સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી
January, 2009
સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી : સોવિયેત સંઘ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલા ઉપગ્રહોની શ્રેણી.
સ્પુટનિક –1
સ્પુટનિક–1 : 4 ઑક્ટોબર 1957ના રોજ દુનિયાનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક પ્રક્ષેપિત કરવામાં આવેલો. તેનો અર્થ રશિયન ભાષામાં ‘સહયાત્રી’ – Fellow Traveller થાય છે. સ્પુટનિક–1 ઉપગ્રહની ભ્રમણકક્ષા લંબ-વર્તુળાકાર હતી. તેમાં પૃથ્વીથી તેનું ન્યૂનતમ અંતર 229 કિમી. અને અધિકતમ અંતર 947 કિમી. હતું. કક્ષાનો નમનકોણ વિષુવવૃત્તથી 65 અંશ હતો અને તેને પૃથ્વીની એક પ્રદક્ષિણા પૂરી કરતાં 96 મિનિટનો સમય થતો હતો. 84 કિગ્રા. વજનનો ઍલ્યુમિનિયમનો ગોળ આકારનો 580 મિમી. વ્યાસ ધરાવતો સ્પુટનિક–1 ઉપગ્રહ, તેની કક્ષામાં 92 દિવસ સુધી રહ્યો હતો અને ત્યાર બાદ નીચેના ઘટ્ટ વાતાવરણમાં પ્રવેશીને સળગી ગયો હતો. તેનાં ઉપકરણોની મદદથી ઉચ્ચ વાતાવરણની ઘનતા માપવામાં આવી હતી.
સ્પુટનિક–2
સ્પુટનિક–2 : 3 નવેમ્બર 1957ના રોજ લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવેલા 508 કિગ્રા. વજનના સ્પુટનિક–2 ઉપગ્રહમાં એક જીવતી કૂતરી ‘લાયકા’ને અંતરીક્ષમાં મોકલવામાં આવી હતી. તેનું જીવન ટકાવી રાખવા તથા હવા અને તાપમાનની યોગ્ય પરિસ્થિતિ જાળવવા માટે તેમાં જરૂરી તંત્ર રાખવામાં આવ્યું હતું. એ પરિસ્થિતિમાં લાયકા 10 દિવસ સુધી જીવતી રહી હતી. લંબ-વર્તુળાકાર કક્ષામાં સ્પુટનિક–2નું પૃથ્વીથી અધિકતમ અંતર 1,674 કિમી. હતું. સ્પુટનિક–2 ઉપગ્રહ 160 દિવસો સુધી અંતરીક્ષમાં રહ્યો હતો અને ત્યાર બાદ નીચલા ઘટ્ટ વાતાવરણમાં પ્રવેશીને નાશ પામ્યો હતો.
સ્પુટનિક –3
સ્પુટનિક–3 : 15 મે 1958ના રોજ સોવિયેત સંઘનો 1,327 કિગ્રા. વજનનો ત્રીજો ઉપગ્રહ સ્પુટનિક–3 લંબ-વર્તુળાકાર કક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો હતો. એ કક્ષામાં પૃથ્વીથી તેનું અધિકતમ અંતર 1,881 કિમી. હતું. અંતરીક્ષની વિવિધ પરિસ્થિતિ વિશે માહિતી મેળવવા માટે તેમાં ઘણાં ઉપકરણો રાખવામાં આવ્યાં હતાં. તેની મદદથી ઉચ્ચ વાતાવરણની ઘનતા અને તેનું બંધારણ, વીજકણો, કૉસ્મિક કિરણો, ભૂ-ચુંબકીય ક્ષેત્ર તથા ઉલ્કા-કણો વિશે માહિતી મળી હતી. સ્પુટનિક–3 ઉપગ્રહ 691 દિવસો સુધી અંતરીક્ષમાં રહ્યો હતો અને વાતાવરણમાં પ્રવેશીને નાશ પામ્યો હતો.
પરંતપ પાઠક