સ્ટોન, રિચર્ડ (સર) (. 1913; . 1991) : વર્ષ 1984 માટેના અર્થશાસ્ત્રના નોબેલ પારિતોષિક-વિજેતા બ્રિટિશ અર્થશાસ્ત્રી. સ્નાતકની પદવી ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી મેળવ્યા બાદ અર્થશાસ્ત્ર વિષયમાં તે જ યુનિવર્સિટીની ડૉક્ટર ઑવ્ સાયન્સ(D.Sc.)ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ તે જ યુનિવર્સિટીમાં ફેલો નિમાયા અને પ્રાધ્યાપક તરીકેની કારકિર્દીના અંતે સન્માનનીય પ્રોફેસર (Emeritus professor) બન્યા. 1940-1945 દરમિયાન ઇંગ્લૅન્ડની વૉર ઑફિસમાં આંકડાશાસ્ત્ર વિભાગમાં સેવાઓ આપી. પ્રાધ્યાપક તરીકેની કારકિર્દી દરમિયાન જુદી જુદી સંસ્થાઓ અને યુનિવર્સિટીઓમાં મુલાકાતી પ્રાધ્યાપક તરીકે કામ કર્યું, જેમાં અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે.

રિચર્ડ સ્ટોન (સર)

રાષ્ટ્રીય આવકની ગણતરી તથા ઉપભોક્તાના વર્તનના વિશ્લેષણમાં તેમણે મહત્વનું યોગદાન કર્યું છે. રાષ્ટ્રીય આવકની ગણતરીની બાબતમાં તેમનું મૂળ સંશોધન ઇંગ્લૅન્ડના વિશિષ્ટ સંદર્ભમાં હોવા છતાં તેમણે વિકસાવેલ પદ્ધતિ વિશ્વસ્તર પર ઉપયોગી નીવડી છે. ઉપભોક્તાની માંગ અને તે અંગેના અનુભવ-પ્રયોગમૂલક (empirical) વિશ્લેષણ વચ્ચે જે તફાવત કે અંતર હતું તે પૂરવામાં સ્ટોનનું સંશોધન ખૂબ ઉપયોગી બન્યું છે. તે માટે તેમણે સુરેખ અથવા તો એક પરિમાણ ધરાવતી ખર્ચપદ્ધતિ (linear expenditure system) વિકસાવી છે. કોઈ પણ એક વસ્તુ પરત્વેની માંગની ગણતરીને બદલે જુદી જુદી વસ્તુઓની માંગની ગણતરી સહેલાઈથી અને ચોક્કસ રીતે કરવા માટે તેમણે કેટલીક ધારણાઓને આધારે કેટલાંક સમીકરણો વિકસાવ્યાં છે, જે તેમનું પાયાનું યોગદાન ગણી શકાય.

સંશોધનના ક્ષેત્રના સંદર્ભમાં તેમણે અનેક ગ્રંથો અને લેખો લખ્યા છે : ‘નૅશનલ ઇન્કમ ઍન્ડ એક્સ્પેન્ડિચર’ (અર્થશાસ્ત્રી મીડના સહકારથી; 1944), ‘ધ રોલ ઑવ્ મેઝરમેન્ટ ઇન ઇકૉનૉમિક્સ’ (1951), ‘ધ મેઝરમેન્ટ ઑવ કન્ઝ્યુમર્સ એક્સ્પેન્ડિચર ઍન્ડ બિહેવ્યર ઇન ધ યુનાઇટેડ કિંગ્ડમ : 1920–1938’ (ડી. એ. રૉવિટલના સહકારથી; 1954). આ ઉપરાંત અનેક સ્ફુટ લેખો પણ લખ્યા છે. તેમાં ઇકૉનૉમિક જર્નલમાં પ્રકાશિત ‘લિનિયર એક્સ્પેન્ડિચર સિસ્ટમ્સ ઍન્ડ ડિમાન્ડ અનૅલિસિસ’(1954)નો પણ સમાવેશ થાય છે.

ઇંગ્લૅન્ડમાં અને આનુષંગિક રીતે વિશ્વના દેશોમાં રાષ્ટ્રીય આવકની ગણતરીની પદ્ધતિ વિકસાવવા માટે ઇંગ્લૅન્ડની રાણીએ તેમને ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે