સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ)

January, 2007

સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ) (. 13 જાન્યુઆરી 1911; . 12 મે 1993) : ‘નયી કવિતા’નાં નામે ઓળખાતી આધુનિક હિંદી કાવ્યધારાના પ્રમુખ કવિઓમાંના એક. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. એ પછી 1935-36માં ઉકીલભાઈઓ પાસેથી કલા વિદ્યાલયમાં પેઇન્ટિંગની તાલીમ પણ લીધી હતી. જુદા જુદા તબક્કે ‘કહાની’, ‘નયા સાહિત્ય’ અને ‘નયા પથ’ જેવાં હિંદીનાં ખ્યાતનામ સામયિકો સાથે સંકળાયેલા રહ્યા, તેથી એમને પોતાની સર્જકપ્રતિભાને ઘાટ આપવાની વિશેષ તક મળી. સને 1965થી 1977 સુધીના ગાળામાં દિલ્હી યુનિવર્સિટીમાં રહીને તેમણે ઉર્દૂ-હિંદી કોશના સંપાદનનું કામ કર્યું. સને 1981થી 1985 દરમિયાન વિક્રમ યુનિવર્સિટીની ‘પ્રેમચંદ સૃજનપીઠ’ના અધ્યક્ષ તરીકેની કામગીરી બજાવી. જીવનનાં અંતિમ વર્ષો તેમણે ગુજરાતમાં સુરેન્દ્રનગર અને અમદાવાદમાં વિતાવ્યાં. તેમનું અવસાન અમદાવાદમાં થયું હતું.

વિચારધારાની દૃષ્ટિએ શમશેરબહાદુરસિંહ માર્ક્સવાદી કવિ ગણાય છે. તેઓ કેટલોક સમય મુંબઈમાં સામ્યવાદી ‘કમ્યુન’માં પણ રહેલા. પ્રગતિશીલ કવિઓમાં તેમની ગણના થતી રહી છે. પણ વિવેચકો માને છે કે મહદ્અંશે માર્ક્સવાદ કવિ શમશેરની આસ્થાનો વિષય રહ્યો છે, તેમની સંવેદનાનો નહિ; ખરેખર કવિના વિચાર અને તેની સંવેદના વચ્ચે એક તિરાડ દેખાઈ આવે છે; પણ આ વિસંગતિ એમની સર્જકતામાં નવાં પરિમાણોનો ઉમેરો કરે છે, તે કવિની મર્યાદા બનીને આવતી નથી. આ એમની કવિતામાં અનેક અવનવા અર્થસંદર્ભોની રચના કરે છે અને એમને વધુ ને વધુ પ્રયોગશીલ બનાવે છે.

શમશેરની કવિતા જીવનના મૂર્ત અને ઠોસ અનુભવોમાંથી પસાર થવાની પ્રતીતિ કરાવે છે. એમની સંવેદનામાં વ્યાપ્તિ અને વૈવિધ્ય છે. વૈયક્તિકતાથી સાર્વત્રિકતા છે. રોમૅન્ટિક મન:સ્થિતિઓમાં વિચારતત્ત્વ સમાયેલું રહે છે; ક્ષણની તીવ્રતા અને સંકુલતામાં કાળપ્રવાહની અનંતતા અને અતીંદ્રિયતાનું તત્ત્વ પણ સમાયેલ હોય છે.

શમશેર જીવનને તેની સમગ્રતામાં જુએ છે એ તો ખરું, પણ સાથે જ વ્યક્તિના વૈશિષ્ટ્યને સમજવામાં પણ તેઓ તત્પર રહ્યા છે. ‘નિરાલા કે પ્રતિ’, ‘અજ્ઞેય સે’, ‘ગજાનનમાધવમુક્તિબોધ’ જેવી રચનાઓ સર્જક-વ્યક્તિત્વને સમજવાની દિશામાં આદરેલા એમના ગંભીર પ્રયાસો તરફ નિર્દેશ કરે છે. બીજાં કલા-માધ્યમોથી પ્રેરિત અને પ્રભાવિત થઈને શમશેરે થોડાંક સુંદર કાવ્યોની રચના કરી છે. આ શ્રેણીનાં કાવ્યોમાં તેમના આંતર-વિશ્વનાં સૂક્ષ્મ સંચલનોના અમૂર્ત સંકેતો હોય છે. સામાન્ય રીતે શમશેરની કવિતા કલ્પનોમાં વાત કરે છે; અભિવ્યક્તિની કોઈ એક નિશ્ચિત રીતિ કે પદ્ધતિ એમને સ્વીકાર્ય નથી. તે સતત પ્રયોગશીલ રહ્યા છે; પણ આ પ્રયોગશીલતા શબ્દમાં રહેલી શક્યતાઓને ઉઘાડ આપવા માટેની મથામણ તરીકે આવે છે. શમશેરની રચનામાં કાવ્યભાષાના અનેક સ્તરો જોવા મળે છે. તે ઘણી વખતે શબ્દની અભિધાશક્તિનો ઉપયોગ કરીને પણ પોતાના કથનને અસરકારક બનાવી શકે છે. કોઈ કોઈ વખતે ચિત્રમાં વપરાયેલા રંગોની જેમ તે પોતાના શબ્દોને કાવ્યસંરચનામાં ઓગાળી નાખે છે. શબ્દો જાણે કે અદૃશ્ય થઈ જાય છે અને ચેતનાને વિસ્તાર આપવાવાળા કોઈ નવા તત્ત્વ તરીકેનો આકાર ગ્રહણ કરી લે છે. આ આકાર અને આમાં સમાયેલા જીવનના રંગોના સંયોજનને માત્ર વિસ્મયની સંજ્ઞા આપી શકાય. એક કુશળ શિલ્પકારની જેમ પોતાની રચનાનાં આ વૈશિષ્ટ્ય પ્રત્યે સભાનતા દર્શાવતાં કવિ કહે છે; ‘ઉસને મુઝસે પૂછા, કલ શબ્દોં કા ક્યા/મતલબ ? મૈંને કહા : શબ્દ / કહાં હૈ ?’

એક બાજુ શમશેર અનેક અપ્રસ્તુતોના માધ્યમ વડે પોતાના અમૂર્ત ભાવોને મૂર્ત સ્વરૂપ આપે છે તો બીજી બાજુ ઇન્દ્રિયગ્રાહ્ય અને મૂર્ત પદાર્થોને અમૂર્ત સ્વરૂપ આપી તેમને એક નવું પરિમાણ આપી રહે છે. શમશેરની કવિતા પ્રત્યાયનના પ્રશ્નો ઊભા કરે છે. સામાન્ય ભાવક તેના હાર્દ સુધી પહોંચવામાં મુશ્કેલી અનુભવે છે; તેથી જ શમશેરને ‘કવિયોં કે કવિ’ તરીકે ઓળખવામાં આવે છે.

શમશેરે પ્રેમની અનેક ઉત્કટ રચનાઓ આપી છે. તેમની પ્રેમ વિશેની કવિતામાં સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધોના મર્મને પામવાની બેચેની સાથે એના માધ્યમથી પોતાના અસ્તિત્વને અર્થ પામવાની લાલસા પણ સામેલ થઈ જાય છે. અનુભવ અને અભિવ્યક્તિના સ્તરે શમશેરની પ્રેમવ્યંજના તેમના સમકાલીનોમાં જુદી તરી આવે છે.

શમશેરની કવિતામાં પરસ્પરવિરોધી તત્ત્વોની સહઉપસ્થિતિ જોવા મળે છે. તે એક બાજુ પ્રગતિવાદી અને વાસ્તવવાદી છે તો બીજી બાજુ તેઓ સર્રિયલિસ્ટ, આધુનિકતાવાદી પ્રતીકવાદી અને રૂપવાદી કવિ તરીકે પણ ઓળખાય છે. નામવરસિંહ કહે છે તેમ શમશેરની કવિતા કોઈ એક કે એકસાથે અનેક વિશેષણોમાં પણ બંધાતી નથી, તેથી જ તેમને માત્ર કવિ તરીકે ઓળખીએ તે જ યોગ્ય ગણાશે.

શમશેરની રચનાઓ આ પ્રમાણે છે : ‘કુછ કવિતાએં’ (1959-61), ‘ચુકા ભી હૂં નહીં મૈં’ (1975), ‘ઇતને પાસ અપને’ (1980), ‘ઉદિતા  અભિવ્યક્તિ કા સંઘર્ષ’ (1980), ‘બાત બોલેગી’ (1981), ‘કાલ તુઝસે હોડ હૈ મેરી’ (1988), ‘બહુત દૂર સે સુન રહા હૂં’, ‘સુકુન કી તલાશ’, ‘કુછ ઔર કવિતાએં’. ગદ્યલેખન ‘દોઆબ’. શમશેરને ‘ચુકા ભી નહીં હૂં મૈં’ કાવ્યસંગ્રહ માટે સાહિત્ય અકાદેમીનો (1977) પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. ઉપરાંત 1977માં મધ્યપ્રદેશ સરકાર તરફથી મૈથિલીશરણ ગુપ્ત પુરસ્કાર ઉપરાંત રાષ્ટ્રીય કક્ષાનો સાહિત્ય પુરસ્કાર ‘કબીર સન્માન’ 1989માં તેમને આપવામાં આવ્યો હતો.

મહાવીરસિંહ ચૌહાણ