સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (તારામણી ચેન્નાઈ)
January, 2009
સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ રિસર્ચ સેન્ટર (તારામણી, ચેન્નાઈ) : કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ(CSIR)ના નેજા હેઠળ સંરચનાકીય (structural) ઇજનેરીના ક્ષેત્રે સંશોધન તથા આધુનિક માહિતીની આપલે કરતું રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું કેન્દ્ર. આ કેન્દ્રના મુખ્ય હેતુઓ નીચે પ્રમાણે છે :
(i) બાંધકામના માળખાનું અભિકલ્પન તથા બાંધકામને લગતાં સંશોધન હાથ ધરવાં. (ii) બાંધકામ અંગેના અદ્યતન જ્ઞાનનું પ્રસારણ તેમજ તે ક્ષેત્રમાં થયેલ વિકાસની જાણ કરવી. (iii) જાહેર અને ખાનગી ક્ષેત્રને માળખાકીય સંરચના બાબત સલાહ-સૂચન (consultancy) સેવાઓ પૂરી પાડવી. (iv) ધંધાદારી સંરચનાકીય ઇજનેરોના લાભાર્થે ઇજનેરી અને આંકડાકીય ગણતરીને લગતા વિશિષ્ટ અભ્યાસક્રમો પ્રયોજવા અને તેમને અદ્યતન રચના અને બાંધકામના પૃથક્કરણમાં થયેલા વિકાસથી માહિતગાર કરવા.
આ કેન્દ્ર હાલમાં નીચેનાં ક્ષેત્રોમાં કામ કરે છે : (i) અતિવલય શીતન ટાવરો અને દબાણયુક્ત સાધનો કે જેમના પર પવનનો ભાર તથા ક્ષણિક ભાર જેવાં બાહ્ય બળો લાગે છે. તેની સામે માળખાની અવલંબન, વર્તન અને ગતિશીલ (dynamic) અસરોનો અભ્યાસ; (ii) બાંધકામ-વિષયક કાર્યપદ્ધતિનો વિકાસ અને કૉંક્રીટ-ઉત્પાદનો; (iii) પ્રબલિત સિમેન્ટ-કૉંક્રીટ(RCC)ને લગતી આધુનિક પદ્ધતિ, લિમિટ સ્ટેટ મેથડ (limit state method, LSM); (iv) પૂર્વપ્રબલિત (prestressed) કૉંક્રીટના ઘટકોનું પ્રમાણીકરણ; (v) સમુદ્રકિનારે થતા બાંધકામમાં પોલાદ(steel)ના થકાન(fatigue)ની તપાસ કરી તેની સંભવિત ક્રિયાગત વિશ્વસનીયતાનું પૃથક્કરણ; (vi) પ્રાયોગિક પ્રતિબળના પૃથક્કરણકાર્યનો અભ્યાસ; (vii) કમ્પ્યૂટર-આધારિત અભિકલ્પ (design) તથા તે અંગેના સૉફ્ટવેર વિકસાવવાં; (viii) યંત્રના પાયાના અનુસંધાનમાં ગતિશીલ પ્રતિભાવનો અભ્યાસ; (ix) ગાઇડ (guide) ટાવરનું અવલંબન, વર્તન અને ગતિશીલ પૃથક્કરણ; (x) પૂર્વપ્રબલિત કૉંક્રીટના ભાગો પર અપૂર્વ પ્રબલિત (non-prestressed) સળિયા પર થતી અસરનો અભ્યાસ; (xi) કમ્પ્યૂટર ગ્રાફિક પ્રણાલીનો આંતરિક વિકાસ; (xii) પરિવહન દોરડાંઓ-(transmission lines)ના ટાવરને લગતા સંશોધન અને વિકાસ માટે સ્વયંચાલિત (automatic) ટાવર-ટેસ્ટિંગ સ્ટેશન ઊભાં કરવાં. (xiii) કૉંક્રીટ-સુગ્રથિતો (composites) અને તેનાં સાધનોનો વિકાસ.
આ કેન્દ્રે નવાં સાધનો અને ટૅક્નૉલૉજીના ક્ષેત્રે ઘણી યોજનાઓ હાથ ધરી છે અને અમુક સાધનો અને પ્રક્રિયાઓ માટે લીધેલી પેટન્ટો કેન્દ્ર માટે આર્થિક રીતે ઘણી ફળદાયી સાબિત થઈ છે.
કેન્દ્ર દ્વારા નીચે પ્રમાણેનાં સાધનો/પ્રવિધિઓ વિકસાવાઈ છે :
(i) રેલવેનાં સ્લીપરો (સલેપાટો) માટે પૂર્વપ્રબલિત કૉંક્રીટની બનાવટમાં વિરૂપિત સળિયાની ટૅક્નૉલૉજી; (ii) પૂર્વપ્રબલિત કૉંક્રીટના થાંભલા તૈયાર કરવા માટે બાંધકામની ઔદ્યોગિક પદ્ધતિ; (iii) છાપરાં અને ધાબાં માટે વૅફલ-શેલ (waffle shall) પદ્ધતિ; (iv) ઓછી કિંમતનાં મકાનોની રચના તથા મરામત તેમજ વિશિષ્ટ સાધનો માટે પૉલિમર કૉંક્રીટની બનાવટ; (v) મકાનોના બાંધકામમાં ફેરોસિમેન્ટ (ferrocement) ટૅક્નૉલૉજીનો ઉપયોગ; (vi) લેટેરિટિક માટી-બ્લૉકનો વિકાસ; (vii) ફાઇબર-પ્રબલિત કૉંક્રીટના મેન-હોલ-કવર વગેરેનો નવા ભાગો તરીકે વિકાસ; (viii) શેલ્સ, ગડીવાળી પ્લેટો, પાવર-પ્લાન્ટ સ્ટ્રક્ચરો, મશીનના પાયા, ઔદ્યોગિક સ્ટ્રક્ચરો વગેરે માટે ખાસ કમ્પ્યૂટર-પ્રોગ્રામો.
કેન્દ્ર પાસે 750 જેટલાં કમ્પ્યૂટર હોઈ તેણે કમ્પ્યૂટર-સહયોગી (aided) રચના, ઇન્ટર-ઍક્ટિવ (interactive) ગ્રાફિક્સના ક્ષેત્રમાં સારી સિદ્ધિ મેળવી છે. પૃથક્કરણ-રચના અને આલેખનના ક્ષેત્રમાં પણ કેટલાક પ્રોગ્રામ વિકસાવ્યા છે. સ્થિર (static) અને ગતિશીલ ભાર સામે ટકી રહેવા માટે લેસર-હોલોગ્રાફી (holography) અને ઇન્ટરફેરોમિતિ(interferrometry)ને પણ પ્રાયોગિક ધોરણે વિકસાવાઈ છે.
કેન્દ્રે તેની પ્રયોગશાળાઓમાં સંરચનાકીય પરિરૂપો (structural models) તથા તેનું આદિ-પ્રરૂપ (prototype) સંરચનાનું પૃથક્કરણ અને ચકાસણી, ભાર-ચકાસણી, પ્રાયોગિક પ્રતિબળ-પૃથક્કરણ તેમજ કૉંક્રીટ-ટેસ્ટિંગ ચકાસણી હાથ ધરેલ છે. કેન્દ્રે ટાવર-ટેસ્ટિંગ અને સંશોધન-સ્ટેશન પણ વિકસાવ્યાં છે. તેના કાસ્ટિંગ-યાર્ડમાં 80 ટનની ક્ષમતાવાળી પાવર-ક્રેઇન (power crane) તથા સંસાધન (curing) કરવા માટે સ્ટીમ બૉઇલર ઊભું કરેલ છે. આ પ્રકારની સગવડ ઊભી કરવા આ કેન્દ્રને યુ.એન.ડી.પી. અને યુ.એન.સી.એચ.એસ. તરફથી મદદ મળે છે.
ખાનગી અને જાહેર ક્ષેત્રમાં કેન્દ્રે રચના અને બાંધકામકળાના ઉત્કર્ષ માટે સલાહસૂચન-કેન્દ્રો ઊભાં કરેલ છે. કેન્દ્રે નોકરી કરતા ઇજનેરો માટે તાલીમી અભ્યાસક્રમો પણ તૈયાર કર્યા છે.
આમ સ્ટ્રક્ચર-ઇજનેરીના ક્ષેત્રે વિકાસ અને સંશોધનને લગતી બાબતોમાં આ કેન્દ્રનું પ્રદાન વ્યાપક અને મહત્વનું છે.
મધુકાન્ત ભટ્ટ
રાજેશ મા. આચાર્ય