સ્વ-અન્વેષણ (self-audit) : વીતેલા વર્ષ દરમિયાન પેઢીએ કરેલા સમગ્ર કાર્યની સિદ્ધિ અથવા નિષ્ફળતાનું પેઢીના સંચાલકો દ્વારા કરાતું મૂલ્યાંકન. હિસાબોને પારદર્શી, પ્રામાણિકતાના પાયે અને ઉત્તરદાયિત્વસભર રાખવા હોય તો ઑડિટર ધંધાકીય કે બિન-ધંધાકીય એકમની બહારની અને હિસાબો તપાસી શકે તેવી ક્ષમતાવાળી વ્યક્તિ હોવી જોઈએ. અત્યાર સુધી આ શરતે જ સર્વત્ર અન્વેષણ થાય છે અને એ જ ઇચ્છનીય છે. જે સંસ્થાઓ કાયદાથી અસ્તિત્વમાં આવે છે તેમના હિસાબોના અન્વેષણ માટે આ શરતને ધારાકીય અનિવાર્યતા તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. આથી હંમેશાં બહારની વ્યક્તિ દ્વારા થતું અન્વેષણ (પર-અન્વેષણ) જ હોય; પરંતુ વીસમી સદીના ઉત્તરાર્ધથી સ્વ-અન્વેષણનો ખ્યાલ પણ સ્વીકારાયો છે. એકમોનાં કદ (વ્યવહારો + રોકાણોની દૃષ્ટિએ) ખૂબ મોટાં થવાથી અને કમ્પ્યૂટરોના ઉપયોગથી જથ્થાકીય અભિગમને વ્યવહારમાં મૂકવાનું શક્ય બનવાથી એકમ માટે પદ્ધતિ-અભિગમ (system approach) અપનાવવાનું શરૂ થયું. કોઈ એક વ્યવહારના એકમની અંદરના વિવિધ વિભાગો અને અન્ય વ્યવહારો પર તેમજ એકમની બહાર કેવી અને કેટલી અસર થઈ તેનું સતત અન્વેષણ કરવાનું શરૂ થયું છે. એકમના સંચાલકો પોતે જ પોતે કરેલા વ્યવહારોનું અન્વેષણ કરતા થયા છે. આમ, સ્વ-અન્વેષણ થતાં વ્યવહારોની અસરકારકતાને અપેક્ષિત અસરકારકતા સાથે સતત સરખામણી કરતું તટસ્થ, પારદર્શી અને પ્રામાણિકતા-આધારિત તેમજ એકમના સંચાલકો તરફથી જ અમલમાં મુકાતું અન્વેષણ છે. આ અન્વેષણનો હેતુ હિસાબોની ખરાઈ તપાસવા જેટલો સીમિત નથી; વ્યવહારોની સંચાલકીય કાર્યક્ષમતા અને કાર્યદક્ષતા તપાસવાનો પણ છે. વાસ્તવમાં આ અન્વેષણનો હેતુ વધારે સંચાલકીય અને ઓછો હિસાબી છે. સ્વ-અન્વેષણ જે વ્યવહારો ભાવિમાં કરવાનું સંચાલકો ધારે છે તેને પણ તપાસે છે. એ વ્યવહારો અપેક્ષિત ધોરણો અનુસારનાં પરિણામ પેદા કરશે કે કેમ તે તપાસે છે. ધારાકીય અને રૂઢિગત દૃષ્ટિએ અન્વેષણનો જે ખ્યાલ છે તેના વિકલ્પ તરીકે સ્વ-અન્વેષણ નથી. અલબત્ત, સ્વ-અન્વેષણથી બાહ્ય ઑડિટરો તરફથી થતાં અન્વેષણોને ખૂબ મદદ મળે છે. આમ તે પૂરક બને છે. આમ થવાથી મહાકાય એકમોનાં પર-અન્વેષણો સરળતાથી અને ઓછા સમયમાં પૂરાં થતાં હોય છે. અલબત્ત, એ ઑડિટરો સ્વ-અન્વેષણની તકનીક અને કાર્યવહીથી પૂરા પરિચિત હોય એ જરૂરી છે. તે વિશ્વસનીય છે કે કેમ તે એમણે ચકાસી લેવું જરૂરી છે.
સ્વ-અન્વેષણ કરવા માટે આ પગલાં લેવાં જોઈએ : (1) સમગ્ર પદ્ધતિ(system)ને ઝીણવટભરી રીતે તપાસવી. (2) પદ્ધતિના અમુક ભાગોમાં પ્રતિનિધિસ્વરૂપ નમૂના સ્વ-અન્વેષણ માટે અમલમાં મૂકી તેની અસરકારકતા તપાસવી. (3) પ્રવાહ-આલેખો બનાવવા અને તેનું ઝીણવટભર્યું પૃથક્કરણ કરવું. (4) સમગ્ર પદ્ધતિની ગર્ભિત શક્તિ અને નબળાઈઓ સ્વ-અન્વેષણના હેતુઓના સંદર્ભમાં તપાસવી. (5) નમૂનારૂપ સ્વ-અન્વેષણનાં પરિણામો સંતોષકારક માલૂમ પડે તો સમગ્ર એકમ માટે વિશ્વસનીય એવું સ્વ-અન્વેષણ દાખલ કરવાનું આયોજન કરવું. (6) વ્યવહારોની અસરકારકતાને વિગતપૂર્વક તપાસવી. ખાસ કરીને જ્યાં સિસ્ટમ નબળી પુરવાર થતી હોય ત્યાં અચૂક તપાસવી. (7) નબળાઈઓ દૂર કરવાનાં પગલાં સૂચવવાં.
આમ, સ્વ-અન્વેષણ દેખીતી રીતે અન્વેષણના મૂળભૂત ખ્યાલથી વિપરીત ખ્યાલ છે, છતાં તે ખૂબ અસરકારક સંચાલકીય પદ્ધતિ છે અને તે અન્વેષણને પૂરક બને છે.
સૂર્યકાન્ત શાહ