નેફિલિનાઇટ : ફૅલ્સ્પેથૉઇડધારક ઑલિવિનમુક્ત આલ્કલી બેસાલ્ટ. મુખ્યત્વે નેફિલિન અને પાયરૉક્સિન(મોટેભાગે ટીટેનિફેરસ ઑગાઇટ)થી બનેલો બહિષ્કૃત કે ભૂમધ્યકૃત ખડક. સામાન્ય રીતે ઘેરા રંગના, સૂક્ષ્મ સ્ફટિકમય જ્વાળામુખી ઉત્પત્તિજન્ય બેસાલ્ટમાં, જ્યારે ફેલ્સ્પારનું પ્રમાણ ન હોય કે તદ્દન ગૌણ હોય જેથી ફેલ્સ્પેથૉઇડ પ્રધાન બની રહે અને ઑલિવિન ન હોય ત્યારે તેને નેફિલિનાઇટ કહેવાય. ઑગાઇટ અને નેફિલિનથી બનેલા મહાસ્ફટિકો સૂક્ષ્મ દાણાદાર ખનિજીય દ્રવ્યમાં જડાયેલા હોય ત્યારે તે અર્ધસ્ફટિકમય કણરચના દર્શાવે છે. ઑગાઇટ મહાસ્ફટિકો ડાયૉપ્સાઇડ તરફી રાસાયણિક બંધારણવાળા અને ટાઇટેનિયમથી સમૃદ્ધ હોય છે અને ક્યારેક એજીરીન-ઑગાઇટ જેવા સોડાસમૃદ્ધ પાયરૉક્સિનની કિનારીથી ઘેરાયેલા જોવા મળે છે. માઇક્રોસ્કોપમાં જોતાં આજુબાજુનું ખનિજદ્રવ્ય નેફિલિન, ઑગાઇટ, એજીરાઇટ અને સોડાલાઇટ તેમજ ક્યારેક સોડાસમૃદ્ધ ઍમ્ફિબોલ, બાયૉટાઇટ અને કથ્થાઈ કાચનું બનેલું હોય છે. જો ફેલ્સ્પેથૉઇડ લ્યુસાઇટપ્રધાન બની જાય તો તે લ્યુસિટાઇટ બની રહે છે. જો કેલ્શિક પ્લેજિયોક્લેઝ 10 %થી વધી જાય તો તે ટેફ્રાઇટ અને બેસેનાઇટમાં ફેરવાઈ જાય છે. જો ઑલિવિન હોય તો તે ઑલિવિન નેફિલિનાઇટ (નેફિલિન બેસાલ્ટ) કહેવાય છે. અનુષંગી ખનિજોમાં મૅગ્નેટાઇટ, ઇલ્મેનાઇટ, ઍપેટાઇટ, સ્ફિન અને પેરોવ્સ્કાઇટ હોઈ શકે છે. ભૂપૃષ્ઠમાં આ પ્રકારના ખડકો ઓછા પ્રમાણમાં મળે છે. તે લાવાના થરમાં અને નાનાં છીછરાં અંતર્ભેદનોમાંથી મળી રહે છે. કેન્યામાં આવા ફૅલ્સ્પેથૉઇડયુક્ત ખડકોના વિવિધ પ્રકારો મળે છે.
ગિરીશભાઈ પંડ્યા