નૉરિશ, રૉનાલ્ડ જ્યૉર્જ રેફર્ડ (જ. 9 નવેમ્બર 1897, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ; અ. 7 જૂન 1978, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : સ્ફૂર પ્રકાશઅપઘટન (flash photolysis) તથા ગતિજ સ્પેક્ટ્રમિતિવિજ્ઞાનના પ્રણેતા અને નોબેલ પુરસ્કારના સહવિજેતા કેમ્બ્રિજ બ્રિટિશ રસાયણવિદ.
પર્સેસ્કૂલ, કેમ્બ્રિજમાં અભ્યાસ કર્યા બાદ નૉરિશ ઇમૅન્યુઅલ કૉલેજમાં રસાયણના અભ્યાસ માટે જોડાયા. પ્રથમ વિશ્વવિગ્રહ દરમિયાન લશ્કરમાં જોડાવાથી તથા યુદ્ધકેદી બનવાથી તેમના અભ્યાસમાં ખલેલ પડી. કેમ્બ્રિજ પરત આવીને 1925માં નિર્દેશક (ડેમૉન્સ્ટ્રેટર), 1930માં અધ્યાપક તથા 1937માં ભૌતિકરસાયણના પ્રાધ્યાપક નિમાયા તથા 1965માં નિવૃત્તિ સુધી ત્યાં રહ્યા. 1963માં તેઓ માનાર્હ પ્રાધ્યાપક બન્યા હતા. નૉરિશનું સંશોધનકાર્ય પ્રક્રિયા-ગતિકી(reaction kinetics)માં ખાસ કરીને પ્રકાશરાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ અંગે હતું. 1945થી તેમણે જ્યૉર્જ પૉર્ટર સાથે સ્ફૂર પ્રકાશઅપઘટનની નવી તકનીક વિકસાવી. આ તકનીકમાં રાસાયણિક પ્રક્રિયા પ્રકાશના અતિશય પ્રબળ (6 લાખ કિલોવૉટ) ઝબકારાથી શરૂ કરવામાં આવે છે. તેને પરિણામે અસંખ્ય અલ્પજીવી મુક્ત મૂલકો ઉદભવે છે; આ મૂલકોનું બીજા નિર્બળ ઝબકારા વડે સ્પેક્ટ્રમિતિ દ્વારા પૃથક્કરણ કરવામાં આવે છે. આ રીતે એક સેકન્ડના દસ અબજમા ભાગ જેટલા ટૂંકા સમયમાં થતી પ્રક્રિયાની ગતિકી અને ઊર્જિકી (energetics) અંગેનો અભ્યાસ કરી શકાય છે.
પરદેશનાં અનેક વિજ્ઞાનમંડળોએ નૉરિશનું સન્માન કરેલું. 1936માં તેઓ બ્રિટનની રૉયલ સોસાયટીના ફેલો ચૂંટાયા. અત્યંત ઝડપી રાસાયણિક પ્રક્રિયાઓના અભ્યાસ બદલ તેમને સર જ્યૉર્જ પૉર્ટર અને આઇગેન મૅન્ફ્રેડ સાથે 1967નો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
જગદીશ જ. ત્રિવેદી