સ્ટ્રોસ, લૅવી (જ. 28 નવેમ્બર 1908, બ્રસેલ્સ, બેલ્જિયમ) : ખ્યાતનામ ફ્રેન્ચ સમાજમાનવશાસ્ત્રી. તેમના માનવશાસ્ત્રીય વિચારોનું નિરૂપણ ઉચ્ચ કક્ષાના તાત્વિક અભિગમવાળું છે. તેમનું મોટા ભાગનું લખાણ ફ્રેન્ચ ભાષામાં છે. તેમના સંરચના-કાર્યાત્મકતા વિશેના વિચારો બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી રેડક્લીફ બ્રાઉન કરતાં જુદા સ્વરૂપે ભાષાશાસ્ત્રીય પાયા પર આધારિત છે.
તેમનું કુટુંબ 19મી સદીની શરૂઆતમાં પૅરિસમાં ગયું હતું. તેમણે પૅરિસ યુનિવર્સિટીમાંથી 1931માં કાયદાની અને તત્વજ્ઞાનની – એમ બે પદવીઓ પ્રાપ્ત કરી હતી. વિશ્વયુદ્ધ દરમિયાન તેઓ સૈનિક રહ્યા હતા. 1932–1934 દરમિયાન તેમણે શાળામાં શિક્ષક તરીકે કામ કર્યું. 1934થી 1937 સુધી તેમણે બ્રાઝિલ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. આ સમય દરમિયાન ત્યાંના નામ્બી ક્વારા અને ટુપી-ક્વાદીબ ઇન્ડિયનો વિશે સંશોધન કર્યું. 1941માં અમેરિકામાં તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. 1946–47 દરમિયાન અમેરિકામાં તેમણે ફ્રેન્ચ દૂતાલયમાં કામ કર્યું. 1947માં ફ્રાન્સ પરત આવ્યા અને સંશોધનસંસ્થામાં નિયામક રહ્યા. 1959માં કૉલેજ-ડી-ફ્રાન્સમાં સમાજમાનવશાસ્ત્રના પ્રાધ્યાપકની ‘ચૅર’ સ્થાપવામાં આવી. તેમાં તેઓ પ્રાધ્યાપક તરીકે નિમાયા. 1960થી ‘સાયન્ટિફિક સોશિયલ રિસર્ચ’ નામના ફ્રેન્ચ સામયિકના સંપાદક થયા.
તેમનાં માનવશાસ્ત્રીય સંશોધનો અને સૈદ્ધાંતિક પ્રદાનના સંદર્ભમાં 1965માં ન્યૂયૉર્કના ધ વાર્નર-ગ્રીન-ફાઉન્ડેશને ‘કરંટ ઍન્થ્રૉપૉલૉજી’ સામયિક દ્વારા આંતરરાષ્ટ્રીય સુવર્ણચંદ્રકથી તેમનું બહુમાન કર્યું.
1966માં તેમને રૉયલ ઍન્થ્રૉપૉલૉજિકલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટબ્રિટન ઍન્ડ આયર્લૅન્ડ દ્વારા હક્સલે મેમોરિયલ ચંદ્રક આપવામાં આવ્યો. તે પછી 1967માં નૅશનલ ડી-લા-રિસર્ચ સાયન્ટિફિક સંસ્થા તરફથી તેમને સુવર્ણચંદ્રક અપાયો. 1971માં ઇટાલીના પ્રમુખ દ્વારા તેમનું બહુમાન થયું.
લૅવી સ્ટ્રોસના વિચારો પર ફ્રેન્ચ સમાજશાસ્ત્રી કે વિચારકો સેન્ટ સાઇમન, ઑગસ્ટ કૉમ્ટે અને ઇમાઇલ દર્ખેમના વિચારોનો પ્રભાવ હતો. આ ઉપરાંત અમેરિકન માનવશાસ્ત્રી રૉબર્ટ લૅવીના પુસ્તક ‘Primitive Society’-થી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. ખાસ કરીને ઍથ્નૉલૉજીના અભ્યાસોમાં પ્રત્યક્ષ અનુભવજન્ય-સહભાગી અવલોકન-પદ્ધતિ વિશે તેમણે વાંચ્યું ત્યારે સંશોધનની સાચી પ્રત્યક્ષ અધ્યયન-પદ્ધતિના ઉપયોગનો તેમને ખ્યાલ આવ્યો. આ ઉપરાંત રૉબર્ટ પ્રાધ્યાપક લૅવીના અને અમેરિકન માનવશાસ્ત્રના પિતા ફ્રાન્સ બોયાસના તથા એલ. એ. ક્રૉબરના વિચારોથી પણ તેઓ પ્રભાવિત થયા હતા. વધુમાં બ્રિટિશ માનવશાસ્ત્રી જેમ્સ ફ્રેઝર અને બ્રાનિસ્લાવ મેલિનોવૉસ્કીના લાંબા અનુભવજન્ય સંશોધનથી તથા કાર્યાત્મક વિચારોની પણ તેમના પર અસર થઈ હતી. જોકે તેમણે પોતાના વિચારોને મેલિનોવૉસ્કી કરતાં સાવ જુદા જ સ્વરૂપે દર્શાવ્યા છે. આ સમયે તેમના સમકાલીન બ્રિટિશ સમાજમાનવશાસ્ત્રી રૅડક્લીફ બ્રાઉનના વિચારો સંરચના-કાર્યવાદી સ્વરૂપના હતા. સ્ટ્રોસે આ વિચારોનો સ્વીકાર કર્યો છે; પરંતુ તેમની સમગ્ર રજૂઆત અલગ પ્રકારની રહી છે. રૅડક્લીફ બ્રાઉન સામાજિક સંરચના અને તેના કાર્યાત્મક પાસાને એક જીવંત શરીરને આધારે સમજાવે છે. ‘સંરચના એ વ્યવસ્થિત રીતે અવયવો કે એકમોની ગોઠવણી છે.’ તે વિચાર સાથે તેઓ સહમત થાય છે. તેમની સમગ્ર અધ્યયનપદ્ધતિ ભાષાશાસ્ત્રને આધારે વિકસેલી છે. ભાષાકીય રચનાતંત્ર કેવળ ધ્વનિઓની જ પેદાશ નથી, તે ધ્વનિને આપવામાં આવેલા અર્થનો સંબંધ મહત્વનો છે. આમ માનવસંબંધો કે વર્તનો કરતાં માનવ-વિચારપ્રક્રિયાને તેઓ મહત્વ આપે છે.
તેમણે થોડાં વર્ષોના અભ્યાસમાં ઘણાં મહત્વનાં માનવજીવનનાં ક્ષેત્રોને આવરી લીધાં છે. ભાષા, સામાજિક સંરચના તથા સંસ્થાઓ, સગાઈ-સંબંધો, રિવાજો, કલા, પૌરાણિક દંતકથાઓ, ટોટેમ વગેરે જેવી કેટલીક મહત્વની બાબતો વિશે સ્પષ્ટ સિદ્ધાંતો તારવવાનો પ્રયત્ન કર્યો છે. આજે પણ તેમના આ અભ્યાસોનું ઘણું મોટું મૂલ્ય છે. આમ સમાજમાનવશાસ્ત્રમાં ભાષાશાસ્ત્ર પર આધારિત વિશ્લેષણ કરવાની એક પદ્ધતિ તેમણે વિકસાવી છે. સામાજિક બાહ્ય ક્રિયાઓ મન અને વિચારોની પેદાશ છે. તે તેમનું મૂળ છે. એ અવચેતન માળખાંઓ વિચારસ્વરૂપો–માં છુપાયેલા ગુપ્ત નિયમોને શોધવાનો તેઓ નિર્દેશ કરે છે. એટલે પ્રગટ કે દૃશ્ય સંરચનાને બદલે મનના ઊંડાણને સમજવા પર તેઓ ભાર મૂકે છે. આમ મનોવિશ્લેષણ પર તેઓ ભાર મૂકે છે. તેઓ આદિમ સમાજના અનુભવો સમગ્ર સમાજને લાગુ પાડવાનો પ્રયત્ન કરે છે. આદિમ સમાજો અલ્પ બુદ્ધિવાળા નહોતા તેમ તેઓ દર્શાવે છે. વિશ્વના વિકાસમાં કોઈ ચઢિયાતું કે કોઈ ઊતરતું છે નહિ.
અરવિંદ ભટ્ટ