સ્ટૉપાર્ડ, ટૉમ (. 3 જુલાઈ 1937, ઇઝલિન, ચેકોસ્લોવૅકિયા) : ઇંગ્લૅન્ડનો પ્રખ્યાત અને સફળ નાટ્યકાર. મૂળ નામ ટૉમસ સ્ટ્રૌસલેર. બે વર્ષની ઉંમરે એ સિંગાપુર ગયા; પરંતુ ત્યાં એમના ડૉક્ટર પિતા જાપાનના આક્રમણમાં માર્યા ગયા. એમની માએ પુનર્લગ્ન કરતાં એમણે સાવકા પિતાની અટક સ્વીકારી અને પરિવાર ઇંગ્લૅન્ડમાં વસવા ગયો.

ટૉમ સ્ટૉપાર્ડ

એમણે સાવકા પિતાની અટક સ્વીકારી અને પરિવાર ઇંગ્લૅન્ડમાં વસવા ગયો. ટૉમે પ્રારંભિક શિક્ષણ દાર્જિલિંગમાં લીધું અને પછી ઇંગ્લૅન્ડમાં એક અખબારમાં પત્રકાર તરીકે જોડાયા. ‘ધ રિયલ ઇન્સ્પેક્ટર હાઉન્ડ’થી નાટ્યલેખન શરૂ કર્યું, પણ ટૉમને સફળતા તો શેક્સપિયરના હેમ્લેટ નાટકના બે મિત્રો  જેને હેમ્લેટના કાકાએ ભત્રીજાની હત્યા માટે મોકલ્યા હતા તે રોઝેનકેન્ટ્સ અને ગિલ્ડનસ્ટર્ન પાત્રોને કેન્દ્રમાં રાખી જે નાટક લખ્યું એનાથી જ મળી. ઇંગ્લૅન્ડના નૅશનલ થિયેટરમાં એની રજૂઆત થઈ અને વિશ્વભરમાં અનેક ભાષાઓમાં એનો અનુવાદ ભજવાયો. એમનાં બીજાં નાટકોમાં ‘જંપર્સ’, ‘ટ્રાવેસ્ટીસ’ વગેરે જાણીતાં છે. ‘ઇન્ડિયન ઇન્ક’ નામના નાટકમાં એમણે ભારતમાંનાં પોતાનાં બાળપણનાં સ્મરણો આલેખ્યાં છે. એમણે રેડિયો અને ટીવી માટે પણ નાટકો લખ્યાં છે. ટૉમ સ્ટૉપાર્ડની બહુ જાણીતી ફિલ્મ સ્ક્રિપ્ટ ‘શેક્સપિયર ઇન લવ’ને તેર ઑસ્કાર નૉમિનેશન મળ્યાં હતાં. અનેક પ્રકારના વિષયો સાથેનું આગવું જીવનદર્શન આ નાટ્યકારમાં દેખાય છે; અનેક માધ્યમોના પરિચયને લીધે અને પ્રેક્ષકોને પણ અનેક માધ્યમોનો પરિચય હશે એ ખ્યાલમાં રાખીને ટૉમ સ્ટૉપાર્ડ અનેક નવી રંગકરામતો યોજે છે અને નાટકોને સમકાલીન બનાવે છે. ‘રોઝનક્રેન્ટ્સ ઍન્ડ ગિલ્ડનસ્ટર્ન આર ડેડ’ – નાટક અમદાવાદમાં 1978માં બ્રિટિશ કાઉન્સિલની મદદથી ભજવાયું હતું. ભારત સાથેના એમના સંબંધોને લીધે એ અનેક વાર નાટક લઈને અહીં આવી પહોંચે છે. 2003ની શરૂઆતમાં મહાકાવ્યનું ગજું ધરાવતી ત્રણ નાટકોની શ્રેણી લઈને સ્ટૉપાર્ડ મુંબઈ આવ્યા હતા. આ નાટ્યત્રયીનું નામ છે ‘ધ કૉસ્ટ ઑવ્ યુરોપિયા’. આદર્શ રાજ્યની વિભાવના, એમાં રહેલી મથામણ વિશાળ ફલક પર ટૉમ સ્ટૉપાર્ડે પ્રસ્તુત કરી છે. એમાં વહાણની દરિયાઈ સફરનું પ્રતીક રાખીને ક્રાંતિકારી વિચારકો, ફિલસૂફો અને લેખકો પાત્રો તરીકે લેવાયા છે. એમના પ્રથમ નાટક ‘વૉયેજ’માં 1833થી 1844 દરમિયાનનો સમય મૉસ્કોથી દોઢસો માઈલ દૂર આવેલી જાગીરમાં ચિત્રિત થયો છે. બ્લેન્સ્કી, તુર્ગનેવ, પુશ્કિન, હર્ટ્ઝન વગેરે વિચારકોની મથામણ એમાં રજૂ થઈ છે. બીજું નાટક ‘શિપરેક’માં કાર્લ માર્કસના અનુયાયીઓ અને અન્ય અગ્રણી ક્રાંતિકારીઓની વાત આલેખાઈ છે. મૉસ્કો ઉપરાંત પૅરિસ, ડ્રેસડેન વગેરે સ્થળોમાં એની કહાની વિચરે છે. ત્રીજું નાટક ‘સાલ્વેજ’માં લંડન અને જિનીવામાં ક્રાંતિકારીઓની સ્વબચાવની અને ચળવળની પુન:સ્થાપના માટેની કોશિશ પ્રસ્તુત થઈ છે. આ ત્રણેય નાટકોનું દિગ્દર્શન ટ્રેવર નુને કર્યું હતું. ઇંગ્લૅન્ડમાં અને એમ જુઓ તો જાગતિક નાટ્યકારોમાં, ટૉમ સ્ટૉપાર્ડ એક વિશિષ્ટ યુગપ્રવર્તક નાટ્યકાર અને એવી વૈવિધ્યસભર બળૂકી નાટ્ય-અભિવ્યક્તિ માટે સજ્જ રંગકર્મી ગણાય છે.

હસમુખ બારાડી