અજિતનાથપુરાણ : મધ્યકાલીન કન્નડ કાવ્ય. કવિ રત્નની શાંતરસપ્રધાન પ્રશિષ્ટ રચના. એમાં જૈનોના બીજા તીર્થંકર અજિતનાથની કથા ગદ્યપદ્યમિશ્ર એવી ચંપૂશૈલીમાં નિરૂપાઈ છે. એ કથા જોડે દ્વિતીય ચક્રવર્તી મગરની કથા પણ સાંકળેલી છે. આરંભે કાવ્યલેખનની પ્રેરણા આપનાર સાધ્વી અતિમવ્વૈના ગંગા સમાન પવિત્ર ચરિત્રનું વર્ણન કર્યું છે. જૈન કાવ્યોમાં કર્મફળના સિદ્ધાંતને સમજાવવા પાત્રોના અનેક જન્મોની કથા અપાય છે; પરંતુ અહીં તો અજિતનાથના કેવળ આગલા જન્મની કથા છે. એક વાર અજિતનાથ પોતાના ચહેરા પર સફેદ વાળ જુએ છે અને એમને સંસારનો વૈરાગ્ય આવી જાય છે. વૈરાગ્યના વર્ણનમાં કવિની શક્તિ પૂર્ણપણે ખીલી ઊઠે છે. કન્નડ સાહિત્યમાં એનાથી વધારે કવિત્વમય વૈરાગ્યવર્ણન મળતું નથી એમ વિદ્વાનોનું કહેવું છે.
એચ. એસ. પાર્વતી