સર્જેલી રોજગારી છે. વ્યક્તિ પોતે પોતાની જાતને (સ્વ-ને) રોજીરોટી પૂરી પાડે છે અને તે રીતે વેતન કમાવી આપનાર રોજગારીથી તે જુદી પડે છે. આવી સ્વ-રોજગારીમાં ઉત્પાદનનાં સાધનો બહુધા પોતાની માલિકીનાં જ હોય છે અથવા વિકલ્પે ઉછીનાં કે ભાડે લીધેલાં હોય છે. ખેતી-પ્રધાન ભારત અને એવા અન્ય દેશોમાં ઊભી થયેલી સમાજ-વ્યવસ્થામાં ખેતીનો વ્યવસાય મોટે ભાગે સ્વ-રોજગાર સ્વરૂપનો જ કહેવાય. જ્યાં સમગ્ર કુટુંબ ઉત્પાદક કાર્યમાં એક યા બીજી રીતે પરોવાયેલું જોવા મળે છે. કૃષિ સાથે સંકળાયેલાં પશુપાલન, મરઘાંબતકાં ઉછેર, મત્સ્ય-ઉદ્યોગ એવી અનેકવિધ આનુષંગિક ઉત્પાદક પ્રવૃત્તિઓ પણ તેમાં આવરી લેવાય. અહીં સાધન-સંપન્ન વર્ગ સ્વ-રોજગારમાં અને સાધન-વિહીન વર્ગ મજૂરી કે વેતનવાળી રોજગારી ધરાવતા વર્ગમાં વહેંચાયો.

આધુનિક યુગમાં દરેક ક્ષેત્રના એવા ઘણા નિષ્ણાતો છે જેઓ સ્વરોજગારનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો પૂરાં પાડે છે. શ્રેષ્ઠ ચિત્રકારો, નૃત્યકારો, અભિનયસમ્રાટો, અર્થવિદો, પક્ષીવિદો, વ્યવસ્થાતંત્ર-સંચાલનના નિષ્ણાતો, ડૉક્ટરો, વકીલો, ઇજનેરો, અન્ય તકનીકી આવડત ધરાવતા લોકો વગેરે અનેક ઉદાહરણો અહીં ધ્યાનમાં લઈ શકાય. સાથે સાથે પગરખાં, સાઇકલ, ગૅસ કે સ્ટવ, સ્કૂટર કે મોટર રિપેર કરનાર, પાનબીડી, પાણીપૂરી, ચાની લારી જેવી અનેક વસ્તુઓ વેચનાર લારી કે ખૂમચાવાળા પણ સ્વરોજગારનાં ઉદાહરણો છે.

માનવવસ્તી વધવા સાથે તેને યથાયોગ્ય રોજગારી પૂરી પાડવાનું કામ રાજ્ય માટે મુશ્કેલ બનતું ગયું અને તેને લીધે આધુનિક યુગમાં ‘સ્વરોજગારી’ બેરોજગારીના એક અસરકારક ઉપાય તરીકે વધુ મહત્ત્વ ધરાવતી બાબત બની છે. કોઈ પણ રાજ્યશાસન બજારમાં પ્રવેશતા બધા જ આગંતુકોને પૂરા સમયની ઉત્પાદક રોજગારી પૂરી પાડી શકે નહિ.

પ્રાચીન યુગની વર્ણવ્યવસ્થામાં સમાજના જુદા જુદા વર્ગોએ સ્વેચ્છાએ પોતાની ખૂબીઓ અને ખામીઓને ઓળખીને કેટલીક ઉત્પાદક (આર્થિક) પ્રવૃત્તિઓ સ્વરોજગારની રીતે પણ સ્વીકારેલી હોવાનું માનવામાં આવે છે; પરંતુ સમય જતાં આ વ્યવસ્થામાં ચુસ્તતા કે જડતાનું તત્વ એવું સજ્જડ બન્યું કે સમાજનો અમુક વર્ગ જન્મથી અમુક ધંધા-વ્યવસાયથી અને તે સાથે સંકળાયેલા જીવનધોરણથી લાંબા સમય સુધી વંચિત રહેવા પામ્યો. આજની અનામત પ્રથા કદાચ આને લીધે જ ઉદભવી છે.

સમયાંતરે અર્થતંત્રોમાં બેકારી, ગરીબી, અસમાનતા જેવા પ્રશ્નો પ્રબળ થવા માંડ્યા અને ઝડપી આર્થિક વિકાસના પ્રયાસો આપમેળે આ પ્રશ્નોનું નિરાકરણ સમયસર લાવશે તે શ્રદ્ધા ડગવા માંડી, જેને લીધે ભારતમાં અને અન્યત્ર બેકારી, ગરીબીનિવારણના ઉપાય તરીકે અન્ય ઉપાયોની સાથે સાથે સ્વરોજગારી માટેના પ્રયાસો–કાર્યક્રમો હાથ ધરાતા રહ્યા છે.

ભારતમાં આયોજનબંધ આર્થિક વિકાસની પ્રક્રિયા દરમિયાન શિક્ષિતોની બેરોજગારીનો પ્રશ્ન વિકટ બનવા પામ્યો. તેથી સરકારે ગરીબ, અશિક્ષિત વર્ગ માટે સ્વરોજગારના કાર્યક્રમો હાથ ધર્યા. સાથે સાથે યુવાન શિક્ષિત વર્ગ માટે પણ સ્વરોજગાર કાર્યક્રમો અપનાવ્યા છે. શિક્ષણના ક્ષેત્રે 1978માં દાખલ કરવામાં આવેલ નવી તરેહ 10 + 2 + 3 પણ શિક્ષિતોના બેકારીનિવારણની દિશામાં એક પગલું ગણી શકાય. જે ધંધા-વ્યવસાયોમાં ધોરણ 10 સુધીનું ભણતર પર્યાપ્ત હોય તેવા વ્યવસાયોમાં તેવા યુવાવર્ગને સમાવવો. ધોરણ 12 સુધીના શિક્ષણની જરૂર હોય ત્યાં તેટલું શિક્ષણ મેળવેલ યુવાવર્ગને ઉત્પાદકીય પ્રવૃત્તિઓમાં વાળવો અને ઉચ્ચ અભ્યાસની ગર્ભિત શક્તિ ધરાવતા યુવાવર્ગને જ તે ઉપલબ્ધ બનાવવી. તેવા શિક્ષણને અંતે તે પ્રકારનું ઉત્પાદકીય કાર્ય તેવા યુવાવર્ગને ઉપલબ્ધ બનાવવું એવા ઉત્કૃષ્ટ ધ્યેયથી શરૂ કરાયેલ શિક્ષણની નવી તરેહ વાસ્તવમાં હેતુલક્ષી રહી નહિ. તેવી જ રીતે બુનિયાદી તાલીમ, વ્યવસાયલક્ષી અભ્યાસક્રમો પણ આવા ઉમદા હેતુવાળા હોવા છતાં નજીવા અંશે જ કામિયાબ રહેવા પામ્યા. તેથી સરકારે કેટલાક સીધા પ્રયાસો સ્વરોજગારી ઊભી કરવાની દિશામાં કર્યા છે; દા.ત., ઑગસ્ટ 1983માં બેથી અઢી લાખ યુવાવર્ગને દર વર્ષે ઉદ્યોગો, વ્યાપાર, વાણિજ્ય અને સેવાઓનાં ક્ષેત્રે સ્વરોજગારી પ્રાપ્ત થાય તેવો કાર્યક્રમ જાહેર કરેલો. દસ લાખ કરતાં વધુ વસ્તી ધરાવતાં શહેરોને બાદ કરતાં બાકીના મોટા ભાગના વિસ્તારને આ કાર્યક્રમ હેઠળ આવરી લેવાયો. જેમાં 18થી 35 વર્ષની ઉંમર ધરાવતી અને છેવટે મૅટ્રિક સુધી ભણેલી બેરોજગાર વ્યક્તિઓને મૂળ યોજના મુજબ રૂ. 25,000 સુધીની લોન આપવામાં આવે છે. આવી લોન 12.5 %ના વ્યાજની અને સાત વર્ષમાં પરત કરવાની હોય છે અને તેમાંય કુલ લોનના 25 % મૂડી સ્વરૂપની સબસીડી/આર્થિક મદદ ગણીએ તો માત્ર પોણા ભાગની મૂડી જ આવી બેરોજગાર વ્યક્તિએ છેવટે પરત ચૂકવવાની થાય. યોજના શરૂ થઈ ત્યારથી જુદા જુદા સમયે તેમાં સુધારાવધારા કરવામાં આવ્યા. ઔદ્યોગિક સાહસને પ્રોત્સાહિત કરવા આ લોનની રકમ વધારીને રૂ. 35,000 કરવામાં આવી. જેના કુટુંબની વાર્ષિક આવક રૂ. 10,000 કે વધુ હોય તેવી વ્યક્તિને આ યોજનાઓ માટે પાત્ર ગણવામાં આવી. લાભાર્થીઓના ઓછામાં ઓછા 30 % પછાત જ્ઞાતિના હોવા જોઈએ એવો આગ્રહ રખાયો. શિક્ષિત યુવાવર્ગ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર (DIC) દ્વારા લોન માટે અરજી કરે અને તેની ચકાસણીમાંથી તે પાર ઊતરે તો તે બૅંકને લોન મંજૂર કરવા ભલામણ કરે. લાભાર્થીઓને જરૂરી તાલીમ અને અન્ય સેવાઓ પણ પૂરી પાડવામાં આવી. 1983થી 1989 સુધીના 6 વર્ષના સમયગાળા દરમિયાન આ યોજના હેઠળ એક કરોડ વીસ લાખ કરતાં વધુ અરજદારોને કુલ 2,380.64 કરોડ રૂપિયાની લોન બૅંકોએ મંજૂર કરી હતી. ઉપરાંત 422.81 કરોડ રૂપિયા મૂડીની સબસિડી તરીકે લાભાર્થીઓને ચૂકવ્યા હતા. આ યોજના, આઠમી પંચવર્ષીય યોજનામાં પણ ચાલુ રહેવા પામી; પરંતુ 1991–92માં અને 1992–93માં અંદાજપત્રીય જોગવાઈ ઘટાડવામાં આવી. આ યોજનાની કેટલીક ખામીઓને લીધે તે આકરી ટીકાનો ભોગ બની. જેમ કે યોજના મંજૂર કરવામાં આવતી સંખ્યાના લક્ષ્યાંકના હેતુને જ વરેલી હોય, જિલ્લા ઔદ્યોગિક કેન્દ્ર અને બકોના ભ્રષ્ટાચારને લીધે લાયકાતવિહોણા (પ્રૉજેક્ટ્સ અને) અરજદારોને મોટા પ્રમાણમાં લાભ મળતો હોય તેથી બેરોજગાર યુવાવર્ગ તેટલે અંશે લાભથી વંચિત રહેવા પામ્યો; લોન પરતની મુશ્કેલી વગેરે ઉલ્લેખનીય છે. લોન મંજૂર કરવામાં આવી હોય તેવા પ્રૉજેક્ટ્સ/અરજદારો પૈકી 70 % જ કાર્યરત રહ્યા. 30 % કાં તો નિષ્ફળ અથવા હયાત જ ન રહ્યા. 33 % લોન પરત કરવામાં કસૂરદાર બન્યા. જ્યારે આ યોજના ચાલુ રાખવાની હોય ત્યારે આ પ્રકારની ખામીઓ નિવારવી જ રહી.

સ્વરોજગારની દિશામાં ભારત સરકારની બીજી આવી યોજના શહેરી ગરીબો માટે સ્વરોજગાર કાર્યક્રમ તરીકે ઓળખાય છે. કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 1986થી શહેરી ગરીબોને રાહત આપવાના હેતુથી આ યોજના અમલમાં મૂકી. દસ હજારથી વધુ વસ્તીવાળાં નગરોના એવા શહેરી ગરીબો જેઓ સુગ્રથિત ગ્રામ વિકાસ કાર્યક્રમ હેઠળ લાભાર્થી ન બન્યા હોય તેઓને સ્વરોજગારી પૂરી પાડવાનો હેતુ આ યોજનાનો છે. જે કુટુંબની વાર્ષિક આવક રૂ. 5,000થી વધુ ન હોય તેવા એક કુટુંબને (એક વ્યક્તિને) 10 % વ્યાજના દરે ધિરાણ પૂરું પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર ધિરાણની રકમના 25 % આર્થિક મદદ તરીકે પૂરી પાડે છે. આ યોજના હેઠળ 1987–88 દરમિયાન 3,63,000 લાભાર્થીઓને 131.74 કરોડ રૂપિયાનું ધિરાણ આપવામાં આવ્યું. 1992–93થી આ યોજના જવાહર રોજગાર યોજનામાં વિલીન થવા પામી.

સ્વરોજગાર પૂરો પાડવાની દિશામાં સરકાર ઉપરાંત સ્વૈચ્છિક સંસ્થાઓની કામગીરી પણ ઉલ્લેખનીય છે. દા.ત., અમદાવાદમાં કાર્યરત ‘સેવા’ સંસ્થા અનેક શ્રમજીવી બહેનોને વાસ્તવમાં સ્વરોજગારી પૂરી પાડે છે તે ખૂબ જાણીતી બાબત છે. આ ઉપરાંત અંધજનમંડળ, વસ્ત્રાપુર–અમદાવાદ અનેક વિકલાંગોને સ્વરોજગાર પૂરો પાડવામાં મદદરૂપ નીવડી છે. આવી અનેક નામી-અનામી સંસ્થાઓ સ્વરોજગારની દિશામાં ભારતમાં કાર્યરત છે.

હર્ષદ ઠાકર