સતપાલ (. 10 ડિસેમ્બર 1956, બવાના, દિલ્હી) : ભારતના ઑલિમ્પિક તથા કુસ્તીના ખેલાડી. જન્મ સામાન્ય કુટુંબમાં થયો હતો. પિતાનું નામ હુકમસિંઘ. તેમણે કુસ્તીક્ષેત્રે મોટી પ્રગતિ કરી. તેમને નાનપણથી જ કુસ્તીમાં રસ હતો. 1973માં વેલ્ટર વેઇટમાં, 1974માં મિડલ વેઇટમાં તથા 1978થી 1980 સુધી હેવી વેઇટમાં કુસ્તીની અંદર ‘રાષ્ટ્રીય ચૅમ્પિયન’ રહ્યા. તેમણે 1974માં તહેરાન એશિયાઈ રમતોત્સવમાં કાંસ્ય ચંદ્રક, 1978માં બૅંગકોક એશિયાઈ રમતોત્સવમાં

સતપાલ

રૌપ્ય ચંદ્રક તથા 1982માં દિલ્હી એશિયાઈ રમતોત્સવમાં સુવર્ણ ચંદ્રક મેળવીને ઇતિહાસ સર્જ્યો. વિશ્વકક્ષાએ 1973માં તહેરાન મુકામે તથા 1982માં એડમંટન મુકામે ભારતનું પ્રતિનિધિત્વ કરી સારો દેખાવ કર્યો. તેમણે 1972માં મ્યૂનિક ઑલિમ્પિક રમતોત્સવમાં ફેધર વેઇટમાં ભાગ લઈને આઠમું સ્થાન તથા 1980માં મૉસ્કો ઑલિમ્પિક રમતોત્સવમાં હેવી વેઇટમાં ભાગ લઈને આઠમું સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે 1974માં ક્રાઇસ્ટચર્ચ મુકામે, 1978માં એડમંટન મુકામે તથા 1982માં બ્રિસ્બેન મુકામે આયોજિત રાષ્ટ્રમંડલ રમતોત્સવમાં ભાગ લઈને ભારત માટે રૌપ્ય ચંદ્રકો જીત્યા. આ ઉપરાંત 1979માં જાલંધર મુકામે આયોજિત એશિયાઈ કુસ્તી ચૅમ્પિયનશિપમાં સુપર હેવી વેઇટમાં રૌપ્ય ચંદ્રક મેળવ્યો. આ રીતે 1972થી 1982 સુધી તેમણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કુસ્તીમાં ચંદ્રકો મેળવીને ભારતને યશ અપાવ્યો.

કુસ્તીમાં સતત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ દેખાવ બદલ તેમને કેટલાક ઍવૉર્ડો પણ એનાયત કરવામાં આવ્યા : 1973માં ‘ભારતકુમાર’, 1974 અને 1975માં ‘રૂસ્તમે હિંદ’, 1976માં ‘હિન્દકેસરી’ તથા 1978માં ‘ભરત બલરામ’. કુસ્તીમાં શ્રેષ્ઠ દેખાવ બદલ તેમને ભારત સરકાર તરફથી 1974માં ‘અર્જુન ઍવૉર્ડ’ અપાયો હતો તથા 1983માં ‘પદ્મશ્રી’ સન્માન અર્પણ કરાયું હતું. સતપાલે હરિયાણાની ફિલ્મ ‘પ્રેમ રામફલ’માં અભિનય પણ આપ્યો. દિલ્હી પ્રશાસનમાં ડેપ્યુટી ડિરેક્ટર ઑવ્ સ્પૉર્ટ્સ તરીકે પણ તેમણે સેવાઓ આપી હતી.

પ્રભુદયાલ શર્મા