નૃસિંહ : હિન્દુ ધર્મ અનુસાર હિરણ્યકશિપુ નામના દાનવને ખતમ કરવા માટે ભગવાન વિષ્ણુએ લીધેલો ચોથો અવતાર. વિષ્ણુએ આ અવતાર વૈવસ્વત મન્વન્તરના ચોથા ચતુર્યુગના કૃતયુગમાં વૈશાખ સુદ ચૌદશને દિવસે લીધેલો. તમામ લોકોને પોતાને ભગવાન માનવા ફરજ પાડી, લોકોને તથા પોતાના પુત્ર ભગવદભક્ત પ્રહ્લાદને પીડનાર હિરણ્યકશિપુ દાનવ ભગવાનનો વિરોધી હતો. ભગવાનની ભક્તિ કરવા જતા પ્રહ્લાદ પર દમન કરી તેણે પુત્ર પ્રહ્લાદને મારવા અનેક યત્નો કર્યા. છેલ્લે, ધગધગતા થાંભલાને ભેટવા પ્રહ્લાદને આજ્ઞા કરતાં ભક્તવત્સલ ભગવાન બાળભક્ત પ્રહ્લાદને બચાવવા તે થાંભલામાંથી નૃસિંહ રૂપે પ્રગટ થયા. દાનવ હિરણ્યકશિપુએ ન દિવસે કે ન રાતે, ન જમીન પર કે ન પાણીમાં, ન ઘરમાં કે ન બહાર, ન શસ્ત્રથી કે ન વિષથી, ન પશુથી કે ન માણસથી મરે તેવું વરદાન મેળવેલું હોવાથી ભગવાન વિષ્ણુએ શરીરના ઉપરના ભાગમાં પશુ સિંહનું અને નીચેના ભાગમાં મનુષ્યનું સ્વરૂપ ધારણ કરી સંધ્યાકાળે ઘરના ઊમરા પર પોતાના હાથના દસે નખો વડે પોતાના ખોળામાં રાખી ચીરી નાખ્યો અને બાળ પ્રહ્લાદને બચાવ્યો એેવી વાત દેવી-ભાગવત 4/16માં તથા મત્સ્યપુરાણ અધ્યાય 47 વગેરે સ્થળોએ મળે છે. ઋગ્વેદની ઇન્દ્ર-નમુચિની વાર્તામાં નૃસિંહ અવતારની વાર્તાનું મૂળ રહેલું છે. તૈત્તિરીય આરણ્યકમાં નૃસિંહ-ગાયત્રીમંત્ર રહેલો છે. નૃસિંહપૂર્વતાપનીય અને ઉત્તરતાપનીય ઉપનિષદોમાં તથા નૃસિંહપુરાણમાં નૃસિંહનું રહસ્ય તેમની ઉપાસના સાથે નિરૂપાયું છે. 64 યોગાસનોમાં નૃસિંહાસન ખૂબ જાણીતું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી