સ્વરભેદ (hoarseness of voice)
January, 2009
સ્વરભેદ (hoarseness of voice) : આયુર્વેદમાં બોલતી વખતે શબ્દોના ઉચ્ચારણમાં થતા વિકાર કે ખામીથી અવાજ ઘોઘરો થવો, બોલતાં પૂરા શબ્દો ન બોલી શકાવા કે અવાજ સાવ બેસી જવાના વિકારને ‘સ્વરભંગ’ રોગ કહેલ છે. પ્રાય: કઠંમાં રહેલ સ્વરયંત્ર(larynx)ની સ્થાનિક વિકૃતિ તથા મગજમાં રહેલ વાણીકેન્દ્રની વિકૃતિને કારણે કંઠમાં સોજો આવવાથી આ દર્દ થાય છે. સાદી ભાષામાં તેને ‘અવાજ બેસી જવો’ કહે છે.
રોગનાં કારણો : આયુર્વેદના મતે ‘સ્વરભંગ’ રોગ ખૂબ ઊંચા અવાજે બોલવા કે વધુ ભાષણ દેવાથી, વિષસેવનથી, (ઝેરી દવાના પ્રભાવથી); માર-ચોટ કે પડી જવા જેવાં કારણોથી અથવા આહારવિષમતાથી પ્રકુપિત દોષો કંઠમાં સ્થાન જમાવીને આ રોગ પેદા કરે છે.
રોગના પ્રકારો : આયુર્વેદના મતે વાતજ, પિત્તજ, કફજ, ત્રિદોષજ, ક્ષયજ તથા મેદજ એમ છ પ્રકારનો સ્વરભેદ થાય છે.
પ્રકાર મુજબ રોગલક્ષણો : (1) વાતજ સ્વરભેદ : મુખારવિંદ, નેત્ર, મૂત્ર તથા મળ કાળાં-શ્યામ થાય છે, રોગીનો અવાજ ગધેડાના અવાજ જેવો સૂકો-લૂખો-કઠોર થાય છે. (2) પિત્તજ : નેત્ર, મુખ, મળ, મૂત્રાદિ પીળા રંગનાં થાય છે અને બોલતી વખતે કંઠમાં દાહ થાય છે. બોલવામાં તકલીફ પડે છે. (3) કફજ : દર્દીનો કંઠ કફથી ભરાયેલો, ભારે ગદગદ થતાં તે ધીમેથી બોલે છે. સવારે તકલીફ વધુ, દિવસ દરમિયાન જરા સારું જણાય છે. (4) ત્રિદોષજ : આમાં વાયુ, પિત્ત અને કફ ત્રણે દોષનાં મિશ્ર લક્ષણો જોવા મળે છે. (5) ક્ષયજ (ટી. બી. રોગજન્ય) : નાક અને મુખમાંથી ધુમાડો નીકળવા જેવું જણાય, બોલવાની શક્તિ નાશ પામે અને કફના ગળફા વારંવાર બહાર પડે. (6) મેદદોષજ : વધુ પડતી ચરબી કંઠમાં જમા થવાથી દર્દી જાણે ગળાની અંદર જ બોલી શકે છે, જે કંઈ બોલે તે પૂરું સમજાય નહિ. કેટલાક શબ્દો સ્પષ્ટ સંભળાય જ નહિ, તેમજ દર્દીને તરસ વધુ લાગે છે. આ ઉપરાંત ફિરંગ (syphilis) રોગને કારણે કે આક્ષેપ(આંચકા)ના દર્દને કારણે પણ સ્વરભંગ થાય છે. જૂની કે વધુ શરદી-સળેખમથી પણ સ્વરભંગ થાય છે.
ચિકિત્સા : વાત દોષજમાં : (1) સિતોપલાદિ ચૂર્ણ–ઘી સાથે દિનમાં 2થી 3 વાર અપાય છે. (2) દશમૂલારિષ્ટ + દ્રાક્ષાસવ કે યષ્ટિમધુ શરબત 2થી 3 ચમચી અપાય છે. (3) સિતોપલાદિ તથા યષ્ટિમધુ ચૂર્ણ, ઘી સાથે ચાટવું, (4) યષ્ટિમધુવટી કે એલાદિવટી ચૂસવી. પિત્તજ(ગરમીના)માં : (1) પથ્યાદિ ક્વાથમાં સાકર નાંખી પીવું. (2) અવિપત્તિકર તથા જેઠીમધ ચૂર્ણ ઘી સાથે ચાટવું. (3) એલાદિવટી કે યષ્ટિમધુવટી ચૂસવી. કફજમાં : (1) વાસાસવ + દશમૂલારિષ્ટ + કુમાર્યાસવ 2–2 ચમચી મેળવીને લેવાય છે. (2) સિતોપલાદિ ચૂર્ણક ત્રિભુવનકીર્તિરસ કે લક્ષ્મીવિલાસરસ 1 ગોળી વાટીને મધ કે આદુના રસ સાથે અપાય છે. (3) લવંગાદિવટી કે કંઠસુધારકવટી ચૂસવા અપાય છે.
નોંધ : આ દર્દમાં ખાંસીના દર્દમાં વપરાતાં ઔષધો લાભપ્રદ છે.
વૈદ્ય બળદેવપ્રસાદ પનારા