સફી લખનવી (જ. 3 જાન્યુઆરી 1862, લખનૌ; અ. 25 જૂન 1950) : સૂફી કવિ. તેમણે ‘સફી’ તખલ્લુસથી કાવ્યરચનાઓ કરી. તેમનું મૂળ નામ સૈયદઅલી નકી સૈયદ ફઝલહુસેન હતું. તેમના પિતા લખનૌના અંતિમ શાસકના દરબારમાં પ્રતિષ્ઠિત વિદ્વાન હતા. આ કારણે ‘સફી’ શાહી કુટુંબના નિકટના પરિચયમાં આવ્યા અને તેઓના સહાધ્યાયી બન્યા. દરબારનો અને તેનાં વિશિષ્ટ વિદ્યાકેન્દ્રોનો તેમને પૂરેપૂરો લાભ મળ્યો. પરિણામ સ્વરૂપે તેમણે અરબી, ફારસી, ઉર્દૂ અને અંગ્રેજી ભાષા પર કાબૂ મેળવ્યો.
તેમનાં લગ્ન લખનૌના ઉચ્ચ અને જ્ઞાનસંપન્ન ખાનદાનમાં મૌલવી અલીમિયાં સાહેબ ‘કામિલ’ની પુત્રી સાથે થયાં હતાં. તેથી તેમને કળાકૌશલની ઉચ્ચ પ્રણાલીઓનો લાભ પ્રાપ્ત થયો હતો.
તેઓ ઉચ્ચ કોટિના કવિ હતા. ‘દીવાન-એ-સફી’ તેમનો ઉલ્લેખનીય કાવ્યસંગ્રહ છે. ખાસ કરીને છંદ:શાસ્ત્રમાં તેઓ ઉસ્તાદ ગણાતા. તેઓ સફી પરંપરાના છેલ્લા નોંધપાત્ર કવિ હતા. તેમણે સંખ્યાબંધ નેતાઓના જીવનને સ્પર્શતાં રાષ્ટ્રીય ભાવનાસભર દીર્ઘકાવ્યો રચ્યાં છે. પ્રાકૃતિક અને ઐતિહાસિક તથા સામાજિક સુધારાના વિષયો વણી લઈને તેમણે એક લાખ કાવ્યો ઉપરાંત ગઝલો, મરસિયા, કસીદા, રુબાઇઓ રચ્યાં છે. તેમની અન્ય કૃતિઓ છે : ‘લખ્તે જિગર’ અને ‘સહિફતુલ કૈયામ’. અંગ્રેજી કાવ્યોના સારા અનુવાદ પણ તેમણે કર્યા છે. તેમણે છંદ અને શૈલીની દૃદૃષ્ટિએ કેટલાક નવા અખતરા ઉર્દૂ સાહિત્યમાં કર્યા છે. તેમણે ઉમર ખય્યામની 1,200 રુબાઇઓનો જે તરજુમો કરેલો તે લોકપ્રિય નીવડ્યો હતો.
આસિબ અઝીઝ આરઝૂ પછી સફીએ મોટો યાદગાર કાવ્યસંગ્રહ આપ્યો છે. તેઓ તત્કાલીન લખનૌની જાણીતી પ્રતિભા હતા. ત્યાંની જાણીતી સાહિત્યિક સંસ્થા ‘અંજૂમને મેયાર બહારે અદબ’ના વર્ષો સુધી તેઓ પ્રમુખ રહ્યા હતા. શિયા કૉન્ફરન્સની ઇમારત અને લખનૌ પબ્લિક લાઇબ્રેરી ‘સફી’ના નામથી પ્રસિદ્ધ છે.
મોહિયુદ્દીન બૉમ્બેવાલા