સ્પિવાક, ગાયત્રી ચક્રવર્તી (કુમારી) (જ. 24 ફેબ્રુઆરી 1942, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : ભારતીય અંગ્રેજી લેખિકા. તેમને તેમની અનૂદિત કૃતિઓ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો અનુવાદ માટેનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે 1959માં કોલકાતા યુનિવર્સિટીમાંથી અંગ્રેજીમાં ઑનર્સ સાથે બી.એ., 1967માં અમેરિકાની કૉર્નેલ યુનિવર્સિટીમાંથી કમ્પેરેટિવ લિટરેચરમાં પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે ન્યૂયૉર્કની કોલમ્બિયા યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્ય તેમજ લેખનકાર્ય કર્યું.

કારકિર્દી : બ્રાઉન યુનિવર્સિટી; યુનિવર્સિટી ઑવ્ ટેક્સાસ; જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી; સ્ટેન્ફૉર્ડ યુનિવર્સિટી; યુનિવર્સિટી ઑવ્ બ્રિટિશ કોલમ્બિયા(કૅનેડા)માં તથા યુનિવર્સિટી ઑવ્ પિટ્સબર્ગમાં અંગ્રેજીના મેલ્લોન પ્રાધ્યાપિકા તરીકે અધ્યાપન. અમેરિકાની નૅશનલ હ્યુમેનિટિઝ ઇન્સ્ટિટ્યૂટનાં ફેલો, સંખ્યાબંધ સાહિત્યિક જર્નલો સાથે સંપાદકમંડળમાં સંકળાયેલાં. વેસ્લિયાન યુનિવર્સિટી દ્વારા ફેલોશિપ, 1985ની અને ઑસ્ટ્રેલિયન નૅશનલ યુનિવર્સિટી દ્વારા 1986ની ફેલોશિપ તથા 1995–96માં ગગ્ગેન્હેમ ફેલોશિપ પ્રાપ્ત કરી.

તેમણે અંગ્રેજીમાં 10 ગ્રંથો આપ્યા છે : ‘માઇસેલ્ફ મસ્ટ આઇ રિમેક : ધ લાઇફ ઍન્ડ પોએટ્રી ઑવ્ વેસ્ટ બેંગાલ યીટ્સ’ (1974) અને ‘અ ક્રિટિક ઑવ્ પોસ્ટકૉલોનિયલ રીઝન’ (1999)  બંને તેમના વિવેચનગ્રંથો છે. ‘ઑફ ગ્રામેટોલૉજી’ (1976) અનૂદિત કૃતિ છે. ‘ઇમેજિનરી મૅપ્સ’ (1994), ‘ધ બ્રેસ્ટ સ્ટોરિઝ’ (1997) – આ બંને મહાશ્વેતાદેવીની ટૂંકી વાર્તાઓનો બંગાળીમાંથી અંગ્રેજી અનુવાદ છે. તેમણે 1992માં કેપટાઉન ખાતે ડેવી મેમૉરિયલ લેક્ચરો અને 1997માં મેરી લેવિન ગોલ્ડસ્મિથ-બોલ્લાગ મેમૉરિયલ લેક્ચર આપ્યાં. તેમણે ભાષાશાસ્ત્ર, સાહિત્ય અને મહિલાઓની સમસ્યાઓ અંગે અનેક સેમિનારોમાં ભાગ લીધો છે અને જર્નલોમાં અનેક નિબંધો પ્રગટ કર્યા છે.

બળદેવભાઈ કનીજિયા