સમવાયતંત્ર : કેંદ્ર અને રાજ્ય એમ બેવડી કક્ષાએ કામ કરતી શાસકીય વ્યવસ્થા, જેમાં સ્વતંત્ર અને સમકક્ષ સરકારોનું અસ્તિત્વ હોય છે. સમવાયતંત્ર માટે અંગ્રેજી ભાષામાં ફેડરેશન (federation) અથવા ફેડરાલિઝમ (federalism) શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. ‘ફેડરેશન’ શબ્દ મૂળ લૅટિન શબ્દ ‘ફોડસ’ (foedus) પરથી તૈયાર થયો છે, જેનો અર્થ સંધિ અથવા કરાર થાય છે. સમવાયતંત્ર એ એવા પ્રકારની વ્યવસ્થા છે, જેમાં બે કે તેથી વધારે રાજ્યો અમુક કારણોસર એકત્ર થઈ પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરીને કાયમી જોડાણ દ્વારા નવા જ રાજ્યની કાયમી રચના કરે છે. સમવાયતંત્રની વ્યાખ્યાઓ તપાસીએ તો મૉન્ટેસ્ક જણાવે છે : ‘‘જેના દ્વારા ઘણાં સમાન રાજ્યો વિશાળ રાજ્યોના સભ્યો બનવા સંમત થાય તેવી સમજૂતી પર સમવાયતંત્રી સરકાર રચાયેલી છે.’’ ડાઇસીના મત મુજબ, ‘‘સમવાય રાજ્ય એક નવી રાજકીય જોગવાઈ છે, જેમાં રાષ્ટ્રની એકતા તથા રાજ્યોના હક્કો વચ્ચે સુમેળ જાળવવાનો હેતુ રહેલો છે.’’ ડૉ. હર્મન ફાઇનર આ સંબંધે લખે છે : ‘‘સમવાયતંત્ર એવું રાજ્ય છે, જેમાં અધિકાર અને સત્તાનો અમુક અંશ સ્થાનિક વિસ્તારો પાસે હોય છે, જ્યારે બાકીનો અંશ સ્થાનિક વિસ્તારોના જોડાણથી હેતુપૂર્વક વિચારીને રચવામાં આવેલ મધ્યસ્થ સંસ્થાને સોંપવામાં આવ્યો હોય છે. આ બંનેમાંથી કોઈને પણ એકબીજાનાં અધિકાર અને સત્તા લઈ લેવાનો હક્ક નથી.’’
સમવાયતંત્રની રચના ઘણાં રાજ્યો મળીને કરે છે. તેમ કરતાં તેઓ પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરે છે. પરિણામે સમવાય સરકાર અને એકમ સરકારો અસ્તિત્વમાં આવે છે. આ સરકારો સ્વતંત્ર અને સમકક્ષ સરકારો તરીકે કામ કરે છે. આ પ્રકારના તંત્રમાં બંધારણ સર્વોપરી હોય છે. બંધારણ બંને સરકારો વચ્ચે કાર્યો તથા સત્તાઓનું વિભાજન કરીને તેમની વચ્ચેના સંબંધો પણ સ્પષ્ટ કરે છે. સમવાયતંત્રની રચના રાજ્યો વચ્ચેના કરાર તરીકે થઈ હોવાથી તે કરારને દસ્તાવેજી બંધારણનું સ્વરૂપ આપવામાં આવે છે. ન્યાયતંત્ર સર્વોચ્ચ સ્થાન ધરાવે છે અને બંધારણનું અર્થઘટન કરીને મતભેદોનો ઉકેલ લાવે છે. તેનો નિર્ણય છેવટનો અને બંધનકર્તા ગણાય છે.
ઉપર કહ્યું તેમ, સમવાયતંત્રની રચના અનેક રાજ્યો એકત્ર થઈને કરે છે અને તે જોડાણ કાયમી હોય છે. એક વાર સમવાયતંત્રમાં જોડાયા પછી રાજ્યને તેમાંથી છૂટા પડવાનો અધિકાર રહેતો નથી. રાજ્યોને એકત્ર કરવા પાછળ તેમજ તેમને પોતાની સાર્વભૌમ સત્તાનો ત્યાગ કરવા પ્રેરતા કયાં પરિબળો કામ કરતાં હોય છે તે જાણવું જરૂરી છે; કારણ કે આ પરિબળોમાં જ સમવાયતંત્રની સફળતાની આવશ્યક શરતો સમાયેલી હોય છે. આ શરતો નીચે મુજબ દર્શાવી શકાય :
(ક) સમવાયતંત્રમાં જે રાજ્યો જોડાવા માગતાં હોય તેમનામાં અમુક હેતુઓ સિદ્ધ કરવા માટે એક સ્વતંત્ર સરકાર હસ્તક રહેવાની ઇચ્છા હોવી જ જોઈએ. બીજી રીતે કહીએ તો સમવાયતંત્રમાં જોડાવા ઇચ્છતાં રાજ્યોએ પોતાના સાર્વભૌમત્વનો ત્યાગ કરવાની તૈયારી રાખવી જોઈએ તથા નવી રાજકીય વ્યવસ્થાના એકમો તરીકેનું સ્થાન ધારણ કરવાની ઇચ્છા ધરાવવી જોઈએ. સમવાયતંત્રની આ પ્રાથમિક અને અનિવાર્ય શરત છે. જો આ શરત સંતોષાય નહિ તો સમવાયતંત્ર રચી શકાય નહિ.
(ખ) સમવાયતંત્રમાં જોડાતાં રાજ્યોમાં એક સ્વતંત્ર સરકાર નીચે રહેવાની ઇચ્છા હોય તે પૂરતું નથી. આ ઉપરાંત તેમનામાં વહીવટી જેવી કેટલીક બાબતો પોતાના હસ્તક રાખવાની ઇચ્છા પણ હોવી જોઈએ. આમ સમવાયતંત્રમાં જોડાતાં રાજ્યોમાં એક નવી સ્વતંત્ર સરકાર નીચે રહેવાની ઇચ્છા હોવી જોઈએ; એટલું જ નહિ, પરંતુ અમુક બાબતોમાં તેમનું સ્વરૂપ સ્વતંત્ર પ્રાદેશિક સરકારોનું હોવું જોઈએ. આમ, તેમનામાં એકતાની ઇચ્છા હોવી જોઈએ, એકતંત્રી સરકારની નહિ.
(ગ) સમવાયતંત્રની રચના માટે ઇચ્છા ધરાવવી તેટલું જ પૂરતું નથી. તે ઇચ્છાનો અમલ કરવાની તૈયારી હોવી અત્યંત જરૂરી છે. આ ઉપરાંત સમવાયતંત્રની રચના માટે લશ્કરી સલામતી, વિદેશી સત્તાથી સ્વતંત્ર થવાની ઇચ્છા, આર્થિક લાભ, સમવાયતંત્ર પૂર્વે રાજકીય સંગઠનનું અસ્તિત્વ, ભૌગોલિક નજીકતા, રાજકીય સંસ્થાઓનું સરખાપણું વગેરે પરિબળો પણ અગત્યનાં છે.
પ્રો. કે. સી. વ્હિયર જણાવે છે તેમ, સંયુક્ત રાજ્ય અમેરિકા, કૅનેડા અને ઑસ્ટ્રેલિયામાં સમવાયતંત્ર રચવા માટે ઉપર જણાવેલાં તમામ પરિબળોએ ભાગ ભજવ્યો છે. સમવાયતંત્રના અભ્યાસી એવા પ્રો. વ્હિયરે ભાષા, જાતિ, ધર્મ કે રાષ્ટ્રીયતાના પરિબળને સમવાયતંત્રની રચના માટે જરૂરી ગણાવ્યું નથી. તે અંગેનું સ્પષ્ટીકરણ કરતાં પ્રો. વ્હિયર એવો વિચાર દર્શાવે છે કે વિવિધ ભાષા બોલતી તથા વિવિધ જાતિઓમાંથી ઊતરી આવેલી પ્રજા સમવાયતંત્ર રચે છે; જેમ કે, કૅનેડા અને સ્વિટ્ઝર્લૅન્ડમાં વિવિધ ભાષા તથા જાતિની પ્રજા હોવા છતાં પણ ત્યાં સમવાયતંત્ર રચાયું છે. એવી જ રીતે વિવિધ ધર્મોનું પાલન કરતી અને વિવિધ રાષ્ટ્રીયતા ધરાવતી પ્રજા પણ બીજી પૂર્વશરતોની હાજરીના કારણે સમવાયતંત્રની રચના કરતી હોય છે. સમવાયતંત્ર સંબંધે એક અગત્યની બાબત એ પણ છે કે સમવાયતંત્રમાં જોડાયેલાં રાજ્યો લશ્કરી દૃષ્ટિએ સમાન હોવાં જોઈએ. જો કોઈ પણ એક રાજ્ય બીજાં એકમ રાજ્યો કરતાં વધુ સત્તાશાળી હોય તો છેવટે પોતાની સર્વોપરીતા સ્થાપી સમવાયતંત્રનો અંત લાવે છે. સામાન્ય રીતે સમવાયતંત્રમાં એકમ રાજ્યોને પોતપોતાનાં લશ્કરો રાખવા દેવામાં આવતાં નથી. ટૂંકમાં, સમવાયતંત્રની રચના માટે જુદાં જુદાં પરિબળોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સમવાયતંત્રની રચના માટે આ બધાં જ પરિબળો હાજર હોવાં જોઈએ તેવું નથી. આ પરિબળોમાંથી જો કોઈ પણ એક પરિબળ હાજર હોય તોપણ સમવાયતંત્રની રચના શક્ય બને છે. આથી સમવાયતંત્રમાં બે કક્ષાએ સરકારો કામ કરે છે : કેંદ્ર- સરકાર રાષ્ટ્રીય કક્ષાની બાબતો અંગે અને ઘટક કે રાજ્યસરકારો સ્થાનિક બાબતો અંગે કામ કરે છે.
સમવાયતંત્ર એક વિશિષ્ટ પ્રકારની રાજકીય વ્યવસ્થા હોવાથી તેમાં કેટલીક સમસ્યાઓ પણ રહેલી છે; જેવી કે સમવાયતંત્રમાં સાર્વભૌમત્વનું સ્થાન, એકમ રાજ્યોનાં હિતોનું રક્ષણ, સત્તાનું વિભાજન, મતભેદોના ઉકેલ માટેની વ્યવસ્થા વગેરે. જોકે દરેક સમવાયતંત્રની રચના પૂર્વે જ આ સમસ્યાઓના ઉકેલનો પ્રબંધ કરવામાં આવતો હોય છે.
સમવાયતંત્રના ફાયદાગેરફાયદા પર નજર નાખતાં સૌપ્રથમ તેના ફાયદા અંગે વિચારીએ : સમવાયતંત્રના કારણે વિવિધતામાં એકતા જળવાય છે, નબળાં રાજ્યોનું રક્ષણ થાય છે, યુદ્ધની શક્યતા ઘટે છે, કાર્યદક્ષતામાં વધારો થાય છે, લોકો રાજકીય બાબતોમાં રસ લે છે, નાના પાયા પર તે શાસનની પ્રયોગશાળા પૂરી પાડે છે, ભાષા, જાતિ કે ધર્મની વિવિધતાવાળા વિશાળ પ્રદેશ માટે જરૂરી, સરકારને આપખુદ બનતાં રોકે છે. વધુ પડતાં કેન્દ્રીકરણ અને સ્વાયત્તતા વચ્ચે સમતુલા જાળવે છે.
સમવાયતંત્રના ગેરફાયદાઓ આ પ્રમાણે છે : આંતરરાષ્ટ્રીય બાબતોમાં નિર્ણય લેવામાં વિલંબ થાય છે, સમવાયતંત્ર નબળી સરકાર નીવડે છે, તે ખર્ચાળ વ્યવસ્થા છે, તેમાં ન્યાયતંત્રનું વર્ચસ્વ વધે છે, સમયને અનુરૂપ થવામાં વિલંબ થાય છે. આધુનિક સમયમાં જે મુશ્કેલીઓ છે તેમનો સામનો કરવા માટે રાજ્યો વચ્ચેનો સહકાર અનિવાર્ય બની ગયો છે અને તેથી સમવાયતંત્ર પ્રત્યેનું આકર્ષણ ચાલુ રહ્યું છે; એટલું જ નહિ, પરંતુ વિશ્વ સમવાયતંત્ર-વિશ્વસરકારનો ખ્યાલ પણ આવા પ્રકારના વિચારનું સમર્થન કરે છે.
ધર્મેન્દ્રસિંહ દિલાવરસિંહ ઝાલા