સતી : મૃત પતિની પાછળ તેની જ ચિતામાં બળી મરનાર સ્ત્રી. અગાઉ લોકોમાં માન્યતા હતી કે જે સ્ત્રી સતી થાય તે તેત્રીસ કરોડ વર્ષ સુધી પોતાના પતિ સાથે સ્વર્ગનું સુખ ભોગવે છે અને આ મુદત પૂરી થયે ઉત્તમ કુળમાં જન્મીને એ જ પતિ પ્રિયતમને પરણે છે.
સતી થનારી સ્ત્રી કપાળમાં કંકુ અને હિંગળાની આડ કરી, ગળામાં પુષ્પહાર પહેરી, વાળ છૂટા મૂકી, કંકુના થાપા મારીને પતિની ચિતા તરફ જાય છે અને સવિતાનારાયણની સ્તુતિ કરી; પોતાના મૃત પતિનું માથું પોતાના ખોળામાં લઈને પતિની ચિતામાં જ બળતાં બળતાં પ્રાણ ત્યાગે છે.
સતીનું એક પ્રથા તરીકેનું પ્રચલન મધ્યકાળ પહેલાં થયું હોવાનું માનવામાં આવે છે. મધ્યકાળમાં તેનું પ્રચલન વધ્યું. ‘હર્ષચરિત’માં સમ્રાટ હર્ષની માતા અગ્નિમાં બળી મરી હોવાનું નોંધાયું છે. છઠ્ઠી સદીના એક શિલાલેખ મુજબ, ભાનુગુપ્તના સેનાપતિ ગોપરાજની સ્ત્રી સતી થઈ હોવાનું ઉદાહરણ મળે છે. અલબેરુની લખે છે કે વિધવાઓ કાં તો તપસ્વિનીનું જીવન ગાળે છે, કાં તો બળી મરે છે. રાજાઓની પત્નીઓ જો વૃદ્ધ ન હોય તો સતી થાય છે; પણ વિધવા થયેલી સ્ત્રીઓ માટે સતી થવું ફરજિયાત ન હતું. તે પોતાની ઇચ્છા હોય તો જ સતી થતી.
સતીપ્રથાની તરફેણ કરનારા ઘણા ઓછા લોકો છે, પણ તેઓ આ પ્રથાને અતિ પ્રાચીન પરંપરા ગણાવે છે. સ્કંદ અને શિવપુરાણની કથામાં સતીપ્રથાનું મૂળ હોવાનું મનાય છે. એ મુજબ ભગવાન શંકરનાં પ્રથમ પત્ની ‘સતી’ હતાં. તેઓ દક્ષ પ્રજાપતિની પુત્રી હતાં. તેઓ પિતાની અનિચ્છા છતાં મહાદેવને પરણ્યાં હતાં. આથી દક્ષે પોતાના મહાયજ્ઞમાં સતી-શંકરને ન આમંત્ર્યાં. સતીએ વિચાર્યું કે તેના પિતા આમંત્રણ આપવાનું ભૂલી ગયાં હશે. આથી મહાદેવે ના પાડવા છતાં તેઓ યજ્ઞમાં ગયાં. ત્યાં દક્ષ-પ્રજાપતિએ/સતીના પિતાએ સતીનું અપમાન કર્યું અને મહાદેવ માટે ઘસાતું બોલ્યા, આથી ક્રોધિત સતીએ યોગાગ્નિથી પોતાનો દેહ ભસ્મ કર્યો અને તેઓ ‘સતી’ થયાં. આથી મૃત પતિની પાછળ બળી મરતી સ્ત્રીને ‘સતી’ કહે છે; પરંતુ દક્ષની પુત્રી સતીના પતિ જીવિત હતા. આથી આ પ્રથાના મૂળમાં આ કથા ન હોઈ શકે. સંભવત: સતીપ્રથાને ધાર્મિક રૂપ આપવા આ કથાના પાત્ર સતીનો ઉપયોગ કર્યો હોય અને શિવજીના પ્રતીક તરીકે ત્રિશૂલનું ચિહ્ન અપનાવ્યું હોય તેવું બની શકે.
હિન્દુસ્તાનના ઇતિહાસમાં ‘સતી’ નામનાં કેટલાંક અન્ય પાત્રો પણ જોવા મળ્યાં છે. જગદ્ગુરુ શંકરાચાર્યની માતાનું નામ સતી હતું. માતા ગાયત્રીનું એક નામ સતી છે. સતી એક જલરશ્મિ દેવતા પણ છે.
ઋગ્વેદ, અથર્વવેદ કે મનુસ્મૃતિમાં સતીપ્રથાના ઉલ્લેખો નથી. રામાયણ-મહાભારત કાળમાં બહુપત્નીત્વ પ્રચલિત હોવા છતાં રામાયણના મેઘનાદની પત્ની સુલોચના અને મહાભારતમાં પાંડુપત્ની માદ્રી સિવાય સતી થયાનાં અન્ય ઉદાહરણો કે ઉલ્લેખો નથી. આથી એક વાત સ્પષ્ટ છે કે ધર્મગ્રંથોએ ક્યાંય વિધવાને સતી થવાનો આદેશ આપ્યો નથી. અલબત્ત, આવા ગ્રંથોમાં કેટલાંક લખાણો પાછળથી ઉમેરાયેલાં હોઈ શકે, એ રીતે બૃહદ્દેવતામાં જણાવ્યા મુજબ માત્ર ક્ષત્રિય સ્ત્રીઓએ સતી બનવું, અન્ય માટે તે વૈકલ્પિક છે. વિષ્ણુ-ધર્મસૂત્રમાં, મિતાક્ષરમાં આ ક્રૂર પ્રથા તરફી લખાણો છે; પરંતુ તેનું વ્યાપક પ્રચલન ન હોવાનું સ્પષ્ટ છે.
બારમી-તેરમી સદીમાં ઉત્તર ભારત પર પરદેશીઓના હુમલા વધવા માંડ્યા. તેઓ હિન્દુસ્તાનની સ્ત્રીઓનું અપહરણ કરતા, તેઓ પર બળાત્કાર પણ કરતા. આથી હારેલા યોદ્ધાઓની પત્નીઓ શિયળની રક્ષા માટે જૌહર (સામૂહિક અગ્નિસ્નાન) કરતી. મુસલમાનો સાથેના યુદ્ધ વખતે રાજસ્થાનના રાજપૂતોમાં સ્ત્રીઓની જૌહર કરવાની પ્રથા સવિશેષ પ્રસાર પામી હતી. રાજસ્થાન ઉપરાંત બંગાળમાં પણ આ પ્રથા પ્રચલિત હતી. અન્ય પ્રાન્તોમાં આ પ્રથાનું પ્રમાણ ઘણું ઓછું હતું.
એ સમયે રાજાઓ અનેક પત્નીઓ અને ઉપપત્નીઓ રાખતા, પરંતુ રાજાના મૃત્યુ પછી બધી જ રાણીઓ સતી થતી તેવું ન બનતું. 18મી અને 19મી સદીમાં આ પ્રથાએ કંઈક અંશે વિકૃત અને બીભત્સ સ્વરૂપ ધારણ કર્યું. વિધવા સ્ત્રીને બળજબરીથી મૃત પતિની ચિતામાં બાળી નાંખવામાં આવતી. કુટુંબીજનો, પ્રજાજનો અને ધર્મગુરુઓનું વલણ વિધવાને સતી બનાવવાનું રહેતું; કેમ કે પરંપરાગત હિન્દુ કાયદાની બે મુખ્ય શાખાઓમાં દાયભાગા શાખા અનુસાર પત્નીને મૃત પતિની સંપત્તિની વારસદાર ગણવામાં આવતી. બંગાળમાં દાયભાગા શાખા પ્રચલિત હોવાથી મૃત ભાઈની કે પુત્રની વિધવાને સંપત્તિમાં ભાગ આપવો ન પડે એ માટે બળપૂર્વક સતી બનાવવાના કિસ્સાઓ બનતા.
આ પ્રથાને અટકાવવા માટે કેટલાક શિક્ષિત ભારતીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને વિનંતી કરેલી, પરંતુ તેણે ખાસ પગલાં ન લીધાં. ઈ. સ. 1811 પછી સાક્ષર, વિચારક અને સમાજસુધારક રાજા રામમોહન રાયે આ પ્રથા વિરુદ્ધ આંદોલન શરૂ કર્યું અને શિક્ષિત ભારતીયોનો લોકમત કેળવ્યો. ઈ. સ. 1813માં લૉર્ડ મોઇરાએ સતીપ્રથાને અંકુશમાં લેવા નિયંત્રણો મૂક્યાં, પણ ખાસ અસર ન જણાઈ. ઈ. સ. 1818માં અંગ્રેજી હકૂમતે આંકડા ભેગા કરતાં જાણવા મળ્યું કે માત્ર બંગાળમાં જ 1815થી 1818 દરમિયાન આશરે 2,500 સ્ત્રીઓ સતી થઈ હતી.
આ દરમિયાન રાજા રામમોહન રાયે પોતાના અનુયાયીઓની સાથે રહીને સતીપ્રથા વિરુદ્ધ અરજી કરી, અને આ પ્રથા પાછળના મિલકત અને વારસાનાં કારણોને ખુલ્લાં કર્યાં, તથા ધર્મગ્રંથોનો આધાર લઈને પુરવાર કર્યું કે ધર્મ કે શાસ્ત્રોએ વિધવાને સતી થવાનો આદેશ ક્યારેય આપ્યો નથી. રાજા રામમોહન રાયના આશરે પોણા બે દાયકાના પુરુષાર્થ પછી લૉર્ડ વિલિયમ બેન્ટિંગકે 4 ડિસેમ્બર, 1829ના રોજ સતીપ્રથા પ્રતિબંધક કાનૂન અંગેનો ખરડો તૈયાર કર્યો, જે અનેક વિરોધો પછી 11 જુલાઈ, 1832ના રોજ કાનૂન તરીકે અમલી બન્યો. શરૂઆતમાં અંગ્રેજ-શાસનના વિસ્તારોમાં આ કાનૂન લાગુ પડ્યો, પરંતુ ધીરે ધીરે આ પ્રથા વિરોધી લોકમત વ્યાપક બન્યો; આમ છતાં 20મી સદીના પ્રથમ પાંચ દાયકા દરમિયાન આઝાદી પહેલાં ‘સતી’ થવાના બનાવો બનતા રહ્યા. પરંતુ સ્વતંત્રતા પછી તો આ અમાનુષી પ્રથાનો લગભગ અંત આવ્યો છે. 4 સપ્ટેમ્બર, 1987ના રોજ રાજસ્થાનમાં દેવરાલા ગામની રૂપકુંવર સતી થઈ ત્યારે ખ્યાલ આવ્યો કે હજુ પણ ભૂતકાળ બની ચૂકેલી આ બર્બર પ્રથાનો બચાવ કરનારાઓ બચ્યા છે. અલબત્ત, તેની સામે રાષ્ટ્રની મોટાભાગની પ્રજા સતીપ્રથાવિરોધી મત ધરાવતી હોવાની નોંધ પણ લેવાઈ.
સતીની આ વિભાવનાને પુન: વ્યાખ્યાબદ્ધ કરવાની જરૂર જણાય છે; કેમ કે, મૃત પતિની પાછળ બળી જનાર સ્ત્રીને માટે જીવનનો અંત લાવવો અત્યંત આકરો હોય છે, તેમ છતાં તેનું મૃત્યુ તેને વૈધવ્યનાં તમામ સાંસારિક તાપોથી અને આકરી જવાબદારીઓથી મુક્ત કરે છે. એ અપેક્ષાએ ભારતની જીવિત વિધવાને સંસારનાં અનેક તાપો વારંવાર બાળતાં રહે છે. વાસ્તવમાં જીવિત રહી, બાળકોનાં ઉછેર અને સામાજિકીકરણ કરતાં, મૃત પતિનાં સગાં-સંબંધીઓને સાચવતાં સાચવતાં, પતિનાં કાર્યો અને જવાબદારીઓને પૂર્ણ કરીને સ્વમાનપૂર્વક જીવતી અને ટકી રહેતી સ્ત્રી ‘સતી’ છે. આ પ્રકારની સમજૂતી સમાજ સમગ્રમાં પ્રસરતી રહે અને આવી જીવિત સતીઓનાં તાપ ઘટે એ દિશામાં પ્રયત્નો થાય એવી એકવીસમી સદીના સમાજની પાસે અપેક્ષા રાખવામાં આવી છે.
નલિની ત્રિવેદી