સપ્તર્ષિ તારામંડળ (Ursa Major)

January, 2007

સપ્તર્ષિ તારામંડળ (Ursa Major) : ઉત્તર ગોળાર્ધમાંથી દેખાતા આકાશનું સહુથી જાણીતું તારામંડળ. આપણે ત્યાંથી એપ્રિલ મહિનામાં રાતના આઠ-નવ વાગ્યાના સુમારે ઉત્તર-પૂર્વ દિશામાં ક્ષિતિજની થોડેક ઉપરના આકાશમાં જોતાં સપ્તર્ષિના સાત મુખ્ય તારાઓ બહુ સહેલાઈથી ઓળખી શકાય છે. ઉનાળાના દિવસોમાં સપ્તર્ષિનો દેખાવ વધુ સ્પષ્ટ અને આકર્ષક હોય છે. આ તારામંડળની મદદથી આકાશનાં બીજાં તારામંડળોને પણ સહેલાઈથી ઓળખી શકાય છે.

સપ્તર્ષિ ઘણું મોટું તારામંડળ છે. આકાશનાં મોટાં તારામંડળોમાં તેનું સ્થાન ત્રીજું છે. તેમાં ઉપર્યુક્ત ફક્ત સાત જ તારાઓ નથી. જો આકાશ સ્વચ્છ હોય તો આ તારામંડળમાં નરી આંખે નહિ નહિ તોયે લગભગ 100 જેટલા તારાઓ દેખી શકાય છે. ખરેખર તો આ સાત તારાઓ મોટો વ્યાપ ધરાવતા ऋक्ष (મોટા રીંછ) તારામંડળના એક નાના ભાગ જેવા છે. આ બધા તારાઓને જોડતી કાલ્પનિક રેખાઓ દ્વારા ઊપસતી રીંછની આકૃતિને કારણે આ તારામંડળને ‘ઉર્સા મેજર’ (Ursa Major) અર્થાત્, ‘મોટું રીંછ’ કે ‘ऑक्ष’ (‘ઋક્ષ’) કહે છે.

આકૃતિ 1

પરંતુ આ સાત તારાઓ (સાત ઋષિઓ) તેમની વિશિષ્ટ ગોઠવણ અને ચળકાટને કારણે આ મંડળના અન્ય તારાઓથી તદ્દન અલગ પડી જાય છે. તારામંડળોમાં આવો વિશિષ્ટ આકાર બનાવતું તારાઝૂમખું, તારામંડળ (constellation) નહિ, પણ તારાપુંજ (asterism) કહેવાય છે. સપ્તર્ષિ (ઉર્સા મેજર = મોટું રીંછ) તારામંડળના આ સાત તારાઓ આકાશમાંનું એક અત્યંત જાણીતું તારાપુંજ છે; તેમ છતાં, આ તારામંડળને અડ્ડ (રીંછ) કહેવા કરતા સપ્તર્ષિ કહેવાનું વધુ પ્રચલિત છે.

આકૃતિ 2

સપ્તર્ષિ તારામંડળના આ તારાપુંજની આકૃતિ ઊડતા મોર જેવી લાગે છે. એ જ્યારે ઊગતું હોય ત્યારે એની આકૃતિ પૂંછડીવાળા પતંગ જેવી, પણ આથમતું હોય ત્યારે ગુજરાતી વર્ણાક્ષર ‘ટ’ જેવી લાગે છે. કેટલાંક એને કપડાં ભરવવાની આંકડી પણ માને છે. કેટલાક લોકો સપ્તર્ષિને ‘ગાલ્લી’ (ગાડું) પણ કહે છે, પણ તે તો એ જ્યારે ક્ષિતિજને સમાંતર થાય ત્યારે. પણ ગુજરાતમાંથી તેનું આવું ગાલ્લીરૂપનું દર્શન થતું નથી, કારણ કે ત્યારે સપ્તર્ષિ ક્ષિતિજની નીચે હોય છે.

પ્રાચીન કાળની લગભગ બધી જ માનવ-સભ્યતાઓ સપ્તર્ષિ મંડળથી બહુ જ સારી રીતે પરિચિત હતી. જૂના જમાનાના લોકોએ સપ્તર્ષિના તારાઓમાં જાતભાતની આકૃતિઓની કલ્પના કરીને તેની સાથે જાતભાતની કથાઓ જોડી હતી. આકાશનું સંભવત: આ એકલું જ એવું તારામંડળ છે, જેમાં સહુથી વધારે (આશરે 20) તારાઓનાં સ્વતંત્ર નામો છે.

આકૃતિ 3 : સપ્તર્ષિની મદદથી આકાશના સ્વાતિ, ચિત્રા, મઘા, ધ્રુવતારો વગેરે તારા અને તે પરથી તારામંડળો સહેલાઈથી ઓળખી શકાય છે.

રોમન લોકો સપ્તર્ષિના સાત તારાઓમાં સાત બળદની કલ્પના કરતા હતા, તો બૅબિલોનવાસીઓ તેમાં ચાર પૈડાંવાળી ગાડી જોતા હતા. બ્રિટનવાસીઓ તેમાં એક હળની કલ્પના કરે છે અને તેને Plough કહે છે. એનો આકાર મોટી કડછી કે માટલામાંથી પાણી લેવાના મોટા ડોયા જેવો કે પછી ઈંડાનું આમલેટ (omelet) બનાવવાના તવા યા લોઢી (પૅન/pan) જેવો હોવાથી ઉત્તર અમેરિકામાં તેને Big Dipper કહે છે.

પશ્ચિમના લોકો સપ્તર્ષિમાં રીંછનો આકાર જુએ છે, પરંતુ રીંછની કલ્પના માટે સપ્તર્ષિના સાત મુખ્ય તારાઓ ઉપરાંત બીજા તારાઓને પણ ધ્યાનમાં રાખવા પડે છે. ગ્રીક લોકો સપ્તર્ષિને, ઉપર જણાવ્યું તેમ, ‘ઉર્સા મેજર’ એટલે કે ‘મોટું રીંછ’ કહેતા હતા. આશ્ચર્યની વાત એ છે કે મોટાભાગની બધી પ્રાચીન સંસ્કૃતિઓ સપ્તર્ષિમાં ઉત્તર ધ્રુવમાં વસતા મોટા કદના રીંછનું નિરૂપણ કરતી હતી, પરંતુ પ્રાચીન મિસરના લોકો તેમાં અપવાદ હતા. મિસરના લોકો તેમાં હિપોપૉટેમસ(જળઘોડા)ની તો ક્યારેક વળી ‘નાઇલ નદીની નૌકા’ની કલ્પના કરતા હતા. આ નૌકા ઓસિરિસ (Osiris) નામના તેમના એક દેવ માટે હતી.

ગ્રીક પૌરાણિક કથા અનુસાર કેલિસ્ટો નામે એક સુંદર અને ભલી સ્ત્રી હતી જેને આર્કસ નામનો દીકરો હતો. કેલિસ્ટોની સુંદરતા સહન ન કરી શકનાર ભગવાન જ્યુપિટરની પત્ની જૂનોએે એક દિવસ લાગ જોઈને તેને રીંછ બનાવી દીધી. પોતાને જોઈને કોઈ ડરી ન જાય તેટલા માટે કેલિસ્ટો એક ગુફામાં સંતાઈ ગઈ અને આ રીતે એકલપંડે પંદર વર્ષ વિતાવ્યાં. પછી એક દિવસ શિકારે નીકળેલો તેનો દીકરો તેને મળ્યો અને માએ તેને ઓળખ્યો. પણ દીકરાએ માને ન ઓળખી અને તેનો શિકાર કરવા તૈયાર થયો. આથી જ્યુપિટરે પ્રગટ થઈ તેને રોક્યો અને પોતાની પત્નીના કારસ્તાનના વળતર રૂપે મા-દીકરાને આકાશમાં કાયમી સ્થાન આપ્યું. મા તે મોટું રીંછ (The Great Bear) અને દીકરો તે નાનું રીંછ (The Little Bear). પણ જૂનોથી આ સહન ન થયું તેથી તે વરુણદેવતા નેપ્ચૂન પાસે ગઈ અને તેમની પાસે માગણી મૂકી કે આ મા-દીકરાને કદી સમુદ્રમહેલમાં પ્રવેશ કરવા દેશો નહિ. વરુણદેવતા માની ગયા. આ સમુદ્રમહેલ એટલે ઉત્તર ક્ષિતિજની નીચે આવેલો અંધકારમય પ્રદેશ. યુરોપના પ્રદેશમાં ધ્રુવનો તારો આપણા કરતાં વધારે ઊંચે દેખાય છે. તેથી ત્યાંના લોકોને સપ્તર્ષિ ક્યારે પણ ઉત્તર  ક્ષિતિજમાં ડૂબી જતા દેખાય નહિ. આજે પણ નેપ્ચૂન દેવતાના આદેશથી મા-દીકરો સમુદ્રમહેલમાં પ્રવેશી શકતાં ન હોવાથી ધ્રુવતારાની પ્રદક્ષિણા કર્યા જ કરે છે. માતા કેલિસ્ટો સપ્તર્ષિ તારામંડળને સ્વરૂપે દિવસરાત પુત્ર આર્કસ(લઘુ સપ્તર્ષિ કે ધ્રુવમત્સ્ય = Ursa Minor)ની આસપાસ ફરીને આખું વર્ષ તેની રખેવાળી કર્યા કરે છે.

વૈદિક કાળમાં આપણે ત્યાં પણ સપ્તર્ષિને ऋक्ष (ઋક્ષા:) એટલે કે ‘રીંછ’ કહેતા હતા. ऋक्ष શબ્દ અડ્ડ (રીંછ, ભાલુ કે ભલ્લુક)નું બહુવચન છે. ઋગ્વેદ(1.24.10)માં સપ્તર્ષિ સંબંધી આવો ઉલ્લેખ મળે છે : ૐજ્હ્મ જાદ્ધ અડ્ડ દઙદરૂઠ્ઠ ર્ઊિઊ ઙપ્રૂદ્વ ઘ્ઘ્દ્દદ્દડ્ડહ્ર ઇંદ્ર દઊદરઞ્દ્ધજાદ્ર: (આ જે રીંછ રાતના સમયે ઊંચે આકાશમાં દેખાય છે, તે દિવસમાં ક્યાં જતા રહે છે ?).

માહિતી સાંપડે છે કે ઋગ્વેદના સમયે અર્થાત્, આશરે સાડા ત્રણ હજાર વર્ષ પહેલાં, ‘અડ્ડ’ શબ્દના (1) રીંછ, અને (2) ચળકતું અથવા તારો, એવા બે અર્થ થતા હતા. એવું લાગે છે કે પાછળથી ‘અડ્ડ’ શબ્દ ‘અદઠ’માં ફેરવાઈ ગયો. અગાઉ જે ‘ऋक्ष’ (રીંછ) હતું, તે ‘અદઠ’ (સપ્તર્ષિ = સાત ઋષિ)માં તબદીલ થઈ ગયું !

આકૃતિ 4 : બધા તારા ખસે છે. અહીં સપ્તર્ષિના તારા ખસતા દર્શાવ્યા છે અને તે ખસીને આજનો જાણીતો આકાર કેવો બદલાશે તે બતાવ્યું છે.

‘ऋक्ष’ શબ્દ માટે શતપથ-બ્રાહ્મણ (2.1.2.4)માં આ પ્રમાણે ચોખવટ કરી છે : ઠ્ઠચ્રૂદઠગ્ ઙદ્ર  ઠ્ઠજ્ ઞ્દ્ય ચ્દ્રજ્રડ્ડગ્ ખ્રૂજાઊડ્ડરૂદ્ધ (પ્રાચીન કાળમાં સપ્તર્ષિઓને ‘ઋષા’ કહેતા હતા). વૈદિક ‘ઋષા’ અને ગ્રીક ‘ઉર્સા’(ઉરસા)નું મૂળ કદાચ એક જ હોઈ શકે. મહાભારતના કાળ સુધી ઉત્તરાકાશના આ સાત તારા માટે ‘સપ્તર્ષિ’ નામ રૂઢ થઈ ગયું હતું.

સપ્તર્ષિ તારામંડળમાં જે સાત ઋષિઓ છે તેમનો ક્રમ આ પ્રમાણે છે : (1) ક્રતુ (a), (2) પુલહ (b), (3) પુલસ્ત્ય (g), (4) અત્રિ (d), (5) અંગિરસ (e), (6) વસિષ્ઠ (z) અને સહુથી છેલ્લો, રીંછની પૂંછડીનો તારો તે (7) મરીચિ (h).

આ સાત તારાઓનાં પાશ્ચાત્ય નામ મૂળ અરબી નામો પર આધારિત છે. ઉપર્યુક્ત સાત તારાઓનાં પાશ્ચાત્ય નામો અનુક્રમે આ પ્રમાણે છે : (1) Kratu કે Dubhe (દુભે), (2) Merak (મેરાક), (3) Phad કે Phekda (ફક્દ કે ફેકડા), (4) Megrez (મેગરેજ), (5) Alioth (ઇપ્સિલોન, અલિઓથ) કે Angira, (6) Mizar (મિજાર) કે Zeta Ursae Majoris અને (7) Alkoid કે Benetnash (બેનતનાશ).

આકૃતિ 5 : સદોદિત કે અનસ્ત તારા (circumpolar star) અને અસ્ત થતા તારા (non-circumpolar star) વચ્ચેનો તફાવત સમજાવતી આકૃતિ. સ્વાતિ તારો ક્ષિતિજની નીચે જાય છે, એટલે તે અસ્ત થતો તારો કહેવાય, જ્યારે સપ્તર્ષિના તારા ક્ષિતિજની નીચે જતા ન હોવાથી અનસ્ત તારા કહેવાય. ઉત્તરી યુરોપ અને કૅનેડામાંથી સપ્તર્ષિ ધ્રુવતારાની આસપાસ પૂરું ચક્કર લગાવતા દેખાય છે. ભારતમાંથી સપ્તર્ષિ આ રીતે દેખાતા નથી.

આ તારાઓમાંથી પુલહ અને ક્રતુની વચ્ચે આશરે પાંચ અંશનું અંતર છે. પુલહ અને ક્રતુને જોડતી રેખાને ક્રતુની તરફ, એટલે કે ઉત્તર તરફ, આશરે પાંચ ગણી આગળ વધારીએ, તો તે ધ્રુવતારાને જઈને મળશે. આ રીતે સહેજ ઝાંખા એવા ધ્રુવતારાને સરળતાથી ઓળખી શકાય છે. આને કારણે સપ્તર્ષિના આ બે તારા પુલહ અને ક્રતુને ‘દર્શક’ તારાઓ કહેવાય છે. ધ્રુવતારો આકાશમાં સ્થિર જણાય છે અને ઉત્તર દિશા દર્શાવે છે. અલબત્ત, નરી આંખે સ્થિર દેખાતો ધ્રુવતારો વાસ્તવમાં અચળ નથી, પણ ધ્રુવબિંદુની પ્રદક્ષિણા કરનારો તારો છે, પણ એનું પ્રદક્ષિણાક્ષેત્ર એટલું નાનું છે કે તે સ્થિર હોવાનો ભ્રમ થાય છે. (પૃથ્વીની ધરી આકાશમાં જે બિંદુને તાકે છે તેને ધ્રુવબિંદુ કહેવાય છે). આ બિંદુની બહુ નજદીકમાં જ ધ્રુવતારો આવેલો હોઈ તેને જ ધ્રુવબિંદુ માનીને ચાલવામાં રોજિંદા વ્યવહારમાં બહુ વાંધો આવતો નથી. બધા તારા ધ્રુવબિંદુની ચોપાસ ભ્રમણ કરે છે : કેટલાક એની નજદીક રહીને તો કેટલાક દૂરથી. આમ ઉત્તરધ્રુવ(ધ્રુવબિંદુ યા ધ્રુવતારા)ની આજુબાજુ ફરનારા અને ઉદયાસ્ત ન દાખવનારા તારાઓને સદોદિત તારાઓ (circumpolar stars) કહેવામાં આવે છે. બીજા શબ્દોમાં કહીએ તો ધ્રુવતારાની નજદીકના તારાઓ તેનું પૂર્ણ ચક્કર મારતા દેખાય છે. ભારતમાંથી તો નહિ, પરંતુ કૅનેડા અને ઉત્તરીય યુરોપના તથા ઉત્તરીય એશિયાના દેશોમાંથી સપ્તર્ષિને પણ ધ્રુવતારાની આસપાસ પૂરું ચક્કર મારતું જોઈ શકાય છે. એ રીતે સપ્તર્ષિ તારામંડળના સઘળા તારા સદોદિત છે.

આકાશના સઘળા તેમજ તારામંડળ માંહેના બધા તારા એ કાંઈ એકસરખા પ્રકાશિત હોતા નથી. ક્રતુ તારો સપ્તર્ષિ તારામંડળનો સહુથી પ્રકાશિત તારો છે, તો અત્રિ સહુથી ઝાંખો. શાસ્ત્રીય ભાષામાં વાત કરીએ તો ક્રતુનો તેજાંક કે તેજસ્વિતાનો આંક (મૅગ્નિટ્યૂડ) 1.8 છે અને અત્રિનો તેજાંક 3.3 છે. સપ્તર્ષિના બાકીના તારાઓની તેજસ્વિતાના આંક આ બંનેની વચ્ચેના છે.

જેમ તારાઓના તેજસ્વિતાના આંક સરખા નથી, તેમ તેમનાં અંતરો પણ આપણાથી સરખાં નથી. તારામંડળોના વિવિધ આકારો તો ભારતીયોએ કલ્પેલા છે, હકીકતે તો કોઈ પણ તારામંડળમાંના તારાઓ એકમેકથી પણ ક્યાંયે દૂર આવેલાં છે. પૃથ્વી પરથી જોતાં એ માત્ર સમાન અંતરે, અથવા તો ગુંબજ જેવી એક સપાટી પર ચોંટેલા હોવાનો આભાસ સર્જે છે. સપ્તર્ષિનો સહુથી દૂરનો તારો અંગિરસ સહુથી પાસેના તારા મરીચિથી ચાર ગણો અધિક દૂર આવેલો છે. તેમની સપાટીનું તાપમાન પણ અલગ-અલગ છે. ક્રતુ તારાનું તાપમાન 500 ડિગ્રી સેલ્સિયસ છે, જ્યારે મરીચિ તારાનું 18,000 ડિગ્રી સેલ્સિયસ.

આકાશ સહિત ભૌતિક જગતમાં કશું જ સ્થિર નથી. આ વાતની સાબિતી સપ્તર્ષિ તારામંડળના તારાઓ આપી રહે છે. આ તારામંડળમાંના ક્રતુ અને મરીચિ એક દિશામાં ગતિ કરે છે, જ્યારે બાકીના તારાઓ એથી વિરુદ્ધ દિશામાં. આને કારણે સપ્તર્ષિની આકૃતિ ધીમે-ધીમે સતત બદલાતી રહે છે. આજે તેનો જે આકાર છે, તે અગાઉ ન હતો, અને હવે પછી કાળે કરી તેમાં પણ બદલાવ આવતો જશે. આનું બીજું ઉદાહરણ આ તારામંડળનો ‘ગ્રૂમબ્રિજ-1830’ તારો છે. બ્રિટનના ખગોળશાસ્ત્રી સ્ટીફન ગ્રૂમબ્રિજ(Stephen Groombridge : 1755-1832)ના નામ પરથી તે ઓળખાય છે. ઈ.સ. 1842માં આ તારાની નિજગતિ (proper motion) ઘણી વધારે હોવાનું નોંધાયું. આ તારો આશરે 98 કિમી પ્રતિ-સેકંડના વેગથી આપણી તરફ ધસી રહ્યો છે અને અવકાશમાં તેનો વેગ આશરે 3000 કિમી પ્રતિ-સેકંડ છે. વૈજ્ઞાનિકોએ ગણી કાઢ્યું છે કે આ વેગથી તે હવે પછીના 12,000 વર્ષોમાં ખસતો-ખસતો સિંહ રાશિમાં પહોંચી જશે !

સપ્તર્ષિ તારામંડળનો વસિષ્ઠ(ઝીટા ઊર્સી મેજોરિસ કે મિજાર) તારો વિશિષ્ટ તારો છે. નરી આંખે સહેજ ધ્યાનથી જોતાં તેની બાજુમાં એક નિસ્તેજ તારો જણાશે. ભારતીય  પૌરાણિક કથા અનુસાર અરુંધતી વસિષ્ઠની પત્ની હતી. તેથી વસિષ્ઠના આ જોડીદાર તારાને અરુંધતી નામ આપવામાં આવ્યું છે અને અવિભક્ત આત્મા તરીકે આ બંનેનું આકાશમાં સ્થાપન કરવામાં આવ્યું છે. અરુંધતી તારો પુલહ, અત્રિ અને અંગિરસને જોડતી રેખા પર આવેલો જોઈ શકાશે. અરબી આધારિત અરુંધતીનું પાશ્ચાત્ય નામ અલકૌર કે અલકર (Alcor) છે. ચોથા વર્ગના આ તારાનું તેજ નબળી આંખોવાળા સુધી પહોંચતું નથી; તેથી જૂના જમાનામાં અરબ લોકો અરુંધતી જોઈ શકવાને સારી આંખનું પ્રમાણપત્ર ગણતા હતા. અરબ લોકો વસિષ્ઠ-અરુંધતી યુગલને ‘ઘોડો અને તેનો અસવાર’(horse and rider)ના નામે ઓળખતા હતા. અરબસ્તાનના સપાટ રણપ્રદેશમાં રાત્રે કૂચ કરતી વખતે સૈનિકો માટે દિશાજ્ઞાન અનિવાર્ય હતું. આથી ત્યાંના લશ્કરમાં ભરતી કરતાં એવો નિયમ હતો કે જે ઉમેદવાર અરુંધતીના તારાને જોઈ શકે તેને જ નિયુક્ત કરવો. યુરોપમાં પણ અરુંધતીદર્શનને સારી આંખની કસોટીરૂપ ગણતા હતા. ભારતમાં હિન્દુઓમાં લગ્નવિધિ પૂરી થયા પછી નવ-દંપતીને વસિષ્ઠ-અરુંધતીનાં આ આદર્શ જોડાનાં દર્શન કરાવવાની પ્રથા રહી છે. વળી ભારતમાં બીજી પણ એવી માન્યતા છે કે જો કોઈ અરુંધતીના તારાને ન દેખી શકે તો એની આંખના દેવતા ઊઠી ગયા એવું કહેવાય છે અને તે છ માસમાં મૃત્યુ પામે તેમ મનાય છે.

આકૃતિ 6 : અમદાવાદમાંથી 15-16મી મેએ રાતના 9 વાગ્યાનું ઉત્તર તરફનું આકાશ. આ જ નકશો મહિનાની પહેલી અને છેલ્લી તારીખે અનુક્રમે 10 વાગે અને 8 વાગે પણ ઉપયોગમાં લઈ શકાશે. વળી આ તારા નકશો અમદાવાદ માટે બનાવેલો છે, છતાં ન-જેવા ફેરફાર સાથે તેનો ઉપયોગ સમગ્ર ગુજરાત અને ગુજરાતની બહારના વિસ્તાર માટે અને એ રીતે ખાસ્સા મોટા વિસ્તાર માટે પણ કરી શકાશે. આકૃતિમાં નીચેની તરફ ઉત્તરાભિમુખ થયેલા નિરીક્ષકને દર્શાવ્યો છે, જેનો જમણો હાથ સપ્તર્ષિ અને ધ્રુવતારક તરફ તકાયેલો છે. શર્મિષ્ઠા તારામંડળ સપ્તર્ષિની બરાબર સામે હોઈ ક્ષિતિજની નીચે છે, માટે દેખાતું નથી.

પૃથ્વી પરથી જોતાં જોડિયા હોવાનો અહેસાસ કરાવતા આ તારા વાસ્તવમાં એકમેકથી તેમજ આપણાથી પણ ઘણે આઘે આવેલા છે. વસિષ્ઠ આપણાથી આશરે 60 પ્રકાશવર્ષ દૂર છે, જ્યારે અરુંધતી આશરે 90 પ્રકાશવર્ષ દૂર છે. અરુંધતી તારો વસિષ્ઠ તારાથી આશરે 25,50,00,00,00,000 (2550 અબજ) કિમી અંતરે આવેલો છે !

નરી આંખે જોતાં તો વસિષ્ઠ તારો એકમાત્ર તારો જણાય છે, પણ નાના દૂરબીનમાંથી જોતાં તેમાં બીજા બે વધારાના (અરુંધતી ઉપરાંત) તારા દેખાય છે. આને ‘વસિષ્ઠ-અ’ અને ‘વસિષ્ઠ-બ’ કહી શકાય. આ તારા નજદીક રહીને એકબીજાની પરિક્રમા કરે છે. સાથીદાર ધરાવતા આવા તારાને યુગ્મતારા (binary star) કહે છે. વસિષ્ઠ તારો યુગ્મતારો હોવાની જાણકારી ઈ. સ. 1650માં દૂરબીનથી તેનું નિરીક્ષણ કરતાં થઈ હતી. દૂરબીન દ્વારા શોધવામાં આવેલો તે પહેલો યુગ્મતારો હતો.

દૂરબીનની મદદથી સપ્તર્ષિ તારામંડળમાં ઘણી નિહારિકાઓ (nebulae) અને તારાવિશ્વો (galaxies) જોઈ શકાય છે. આવી એક પ્રસિદ્ધ નિહારિકા M-97 છે. થોડા મોટા (300 મિલીમિટર/12 ઇંચ) દૂરબીનથી જોતાં તે ચમકતા વાયુથી બનેલા ઘુવડ પક્ષી જેવી દેખાતી હોવાથી તેને ‘ઘુવડ નિહારિકા’ (Owl Nebula) પણ કહે છે. તે આશરે 1300 પ્રકાશવર્ષ દૂર આવેલી હોવા છતાં આપણી આકાશગંગાની જ સભ્ય છે.

પરંતુ તારાવિશ્વોની વાત અલગ છે. મોટા દૂરબીનથી દેખાતા સપ્તર્ષિ તારામંડળના બધાં તારાવિશ્વો આપણી આકાશગંગાની હદથી પણ ક્યાંય દૂર આવેલા છે; દા.ત., વસિષ્ઠ તારા પાસેનું M-101 નામનું સર્પિલ તારાવિશ્વ (spiral galaxy) આપણાથી 2 કરોડ 30 લાખ પ્રકાશવર્ષ દૂર છે. ત્યાંથી નીકળેલા પ્રકાશના કિરણને આજે આપણે જોઈએ છીએ તે ત્યાંથી નીકળ્યું ત્યારે પૃથ્વી ઉપર માનવનું અસ્તિત્વ પણ ન હતું !

M-82 અને M-82 આવાં બીજાં જાણીતાં તારાવિશ્વો છે, જે આપણાથી આશરે એક કરોડ પ્રકાશવર્ષ દૂર છે. આ પૈકી M-81 સર્પિલ તારાવિશ્વ સારું એવું પ્રકાશિત છે અને શહેરમાંથી રાતની કૃત્રિમ રોશનીમાં પણ બાઇનૉક્યુલર વડે સહેલાઈથી જોઈ શકાય છે. તેનો દેખાવ પ્રખ્યાત દેવયાની તારાવિશ્વ (Andromeda Galaxy) જેવો ખૂબ આકર્ષક છે.

સુશ્રુત પટેલ