સ્ક્રૉપ જ્યૉર્જ જુલિયસ પૉલેટ (Scrope George Julius Poulett)
January, 2009
સ્ક્રૉપ, જ્યૉર્જ જુલિયસ પૉલેટ (Scrope, George Julius Poulett) (જ. 10 માર્ચ 1797, લંડન; અ. 19 જાન્યુઆરી 1876, ફેરલૉન, સરે, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ ભૂસ્તરશાસ્ત્રી તેમજ રાજકીય અર્થશાસ્ત્રી.
તેમની મૂળ અટક તો થૉમ્સન હતી, પરંતુ વિલ્ટશાયરના છેલ્લા અર્લ વિલિયમ સ્ક્રૉપની પુત્રી સાથે લગ્ન કરીને તેમણે તેમની અટક ‘સ્ક્રૉપ’ રાખેલી.
જ્યૉર્જ જુલિયસ પૉલેટ સ્ક્રૉપ
અભ્યાસ દરમિયાન પૂર્વસ્નાતક કક્ષાએ તેઓ 1816–1817માં નેપલ્સની મુલાકાતે ગયેલા, ત્યાં વિસુવિયસ જોઈને જ્વાળામુખીના અભ્યાસમાં રસ જાગ્યો. 1821માં મધ્ય ફ્રાન્સના ઑવરનીના મૃત જ્વાળામુખીને ખૂંદી વળ્યા. ત્યાંના નમૂના એકત્ર કરી જ્વાળામુખી પ્રક્રિયાઓનો પ્રમાણભૂત અહેવાલ તૈયાર કર્યો. તેમનું જ્વાળામુખી- વિશેનું પ્રથમ પુસ્તક ‘Considerations on Volcanoes’ 1825માં બહાર પડ્યું. જ્વાળામુખીની ઉત્પત્તિ અને બંધારણ પરનો તેમનો અહેવાલ તે અંગેની આધુનિક વિચારસરણીના પાયારૂપ ગણાય છે. પ્રાથમિક મૅગ્માનો વ્યવસ્થિત વૈજ્ઞાનિક અભ્યાસ કરનારાઓ પૈકીના તેઓ એક હતા. 1827માં તેમણે ‘On the Geology and Extinct Volcanoes of Central France’ નામે પુસ્તક બહાર પાડેલું.
જર્મન ભૂસ્તરશાસ્ત્રી અબ્રાહમ ગોટલોબ વર્નરની ખ્યાતિ જ્યારે પથરાઈ ચૂકેલી હતી ત્યારે સ્ક્રૉપ હજી અભ્યાસ કરતા હતા; પરંતુ પછીથી તેમણે વર્નરની ‘નૅપ્ચૂનિસ્ટ સંકલ્પના’ના ખ્યાલને ફગાવી દીધેલો.
1833થી 1868 સુધી તેઓ સંસદસભ્ય પણ રહેલા. તે દરમિયાન તેમણે સમાજસેવાનું કામ પણ ઉપાડેલું. સમાજમાં સુધારા થાય તેમજ વ્યાપાર મુક્ત બની રહે તે માટે તેમણે પોતાનો દૃષ્ટિકોણ રજૂ કરતાં ચોપાનિયાં વહેંચેલાં.
ગિરીશભાઈ પંડ્યા