નૂર, સુતિન્દર સિંહ

January, 1998

નૂર, સુતિન્દર સિંહ (જ. 5 ઑક્ટોબર 1940, કોટકપુરા, પંજાબ; અ. 9 ફેબ્રુઆરી 2011, દિલ્હી) : પંજાબી કવિ અને વિવેચક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા દી ભૂમિકા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ. તથા દિલ્હી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે 34 વર્ષ સુધી અધ્યાપનકાર્ય સંભાળ્યું અને 1991–1994 સુધી દિલ્હી યુનિવર્સિટીના પંજાબી વિભાગના અધ્યક્ષ રહ્યા. તેઓ પંજાબી સાહિત્ય અકાદમી, લુધિયાણા તથા પંજાબી લેખક સભા, દિલ્હીના ઉપપ્રમુખ; પંજાબી અકાદમી, દિલ્હીના કાઉન્સિલ સભ્ય; 1998–2002 સુધી સાહિત્ય અકાદમીના કાર્યકારી બોર્ડ અને જનરલ કાઉન્સિલના તેઓ સભ્ય રહ્યા. સાહિત્યિક સામયિક ‘સમદર્શી’ અને ‘ઇકતિ ફરવરી’ના તેઓ સંપાદક પણ રહ્યા.

સુતિન્દર સિંહ નૂર

1970માં તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘બિર્ખ નિપત્તે’ પ્રગટ થયેલો. તેમણે 39 ગ્રંથો આપ્યા છે; તેમાં કાવ્યસંગ્રહ, ગદ્ય, વિવેચનાત્મક ગ્રંથો, સંપાદિત ગ્રંથ અને અનુવાદનો સમાવેશ થાય છે. તેમની કેટલીક વિચારસત્વવાળી કૃતિઓમાં ‘મૌલસરી’, ‘નાલ-નાલ તુડદિયાં’ (કાવ્યસંગ્રહ); ‘મોહન સિંહ દા કાવ જગત’, ‘સાહિત્ય સિદ્ધાંત તે વિહાર’ (વિવેચન); ‘પઢદિયાં’, ‘લિખદિયાં’ અને ‘સંવાદ સૃજન’(ગદ્ય)નો સમાવેશ થાય છે. તેમણે ‘ચેરી દા ફૂલ’ નામની જાપાની અને ‘સૂરજ તે મસીહા’ નામની યુરોપના 4 કવિઓની કાવ્યરચનાઓ અનૂદિત કરી છે. તેમણે દિલ્હી દૂરદર્શન માટે સંસ્કૃત ધારાવાહિક ‘મેઘદૂતમ્’ની પટકથા લખેલી.

તેમની સાહિત્યિક સેવાઓ બદલ તેમને 1987–88માં પંજાબી અકાદમી તરફથી પંજાબી આલોચના પુરસ્કાર, 1992માં સફદર હાશ્મી પુરસ્કાર, 1994માં બાવા બલવંત પુરસ્કાર, ભાષાવિભાગ પંજાબ તરફથી શિરોમણિ પંજાબી સાહિત્યકાર પુરસ્કાર, પ્રેરણા સન્માન તથા ડેન્માર્કના વારિસશાહ તેમજ બુલ્લેશાહ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

તેમની પુરસ્કૃત કૃતિ ‘કવિતા દી ભૂમિકા’ 38 વિવેચનાત્મક નિબંધોનો સંગ્રહ છે. તેમાં પાછલાં 60 વર્ષ દરમિયાન બાબા બલવંત સિંહ, મોહન સિંહ, હરભજન સિંહ, શિવકુમાર બટાલવી, સુરજિત પાતર જેવા મુખ્ય રચનાકારોનાં ઉલ્લેખનીય યોગદાનની સમીક્ષા જોવા મળે છે. વળી આધુનિક પંજાબી કવિતાની મુખ્ય પ્રવૃત્તિઓનું પણ રેખાંકન નોંધપાત્ર છે. તેમની વિવેચનાત્મક સમીક્ષા ઉચ્ચ કોટિની અને નવી તથા મૌલિક દૃષ્ટિવાળી હોવાને કારણે પંજાબીમાં લખાયેલ એ કૃતિ ભારતીય વિવેચનમાં નોંધપાત્ર ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા