કર્ણ : વ્યાસકૃત મહાકાવ્ય ‘મહાભારત’નું એક પાત્ર. કુંતીનો સૂર્યથી ઉત્પન્ન પુત્ર. એકાન્તિક સૂર્યભક્ત. સૂત અધિરથ અને તેની પત્ની રાધાએ પુત્ર તરીકે ઉછેર્યો. દુર્યોધનનો ગાઢ મિત્ર અને મંત્રી. સુવર્ણના તાડ જેવો ઊંચો, સિંહ જેવો પ્રતિભાશાળી, દાનવીર, પરાક્રમી અને તેજસ્વી.
કુંતીએ પિતૃગૃહે દુર્વાસાની પરિચર્યા કરી. પ્રસન્ન દુર્વાસાએ વશીકરણ-મંત્ર આપ્યો. કુંતીએ મંત્રની પ્રતીતિ માટે સૂર્યનું આવાહન કર્યું. સૂર્યથી કુંતીને દિવ્ય કવચકુંડળયુક્ત પુત્ર કર્ણ જન્મ્યો. લોકનિંદાના ભયથી કુંતીએ તેને પેટીમાં મૂકી અશ્વનદીમાં વહાવી દીધો. પેટી તણાતી તણાતી અશ્વનદીમાંથી અનુક્રમે ચર્મણ્વતી, યમુના અને પછી ગંગામાં ગઈ. ગંગાતટે આવેલી અંગ પ્રદેશની ચંપાપુરીમાં ધૃતરાષ્ટ્રના મિત્ર સૂત અધિરથ અને તેની પત્ની રાધાએ તેને દીઠી. પેટીને બહાર કાઢી. યંત્રો દ્વારા ખોલી. અંદર તો તેજસ્વી બાળક હતો. નિ:સંતાન દંપતી ખુશ થયાં. દેવદત્ત પુત્ર માનીને તેને સ્વીકાર્યો. બાળકે સુવર્ણકવચ અને કનકકુંડળરૂપી વસુ ધારણ કરેલી જોઈને તેનું વસુષેણ નામ પાડ્યું. આમ વસુષેણ નામધારી કર્ણ અધિરથનો જ્યેષ્ઠ પુત્ર બન્યો. કર્ણપ્રાપ્તિ પછી રાધાને બીજા ઔરસ પુત્રો જન્મ્યા. કર્ણ બ્રાહ્મણભક્ત, સામાન્યત: સત્યવાદી, તપસ્વી અને વ્રતી હોઈ વૃષ એટલે ધર્માત્મા પણ કહેવાયો.
કર્ણનું બાળપણ ચંપામાં વીત્યું. મોટો થતાં અધિરથે તેને હસ્તિનાપુર મોકલ્યો. ત્યાં દ્રોણાચાર્ય પાસે શસ્ત્રાસ્ત્રવિદ્યામાં વિશારદ થયો. અર્જુન સાથે એ સ્પર્ધા કરતો. અહીં એને દુર્યોધન સાથે ગાઢ મૈત્રી થઈ. મૈત્રીના કારણે એ પાંડવો પ્રત્યે અકારણ વેર રાખતો થયો. તેથી તો વ્યાસે એને દુર્યોધનરૂપી મન્યુમય વૃક્ષના થડ તરીકે નિરૂપ્યો છે. એણે દ્રોણાચાર્ય પાસે બ્રહ્માસ્ત્ર શીખવાની માગણી કરી. પણ અર્જુન પ્રત્યેનો તેનો દુષ્ટ ભાવ જાણીને દ્રોણે તેને બ્રહ્માસ્ત્ર ન શીખવ્યું. અર્જુન કરતાં શ્રેષ્ઠ થવા તે જામદગ્ન્ય રામ પરશુરામ પાસે ગયો. સ્વકાર્ય સિદ્ધ કરવા અસત્ય બોલ્યો : ‘‘હું ભાર્ગવ બ્રાહ્મણ છું.’’ પરશુરામે તેને બ્રહ્માસ્ત્ર શીખવ્યું.
એક વખત શ્રાંત પરશુરામ કર્ણના ખોળામાં ઊંઘી ગયેલા. ત્યાં અલર્ક નામના આઠ પગવાળા ભયંકર કીડાએ કર્ણની જાંઘ કરડી ખાધી. જાંઘમાંથી લોહી નીકળ્યું. રક્તસ્પર્શથી રામ જાગ્યા. બ્રાહ્મણ આટલી વેદના શાંતિથી સહન કરી શકે જ નહિ. એમને શંકા ગઈ કે આ તો ક્ષત્રિય જ હોવો જોઈએ. પૂછવાથી કર્ણે સાચી વાત કહી ગુરુને શાંત કર્યા. રામે એને શાપ આપ્યો : ‘‘અંતિમ સમયે સમકક્ષ યોદ્ધા સાથે લડતાં તને બ્રહ્માસ્ત્રનું વિસ્મરણ થશે’’ અને ચાલ્યા જવા કહ્યું. કર્ણ સૂત હતો તેથી આશીર્વાદ પણ આપ્યો : ‘‘તારા સમાન કોઈ ક્ષત્રિય યોદ્ધો થશે નહિ.’’
પરશુરામ પાસે અભ્યાસ કરતો હતો તે અરસામાં કર્ણે પ્રમાદવશ એક બ્રાહ્મણની હોમધેનુના વાછરડાની હત્યા કરી હતી. બ્રાહ્મણે તેને શાપ આપેલો : ‘‘યુદ્ધમાં ભૂમિ તારા રથચક્રને ગ્રસી જશે.’’ કર્ણે તેને ઘણું ધન આપીને ઉ:શાપ માગવાનો પ્રયત્ન કર્યો. બ્રાહ્મણે તેનો તિરસ્કાર કર્યો.
દ્રોણાચાર્યે કૌરવ-પાંડવોની તાલીમ પૂરી થતાં તેના નિદર્શન માટે રંગભૂમિ તૈયાર કરી. સર્વ કુમારોએ પોતાનું કૌશલ દર્શાવ્યું. તેમાં અર્જુનનું નિદર્શન પૂરું થવા આવ્યું ત્યાં તો કર્ણ રંગભૂમિ ઉપર આવ્યો. દ્રોણ-કૃપને ખાસ આદર વિના પ્રણામ કર્યા. પોતાને અર્જુન કરતાં વિશેષ જાહેર કરીને અર્જુને કરેલી બધી ક્રિયાઓ કરી દેખાડી. ત્યાં જ કૌરવ-પાંડવ વચ્ચે ઝઘડો થયો. કર્ણે અર્જુનને દ્વંદ્વયુદ્ધ માટે પડકાર્યો. પરંતુ રાજકુમાર સાથે તો સમાન કુળવાળો જ દ્વંદ્વયુદ્ધ કરી શકે એવો નિયમ હોઈ સૂતપુત્ર તરીકે જાણીતા કર્ણને અહીં લજ્જાથી નીચું જોવું પડ્યું. કર્ણ અપમાનિત થતાં દુર્યોધને તેને અંગ દેશનું રાજ્ય અર્થાત્ ચંપાનગરી આપીને ગૌરવાન્વિત કર્યો. આ ઉપકારના બદલામાં કર્ણ દુર્યોધન સાથે ગાઢ મૈત્રીગાંઠથી બંધાયો. એવામાં કર્ણનો પાલક પિતા વૃદ્ધ અધિરથ ત્યાં આવ્યો. કર્ણે પ્રણામ કરીને પિતાનું બહુમાન કર્યું. આ બધા સમયે કુંતીની હૃદયસ્થિતિ ભય, આનંદ અને દુ:ખમિશ્રિત થઈ હતી.
કર્ણે એક વખત મલ્લયુદ્ધમાં જરાસંધના સાંધા ઢીલા કરી નાખેલા, તેથી જરાસંધે તેને અંગ દેશની માલિની નગરી ભેટ આપી હતી. આમ કર્ણ ચંપા અને માલિની નગરીઓનો રાજા બન્યો હતો. મહાભારતમાં એક સ્થાને એને અંગ અને વંગ દેશનો રાજા કહ્યો છે.
કર્ણે અનેક સૂતકન્યાઓ સાથે લગ્ન કરેલાં. દ્રૌપદી-સ્વયંવરમાં પણ તેણે મત્સ્યવેધ કરવા પ્રયત્ન કરેલો પરંતુ નિષ્ફળ ગયેલો. પ્રચલિત લોકમાન્યતા અને મહાભારતના ક્ષેપક પાઠના આધારે કેટલાક માને છે તેમ દ્રૌપદીએ ‘નાહં વરયામિ સૂતમ્’ બોલીને કર્ણને અપમાન્યો નહોતો; ઊલટું મત્સ્યવેધ થયા પછી કર્ણ અર્જુન સામે લડવા ગયેલો અને અર્જુનથી ડરીને પાછો ફર્યો હતો !
હસ્તિનાપુરમાં દ્યૂત રમતાં જ્યારે યુધિષ્ઠિરે દ્રૌપદીને દાવમાં મૂકી ત્યારે તે બહુ રાજી થયેલો. યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા. દુર્યોધનના નાના ભાઈ વિકર્ણે દ્રૌપદીનો બચાવ કર્યો. કર્ણે વિકર્ણને બહુ ધમકાવ્યો અને દુ:શાસનને દ્રૌપદીનાં તેમજ પાંડવોનાં વસ્ત્રો ઉતારી લેવા આજ્ઞા કરી. દ્રૌપદીને ‘તું બીજો પતિ વરી લે’ કહીને અને બીજી રીતે એણે દ્રૌપદીનું અને પાંડવોનું ઘોર અપમાન કરેલું. તેના જ ઇશારાથી દુર્યોધને પોતાની ડાબી સાથળ ખુલ્લી કરી, દ્રૌપદી તેમ જ ભીમસેન તરફ બીભત્સ ચાળો કરેલો. દ્યૂતમાં હારી પાંડવો વનવાસી થયા ત્યારે તેણે પાંડવોનો વધ કરવાની સલાહ આપેલી. ઘોષયાત્રાના નિમિત્તે શ્રીવિહીન પાંડવોને પોતાની ઝળકતી શ્રી દેખાડીને તેમનો જીવ બળી જાય તે જોવાનું અતુલ સુખ લેવાની એણે સલાહ આપેલી. કર્ણ ઘોષયાત્રામાં પણ જોડાયો. માર્ગમાં ચિત્રસેન ગંધર્વ સાથે લડાઈ થતાં તેને લાચારીથી ભાગવું પડ્યું. દુર્યોધનાદિ કેદ પકડાયા. પાંડવોએ તેમને છોડાવ્યા. છૂટેલા દુર્યોધનને કર્ણે આશ્વાસેલો. ગંધર્વોથી અપમાનિત દુર્યોધને પ્રાયોપવેશન કરતાં તેણે દુર્યોધનને પ્રાયોપવેશન છોડવા સમજાવેલો.
પાંડવોએ ગંધર્વોની કેદમાંથી છોડાવ્યો તે લક્ષમાં લઈને ભીષ્મે દુર્યોધનને પાંડવો સાથે સમાધાન કરવા સમજાવ્યો; પરંતુ કર્ણની ચઢવણીથી તેણે ન માન્યું. ભીષ્માદિનું મોં બંધ કરવા કર્ણ દુર્યોધન માટે દિગ્વિજય કરી આવ્યો. દિગ્વિજયી કર્ણના સૂચનથી દુર્યોધને વૈષ્ણવયજ્ઞ કર્યો. વૈષ્ણવયજ્ઞની સમાપ્તિ પછી કર્ણે અર્જુનવધની પ્રતિજ્ઞા કરતાં કહ્યું, ‘‘જ્યાં સુધી હું અર્જુનનો વધ નહિ કરું ત્યાં સુધી હું મારા પગ બીજા પાસે ધોવડાવીશ નહિ.’’ આને કારણે કૌરવોને ખાતરી થઈ કે મહાયુદ્ધમાં કર્ણ પાંડવોને હરાવશે જ.
કર્ણ પ્રવીણ ધનુર્ધર હતો. પાંડવ-કૌરવોના યુદ્ધમાં કર્ણ અર્જુનની વિરુદ્ધ લડવાનો જ તેથી ઇન્દ્રને ફિકર થઈ. તે માટે તેણે કર્ણ પાસેથી તેનાં કવચકુંડળ માગવાનું નક્કી કર્યું. ઇન્દ્રને ખબર હતી કે દાનવીર કર્ણ સત્પુરુષો અને બ્રાહ્મણોને તેઓ જે કંઈ માગે તે આપે જ છે. અમૃતમાંથી ઉદભવેલ કવચકુંડળને લીધે કર્ણ અજર-અમર હતો અને તે કારણે અર્જુનનો વધ પણ શક્ય હતો. આ તરફ સૂર્ય કર્ણના સ્વપ્નમાં આવ્યા. ઇન્દ્રને કવચકુંડળ ન આપવા સમજાવ્યો. કર્ણે, ‘આયુષ્યની અપેક્ષાએ કીર્તિ શ્રેયસ્કર છે’, કહી સૂર્યની શિખામણ અમાન્ય કરી. ત્યારે સૂર્યે તેને કવચકુંડળના બદલામાં ઇન્દ્રની અમોઘ શક્તિ માગી લેવા જણાવ્યું. કર્ણે તે સ્વીકાર્યું. એકવાર મધ્યાહન સમયે કર્ણ જળમાં ઊભો રહીને કિરણમાલી સૂર્યની સ્તુતિ કરતો હતો ત્યારે ઇન્દ્ર બ્રાહ્મણના વેશે આવ્યો. તેનાં કવચકુંડળ માગ્યાં. કર્ણે તે આપ્યાં; પરંતુ દેવરાજ ઇન્દ્ર વૃથા દાન લે તો તે હાંસીપાત્ર થાય તેથી કર્ણે બદલામાં તેની અમોઘ શક્તિ માગી. ‘‘એક શક્તિશાળી શત્રુને મારીને તે શક્તિ મારી પાસે આવી જશે’’ એમ કહીને ઇન્દ્રે શક્તિ કર્ણને આપી. કવચકુંડળ ઉતરડીને કાઢી આપવાથી પોતાનાં અંગ કુરૂપ ન થાય તેવી માગણી કર્ણે કરી. ઇન્દ્રે તે માન્ય કરી. કર્ણે શસ્ત્ર દ્વારા ઉતરડીને રક્તથી આર્દ્ર કવચકુંડળ ઇન્દ્રને આપ્યાં. આ કર્મના કારણે તેનું નામ વૈકર્તન કર્ણ પડ્યું.
વનવાસના તેરમા વર્ષે પાંડવો ગુપ્તવાસમાં હતા ત્યારે પાંડવોની ભાળ મેળવવા વિરાટને ત્યાં ગુપ્તચરો મોકલવાની કર્ણે દુર્યોધનને સલાહ આપેલી. કીચકના મૃત્યુથી નિર્બળ થયેલા મત્સ્યરાજ વિરાટની વિરાટનગરી ઉપર દુર્યોધને આક્રમણ કર્યું ત્યારે કર્ણ તેની સાથે હતો. સામે યુદ્ધ કરવા અર્જુન આવે છે એવો ખ્યાલ આવતાં કર્ણે આત્મશ્લાઘા કરીને અર્જુનનો વધ કરવાની શેખી કરી, ત્યારે તેને કૃપાચાર્ય અને અશ્વત્થામા સાથે ભારે બોલાચાલી થઈ. દુર્યોધને તેમને જેમતેમ કરી સમજાવ્યા. મહાભારત યુદ્ધ વખતે પણ કર્ણ અને કૃપ-અશ્વત્થામા વચ્ચે ભારે ચડભડ થયેલી અને અશ્વત્થામા તો કર્ણનો વધ કરવા તત્પર થયેલો. તે વખતે પણ દુર્યોધને સૌને માંડ માંડ શાંત પાડેલા !
મહાયુદ્ધ ન થાય તે માટે શાંતિદૂત શ્રીકૃષ્ણ વિષ્ટિ કરવા હસ્તિનાપુર આવ્યા ત્યારે તેમને કેદ કરવાના ષડ્યંત્રમાં કર્ણ સામેલ હતો.
વિષ્ટિ પડી ભાંગ્યા પછી શ્રીકૃષ્ણે કર્ણને પોતાની સાથે રથમાં લીધો. શ્રીકૃષ્ણે કર્ણને માયાળુ, કોમળ, પ્રિય, ધર્મયુક્ત, સાચાં, હિતકર અને હૃદયમાં વસી જાય એવાં વચન કહ્યાં. વળી કહ્યું, ‘‘તું કુંતીપુત્ર છે. ધર્માનુસાર પાંડુનો પુત્ર છે. પાંડવો સાથે ભ્રાતૃભાવથી જોડાય તો પાંચે પાંડવો તારો ચરણસ્પર્શ કરશે. વર્ષનો છઠ્ઠો ભાગ દ્રૌપદી તને સેવશે. તારો સ્વતંત્ર રાજા તરીકે રાજ્યાભિષેક થશે. યુધિષ્ઠિર યુવરાજ થશે અને તારા વસુષેણ નામનો વિજયઘોષ ગાજશે. પૃથ્વીનો નાશ નહિ થાય.’’
કર્ણ હાલી ઊઠ્યો. એણે કહ્યું : ‘‘હું આ બધું સમજું છું. પણ હું મારાં પાલક માતાપિતા અને સ્ત્રીપુત્રોને છોડી નહિ શકું. મારા આધારે તો દુર્યોધને પાંડવો સાથે વિરોધ કર્યો છે. મેં દુર્યોધનના કારણે પાંડવોને દૂભવ્યા છે, તેનો મને આજે પશ્ચાત્તાપ થાય છે, પણ હું દુર્યોધનની મૈત્રી છોડી નહિ શકું. મને રાજ્ય મળે તો તે હું દુર્યોધનને જ આપી દઉં. તમે આપણી મંત્રણા અહીં જ દબાવી દેજો, કારણ કે યુધિષ્ઠિર મને જ્યેષ્ઠ ભ્રાતા જાણશે તો તે રાજ્ય નહિ લે. મારો તો નિશ્ચિત અભિપ્રાય છે કે જેના નેતા આપ હૃષીકેશ છો અને યોદ્ધો ધનંજય અર્જુન છે તે યુધિષ્ઠિર જ રાજા થવા જોઈએ. મને ખબર છે કે જ્યાં ધર્મ છે ત્યાં જય છે.’’ કર્ણ પાંડવોના પક્ષમાં ન આવ્યો, પરંતુ દુર્યોધનનો વિશ્વાસુ મિત્ર પાંડવોની જીત અને યુધિષ્ઠિરનું રાજ્ય વાંછતો થઈ ગયો.
હવે માતા કુંતી કર્ણ પાસે ગયાં. તેનો જન્મવૃત્તાંત કહ્યો. સૂતપુત્રના બદલે મોભાવાળા પાર્થ સંબોધનથી ઓળખાવા પ્રેર્યો. સૂર્યે કર્ણને માતૃવચન પાળવા આજ્ઞા કરી. પણ કર્ણ ડગ્યો નહિ. એણે માતાને પુત્રત્યાગના પાપ માટે ઠપકો આપ્યો. ‘‘ત્યજતી વખતે માનું કામ ન કર્યું અને હવે સ્વાર્થે ‘પુત્ર’ કહીને બોલાવે છે ?’’ એવો તીવ્ર કટાક્ષ કર્યો. એમ છતાં માતાને વચન આપ્યું : ‘‘સંગ્રામમાં હણી શકાય એવા તારા ચાર પુત્રોને હું નહિ હણું. માત્ર અર્જુન સામે તેને હણવા યુદ્ધ કરીશ.’’
થર થર ધ્રૂજતી કુંતીએ, ‘‘દૈવ ખૂબ બળવાન છે’’, બોલી કર્ણને આલિંગન આપ્યું અને વચન પાળવા કહ્યું.
કર્ણ પાંડવો પ્રત્યે અકારણ વૈરભાવ રાખતો તેથી ભીષ્મ તેને અવગણતા. આને કારણે ભીષ્મ સાથે તેને અનેક વખત બોલાચાલી થયેલી. બે વખત તો તેણે ભીષ્મ જીવતા હોય ત્યાં સુધી યુદ્ધમાં ભાગ નહિ લેવાની પ્રતિજ્ઞા કરેલી. કારણ કે યશ સેનાપતિને મળે ! ભીષ્મ શરશય્યા પર પોઢ્યા તે પછી દ્રોણાચાર્ય સેનાપતિ થયા ત્યારે કર્ણે યુદ્ધમાં ભાગ લીધો. કર્ણની પાસે કવચકુંડળ તો રહ્યાં નહોતાં, પણ તેની પાસેની ઇન્દ્રની અમોઘ શક્તિના કારણે શ્રીકૃષ્ણને મનમાં શંકા હતી. આથી તેમણે ભીમસેનના પુત્ર ઘટોત્કચને કર્ણ સામે લડવા મોકલ્યો. ઘટોત્કચે કૌરવ સૈન્યનો કચ્ચરઘાણ કાઢી નાખ્યો. કૌરવસેના બાવરી બની ગઈ. સ્વયં કર્ણ પણ ભયમાં આવી પડ્યો. નિરુપાયે તેણે ઘટોત્કચ ઉપર શક્તિ ફેંકી. ઘટોત્કચ માર્યો ગયો, તે સાથે ઇન્દ્રની શક્તિ વેડફાઈ ગઈ. અર્જુન ભયમુક્ત બન્યો.
દ્રોણના પતન પછી કર્ણ સેનાપતિ બન્યો. કર્ણ જેવા અદ્વિતીય યોદ્ધા માટે સારથિ પણ અદ્વિતીય જોઈએ. દુર્યોધનની સેનામાં શલ્ય ઉત્તમ સારથિ હતો. કર્ણના કહેવાથી દુર્યોધને શલ્યને કર્ણના સારથિ થવા વિનંતી કરી. કુલીનતાનો અભિમાની શલ્ય ખીજવાયો. છેવટે દુર્યોધનની ખુશામતથી સારથિપદ સ્વીકાર્યું તો ખરું પણ સાથે કડક શરત મૂકી, ‘‘હું કર્ણને મન ફાવે તે સંભળાવીશ !’’
કર્ણ-દુર્યોધને આ અણગમતી શરત માન્ય કરી !
કર્ણના સેનાપતિપદ દરમિયાન ભયંકર લડાઈઓ થઈ. શલ્યે પેલી શરતના આધારે કર્ણને ઘણું સંભળાવીને તેનો તેજોવધ કર્યો અને સાચીખોટી સલાહો આપી. કર્ણે પણ શલ્યને સામે ખૂબ સંભળાવ્યું.
કર્ણ બહાદુરીથી લડ્યો. કર્ણ-અર્જુન સામસામે આવી ગયા. ભીષણ જંગ જામ્યો. એ સમયે પૂર્વે કર્ણને શાપ મળ્યા હતા તેવી પરિસ્થિતિઓ ઉદભવી. એને પરશુરામે આપેલા શાપથી બ્રહ્માસ્ત્રનું વિસ્મરણ થયું. એના રથનું ચક્ર જમીનમાં ખૂંપી ગયું. લાચાર થઈને તે રથમાંથી ઊતર્યો અને રથચક્ર બહાર કાઢવા પ્રયત્ન કરવા લાગ્યો. આ દરમિયાન તેણે અર્જુનને રોકાવા જણાવ્યું. શ્રીકૃષ્ણે અર્જુનને રોકાવાની ના પાડી અને કર્ણને એના જન્મારાનાં દુષ્કૃત્યો યાદ કરાવ્યાં. અર્જુને પહેલાં કર્ણનો હાથીના કંદોરાના (સાંકળના) ચિહનવાળો ધ્વજદંડ તોડી પાડ્યો અને ત્યારપછી તીક્ષ્ણ બાણથી કર્ણનો વધ કર્યો.
મહાભારત યુદ્ધમાં કર્ણના છ પુત્ર અને છ ભાઈ માર્યા ગયા હતા.
મહાભારત યુદ્ધમાં કર્ણને ભીમસેન, અર્જુન અને સાત્યકિએ અનેક વખત હરાવેલો. દ્રોણાચાર્ય પડ્યા ત્યારે તે ભયથી નાસી છૂટેલો; તેમ છતાં યુદ્ધ દરમિયાન યુધિષ્ઠિર, ભીમસેન, નકુલ અને સહદેવનો વધ કરી શકાય એમ હતો, તોપણ માતા કુંતીને આપેલું વચન સ્મરણમાં રાખીને તેમને તેણે મારી નાખ્યા નહોતા.
કર્ણનો વધ થતાં રાજીના રેડ થઈને ધર્મરાજાએ અર્જુન-શ્રીકૃષ્ણને અભિનંદન આપ્યાં. ધૃતરાષ્ટ્રને ભારે શોક થયો. એ બોલ્યા : ‘‘ખરેખર, મારું હૃદય વજ્રસાર જેવું દુર્ભેદ્ય છે, કારણ કે એ પુરુષવ્યાઘ્ર કર્ણ માર્યા ગયાના સમાચાર સાંભળીને વિદીર્ણ થઈ જતું નથી !’’ મહાયુદ્ધ પછી મૃત સ્વજનોને જલાંજલિ આપતી વખતે કુંતીએ પાંડવો આગળ રહસ્ય ખોલ્યું : ‘‘કર્ણ તો તમારો ભાઈ હતો. તેને તમે જલાંજલિ આપજો.’’ આ સાંભળી પાંડવો દુ:ખી દુ:ખી થઈ ગયા.
યુદ્ધ પછી પંદરમા વર્ષે ધૃતરાષ્ટ્ર, ગાંધારી, કુંતી વનવાસી થયાં. ત્યાં પાંડવો અને વેદવ્યાસ તેમને મળવા ગયા હતા. કુંતીએ સસરા વેદવ્યાસ આગળ કર્ણજન્મની વિગત અને પોતાની મનોવ્યથા જણાવીને કર્ણનું પુનર્દર્શન કરાવવા વિનંતી કરી. વ્યાસે સૌને મૃતાત્માઓનું પુનર્દર્શન કરાવ્યું તેમાં કર્ણનું પણ કરાવ્યું.
સૂર્યપુત્ર કર્ણ મૃત્યુ પછી સૂર્યમાં મળી ગયો એમ ઋષિકવિએ નિરૂપ્યું છે.
કર્ણ મહાદાની, શૂરવીર, શસ્ત્રાસ્ત્રવિશારદ, મિત્રો પ્રત્યે એકનિષ્ઠ અને ઉદાર હતો. તે સાથે જ ઈર્ષ્યાળુ, આત્મશ્લાઘી, ધૃષ્ટ, અભિમાની અને રણક્ષેત્રમાં ભય પામતાં નાસી છૂટનાર હતો. એ દાતાના રૂપે અમરકીર્તિ મૂકી ગયો છે તો દુર્યોધનના કુસંગના કારણે અપકીર્તિ પણ મૂકી ગયો છે.
ઉ. જ. સાડેસરા