નોવા : વિસ્ફોટ દરમિયાન અવકાશમાં વાયુ અને રજનો પ્રચંડ જથ્થો ફેંકતો સ્ફોટક તારક. સ્ફોટ દરમિયાન નોવાની દ્યુતિ, સૂર્યની દ્યુતિ કરતાં 10,000થી 10,00,000 ગણી વધારે થતી હોય છે. આટલી દ્યુતિ સાથે નોવા, મહિનો કે થોડોક વધુ સમય ચમકતો રહે છે. ત્યારબાદ દ્યુતિ ક્રમશ: ઘટતી જાય છે અને મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે. આ પ્રકારના નોવાને પહેલાં તો ભૂલથી નવા તારા તરીકે ગણી લેવામાં આવેલ. આકાશ-ગંગા જેવા સર્પિલ તારાવિશ્વમાં પ્રશિષ્ટ નોવા તરીકે ઓળખાતી આવી ઘટનાઓ દર વર્ષે આશરે દશેક વખત બનતી હોય છે.

ઉપરની બંને તસવીરમાં, તદ્દન મધ્યમાં તારાનાં ઝૂમખાં છે, જે 1975માં નોવા રૂપે વિસ્ફોટ પામ્યાં.

કેટલાક ઝડપી નોવા હોય છે, જે વિસ્ફોટ બાદ થોડાક કલાકમાં મહત્તમ દ્યુતિ ધરાવે છે અને થોડાક દિવસમાં તે ઝાંખા પડી મૂળ અવસ્થામાં આવે છે. કેટલાક ધીમા નોવા હોય છે, જેમને મહત્તમ દ્યુતિ પ્રાપ્ત કરવા માટે ઘણો સમય લાગે છે. આવા ધીમા નોવા કેટલાક મહિના અથવા વર્ષ સુધી ખૂબ પ્રકાશિત રહી લાંબા સમય બાદ મંદ પડી મૂળ દ્યુતિ ધરાવતા થાય છે. ઝડપી નોવા 100 કિમી./સેકન્ડના વેગે વાયુ અને રજ બહારની તરફ ફેંકે છે. ધીમા નોવા આનાથી દશમા ભાગની ઝડપ ધરાવે છે.

ખગોળવિદો માને છે કે સંવૃત યુગ્મતારા(close binaries)માં નોવાનો ઉદભવ થાય છે. આવા યુગ્મતારક એ દ્વિતારક પ્રણાલી છે, જેમાં બે તારા એકબીજાની આસપાસ ભ્રમણ કરતા હોય છે. નોવાના સર્જન માટે આ બેમાંથી એક તારો મધ્યમ કદનો અને બીજો નાના કદનો પણ અત્યંત દળદાર હોવો જોઈએ. આમાં નાના અને દળદાર તારાને શ્વેતવામન (white dwarf) કહે છે. યુગ્મતારામાં બંને તારા એકદમ નજીક હોય છે. પરિણામે શ્વેતવામન તારાના ગુરુત્વાકર્ષણને લીધે મોટા તારાનું હાઇડ્રોજન-સમૃદ્ધ દ્રવ્ય તેના તરફ આકર્ષાય છે. આવું દ્રવ્ય શ્વેતવામન ઉપર જમા થતું જાય છે અને તેથી થોડાક જ સમયમાં ન્યૂક્લિયર સંલયન(fusion)ની પ્રક્રિયા શરૂ થાય છે. આ પ્રક્રિયામાં ચાર હાઇડ્રોજન ન્યૂક્લિયસ(પ્રોટૉન)નું સંગલન થતાં ભારે હિલિયમની ન્યૂક્લિયસ બને છે. આવા રૂપાંતરણને અંતે દળમાં ઘટ પડે છે. દળની આ ઘટનું આઇન્સ્ટાઇનના સૂત્ર E = mc2 મુજબ ઊર્જામાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા ટૂંક સમયમાં નિરંકુશ બનતાં નોવા-સ્ફોટમાં પરિણમે છે.

છેલ્લાં 100 વર્ષમાં ખગોળવિદોએ કેટલાક નોવાને એકથી વધુ વખત સ્ફોટ પામતા જોયા છે. આવા તારાને પુનરાવર્તી નોવા કહે છે. લગભગ બધા જ પુનરાવર્તી નોવા હોય છે પણ કેટલાક માટે બે વિસ્ફોટ વચ્ચેનો સમયગાળો 100 કે 1000 વર્ષનો હોય છે. આટલા સમય દરમિયાન શ્વેતવામન પૂરતો હાઇડ્રોજન જમા કરી લે છે, જેથી ન્યૂક્લિયર સંલયન ફરીથી થાય.

કેટલાક સંવૃત-યુગ્મતારામાં આશરે એકાદ મહિને વિસ્ફોટ થતા હોય છે. આવા વામન નોવા-વિસ્ફોટ દરમિયાન દ્રવ્ય ફેંકતા નથી અને તેમની દ્યુતિ સૂર્યની દ્યુતિ કરતાં 10 અથવા 100ગણી વધારે થાય છે. આમ થવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

વિસ્ફોટક તારાકીય ઘટનાઓથી જુદા પડતા પ્રશિષ્ટ નોવાની ઓળખ માટે (1) થોડાક દિવસમાં જ દ્યુતિ 4000ગણી વધવી જોઈએ અને વર્ષ અથવા મહિના અથવા થોડાંક અઠવાડિયાંમાં જ વધેલી દ્યુતિનું અવમંદન થવું જોઈએ. (2) 100થી 5000 કિમી./સે.ની ઝડપે વાયુનું નિષ્કાસન થવું જોઈએ. અને (3) જટિલ તથા પરિવર્તન પામતું વર્ણપટ હોવું જોઈએ, જેમાં અતિ ઊંચા તાપમાને સામાન્ય વાયુની ઉત્સર્જન રેખાઓ મળે.

પ્રહલાદ છ. પટેલ