કરમોડી (કમોડી, દાહ) (blast) : ડાંગરમાં Pyricularia oryzae નામની ફૂગથી થતો રોગ. આ રોગ દુનિયાના 85 દેશોમાં નોંધાયેલ છે. સૌપ્રથમ ચીનમાં 1637માં અને ભારતમાં 1931માં તે નોંધાયેલ છે. ડાંગર ઉગાડતા દરેક દેશમાં તે વધતાઓછા પ્રમાણમાં નુકસાન કરે છે જે કેટલીકવાર 90 % સુધી હોય છે.
આ ફૂગના આક્રમણથી પાનગાંઠ, પુષ્પવિન્યાસદંડ, દાણા અને પર્ણતલ-આવરણ (leaf sheath) પર ટપકાં કે જખમો પેદા થાય છે, જે ધરુથી તે કાપણી સુધીની કોઈ પણ અવસ્થામાં રોગ પેદા કરી શકે છે. આ ટપકાં પાન ઉપર ખાસ પ્રકારનાં, આંખ આકારનાં, લંબગોળ, વચ્ચે પહોળાં અને બંને છેડે અણીદાર હોય છે. ટપકાંનો મધ્ય ભાગ રાખોડી રંગનો કે સફેદ અને છેડો ભૂખરો કે લાલભૂખરો હોય છે. ટપકાંના કદ અને રંગનો આધાર વાતાવરણ, ટપકાંની અવસ્થા અને જાતોની રોગગ્રાહ્યતા પર રહે છે. રોગની શરૂઆત પાણીપોચાં, સફેદ, રાખોડી રંગનાં કે ભૂરાં નાનાં ટપકાંથી થાય છે. રોગગ્રાહ્ય જાતોમાં અનુકૂળ વાતાવરણમાં તે ઝડપથી વિકાસ પામી 1થી 1.5 સેમી. લાંબાં અને 0.3થી 0.5 સેમી. પહોળાં, ભૂરી ધારવાળાં હોય છે. તેની ફરતે પીળાશનો આભાસ ક્યારેક થાય છે. રોગનાં વધુ ટપકાં થતાં પાન સુકાઈ જાય છે, છોડની ઊંચાઈ વધતી નથી અને તેમાં અંકુરની સંખ્યા ઘટી જાય છે. ધરુ અવસ્થામાં રોગ થતાં પાન સુકાઈ જાય છે અથવા છોડ પીળા થઈ તેની વૃદ્ધિ અટકી જાય છે અને વધુ આક્રમણ થતાં ધરુ મરી જાય છે.
ગાંઠનો કરમોડી : આ ફૂગ એક કે વધુ ગાંઠ પર આક્રમણ કરે છે. આવી ગાંઠ ભૂખરા કાળા કે કાળા રંગની થઈને ચીમળાઈ જઈ સડીને ત્યાંથી વળી જતાં ઉપરનો ભાગ સડી જાય છે અને ગાંઠ પાસેથી ઢળી જઈ ચોંટેલો રહે છે. આથી કંટીમાં દાણા ભરાતા નથી. કાપણી સમયે આવી ગાંઠ તૂટી જાય છે.
કળથીના કંઠનો કરમોડી : કળથી નીકળતાં તેના કંઠવિસ્તારમાં આક્રમણ થતાં તે વિસ્તાર કાળો થઈ ચીમળાઈને સડી જાય છે. દાણાના વજનને લીધે તે ત્યાંથી વળી જઈ ચોંટેલો રહે છે અથવા તૂટી જાય છે. આ પ્રમાણે દંડ, શાખા કે પરિપક્વ થતા પુષ્પવિન્યાસના પુષ્પાક્ષ પર આક્રમણ થતાં તે ભાગ કાળો થઈ સડી જતાં તેના દાણા ખરી પડે છે.
વારાફરતી રાત્રિનું 20o સે. અને દિવસનું 30o સે. તાપમાન, 14 કલાક સૂર્યપ્રકાશ અને 10 કલાક અંધકારવાળું વાતાવરણ તથા હવામાં 92 % ભેજવાળું વાતાવરણ આ રોગ ઉત્પન્ન થવા માટે અનુકૂળ ગણાય છે. ફૂગનાં બીજને ઊગવા ઝાકળબિંદુ અને ફેલાવા માટે વાદળછાયું આકાશ અનુકૂળ રહે છે. આ ફૂગ 24oથી 28o સે. તાપમાને સહેલાઈથી પાનમાં દાખલ થાય છે.
આ રોગના નિયંત્રણ માટે રોગપ્રતિકારક જાતની વાવણી, પાકની ફેરબદલી, ઘાસ અને નીંદણ વગરનું ખેતર, ખાતરનો સમજપૂર્વક ઉપયોગ, વહેલી રોપણી અને પારાયુક્ત દવાથી બીજની માવજત કરવી જરૂરી છે. રોગ જણાય કે તરત જ કીટાઝીન 1 લિટર પાણીમાં 1 મિલિ. પ્રમાણે દ્રાવણ બનાવી એકથી બે વાર છંટકાવ કરવો જરૂરી છે.
હિમંતસિંહ લાલસિંહ ચૌહાણ