કરાઇકલ (Karaikal) : ભારતના સંઘપ્રદેશ પોંડિચેરીના ચાર જિલ્લાઓ પૈકીનો એક તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 10o 51’થી 11o 00 ઉ. અ. અને 79o 43’થી 79o 52′ પૂ. રે. વચ્ચેનો 160 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે પોંડિચેરીથી દક્ષિણે 150 કિમી.ને અંતરે આવેલો છે. તેની પૂર્વ તરફ બંગાળાનો ઉપસાગર તથા ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ બાજુઓ તરફ તમિલનાડુ રાજ્યનો તાન્જાવર જિલ્લો આવેલો છે. જિલ્લા મથક કરાઇકલ જિલ્લાના પૂર્વ ભાગમાં દરિયાકિનારા નજીક આવેલું છે.
ભૂપૃષ્ઠ-જળપરિવાહ : જિલ્લાનું ભૂપૃષ્ઠ લગભગ સમતળ ભૂમિથી બનેલું છે. અહીં ટેકરીઓ કે જંગલો આવેલાં નથી. જિલ્લામાં બધે જ કંઠાર-કાંપની જમીનો જોવા મળે છે, તે ડાંગર અને કઠોળની ખેતી માટે ખૂબ જ અનુકૂળ છે. દરિયાકિનારો સીધેસીધો કોઈ પણ પ્રકારની ખાંચાખૂંચી વિના ઉત્તર-દક્ષિણ ચાલ્યો જાય છે.
આ જિલ્લો કાવેરીના ત્રિકોણપ્રદેશમાં આવેલો છે; આ ત્રિકોણપ્રદેશને આરાસલાર (11.97 કિમી. લંબાઈ), નૅટર (11.2 કિમી. લંબાઈ), વંજિયાર (9 કિમી. લંબાઈ), નુલર (13.77 કિમી. લંબાઈ), પુરાવદૈયારણ (5.3 કિમી. લંબાઈ), થિરુમલિરાયનાર (5.13 કિમી. લંબાઈ) અને નંદાલાર(15.5 કિમી. લંબાઈ)જેવી નદીઓનાં જળ મળે છે.
ખેતી : જિલ્લાના અર્થતંત્ર માટેની મુખ્ય પ્રવૃત્તિ ખેતી છે. વ્યવસાય અને ઉત્પાદન બંને ર્દષ્ટિએ ખેતીનું મહત્વ અંકાય છે. જિલ્લાની કુલ ભૂમિ પૈકી 85 % ભૂમિ ખેડાણ હેઠળ છે, જ્યારે 83 % જેટલી ભૂમિને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે. કાંઠાની કાંપની જમીનો આ માટે કારણભૂત છે. ડાંગર, મગફળી, કઠોળ, કપાસ, મરચાં, નાળિયેરી, શાકભાજી અને સૂર્યમુખી અહીંના મુખ્ય કૃષિપાકો છે. ડાંગરનો પાક વર્ષમાં ત્રણ વાર
(નવે.-માર્ચ, જૂન-ઑક્ટો., ઑગસ્ટ-ફેબ્રુ.) લેવાય છે.
પશુપાલન : કરાઇકલની પશુપાલનની સ્થિતિ પોંડિચેરી જેવી જ છે. અહીં પશુદવાખાનાં, પશુચિકિત્સાલયોની સુવિધાઓ ઉપલબ્ધ છે. ડાંગરની બે મોસમો વચ્ચેના થોડા સમયગાળા દરમિયાન તે વિસ્તારો ચરિયાણ માટે ઉપયોગમાં લેવાય છે. ગાયો, ઘેટાં, બકરાં અહીંનાં મુખ્ય પશુઓ છે. દૂધનું સંતોષકારક ઉત્પાદન મળી રહે છે. અહીંના કતલખાનામાંથી સારી ગુણવત્તાવાળું માંસ મળી રહે છે. ગ્રામીણ વિસ્તારોમાં મરઘાં-બતકાંનો ઉછેર થાય છે. કરાઇકલ મત્સ્યમથક તરીકે પણ જાણીતું છે.
ઉદ્યોગ–વેપાર : કરાઇકલમાં પાંચ સ્થળોએ મત્સ્ય-બજાર વિકસાવાયાં છે. તાજી અને સુકવણી કરેલી માછલીઓ સ્થાનિક લોકો વાપરે છે, બીજી કેટલીકની નિકાસ થાય છે. અહીંથી શંખ, ઈંટ-માટી, કંકર, ઇલ્મેનાઇટ અને ગાર્નેટ-રેતી મળે છે. ખનિજતેલ અને કુદરતી વાયુ માટે અહીં ઊજળી તકો છે. કાપડની મિલ અને નાના પાયાના ઔદ્યોગિક એકમો, 25 જેટલા ફૅક્ટરી-શેડ, હાથસાળના એકમો, સાબુ બનાવવાના એકમો તથા કૃષિકારો અને કારીગરો માટેની કાર્યશાળાઓ આવેલાં છે. લોખંડ અને ઍલ્યુમિનિયમની ઘરવપરાશની ચીજો અહીં બને છે. ચોખાની નિકાસ અને દારૂની આયાત થાય છે.
પરિવહન : આ જિલ્લામાં શહેર ખાતે અવરજવર માટે બસની સુવિધા છે. કરાઇકલ સડકમાર્ગ દ્વારા ચેન્નાઈ, નાગોર, નાગાપટ્ટિનમ્, પોંડિચેરી સાથે જોડાયેલું છે. દક્ષિણ વિભાગીય રેલમાર્ગની સુવિધા કરાઇકલને મળે છે; અહીંના કુલ 23.5 કિમી. લંબાઈના રેલમાર્ગ પૈકી 16 કિમી.નો રેલમાર્ગ આ જિલ્લાને મળેલો છે. આરસાલર અને વંજિયાર નદીઓમાં જ્યારે ભરતીનાં પાણી ભરાય ત્યારે નાનાં વહાણો મારફતે માલની હેરફેર થઈ શકે છે. નજીકમાં નાગાપટ્ટિનમના બંદરની સગવડ હોવાથી આ નાના બંદરનું વિશેષ મહત્વ નથી.
પ્રવાસન : પ્રાચીનકાળથી કરાઇકલ યાત્રાનું ધામ ગણાતું આવ્યું છે. અહીં શનિશ્ચર, પરાશક્તિ (મહિષાસુરમર્દિની) તથા અમ્માદેવીનું મંદિર છે. વારતહેવારે અહીં ઉત્સવોનું આયોજન થાય છે.
વસ્તી : 2011 મુજબ કરાઇકલ જિલ્લાની વસ્તી 2,00,314 જેટલી છે. અહીં સ્ત્રી-પુરુષોની વસ્તી લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 60% અને 40% જેટલું છે. જિલ્લામાં તમિળ, તેલુગુ અને મલયાળમ ભાષાઓ બોલાય છે. હિન્દુઓની વસ્તી વિશેષ છે, જ્યારે મુસ્લિમ અને ખ્રિસ્તી લોકોની ઓછી છે. સાક્ષરતાનું પ્રમાણ લગભગ 50% જેટલું છે. અહીંનાં વસ્તીવાળાં 99 ગામો પૈકી 82 જેટલાં ગામોમાં શિક્ષણસુવિધા ઉપલબ્ધ છે. વહીવટી સરળતાની ર્દષ્ટિએ આ જિલ્લાને 6 તાલુકા, 1 સમાજવિકાસ-ઘટકમાં વહેંચેલો છે. જિલ્લામાં 1 નગર અને 100 (1 વસ્તીવિહીન) ગામો આવેલાં છે.
ઇતિહાસ : ઇમ્પીરિયલ ગેઝેટિયર મુજબ ‘કરાઇકલ’નો અર્થ ‘fish pass’ જેવો થાય છે. સંસ્કૃતમાં તે ‘કરાઇગિરિ’ નામથી ઓળખાતું હતું. કરાઇકલ નામ ‘કરાઈ’ અને ‘કલ’ (ચૂનાનું મિશ્રણ અને નહેર) શબ્દોથી બનેલું હોવાનું કહેવાય છે; ચૂનાના મિશ્રણથી બાંધેલી નહેર એવો તેનો અર્થ થઈ શકે. જોકે આવી કોઈ નહેર અહીં ક્યાંય જોવા મળતી નથી.
1738-39 અને 40ના અરસામાં તાંજાવુરના રાજા પાસેથી કરાઇકલ, કિલ્લો અને ગામ ફ્રેન્ચોએ ખરીદ કરેલાં. 1750માં વધુ ગામ લીધેલાં. 1761માં આ બધો વિસ્તાર અંગ્રેજોને હસ્તક ગયેલો. ફરીથી 1816-1817માં પૅરિસની સંધિ હેઠળ ફ્રેન્ચોને તે પરત કરેલો. 1954ના ઑક્ટોબર સુધી તે ફ્રેન્ચ સત્તા હેઠળ રહેલો. 1962ના ઑગસ્ટમાં તે ભારતને સોંપી દેવાયો છે.
ગિરીશભાઈ પંડ્યા