સરાહ અબૂબકર (શ્રીમતી)

January, 2007

સરાહ અબૂબકર (શ્રીમતી) (. 30 જૂન 1936, કાસરગોડ, કેરળ) : કન્નડ લેખિકા. તેઓ 198790 દરમિયાન કર્ણાટક સાહિત્ય અકાદમીનાં સભ્ય; 1992-95 દરમિયાન કન્નડ યુનિવર્સિટીનાં સિન્ડિકેટ-સભ્ય; 1993-96 ફિલ્મ પ્રિવ્યૂ કમિટીનાં પણ સભ્ય હતાં.

તેમની માતૃભાષા મલયાળમ હોવા છતાં તેમણે કન્નડમાં 14 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘ચંદ્રગિરિ’, ‘તીર્થદલ્લી’ (1984); ‘સહાના’ (1985); ‘વજ્રગલુ’ (1988); ‘સુલિયલ્લી સિક્કાવરુ’ (1994); ‘પ્રવાહ-સુલી’ (1996) તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘ચપ્પાલગલુ’ (1989); ‘પાયન મટ્ટુ ઇતરા કથેગલુ’ (1992); ‘અર્ધરાત્રિયલ્લી હુટ્ટિડા કુસુ’ (1996) તેમના વાર્તાસંગ્રહો છે. ‘મનોમી’ (1993, અનૂદિત નવલકથા) અને ‘લેખન ગુચા’ (1997) તેમના નિબંધસંગ્રહો છે.

તેમને 1984 તથા 1990ના વર્ષના કર્ણાટક સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1995માં કર્ણાટક રાજ્યોત્સવ ઍવૉર્ડ તથા અનુપમ નિરંજન ઍવૉર્ડ આપવામાં આવેલા. 1998માં શિવાનંદ બસવના ગૌડ પતીલા પ્રશસ્તિથી પણ તેમને સન્માનવામાં આવ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા