નેતાજી સુભાષ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સ્પૉર્ટ્સ : વિવિધ રમતોના રાહબરો દેશમાં તૈયાર થાય તે માટે 1959માં પતિયાળા મુકામે રાજમહેલમાં સ્થાપવામાં આવેલી રાષ્ટ્રીય તાલીમ સંસ્થા. 1961થી આ સંસ્થા વધુ વ્યવસ્થિત બની અને તેનું સંચાલન ભારત સરકાર નિયુક્ત બોર્ડ ઑવ્ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે. 300 એકર જેટલા વિસ્તારમાં પથરાયેલી આ સંસ્થાનાં સુસજ્જ મેદાનો, અદ્યતન સાધનો અને અપાતી નિષ્ણાત તાલીમના કારણે આ સંસ્થા આકર્ષણરૂપ પુરવાર થઈ છે; એટલું જ નહિ, પણ ભુતાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર (બર્મા) તથા ઘાનામાંથી પણ તાલીમાર્થીઓ અત્રે તાલીમ લેવા આવવાને કારણે આ સંસ્થાએ આંતરરાષ્ટ્રીય મહત્વ પ્રાપ્ત કર્યું છે. અત્રે તાલીમાર્થીઓનો નિવાસ અને શિક્ષણખર્ચ સરકાર ભોગવે છે; જ્યારે અંશત: ભોજનખર્ચ તાલીમાર્થીઓએ ભોગવવાનો હોય છે.
આ સંસ્થામાં ઍથ્લેટિક્સ, જિમ્નૅસ્ટિક્સ, ટેબલ ટેનિસ, બૅડમિંટન, કુસ્તી, વેઇટલિફ્ટિંગ, ક્રિકેટ, તરણ, ફૂટબૉલ, વૉલીબૉલ, બાસ્કેટ-બૉલ, ટેનિસ, હૉકી, ખો-ખો, કબડ્ડી – આ રમતોની નિષ્ણાતો દ્વારા તાલીમ આપવામાં આવે છે. અત્રેની તાલીમ નીચે મુજબ ત્રણ પ્રકારના અભ્યાસક્રમોમાં વિભાજિત થયેલી છે :
(1) રેગ્યુલર કોર્સ : મુદત એક વર્ષની છે તથા એસ.એસ.સી. પાસ હોય અને નૅશનલ કે ઇન્ટરયુનિવર્સિટી કક્ષાના ખેલાડી હોય યા સી.પી.એડ્. કે ડી.પી.એડ્. હોય તેવા, રમતગમતમાં વિશિષ્ટ સિદ્ધિ કે પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું હોય તેમને પ્રવેશપાત્ર ગણવામાં આવે છે.
(2) કન્ડેન્સ્ડ કોર્સ : મુદત છ માસની હોય છે. તથા સી.પી.એડ્./ડી.પી.એડ્. લાયકાત ધરાવનારા, શાળામહાશાળાના વ્યાયામશિક્ષકોને પ્રવેશપાત્ર ગણવામાં આવે છે.
(3) ઓરિયેન્ટેશન કોર્સ : મુદત છ સપ્તાહની હોય છે અને ઉનાળાની રજાઓમાં યોજાય છે. આનો લાભ રમતશિક્ષકો, ખેલાડીઓ તથા રમતપ્રેમીઓ લઈ શકે છે. અંતિમ કસોટીમાં 60 % કે વધારે ગુણ સાથે ઉત્તીર્ણ થનારને રેગ્યુલર કોર્સમાં પ્રવેશ મળી શકે છે.
આમ આ સંસ્થાએ આગળ પડતા ખેલાડીઓને પ્રશિક્ષણ આપીને રાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે તૈયાર કર્યા છે. ઉચ્ચ કક્ષાના રાહબરો પણ તૈયાર કર્યા છે. કેન્દ્રસ્થ સંસ્થા તરીકે દેશભરમાં રમત અંગે અધિકૃત માહિતી આપી રમતવિકાસ અંગે ઉપયોગી સૂચનો કર્યાં છે. આ ઉપરાંત રમતગમતના ક્ષેત્રમાં સંશોધન અર્થે ઇષ્ટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે.
ચિનુભાઈ શાહ