સપ્તર્ષિ : પ્રાચીન ભારતીય સાત ઋષિઓનો સમૂહ. પ્રાચીન દ્રષ્ટાઓને આ રીતે સાતની સંખ્યાના સમુદાયમાં એકસાથે નિર્દેશવામાં આવ્યા છે. સપ્તર્ષિ પદ દ્વારા આકાશમાં રહેલ નક્ષત્રમંડળના સાત તારાઓનું ઝૂમખું એવો અર્થ પણ સ્વીકારાય છે; તેનું કારણ એ છે કે, પ્રાચીન કાળમાં થઈ ગયેલ મોટા જ્યોતિષીઓ તથા આર્ય સંસ્કૃતિના મૂળ સંરક્ષકોને આપણા પૂર્વજોએ આ રીતે આકાશમાં સ્થાન આપી અમર બનાવ્યા છે.
ઋગ્વેદમાં સપ્તર્ષિનો ઉલ્લેખ બહુ જૂજ માત્રામાં થયો છે. ક્યાંક તેમને ‘અમારા પિતૃઓ’ એમ કહી નિર્દેશ્યા છે તો ક્યાંક તેમને દેવોની સાથે જોડ્યા છે. એક વાર નવગ્વોની સાથે ઇન્દ્રની પ્રશસ્તિ કરનાર સાત પુરોહિત રૂપે અથવા જેની સાથે મનુ દેવોને પ્રથમ હવિ અર્પણ કરે છે તે સાત હોતાઓ રૂપે તેમનો નિર્દેશ છે. એટલે સપ્તર્ષિ દ્વારા કદાચ સાત પ્રાચીન હોતાઓનો એક સમૂહ એવો અર્થ પણ વિચારાયો હશે.
સપ્તર્ષિની કલ્પનામાં સાતની સંખ્યા અંગેની પ્રેરણા ઋગ્વેદ-2.1માં વર્ણવાયેલ સાત કર્મકાંડી પુરોહિતો ઉપરથી પ્રાપ્ત થઈ લાગે છે. તેઓ તેના પ્રતિરૂપ મનાયા હશે.
ઋગ્વેદ સર્વાનુક્રમણીમાં જે સૂક્તદ્રષ્ટા ઋષિઓને સપ્તર્ષિ કહ્યા છે, તે છે 1. બૃહસ્પતિના પુત્ર ભારદ્વાજ, 2. મરીચિના પુત્ર કશ્યપ, 3. રહુગણના પુત્ર ગૌતમ, 4. ભૂમિપુત્ર અત્રિ, 5. ગાધિપુત્ર વિશ્વામિત્ર, 6. ભૃગુપુત્ર જમદગ્નિ અને 7. મિત્રાવરુણના પુત્ર વસિષ્ઠ.
આ સાત ઋષિઓનો નામનિર્દેશ આ જ રીતે ઋગ્વેદમાં બે વાર થયો છે.
‘શતપથબ્રાહ્મણ’માં દરેક ઋષિનું અલગ નામ આપી તેમનાં અલગ વ્યક્તિત્વ ઉપસાવવામાં આવ્યાં છે.
વળી, સપ્તર્ષિ એટલે સાત તારાઓનું મંડળ – એવો અર્થ આપીને જણાવાયું છે કે, આ લોકો મૂળમાં ‘ઋક્ષ’ એટલે કે ‘રીંછ’ હતા. આમ માનવાનું કારણ ‘ઋષિ’ અને ‘ઋક્ષ’ એ બે શબ્દોમાંનું ધ્વનિસામ્ય હોઈ શકે. ઋગ્વેદમાં ‘ઋક્ષ’નો અર્થ ‘રીંછ’ ઉપરાંત ‘તારો’ એવો પણ થાય છે. તેથી પણ સપ્તર્ષિ એટલે સાત ઋષિ અને સાત તારાઓનો સમૂહ એમ બંને અર્થો પ્રચલિત થયા હશે.
પુરાણોમાં તો સપ્તર્ષિની કલ્પના ખૂબ વિકાસ પામી છે. તેમાં પ્રત્યેક મન્વન્તરમાં જુદા જુદા સપ્તર્ષિઓ થયા હોવાનું વિચારાયું છે. જે તે મન્વન્તરના મનુ, દેવ, ઇન્દ્ર વગેરેની સાથે જ સપ્તર્ષિઓ પણ તેના અધિયંતા મનાતા. દરેક મન્વન્તરમાં પ્રજોત્પાદનનું કાર્ય ધર્મોપદેષ્ટા તરીકે થઈ ગયેલ આ સપ્તર્ષિઓ ઉપર નિર્ભર હતું. પુરાણોમાં તેમને દ્વાપરયુગના ઋષિ કહ્યા છે અને તેમનો નિવાસ શનિગ્રહથી એક લાખ યોજનને અંતરે બતાવેલ છે. તેમની કાલગણના મનુષ્યો કરતાં જુદી હતી. ત્રણ હજાર ને ત્રીસ માનવવર્ષો બરાબર સપ્તર્ષિઓનું એક વર્ષ થાય છે. આ સપ્તર્ષિઓ પહેલાં તો સાત જ હતા પણ પછી તેમાં ઉમેરો થતો ગયો. એવું પણ જણાય છે કે, પછી થયેલા સપ્તર્ષિ એ પહેલાંના સપ્તર્ષિઓનાં વંશજ હતા.
પુરાણોમાં કુલ 14 મન્વન્તરોની જે કલ્પના છે તે પ્રત્યેક મન્વન્તરના સપ્તર્ષિ અલગ અલગ મનાયા છે એટલે કુલ 98 ઋષિઓનાં નામ મળે છે. તે સમગ્ર નામાવલિ આ પ્રમાણે છે :
મન્વન્તર | સપ્તર્ષિ | |
1. | સ્વાયંભુવ મન્વન્તર | મરીચિ, અંગિરસ્, અત્રિ, પુલહ, ક્રતુ, પુલસ્ત્ય અને વસિષ્ઠ. |
2. | સ્વારોચિષ મન્વન્તર | ઊર્જ, સ્તંભ, પ્રાણ, રામ, ઋષભ, નિરય અને પરીવાન્. |
3. | ઔત્તમિ (ઉત્તમ) મન્વન્તર | વસિષ્ઠના સાત પુત્રો : રજસ્, ગોત્ર, ઊર્ધ્વબાહુ, સવન, અનઘ, સુતપસ્ અને શુક્ર. |
4. | તામસ મન્વન્તર | જ્યોતિર્માન, પૃથુ, કાવ્ય, ચૈત્ર, અગ્નિવનક, પીવર અને નર. |
5. | રૈવત મન્વન્તર | હિરણ્યરોમા, વેદશ્રી, ઊર્ધ્વબાહુ, વેદબાહુ, સુદામા, પર્જન્ય અને મહામુનિ. |
6. | ચાક્ષુષ મન્વન્તર | સુમેધસ્, વિરજસ્, હવિષ્માન્, ઉત્તમ, મધુ, અતિનામન્ અને સહિષ્ણુ. |
7. | વૈવસ્વત મન્વન્તર | વસિષ્ઠ, કશ્યપ, અત્રિ, જમદગ્નિ, ગૌતમ, વિશ્વામિત્ર અને ભારદ્વાજ. |
8. | સાવર્ણિ મન્વન્તર | દીપ્તિમાન, ગાલવ, જમદગ્નિપુત્ર રામ, કૃપ, દ્રોણપુત્ર અશ્વત્થામા, પારાશર વ્યાસ અને ઋષ્યશૃંગ. |
9. | દક્ષસાવર્ણિ મન્વન્તર | સવન, દ્યુતિમાન્, ભવ્ય, વસુ, મેધાતિથિ, જ્યોતિષ્માન્ અને સત્ય. |
10. | બ્રહ્મસાવર્ણિ મન્વન્તર | હવિષ્માન્, સુકૃત, સત્ય, તપોમૂર્તિ, નભાગ, અપ્રતિમૌજસ્ અને સત્યકેતુ. |
11. | ધર્મસાવર્ણિ મન્વન્તર | વૃષ, અગ્નિતેજસ્, વપુષ્માન્, ઘૃણી, આરુણિ, હવિષ્માન્ અને અનઘ. |
12. | રુદ્રસાવર્ણિ મન્વન્તર | તપસ્વી, સુતપસ્, તપોમૂર્તિ, તપોરતિ, તપોધૃતિ, તપોદ્યુતિ અને તપોધન. |
13. | રૌચ્યદેવ સાવર્ણિ (રુચિ) મન્વન્તર | નિર્મોહ, તત્ત્વદર્શી, નિષ્પ્રકમ્પ્ય, નિરુત્સુક, ધૃતિમાન્, અવ્યય અને સુતપસ્. |
14. | ઇન્દ્રસાવર્ણિ (ભૌમિ) મન્વન્તર | અગ્નિબાહુ, શુચિ, શુક્ર, માગધ, અગ્નીધ્ર, યુક્ત અને જિત. |
અહીં એક બાબત નોંધવી જોઈએ કે, જુદાં જુદાં પુરાણોમાં પ્રાપ્ત થતી આ અંગેની વિગતોમાં એકરૂપતા જણાતી નથી.
મહાભારતમાં સપ્તર્ષિઓની નામાવલિ બે પ્રકારની મળે છે. જેમ કે,
1. કશ્યપ, અત્રિ, ભારદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વસિષ્ઠ.
2. મરીચિ, અત્રિ, અંગિરસ્, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ અને વસિષ્ઠ. યુગપરિવર્તન સાથે સપ્તર્ષિઓ પણ બદલાતા. કૃતયુગના સપ્તર્ષિઓ જુદા હતા ને કલિયુગનાય જુદા.
મહાભારતમાં એક સ્થળે સપ્તર્ષિઓને દિશાઓના સ્વામી કહ્યા છે અને ચારેય દિશાના સાત સાત ઋષિઓ દર્શાવ્યા છે; જેમ કે,
પૂર્વ દિશા | યવક્રીત, અર્વાવસુ, પરાવસુ, કક્ષીવત્, નલ, કણ્વ અને બર્હિષદ્. |
દક્ષિણ દિશા | ઉન્મુંચ, વિમુચ્, વીર્યવત્, પ્રમુચ્, ભગવત્, અગસ્ત્ય અને દૃઢવ્રત્. |
પશ્ચિમ દિશા | રુષદ્ગુ, કવષ, ધૌમ્ય, પરિવ્યાધ, એકત-દ્વિત- ત્રિત, દુર્વાસસ્ અને સારસ્વત. |
ઉત્તર દિશા | આત્રેય, વસિષ્ઠ, કશ્યપ, ગૌતમ, ભરદ્વાજ, વિશ્વામિત્ર અને જમદગ્નિ. |
આ રીતે, સપ્તર્ષિની કલ્પના ને તેની વિભાવના કાલાન્તરે બદલાતી રહી છે પરંતુ તે સર્વમાં એકરૂપ જણાતી બાબત એ છે કે, સપ્તર્ષિઓ એ એક રીતે જોઈએ તો યુગપુરુષો સમ ગણાતા. તેઓ સમાજની પ્રગતિ તથા ઉત્થાનના નિર્વાહક બની રહેતા; એટલું જ નહિ, સમાજનું સાતત્ય પણ તેમના ઉપર અવલંબતું હતું. કાલગણનામાં જે સૌપ્રથમ સપ્તર્ષિઓ તરીકે નિર્ધારિત કરાયા તે બ્રહ્માના દસ માનસપુત્રો પૈકીના સાત હતા; જેઓ પ્રજાપતિ તરીકે પણ ઓળખાયા. મહાભારતમાં પ્રાપ્ત એક નામાવલિમાં તેમનો નિર્દેશ મળે છે; જ્યારે હાલમાં સપ્તર્ષિરૂપ ગણાતા ઋષિઓનાં નામ ત્યાં દ્વિતીય નામાવલિમાં મળે છે. આમ, સપ્તર્ષિ ચાહે તે ઋષિરૂપ હોય કે આકાશમાં સ્થિત તારામંડળ; પણ તેઓ સમગ્ર માનવજાત માટે પ્રેરક, પ્રોત્સાહક, માર્ગદર્શકરૂપ બની રહ્યા છે.
જાગૃતિ પંડ્યા