સ્ટિબનાઇટ : ઍન્ટિમનીનું ખનિજ. રાસા. બં. : Sb2S3. સ્ફ. વ. : ઑર્થોર્હોમ્બિક. સ્ફ. સ્વ. : સ્ફટિકો મોટે ભાગે નાજુક, પ્રિઝમેટિક, ઘણી વાર ઊભાં રેખાંકનોવાળા, વળેલા કે વળવાળા; વિકેન્દ્રિત સમૂહ સ્વરૂપે કે સોયાકાર સ્ફટિકોના મિશ્રસમૂહો; ક્યારેક પતરીમય, સ્તંભાકાર, દાણાદાર કે ઘનિષ્ઠ દળદાર પણ મળે. યુગ્મતા (130) કે (120) ફલક પર, પણ વિરલ. અપારદર્શક. સંભેદ : (010) પૂર્ણ અને સરળ; (100), (110) અપૂર્ણ. ભંગસપાટી : ખરબચડીથી આછી વલયાકાર, નમનીય પણ સ્થિતિસ્થાપક નહિ. ચમક : ધાત્વિક, તેજસ્વી. રંગ : આછાથી ઘેરો સીસા જેવો રાખોડી; ખુલ્લો રહેવાથી ભૂરો કે કાળાશ પડતો બને, રંગવૈવિધ્ય દર્શાવે. ચૂર્ણરંગ : રાખોડીથી ઘેરો રાખોડી. કઠિનતા : 2. વિ.ઘ. : 4.63થી 4.66 પ્રકા. અચ. : α = 3.194, β = 4.046, ϒ = 4.303. પ્રકા. સંજ્ઞા : – Ve, 2V = 25° 45° (ગણતરી મુજબ).

પ્રાપ્તિસ્થિતિ : મુખ્યત્વે ઓછા તાપમાને તૈયાર થયેલી ઉષ્ણજળજન્ય શિરાઓમાં કે વિસ્થાપન નિક્ષેપો તરીકે; સામાન્ય રીતે રિયલગાર, ઑર્પિમેન્ટ, ગેલેના, બેરાઇટ, સિનેબાર, પાયરાઇટ, સ્ફેલેરાઇટ, લેડ સલ્ફાઍન્ટિમોનાઇટ, કૅલ્સાઇટ અને સુવર્ણ સાથે સંકલિત.

સ્ટિબનાઇટ

પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., જાપાન, બૉર્નિયો, રુમાનિયા, ચીનના હ્યુનાનમાં, ઇંગ્લૅન્ડના કાલ્સ્ટનમાં, સ્લોવેકિયા, કૅનેડા, મૅક્સિકો, પેરુ, જર્મની, ઇટાલી, ફ્રાન્સ, અલ્જિરિયા. આ ખનિજ ઍન્ટિમોનાઇટ અથવા ઍન્ટિમની ગ્લાન્સ નામથી પણ ઓળખાય છે.

ગિરીશભાઈ પંડ્યા