કરાજાન – હર્બર્ટ ફૉન

January, 2006

કરાજાન, હર્બર્ટ ફૉન (Karajan, Herbert Von જ. 5 એપ્રિલ 1908, સાલ્ઝબર્ગ, ઑસ્ટ્રિયા; અ. 16 જુલાઈ 1989, અનીફ, ઑસ્ટ્રિયા) : વિશ્વવિખ્યાત ઑપેરા-સંચાલક અને ઑર્કેસ્ટ્રા સંચાલક. બાળપણમાં જ પિયાનોવાદનમાં નિપુણતા હાંસલ કરી. સાલ્ઝબર્ગ ખાતેની સંગીતશાળા મોત્સાર્ટિયમમાં વધુ અભ્યાસ કરી 1927માં સંચાલક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. 1927થી 1941 સુધી જર્મનીના ઉલ્મ અને આખેન નગરોમાં તથા 1938થી 1945 સુધી બર્લિન સ્ટેટ ઑપેરામાં સંચાલન કર્યું. 1955માં તેઓ બર્લિન ફિલ્હાર્મોર્નિક ઑર્કેસ્ટ્રાના ડિરેક્ટર બન્યા.

1933થી 1942 સુધી કરાજાન નાત્ઝી પક્ષના સદસ્ય રહ્યા હોવાને કારણે બીજા વિશ્વયુદ્ધ પછી એલીડ ટ્રિબ્યૂનલે તેમનો બહિષ્કાર કર્યો હતો. 1955માં અમેરિકામાં સંગીતના તેમના પ્રથમ જલસા દરમિયાન અમેરિકન નાગરિકોએ પણ તેમની વિરુદ્ધ દેખાવો કર્યા હતા. 1956થી 1964 સુધી કરાજાને વિયેના સ્ટેટ ઑપેરાના કેટલાક જલસાઓનું  તેમજ 1956થી 1960 સુધી તેમણે સાલ્ઝબર્ગ ફેસ્ટિવલ અને લંડન ફિલ્હામૉર્નિયાના કેટલાક જલસાઓનું સંચાલન પણ કરેલું. ત્યારબાદ મિલાન ખાતેના લા સ્કાલાના તેઓ પ્રમુખ કન્ડક્ટર બન્યા અને ન્યૂયૉર્ક ફિલ્હાર્મૉનિકના તેઓ મહેમાન કન્ડક્ટર બન્યા. 1967માં કરાજાને સાલ્ઝબર્ગ ઈસ્ટર ફેસ્ટિવલની સ્થાપના કરી. 1969થી 1970 સુધી તેમણે લોર્કેસ્ત્રે (Le’orchestre) દ પૅરિસનું પણ સંચાલન કર્યું. 1977થી તેમણે વિયેના સ્ટેટ ઑપેરામાં સંચાલન કરવું શરૂ કર્યું.

સંગીતના સ્કોર(નૉટેશન)નું ચોકસાઈભર્યું વસ્તુલક્ષી અર્થઘટન કરવા માટે જાણીતા કરાજાનની સંગીતસંચાલન-શૈલીમાં 1970 પછી વળાંક આવ્યો. 1970 પછી તેઓ સંગીતના સ્કોરને વધુ ને વધુ વ્યક્તિગત-અંગત અર્થઘટન આપતા ગયા. તેમને 1964, 1969 અને 1978 એમ ત્રણ વખત ગ્રેમી ઍવૉર્ડ એનાયત થયા હતા.

અમિતાભ મડિયા