સ્ફોટ : પાણિનીય વ્યાકરણશાસ્ત્રનો એક વાદ અથવા સિદ્ધાન્ત. પ્રાતિશાખ્ય ગ્રંથોમાં સ્ફોટની વાત આપી નથી. પાણિનિએ પણ સ્ફોટની વાત કરી નથી, પરંતુ પોતાની ‘અષ્ટાધ્યાયી’માં ‘સ્ફોટાયન’ નામના આચાર્યનો ઉલ્લેખ કર્યો છે. આથી ‘પદમંજરી’ના કર્તા હરદત્તે સ્ફોટનો સિદ્ધાંત સ્ફોટાયને સ્થાપ્યો છે એમ કહ્યું છે. સ્ફોટનો સિદ્ધાન્ત પાણિનીય ‘અષ્ટાધ્યાયી’માંથી અનુમિત કરવામાં આવ્યો છે. ભર્તૃહરિએ પોતાના ‘વાક્યપદીય’માં સ્ફોટનો સિદ્ધાંત રજૂ કર્યો છે અને પ્રાતિશાખ્ય ગ્રંથોના ટીકાકારોએ પોતપોતાની ટીકાઓમાં આ સિદ્ધાન્ત રજૂ કર્યો છે.

સ્ફોટનો અર્થ છે જેને લીધે શબ્દમાંથી અર્થ મળે છે તે. સામાન્ય રીતે શબ્દના જુદા જુદા વર્ણોનો ઉચ્ચાર કરતાં તે વર્ણો બીજી ક્ષણે નાશ પામે છે. બોલાતા અથવા ઉચ્ચારાતા વર્ણને વૈયાકરણો ધ્વનિ કહે છે અને તે ક્ષણજીવી હોવાથી બીજી ક્ષણે નાશ પામે છે. ‘કમલ’ એ શબ્દમાં પહેલો વર્ણ ‘ક’ બોલીએ ત્યારે ‘મ’ અને ‘લ’ હોતા નથી. ‘મ’ બોલીએ ત્યારે ‘ક’ નાશ પામી ગયો હોય છે અને ‘લ’ હોતો નથી અને ‘લ’ બોલીએ ત્યારે ‘ક’ અને ‘મ’ બંને નાશ પામી ગયા હોય છે. છતાં ‘કમલ’ શબ્દ બોલી રહીએ ત્યારે ચોક્કસ પ્રકારના ફૂલનો અર્થ સમજાય છે એ હકીકત છે. તો તેમાં કમલ શબ્દનો અર્થ કેવી રીતે સમજાય છે એ સમજાવવા વૈયાકરણોએ સ્ફોટની કલ્પના કરી છે. તદનુસાર ઉચ્ચારેલો ‘ક’ એ ધ્વનિ નાશ પામે છે; પરંતુ આકાશમાં રહેલા નિત્ય સ્ફોટરૂપ ‘ક’નું જ્ઞાન આપી જાય છે. એ પછી ‘મ’ ધ્વનિ ઉચ્ચારાઈને આકાશમાં રહેલા નિત્ય સ્ફોટરૂપ ‘મ’નું જ્ઞાન મનમાં આપી જાય છે અને જ્યારે ‘લ’ ધ્વનિ ઉચ્ચારાય ત્યારે આકાશમાં રહેલા નિત્ય સ્ફોટરૂપ ‘લ’નું જ્ઞાન આપી જાય છે તેથી ‘કમલ’ એ શબ્દ બોલતાં એક પ્રકારનું ફૂલ એવો અર્થ નિત્ય ક, નિત્ય મ અને નિત્ય લ કે જેને સ્ફોટરૂપ કહે છે તેનાથી મળે છે. વર્ણ કે ધ્વનિ નાશવંત હોવા છતાં પેલા નિત્ય સ્ફોટ વડે ‘કમલ’ શબ્દનો અર્થ મળે છે એવા વૈયાકરણોના સિદ્ધાન્તને સ્ફોટવાદ કહે છે. આકાશમાં રહેલા આવા સ્ફોટરૂપ વર્ણોને વૈયાકરણોએ નિત્ય માન્યા છે. વળી શબ્દનો અંતિમ વર્ણ બોલાય ત્યારે આગળ ઉચ્ચારેલા સ્ફોટરૂપ નિત્યવર્ણો ત્યાં હાજર હોય છે અને બધા નિત્યવર્ણોનું જ્ઞાન એકસાથે થાય છે. દા.ત., ‘કમલ’ને બદલે ‘કમલા’ શબ્દ ઉચ્ચારીએ ત્યારે ‘લક્ષ્મી’ એવો અર્થ પ્રાપ્ત થાય છે. ‘કમલ’ શબ્દ ઉચ્ચારીએ તો ફૂલનો અર્થ પ્રાપ્ત થાય છે તેથી અંતિમ વર્ણ બોલતાં જ સમગ્ર શબ્દનું જ્ઞાન થાય છે એટલે શાસ્ત્રીય ભાષામાં તેને અંત્યબુદ્ધિનિર્ગ્રાહ્ય કહ્યો છે. વૈયાકરણો સ્ફોટના આઠ પ્રકારો આપે છે. તેમાં વાક્યજાતિસ્ફોટને પ્રાચીન વૈયાકરણો મુખ્ય માને છે, જ્યારે નવ્ય વૈયાકરણો અખંડ વ્યક્તિસ્ફોટને મુખ્ય માને છે. વળી વૈયાકરણો વાક્યસખંડસ્ફોટને જ વાસ્તવિક માને છે. બાકીના પ્રકારોને અવાસ્તવિક માને છે. વળી નૈયાયિકો સ્ફોટવાદને સ્વીકારતા નથી, કારણ કે તેઓ વર્ણ અનિત્ય હોય તો તેનો સ્ફોટ અનિત્ય બને છે એવી તેમની માન્યતા છે. વળી મીમાંસકો અને વેદાંતીઓ એમ માને છે કે પદમાંથી વાક્યાર્થબોધ થાય ત્યારે પદસ્ફોટ છે અને આકાંક્ષા વગેરેની અપેક્ષા વગર વાક્યાર્થબોધ થાય તે વાક્યસ્ફોટ છે.

આલંકારિકોમાં આચાર્ય ભામહે વૈયાકરણોના સ્ફોટવાદને સ્વીકાર્યો નથી. અર્થનું જ્ઞાન જેનાથી મળે તેને શબ્દ કહો તો ધૂમ અને પ્રકાશ અગ્નિનું જ્ઞાન આપે છે તેથી તેને પણ વૈયાકરણોના મતે શબ્દ માનવા પડે તે ખોટું છે. હવે અર્થના જ્ઞાન માટે ઉચ્ચારેલા અકારાદિ વર્ણોના સાર્થક સમુદાયને શબ્દ વૈયાકરણો કહે તો જો વર્ણમાં અર્થ ન હોય તો તેનો સમુદાય અર્થવાળો હોઈ શકે નહિ. વળી વર્ણો ક્રમવૃત્તિ હોવાથી તેનો સમુદાય જ થઈ શકે નહિ.

હવે જો સાર્થકતા એક વર્ણમાં તો એક જ વર્ણ ઉચ્ચારાતાં આખા શબ્દનો અર્થ સમજાવો જોઈએ; પરંતુ હકીકત એ છે કે બધા વર્ણો ઉચ્ચારાયા પછી જ શબ્દના અર્થનું જ્ઞાન થાય છે માટે શબ્દસંબંધી સ્ફોટવાદી વૈયાકરણોની કલ્પના અગ્રાહ્ય છે. સ્ફોટ અખંડ, નિત્ય અને આકાશમાં રહેલો છે એવો વૈયાકરણોનો મત ખોટો છે. સ્ફોટ એ આકાશકુસુમ જેવી નિરર્થક કલ્પના છે. સ્ફોટનું જ્ઞાન પ્રત્યક્ષ પ્રમાણથી થતું નથી. વર્ણોનું પ્રત્યક્ષ જ્ઞાન થાય છે, સ્ફોટનું પ્રત્યક્ષ પ્રમાણથી જ્ઞાન થતું નથી. સ્ફોટનું અનુમાન પ્રમાણથી જ્ઞાત થતું નથી; કારણ કે અનુમાન માટે સાધનસાધ્યની વ્યાપ્તિ હોવી જોઈએ તે વ્યાપ્તિ સ્ફોટમાં નથી. તેથી સ્ફોટવાદીઓની વાત સોગંદ ખાય તોપણ સ્વીકારી શકાય તેમ નથી. આકાશમાં કુસુમ હોય છે એવી વાત અક્કલવાળો કોઈ સ્વીકારે નહિ.

પ્ર. ઉ. શાસ્ત્રી